બે પેઢી વચ્ચે આવો સુમેળ હોય તો દરેક ઘર બની શકે છે સંપનું સાચું સરનામું

16 October, 2019 03:22 PM IST  |  મુંબઈ | કલ, આજ ઔર કલ - ભક્તિ ડી દેસાઈ

બે પેઢી વચ્ચે આવો સુમેળ હોય તો દરેક ઘર બની શકે છે સંપનું સાચું સરનામું

પરિવાર

બોરીવલીમાં રહેતા ૮૬ વર્ષના બિપિન મગનલાલ કાગળવાળા તેમની બે પેઢી સાથે હળીમળીને તેમના સમયની યાદો અને આજના જમાનાની સુવિધાઓને આનંદથી માણતાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. બિપિનભાઈને બે પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી પુત્રી શ્વેતા રાજેન શાહ અને નાની અમી પ્રતિક વોરા બન્ને પોતપોતાના સાસરે છે અને પુત્ર મેહુલ, પુત્રવધૂ નિમિષા અને ૧૭ વર્ષનો પૌત્ર મિત તેમની સાથે રહે છે. બિપિનભાઈ મૂળ સૂરતના વતની છે. આશરે પંદર વર્ષની ઉંમરે તેમને તેમના મોટાભાઈએ કામકાજ માટે મુંબઈમાં મોકલ્યા અને ત્યાર પછી તો મુંબઈની માયાનગરીએ તેમને જકડી જ રાખ્યા.

પરંપરાનો વારસો

એ સમયની આર્થિક પરિસ્થિતિ વિશે બિપિનભાઈ કહે છે, ‘અમારી પરિસ્થિતિ સામાન્ય હતી. અમારા સમયમાં સંતોષ અને સંપ ખૂબ હતો. ઓછા પૈસે પણ કોઈ વસ્તુની કમી જણાતી નહીં. આ વાતનું કારણ આજના જમાનાના લોકો અને અમારા સમયના લોકોની તુલના કરીએ તો તરત સમજાય કે આજે આડંબર અને દેખાડો ખૂબ વધી ગયા છે, જ્યારે પહેલાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો પણ કોઈને એ શરમજનક વાત ન લાગતી. મારા પિતા ભારતીય રેલવેમાં નોકરી કરતા. એટલા બધા વફાદાર કે ક્યારેય કોઈ પ્રસંગમાં કોઈ ફળોનો ટોપલો પણ મોકલે તો એ ન સ્વીકારે. અમારા પરિવારમાં વારસાગત રીતે અમારી મૂડી અમારા સંસ્કાર અને વફાદારી જ રહ્યા છે.’

બીજી પેઢી ઃ અહીં મેહુલભાઈ પિતાએ આપેલા આ સંસ્કાર માટે કહે છે, ‘હું પહેલાં એક કંપની માટે કામ કરતો હતો ત્યારે મારે માલ ખરીદવાનો રહેતો. મારે વિવિધ ડીલરના સંપર્કમાં આવવાનું થાય તો તેઓ મને તેમની પાસેથી મારી કંપની માટે માલ ખરીદવા વ્યક્તિગત રીતે કોઈ ફાયદાની વાત કરે, પણ હું હંમેશાં આવી ઑફર નકારીને ડીલરને કહેતો કે બનતી કોશિશે મારી કંપનીને ઓછામાં ઓછા ભાવે માલ આપવો જેથી ડીલર અને કંપનીને લાભ થાય અને મને ક્યારેય કોઈ લોભ થયો નથી. મારા પિતા પાસેથી મેં દાદાની વફાદારીની વાત સાંભળી છે. મારાં મમ્મી નિકુંજબહેન બીએમસી સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતાં. ખૂબ જ પ્રેમ અને નિષ્ઠાથી તેમણે બાળકોને ભણાવ્યાં. તેમણે ૩૫ વર્ષો સુધી મહેનતથી નોકરી કરી; પણ એક માતા, પત્ની, પુત્રી અને શિક્ષિકા તરીકે મારી માતાએ પોતાની દરેક ફરજ સહર્ષ નિભાવી. મારા પિતાને પણ મેં નિષ્ઠા સાથે કામ કરતા જોયા છે. એથી જ આજે આ સંસ્કાર મારા સુધી આવ્યા છે અને અમે બધા મીત સાથે પણ દરેક અનુભવની વાત મૈત્રીપૂર્વક અથવા એક ચર્ચાના સ્વરૂપમાં કરીએ છીએ, જેથી નાનપણથી જ તેના બાળમાનસ પર પણ આ વાતો દ્વારા પડેલી અસર આજે એના વ્યક્તિત્વમાં સંસ્કારના રૂપમાં દેખાય છે. હું માનું છું કે સંયુક્ત પરિવારમાં જો જનરેશન ગૅપ હોય પણ તો એના પર ધ્યાન ન આપતાં એના અગણિત લાભ પર ધ્યાન આપવું જરૂરી છે.’

