નિંદા ન સાંભળો - (લાઇફ કા ફન્ડા)

29 November, 2019 01:57 PM IST  |  Mumbai | Heta Bhushan

નિંદા ન સાંભળો - (લાઇફ કા ફન્ડા)

એક પંચતંત્ર વાર્તા છે. એક વસ્તીમાં ઘુવડ અને ચામાચીડિયું રહેતા હતા. બન્ને મિત્રો હતા. ઘુવડના અવાજને બધા અશુભ સમજતા અને તેથી વસ્તીમાં કોઈ પણ ઘુવડને પોતાના ઘરની આસપાસ આવવા ન દેતું. ઘુવડ કોઈના પણ ઘર કે છાપરાં પર બેસતું અને કંઈક અવાજ કરતું ત્યાં તો બધા તેને પથ્થર મારી ઉડાડી મૂકતા.

વસ્તીવાળાઓના આવા વ્યવહારથી ઘુવડ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યું અને એક દિવસ રડતાં રડતાં પોતાના દોસ્ત ચામાચીડિયાને કહેવા લાગ્યું, ‘દોસ્ત, મારા અવાજને બધા અશુભ ગણે છે અને કોઈ તેને સાંભળવાનું પસંદ કરતું નથી. હું ક્યાંય પણ જાઉં - કંઈ બોલું ન બોલું તે પહેલાં બધા જ પથ્થર મારી મને ઉડાડી મૂકે છે. બધાના આવા વ્યવહારથી મને બહુ દુઃખ થાય છે. હું હવે અહીં નહીં રહું. હું આ વસ્તી છોડીને જાઊં છું.’

ચામાચીડિયાએ કહ્યું, ‘દોસ્ત, ક્યાં જઈશ? જ્યાં જઈશ ત્યાં તારો અવાજ તારી સાથે રહેશે અને લોકોની માન્યતા પણ...પરિસ્થિતિ બધી જગ્યાએ સરખી જ રહે છે. તું જ્યાં જઈશ ત્યાં તારા અવાજને લીધે તિરસ્કાર અને જાકારો જ પામીશ. જો બધા મને જોઈને ડરે છે. અશુભ તત્ત્વો મારી સાથે હોય છે તેવું માને છે, પણ હું કંઈ દુઃખી થતો નથી. લોકો મને કંઈ પણ બોલે, તેમના વિચારો, નિંદા કે માન્યતાથી આપણે પ્રભાવિત થઈ દુઃખી થવાની જરૂર નથી. આપણે આપણા મન- મગજને શાંત અને સંતુલિત રાખીશું અને આપણા ચિંતન અને મનનમાં રત રહીશું...લોકોની નિંદાને ભૂલી સદ્ગુણ અપનાવી સદ્કાર્યો કરીશું તો ભલે લોકો નિંદા કરતાં, આપણે આપણા જીવનને સુખી અને સફળ બનાવી શકશું. બાકી એક જગ્યાએથી ભાગીને બીજે જવાનો કોઈ અર્થ નહીં સરે, ત્યાં પણ લોકો નિંદા કરવા તત્પર જ બેઠા હશે.’

ઘુવડને પોતાના દોસ્તની વાત સમજાઈ અને તેણે લોકોની નિંદા ન સાંભળી પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું અને લોકોની માન્યતાથી દુઃખી થવાને બદલે પોતાનું જીવન સફળ બનાવવા ચિંતન કરવાનું નક્કી કર્યું અને વસ્તી છોડીને જવાનો વિચાર માંડી વાળ્યો.

જીવનમાં પણ ડગલે ને પગલે આપણને નિંદા કરનારા લોકો મળશે. આપણી નિંદા લોકો કરે છે તે જાણી વિચલિત ન થાવ અને નિંદાથી દૂર ન ભાગો...સાથે સાથે નિંદા ભરેલા વાક્યોને પોતાના મન અને મગજ પર કાબૂ ન કરવા દો. શાંત રહી ચિંતન-મનન કરી સદ્ગુણો અપનાવી સદ્કાર્યો કરતાં રહો. નિંદા કરનારા આપોઆપ ચૂપ થઈ જશે.

columnists