જમનાદાસ બડે બુઝુર્ગ જૈસા લગતા હૈ, તેરા ઑન-સ્ક્રીન નામ જતીન કરેંગે

20 December, 2019 03:45 PM IST  |  Mumbai | Jamnadas Majethia

જમનાદાસ બડે બુઝુર્ગ જૈસા લગતા હૈ, તેરા ઑન-સ્ક્રીન નામ જતીન કરેંગે

એક ઔર જતીન : શફીભાઈની ઇચ્છા હતી કે રાજેશ ખન્નાનું જે ઓરિજિનલ નામ હતું એ જતીન મારું ઑન-સ્ક્રીન નામ હોય. તેઓ કહેતા પણ ખરા કે દો-દો જતીન સુપરસ્ટાર બનેંગે.

(આપણે વાત કરી રહ્યા છીએ શફીભાઈની. બહુ મજેદાર માણસ. ઍન્કરજેગિંગ, મૉટિવેટિંગ, માર્ગદર્શક અને થિયેટરના કોઈ પણ કલાકારની બાજુમાં ખડેપગે ઊભા રહેનારા. તેમની સાથે મને કામ કરવાનો કોઈ ખાસ અનુભવ નથી મળ્યો, પણ તેમની સાથે વિતાવેલી ક્ષણોએ મને ખૂબબધું શીખવ્યું છે. તેમની પાસેથી શીખવા મળેલી સૌથી મોટી અને મહત્ત્વની વાત, જાત પર થયેલી ટીખળને પણ હસતા મોઢે સ્વીકારવાની અને એને આવકારવાની. શફીભાઈ સાથેના બે પ્રસંગો મેં તમને ગયા વીકમાં કહ્યા હતા.

એ સમયે મોબાઇલ બહુ મોંઘા હતા. ૧૬ રૂપિયા મિનિટ આઉટગોઇંગ કૉલનો ચાર્જ. આવા સમયમાં પણ શફીભાઈ બબ્બે મોબાઇલ રાખે. એક વખત બધા સાથે મજાક-મસ્તીમાં એવી શરત લાગી કે શફીભાઈના મોબાઇલમાંથી મારે એક કૉલ કરવો. રસિક દવેએ મને ચૅલેન્જ આપી અને મેં એ ચૅલેન્જ ઉપાડી લીધી. એ સમયે અમે બધા ભાઈદાસ સામે આવેલા એક એસટીડી બૂથ પર ઊભા હતા. રૂપિયાના ડબલાવાળો ફોન બાજુમાં હોય ત્યારે કેવી રીતે ૧૬ રૂપિયા મિનિટ આઉટગોઇંગવાળા મોબાઇલમાંથી કોઈને ફોન કરવાનું કહી શકાય. મેં જે બહાનું કાઢ્યું એ બહાનું અત્યારે પણ યાદ આવે છે તો ખરેખર હસવું આવી જાય છે. મેં શફીભાઈને કહ્યું, ‘આજ મેરા મેરે માબાપ કે સાથ મોબાઇલ ફોન પે બાત કરને કા બડા મન કર રહા હૈ.’ મારી આ વાતથી શફીભાઈ પણ મૂંઝાયા અને તેમણે ફોન આપી દીધો અને મેં કરી પણ લીધો. જોકે એ પછી મેં સાચું કબૂલી પણ લીધું હતું અને તેમણે હસતા મોઢે ત્યાં હતા એ બધાને ચા પિવડાવવાનું પણ કહ્યું. આવી જ રીતે મેં એક વખત મારા સાથીકલાકાર રાજીવ મહેતાને ફસાવી દીધા હતા. રાજીવ મહેતાએ શફીભાઈની સહેજ મિમિક્રી કરી અને એ જ સમયે શફીભાઈ આવી પહોંચ્યા. મેં ટીખળ કરતાં રાજીવ જેકંઈ બોલ્યા હતા એ શફીભાઈને કહી દીધું અને પછી રાજીવની હાલત ખરાબ થઈ ગઈ હતી.

શફીભાઈ સાથેના આ અને આવા બીજા અનેક અનુભવો થયા છે, જે અનુભવોએ જીવનને વધારે બળવત્તર બનાવ્યું છે. શફીભાઈ સાથેના એ અનુભવોની વાત હવે કરીએ આગળ...)