બોરીવલીની મજાની વાતો

આશરે વર્ષ ૧૯૫૨માં બોરીવલી કેવું દેખાતું એનો ફોટો ભાગ્યે જ કોઈ પાસે હશે, પણ બિપિનભાઈ અહીંના ખૂબ જૂના વતની રહ્યા છે એથી તેઓ શાબ્દિક ચિત્ર ઊભું કરતા કહે છે, ‘પહેલાં દક્ષિણ મુંબઈમાં ભાટિયા લોકો ખૂબ રહેતા, આમાંથી કેટલાયે લોકોના બોરીવલીમાં બંગલોઝ હતા. બોરીવલી જંગલ જેવું હતું એથી આ બંગલા સેકન્ડ હોમની જરૂરત પૂરી કરતા. બીજું, એ વખતે ખાસ કોઈ પાસે પોતાના વાહન નહોતા અને બધે ઘોડાગાડી ચાલતી. આ પરથી મને યાદ આવે છે કે જ્યારે અમે પહેલી વાર મુંબઈ આવ્યા ત્યારે પણ સામાન્ય પરિવહન માટે અહીં બહુબધા ટાંગા હતા. બોરીવલી સ્ટેશનથી એલ. ટી. રોડ, યોગીનગર અને બીજે બધે જવા હરોળમાં ઘોડાગાડીવાળા ઊભા રહેતા. એક વાત, જે બહુ ઓછા લોકોએ જોઈ હશે કે બોરીવલીમાં એ સમયે ડગલે ને પગલે મોટા સાપ દેખાતા અને આવતાં-જતાં ખૂબ ધ્યાન રાખવું પડતું.  આંગળીને વેઢે ગણાય એટલાં જ મકાનો અને દુકાનો અહીં હતાં. ક્યારેક બહાર જમવા જવું હોય તો પશ્ચિમમાં રાજમહેલ, દ્વારકા અને ઈસ્ટમાં ઉમા હોટેલ આમ ત્રણ મુખ્ય રેસ્ટોરન્ટ હતી. મહિને મારો ૯૦ રૂપિયાનો પગાર હતો અને એમાંથીયે ૫૦ રૂપિયા હું માતા-પિતાને સુરત મોકલતો. રૂપિયા ૪૦માં ઘર ચલાવતો. સદસ્યો વધારે, ઘર નાનું અને પગાર ઓછો આ હતી અમારી પેઢીની વ્યાખ્યા. મારી પાસે ૧ પૅન્ટ અને બે શર્ટ હતાં. મારાં લગ્ન પછી જ્યારે મારી મોટી દીકરી શ્વેતાનો જન્મ થયો ત્યારે મારી પત્ની નિકુંજ અને મેં ઘરમાં પંખો લીધો. અમને માત્ર ૬૪ રૂપિયાનો એક પલંગ લેતાં પણ મહિનાઓ વીતી ગયા.’

