મુશ્કેલી અને તકલીફો : થોડી ધીરજ રખ દોસ્ત, યે વક્ત ભી ગુઝર જાએગા...

20 February, 2020 12:14 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

મુશ્કેલી અને તકલીફો : થોડી ધીરજ રખ દોસ્ત, યે વક્ત ભી ગુઝર જાએગા...

જીવનમાં કંઈ જ સ્થિર નથી એ હકીકત છે. જીવનના દરેક ક્ષેત્રમાં થોડી અનિશ્ચ‌િતતાઓ તો રહેવાની. આ અનિશ્ચ‌િતતાઓ જ આપણને આપણાથી ઉપર કોઈ છે એનો ભાસ કરાવતી હોય છે. અમારા જેવી ઘણી ઇન્ડસ્ટ્રીઓ છે જ્યાં કામની પણ કોઈ નિશ્ચ‌િતતા નથી અને એ જ કારણ છે કે આ અનિશ્ચ‌િતતાઓથી ટેવાયેલા લોકો પોતાના કામને લઈને વધુ ગંભીર હોય છે. ઇનસિક્યૉરિટીનો અભાવ ઘણી વાર માણસને બેફામ બનાવી દે છે. પોતાની મર્યાદાઓ અને ખામીઓ પ્રત્યે વધુ ગાફેલ બનાવી દેતો હોય છે. કાર્ય માટે સતત બહેતર બનવા માટેની ચાહને સમાપ્ત કરી દેતો હોય છે એટલે જ મને હંમેશાં લાગ્યું છે કે થોડી ઇનસિક્યૉરિટી, થોડી પરીક્ષાઓ જીવનમાં જરૂરી છે. થોડી અસ્થિરતા પણ જરૂરી છે. તમારા વિકાસ માટે, તમે જાગતા રહો એ માટે, તમે છકી ન જાઓ એ માટે, તમારી લડાયકતા બુઠ્ઠી ન થઈ જાય એ માટે પણ થોડી અસ્થિરતા અનિવાર્ય છે. જીવનમાં થોડી તકલીફો આવવી જોઈએ અને એ તકલીફો વચ્ચે તમારી અંદર રહેલી શક્તિ અને સંભાવનાઓને ખીલવાની તક આપવી જોઈએ. મને હંમેશાં લાગ્યું છે કે બધુ જ ક્યાંક ને ક્યાંક કારણ સહિત છે. દરેક ઘટના, દરેક અનુભવોની કોઈ ઉપયોગિતા છે. એને નિરર્થક માનીને મનને ગ્લાનિથી, ક્રોધથી કે અભાવથી ભરવું ન જોઈએ. શીખવાની, તપવાની અને તપીને બહેતર બનવાની નેમ હોવી જોઈએ બસ. ‘એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી’ કહેનારા કવિએ માત્ર બે જ લાઇનમાં જીવનનો મર્મ સમાવી દીધો છે.
બીજી વાત. ક્યારેક એવું પણ બને કે જીવનમાં દુઃખનાં ઘેરાયેલાં વાદળો તમને તોડીને ભસ્મ કરવાનું કામ કરતાં હોય? ક્યારેક એવું પણ બને કે જીવનની તકલીફોનું સામ્રાજ્ય તમારા અસ્તિત્વના લીરેલીરા ઉડાડવાનું કામ કરતા હોય. ત્યારે શું કરવાનું? સંકટના આ સમયથી પાર ઊતરવાનું એક જ સાધન છે, ધીરજ. મનવા ધીર ધરો રે. મનને કહેવાનું યે વક્ત ભી ગુઝર જાએગા... અત્યાર સુધી કયો સમય ટક્યો છે કે આ સમય પણ ટકશે? નહીં ટકે અને સમય જશે. દરેક સમય કંઈક શીખવવા માટે આવે છે. જે શીખવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એટલે શીખી લો એટલે સમય પાછો બદલાય. સમયની કિંમત સમજનારો માણસ જીવનમાં ક્યારેય પાછો નથી પડતો એવી જ રીતે માથે આવેલા તકલીફના સમયને ધીરજપૂર્વક અને સજાગતા સાથે સહી લેનારા લોકો ચમક સાથે બહાર નીકળે છે. શરત માત્ર એટલી કે ધીરજ રાખવાની. હિંમત નહીં હારવાની. વાવાઝોડું આવે ત્યારે એની સામે થવાને બદલે દીવાલને અડીને ઊભા રહી જાઓ.
કુછ દેર રુકને કે બાદ,
ફિર સે ચલ પડના દોસ્ત,
હર ઠોકર કે બાદ સંભલને મેં વક્ત લગતા હૈ...
તૂટે હુએ મન કો સંભલને મેં થોડા વક્ત લગતા હૈ...
થોડી ધીરજ તો રાખવી જ પડશે, સાહેબ. ધીરજથી શ્રેષ્ઠ રસ્તો બીજો કોઈ નથી અને ધીરજથી શ્રેષ્ઠ બીજું કોઈ ઓસડ નથી.

manoj joshi columnists