કોઈ પણ નવા કે થોડા વર્નેબલ કલાકારને જો રંગભૂમિ પર કોઈ સતાવતું હોય કે પછી કોઈની સાથે તેનો ઝઘડો કે ડિફરન્સિસ થયાં હોય તો બન્ને પાર્ટી વચ્ચે મધ્યસ્થી કરાવીને સમજૂતી કરાવી આપવાનું કામ શફી ઈનામદાર હસતા મોઢે કરે. મજાની વાત એ કે બન્ને પાર્ટીઓ તેમની વાતને, તેમની મધ્યસ્થીને પ્રેમથી સ્વીકારે પણ ખરી. આ તેમનો દબદબો હતો, તેમના પ્રત્યેનું આ રિસ્પેક્ટ હતું.

અમે જ્યારે સરિતા જોષી અભિનીત નાટક ‘થૅન્ક યુ કોકિલા’ નાટકનો પહેલો અંક રિહર્સલ્સમાં પૂરો કર્યો હતો ત્યારે અમારા નાટકના સંગીતકાર ઉત્તંક વોરા પણ એ આખો પ્રથમ અંક જોવા માટે બેઠા હતા. ફર્સ્ટ હાફ જોઈને ઉત્તંક વોરાએ અભિપ્રાય આપ્યો કે મને બહુ મજા ન આવી. આ અભિપ્રાય પછી નાટકના લેખક-દિગ્દર્શક અને મારા ખાસ ભાઈબંધ આતિશ કાપડિયા થોડા વિચારોએ ચડ્યા, સાચું કહું તો સહેજ ઢીલા પણ પડી ગયા અને તેમનો ઉત્સાહ ઓસરી ગયો. મેં આતિશને કહ્યું કે હવે બહુ વિચાર ન કર, અત્યારે રિહર્સલ્સ બંધ કર. આપણે ‘ઓન્ટોસ’ જઈએ. ત્યાં શફીભાઈ હશે, તેમની સાથે થોડી વાતો કરીએ, તેઓ ગાઇડ પણ કરશે અને સૌથી મોટી વાત કે આપણે હતાશામાંથી બહાર આવીને મૉટિવેટ પણ થઈ જઈશું.

એ દિવસોમાં ભાઈદાસ પછી નાટકવાળાઓના રાતના અડ્ડાનું બીજું સ્થાન એટલે જુહુમાં આવેલી ‘ઉત્સવ’ અને ‘ઓન્ટોસ’ રેસ્ટોરાં. ભાઈદાસથી અમારી સાંજની શરૂઆત થાય અને એ પછી આ બે જગ્યાએ અમારી રાત આગળ વધતી. અમે ‘ઓન્ટોસ’ જઈને બેઠા અને થોડી વારમાં અમારી ધારણા મુજબ શફીભાઈ આવી ગયા. અમે મળ્યા અને બધી વાત કરી. નિરાંતે અમારો પ્રૉબ્લેમ જાણ્યો. તેમણે અમને જે રીતે સાંભળ્યા અને અમારી સાથે જે રીતે વાત કરી એ વર્તાવે અમારો ઉત્સાહ ઓર વધી ગયો. અમારી બધી હતાશા ખંખેરાઈ ગઈ અને અમે પૂરા કન્વિક્શન સાથે બીજા દિવસથી ફરીથી અમે કામે લાગી ગયા.

૧૦ માર્ચ, ૧૯૯૬.

‘થૅન્ક યુ કોકિલા’ ઓપન થયું. પહેલો શો બહુ સારો નહોતો ગયો, પણ અહીંથી વાત આગળ વધારવાને બદલે હું અહીં એક નાનકડો વળાંક લઉં છું. ‘થૅન્ક યુ કોકિલા’ની વાત આગળ કન્ટિન્યુ કરીશું, પણ એ પહેલાં આપણે વાત કરીએ બીજા એક વિષય પર.

