અંધકારની હાજરીમાં પ્રકાશ આવી શકે, પણ પ્રકાશની હાજરીમાં અંધકાર ન આવે

14 November, 2019 12:46 PM IST  |  Mumbai | Jayesh Chitaliya

અંધકારની હાજરીમાં પ્રકાશ આવી શકે, પણ પ્રકાશની હાજરીમાં અંધકાર ન આવે

પ્રતીકાત્મક તસવીર

એક વાર અંધકારે પરમાત્મા સમક્ષ જઈ પ્રકાશ વિશે ફરિયાદ કરી, જુઓ ને પ્રભુ, આ પ્રકાશ મને ટકવા કે જંપવા જ દેતો નથી, જ્યાં પણ હોઉં ત્યાં આવીને મારો નાશ કરી નાખે છે. તેનાથી મારું અસ્તિત્ત્વ જ રહેતું નથી, પ્રભુ કંઈક ઉપાય કરો. પરમાત્માએ કહ્યું, એમ છે?, હું કાલે પ્રકાશને હાજર થવાનો આદેશ આપું છું, તું પણ હાજર થઈ જજે. પરમાત્માના આદેશથી પ્રકાશ તો હાજર થઈ ગયો, કિંતુ અંધકાર આવી ન શક્યો. ફરી થોડા દિવસ બાદ અંધકારે પરમાત્માને ફરિયાદ કરી પ્રકાશ વિશે. જેની સામે પરમાત્માએ કહ્યું, મેં તો પ્રકાશને હાજર કર્યો હતો, પણ તું આવ્યો જ નહીં! હવે તમે જ કહો પ્રકાશ જ્યાં હાજર હોય ત્યાં અંધકાર ક્યાંથી આવે?

તાજેતરમાં દિવાળી અને નવા વરસના દિવસોમાં આ પ્રસંગ જાણીતા લેખક-સાહિત્યકાર, ચિંતક દિનકરભાઈ જોશી પાસેથી એક ચર્ચા દરમ્યાન સાંભળવા મળ્યો.

અમારી ચર્ચાનો વિષય જ દિવાળી, નવું વરસ, અંધકાર અને પ્રકાશ હતો. અંધકાર એટલે શું? શું અંધકાર બૂરો જ હોય છે? નહીં! અંધકારનો આપણે શો અર્થ કરીએ છીએ અને તેમાંથી શી શીખ મેળવીએ છીએ, તેના પર આધાર રાખે છે. ક્યારેક અંધકારનો સાક્ષાત અનુભવ લઈએ તો અંધકાર આપણને ઘણું શીખવી શકે છે. અંધકાર આપણને એવું એકાંત-નીરવતા આપી શકે છે, એવું વિરાટ દૃશ્ય બતાવી શકે છે, જે આપણને ઈગોલેસ (અહંકારમુક્ત) કરી શકે. અંધકારનાં વિવિધ અર્થઘટન થઈ શકે.

આપણે કહેતાં હોઈએ છીએ, અંધકાર પર પ્રકાશનો વિજય અને તે નિમિત્તે જ આપણે દિવાળી અને નવું વરસ ઊજવીએ છીએ. તો શું એ પહેલાં અંધકાર હતો જ નહીં? ના! પણ ભગવાન શ્રીરામના વિજય બાદ અયોધ્યા પાછા ફરતી વખતે પ્રજાએ જે ઉત્સવ ઉજવ્યો એ પ્રકાશનું પર્વ બની ગયો. તેથી પ્રકાશને અંધકાર પરનો વિજય ગણાવ્યો. પ્રકાશનો અર્થ જ્ઞાન અને વિવેક પણ થઈ શકે.

માથા પરના બોજને બાજુએ મૂકી શકાય

અંધકારને બીજા એક અર્થમાં અજ્ઞાન પણ કહેવાય છે. આ અજ્ઞાન અને તેની સામે જ્ઞાન અને વિવેકને સમજવા માટે એક પ્રસંગની વાત કરીએ. એક માણસ ઘણા ભારે સામાન સાથે ટ્રેનમાં ચઢે છે અને સામાન માથા પર રાખી ઊભો રહે છે. સામાન ભારે બોજવાળો છે, બેસવાની જગ્યા નથી, એટલે ચાલતી ટ્રેનમાં ઊભો છે. માથા પર વજન હોવાથી વારંવાર હાલકડોલક થયા કરે છે. ચહેરા પર થાક અને બોજનો ભાર પણ દેખાય છે ત્યાં બીજો એક માણસ તે ભાર લઈ ઊભેલા માણસને માત્ર એટલું જ કહે છે કે સામાનનો બોજ માથે રાખી ઊભા છો તેના કરતાં એને અહીં શૅલ્ફ પર મૂકી દો ને! એ ભાઈ તેનું પાલન કરે છે. આમ કર્યા બાદ એ ભાઈનો બોજ જતો રહે છે, હવે તે સરળતાથી ઊભો રહી શકે છે, તેનો થાક પણ ગયો, ચહેરા પર શાંતિ પણ નજરે પડી. હવે આ જ વાત-ઘટનાને આપણે આપણા જીવન સાથે સરખાવીને જોઈએ તો સ્પષ્ટ જોવા મળશે કે આપણે પણ કંઈક આવું જ કરતાં હોઈએ છીએ, એક યા બીજી ચિંતા-ટેન્શનનો બોજ લઈ ફરતા રહીએ કે  ઊભા રહી જતાં હોઈએ છીએ, જેને બાજુએ મૂકી થોડી વાર પણ એમ જ શાંત ઊભા રહીએ તો સંભવતઃ આપણો એ માનસિક બોજ દૂર થઈ શકે. આપણે પણ હળવાશ અનુભવી શકીએ. દરેક સમસ્યાના ઉપાય હોય જ છે, આપણે તે માટે પ્રયાસ કરવો જોઈએ, અનુભવમાંથી શીખતાં રહેવું જોઈએ. માત્ર સમસ્યાનો બોજ લઈ ફરતાં કે રડતાં રહેવું જોઈએ નહીં. એક મજેદાર અને ધારદાર કહેવત યાદ રાખવા જેવી છે, અત્યાર સુધી એવી કોઈ રાત બની નથી, જેની સવાર ન હોય. દરેક અંધકાર બાદ ઉજાસ આવતો જ હોય છે. નથિંગ ઇઝ પરમનન્ટ ઇન લાઇફ. 

