કાચિંડો પૂછે છે નેતાને, હવે હું મારી જાતને માણસ કહું તો ચાલે કે નહીં?

15 March, 2019 10:39 AM IST  | 

કાચિંડો પૂછે છે નેતાને, હવે હું મારી જાતને માણસ કહું તો ચાલે કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આજકાલ દેશભરમાં પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા ખરેખર પીડાજનક છે. બીજેપી છોડીને કૉન્ગ્રેસમાં જવું કે કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં જવું, એનાથી નાગરિકોને કોઈ ફરક પડે કે ન પડે, પણ પક્ષ છોડનારાની નૈતિકતાને તો ચોક્કસ ફરક પડે છે અને એ પડતો પણ રહેશે. એક સમયે તમે રાહુલ ગાંધીને ગાળો આપતા હતા, આજે એ જ રાહુલ ગાંધીના નામની પાછળ ‘જી’ જોડીને વાત કરો છો. એક સમય હતો કે તમે નરેન્દ્ર મોદીને ભાંડતા હતા, આજે એ જ વ્યક્તિને ‘મોદીજી’નું સંબોધન કરીને તમે એવું પુરવાર કરવા માગો છો કે હવે એ વ્યક્તિ તમારા માટે આદરણીય બની ગઈ છે. એક વખત, માત્ર એક વખત, આવી રીતે પક્ષપલટો કરનારાને તેના જૂના વિડિયો દેખાડવા જોઈએ. તેને પણ ખબર પડશે કે તેણે રંગ બદલવામાં પેલા કાચિંડાને પણ પાછળ છોડી દીધો છે. કાચિંડો ખરેખર મૂંઝાઈ રહ્યો છે કે હવે એ પોતાનું નામ માણસ કરી નાખે તો ચાલે કે નહીં?

રંગ બદલવાની આ જે તકવાદી નીતિ છે એના પર કોઈ રીતે કાયદાકીય જોગવાઈ ઊભી કરવી જોઈએ. જો કાયદાકીય જોગવાઈ હશે તો ચોક્કસ રંગ બદલવાની નીતિમાં ફરક આવશે, ઉછીની વિચારધારાને પોતીકી દેખાડવાની નીતિમાં પણ ફરક આવશે અને તળિયા ચાટવાની માનસિકતામાં પણ ફરક આવશે. મહેશ ભટ્ટની એક ફિલ્મનો ડાયલૉગ અત્યારે મને યાદ આવે છે.

મા ઔર મુલ્ક બદલે નહીં જાતે.

આ પણ વાંચો : વધતો વ્યાપ અને ઘટતી ઘનિષ્ઠતા : દૂરનાને નજીક ને નજીકનાને દૂર ધકેલવાનું કામ કરે એનું નામ સોશ્યલ મીડિયા

ફિલ્મ ‘ઝખ્મ’માં આ ડાયલૉગ અજય દેવગન બોલે છે. બહુ અસરકારક આ સંવાદ છે અને આ જ સંવાદ અત્યારે આપણે ત્યાં પક્ષ બદલવા માટે દોટ મૂકનારાઓને લાગુ પડી રહ્યો છે. જો કોર્ટ કે સંવિધાન દ્વારા એવી જોગવાઈ મૂકવામાં આવે કે પક્ષ બદલીને આવનારાને આવતાં પાંચ વર્ષ સુધી ઇલેક્શન લડવા માટે ટિકિટ નહીં આપી શકાય અને તેને એક પણ પ્રકારનું પદ પણ નહીં મળી શકે. જો આવી જોગવાઈ કાયદાકીય રીતે કરવામાં આવે તો ચોક્કસપણે એવી પરિસ્થિતિ થાય કે પક્ષ બદલનારાઓ એક નહીં, એક હજાર વખત વિચારે. અરે હું તો કહીશ, વિચારે જ નહીં અને પોતાના પક્ષમાં જ પડ્યો રહે. જે પક્ષ માઈબાપ લાગતો હતો, જે પક્ષના વડીલો પોતાને ભગવાન સમાન લાગતા હતા એ પક્ષને છોડવાનાં કારણો પણ તમે જુઓ કે સાંભળો તો તમને ખરેખર એવો વિચાર આવી જાય કે આ પક્ષપલટો કરનારા મતદારને શું માનતા હશે અને મતદારને શું ધારતા હશે? પક્ષપલટાને વહેલી તક બંધ કરાવવાની આવશ્યકતા છે એવું હું દૃઢપણે માનું છું. જો મૈત્રી કરાર ગેરવાજબી હતા અને એટલે એને બંધ કરી દેવામાં આવ્યા તો પછી પક્ષપલટો પણ ગેરવાજબી જ છે અને એ બંધ જ થવો જોઈએ.

manoj joshi columnists