શફીભાઈ તેમના સુપરહિટ નાટક ‘બા રિટાયર થાય છે’ નાટક પરથી જયા બચ્ચનને લઈને હિન્દી ફિલ્મ બનાવવા માગતા હતા. ટાઇટલ હતું ‘માં રિટાયર હોતી હૈ’. એ સમયે હું મૉડલિંગ કરતો અને ABCLની સ્ટાર ટ્રૅક નામની કૉન્ટેસ્ટમાં સિલેક્ટ થયો હતો. એ કૉન્ટેસ્ટ મુજબ હવે ABCL એટલે કે અમિતાભ બચ્ચન કૉર્પોરેશન લિમિટેડ મને ફિલ્મમાં લૉન્ચ કરવાની હતી. એ સમયે શફીભાઈએ ‘માં રિટાયર હોતી હૈ’માં નાના દીકરાના રોલ માટે મને સિલેક્ટ કર્યો હતો. તેમણે મને સૂચન કર્યું હતું કે તારું નામ આપણે જમનાદાસમાંથી બદલીને ‘જતીન’ કરીશું.

નામ મેં ક્યા રખ્ખા હૈ.

ના સાહેબ, નામ મેં હી રખ્ખા હૈ, બહોત કુછ રખ્ખા હૈ અને એટલે જ મારે મારું નામ બદલવું નહોતું.

અમારા મોટા વૈષ્ણવ જેમને અમે બુઆજી કહીએ છીએ તેમણે મને આ નામ આપ્યું હતું. નામ તો મારે માટે આશીર્વાદ સમાન છે. એ નામ હું કેવી રીતે બદલું. મેં દલીલ કરી તો શફીભાઈએ કહ્યું, ‘જમનાદાસ નામ બડે બુઝુર્ગ જૈસા લગતા હૈ, તુઝે મૈં સ્ટાર બનાનેવાલા હૂં.’

જતીન નામ પાછળ પણ એક નાનકડી સ્ટોરી હતી. રાજેશ ખન્નાનું ઓરિજિનલ નામ જતીન હતું. શફીભાઈ કહે, ‘ઔર એક જતીન સુપરસ્ટાર બનેગા.’

કંઈકેટલુંયે મને કહ્યું, પણ એ બધું સાંભળીને મેં કહ્યું કે જમનાદાસ મારા માટે બહુ લકી છે. જમનાદાસ લખીને બાજુના બ્રેકેટમાં હું JD લખું છું જે મને ગમે છે અને એ સક્સેસફુલ પણ થાય છે. તર્કવિતર્ક લાંબા ચાલ્યા, પણ ફિલ્મનું કશું ફાઇનલ થયું નહીં અને વાત એમ ને એમ રહી ગઈ, મારું નામ બચી ગયું. નામની વાત ચાલે છે ત્યારે તમને કહી દઉં કે મને જમનાદાસ નામ બહુ વહાલું છે એવું કહું તો પણ ચાલે. જ્યારે ‘મિડ-ડે’માં કૉલમ શરૂ કરવાની વાત આવી ત્યારે ગ્રાફિક ડિઝાઇનરને ડિઝાઇન સેટ કરવામાં મારું આખું નામ લખવામાં પ્રૉબ્લેમ થઈ રહ્યો હતો. મને પૂછવામાં આવ્યું કે આપણે જમનાદાસને બદલે એમાં જેડી મજીઠિયા લખીએ તો ચાલે.

‘ના, ન ચાલે.’

ત્રણ શબ્દમાં મેં જવાબ આપ્યો હતો. જરા વિચાર કરો, જો હું અત્યારે નામ માટે આટલો પઝેસિવ હોઉં તો એ સમયે તો હજી કરીઅરની શરૂઆત થતી હતી, નામ આશીર્વાદ છે એવું દૃઢપણે માનતો હતો. હું કેવી રીતે જતીન નામ સ્વીકારું, કેવી રીતે મારું જમનાદાસ નામ સ્વીકારું? નામ કેવી રીતે બદલે એના વિચારો હું કરતો, પણ પછી પ્રોજેક્ટ પડતો મુકાયો એટલે એવી નોબત ન આવી.

ફરી આવી જઈએ ‘થૅન્ક યુ કોકિલા’ નાટકની વાત પર, પણ સ્થળસંકોચને કારણે હવે એ વાત આવતા શુક્રવારે..

JD Majethia columnists