દુઃખી થવાનો-દેખાવાનો શોખ

કરુણતા એ છે કે આપણને ચિંતા કરવાની આદત પડી ગઈ છે, સ્ટ્રેસ લેવાની, ટેન્શન લેવાની અને એ બોજ હેઠળ દબાણમાં રહ્યા કરવાની. જ્યારે કે આપણે થોડો સમય તેને બાજુએ મૂકી કે ભૂલી જઈ રિલેક્સ ફીલ કરી શકીએ છીએ. ઘણાને તો ટેન્શન ન લે તો મજા નથી આવતી. સાચાં કે ખરાં ટેન્શન હોય તો હજી સમજી શકાય છે, કેટલાક તો સાવ નાની-નાની વાતે કે નિરર્થક વાતે ટેન્શન લઈને ફરે છે, જાણે માથા પર પહાડ તૂટી પડ્યો હોય તેમ. અર્થાત્ તેમને દુઃખી થવાનો યા રહેવાનો રીતસરનો શોખ હોય છે. પોતાને દુઃખી દર્શાવી આવા લોકો સહાનુભૂતિ ઉઘરાવતા રહે છે. એટલું જ નહીં, તેઓ આમ કરી પોતાનાં કામ પણ કઢાવી લેતાં હોય છે યા હિત પણ સાધી લેતાં હોય છે. વળી ઘણાને દુઃખી દેખાવાનો અહંકાર પણ હોય છે, જેમાં તે પોતે જાણે સંઘર્ષ કરતો હોય એવું દર્શાવી શકે, જ્યારે કે સુખી હોવું અને આનંદમાં હોવું કે રહેવું એ પાપ અથવા કંઈક ખોટું હોય એવું તેઓ લોકોને ફીલ કર્યા અને કરાવ્યા કરે છે.

અંધકાર અને અજ્ઞાન અસીમ છે

આપણે ફરી અંધકારની વાત પર આવીએ તો અંધકાર એ અસીમ છે, પ્રકાશની સીમા છે, કિંતુ અંધકાર અમર્યાદિત છે. જેમ જ્ઞાનની સીમા છે, પણ અજ્ઞાન અસીમ છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશ કેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે, તે સીમામાં જ ગણાય. કારણ કે જ્ઞાન સતત સમય સાથે નવા સ્વરૂપે આવતું જ રહે છે, તે અવિરત છે. આજે આપણે આટલું જાણીએ છીએ, આવતી કાલે, આવતા મહિને કે આવતા વરસે આપણને વધુ ખબર હશે, જગત વધુ જ્ઞાની થયું હશે કે પામ્યું હશે. સોક્રેટિસના જીવનમાં એક અદ્ભુત પ્રસંગ છે, તે એથેન્સનો સૌથી જ્ઞાની માણસ ગણાતો હતો. એક વાર એથેન્સની રાણીએ લોકોને કહ્યું કે તમારે જ્ઞાન મેળવવું હોય તો સોક્રેટિસ પાસે જાવ. બધા સોક્રેટિસ પાસે ગયા ત્યારે સોક્રેટિસે તેમને કહ્યું, તમારી કંઈ ભૂલ થતી લાગે છે, હું તો સાવ અજ્ઞાની છું. લોકો પરત ફરી રાણી પાસે આવ્યા અને કહ્યું કે સોક્રેટિસે તો અમને કહ્યું કે તે તો સાવ અજ્ઞાની છે, તેને કંઈ ખબર નથી. રાણીએ કહ્યું, એટલે જ તે ખરો જ્ઞાની છે. કારણ કે સાચો જ્ઞાની કોઈ દિવસ કહેતો નથી તે જ્ઞાની છે. તે પોતાને હંમેશા અજ્ઞાની દર્શાવે છે, માને છે. જેને આ સત્ય સમજાઈ ગયું, તે અંધકાર અને અહંકાર, બંનેમાંથી મુક્ત થઈ શકે છે અને જ્ઞાનના-વિવેકના માર્ગે આગળ વધી શકે છે. આ યાત્રા લાંબી અને ગહન છે.

આ પણ વાંચો : એક તાણે ગામ ભણી, બીજો તાણે સીમ ભણીઃ મહારાષ્ટ્રની મડાગાંઠ ઉકેલાય એવી કોઈ શક્યતા નથી

આપણા સૌના જીવનને અંધકાર-અહંકારમાંથી મુક્તિ મળે તેમ જ આપણે સૌ પણ વિવેકપૂર્ણ રીતે આપણા અજ્ઞાનને સ્વીકારી જ્ઞાનની તરસને અકબંધ રાખીએ.

એટલે જ પરમાત્માને આપણી પ્રાર્થના પણ એ રહે છે કે

ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા,

અસત્યો માંહેથી પરમ સત્યે તું લઈ જા...

columnists