બીજી પેઢી ઃ મેહુલભાઈ અહીં બોલ્યા, ‘મને એક બાળક તરીકે આજે પણ યાદ છે કે અમે બાભઈનાકા પાસે કેસરબાગમાં ત્રણ માળના મકાનમાં રહેતાં અને અમને અમારી ટેરેસથી ગોરાઈ ખાડી દેખાતી. અમારા ઘરમાં પંખાની જરૂરત પડતી જ નહીં, કારણ કે દરિયાકિનારા જેવી હવા આવતી. અમારું ઘર એટલે નાની એક રૂમ-કિચનની જગ્યા. બાથરૂમ અને ટૉઇલેટ બહાર બધા માટે કૉમન હતાં. આમ આટલા નાના ઘરમાં વેકેશનમાં અમે ઘણાંબધાં

ભાઈ-બહેનો સાથે રહેતાં, કારણ કે અમેરિકાથી મામા અને લંડનથી માસી દર વર્ષે અમારા ઘરે જ ઉતારો રાખે. અમે બધાં બાળકો રાત્રે બિલ્ડિંગની ટેરેસ પર સૂવા જઈએ. આકાશ અને તારાઓ એટલા સુંદર દેખાય કે એને નિહાળતાં મસ્તી કરતાં સૂઈ જઈએ. અમારે જ્યારે મોટી જગ્યા લેવી હતી ત્યારે અમે ઘણીબધી સારી જગ્યા જોઈ જ્યાં પ્લેગ્રાઉન્ડ નહોતું, પણ મીતને મારા જેવું બહાર રમે એવું બાળપણ આપવા મેં પ્લેગ્રાઉન્ડવાળા મકાનમાં જગ્યા લીધી. માત્ર આ વાતમાં મારા પિતાના અને મારા વિચારોમાં મતભેદ હતો. એમને એમ થયું કે હું ઘરની જગ્યાને નહીં અને પ્લે ગ્રાઉન્ડને પ્રાધાન્ય કેમ આપું છું? પણ મારું માનવું છે કે બાળકના વ્યક્તિત્વનો સર્વાંગ વિકાસ બહાર રમ્યા વગર શક્ય જ નથી.’

ત્રીજી પેઢી ઃ અહીં મીત કહે છે, ‘હું દસમા ધોરણમાં છું, પણ મારાં માતા-પિતા બન્નેએ મને પરીક્ષાના દિવસે પણ જેમ લોકો ક્લાસિસમાં જાય એમ નિર્ધારિત સમયે નીચે રમવા મોકલ્યો છે. મને મારાં માતા-પિતાએ મારા માટે નિર્ણય લેવાની છૂટ આપી છે. તેઓ મને નાની-નાની વાત પૂછવાની ફરજ નથી પાડતાં, કારણ કે મારી મમ્મી મારી નિર્ણય લેવાની શક્તિને પ્રોત્સાહન આપે છે અને મારો આત્મવિશ્વાસ વધારે છે. મારા અન્ય મિત્રો અને હું પગથિયાં, નારગોલિયો, લખોટી આ બધી રમત રમીએ. મને મોબાઇલ કે ટીવીની આદત નથી અને જરૂર પણ નથી લાગતી. મારા પપ્પા હંમેશાં કહે છે કે જેમ એ લોકો મને તેમની અને દાદાની નાનપણની વાતો કરે છે એમ મારી પાસે પણ આગળની પેઢીને કહેવા માટે કોઈક અનુભવો, રમત, કિસ્સાઓનો ખજાનો હશે તો હું તેમને આ મજા આપી શકીશ. મને હવે સમજાય છે કે જે મજા બહાર રમવામાં છે એ મોબાઇલ અને લૅપટૉપની ગેમ્સમાં નથી.’

દરેકની આગવી મજા

બિપિનભાઈ જૂના અને હાલના સમયની વિશિષ્ટતા તેમના દૃષ્ટિકોણથી વર્ણવતાં કહે છે, ‘મને કોઈ સમય ઓછો-વધારે ગમે છે એવું નથી. એ સમયની એક આગવી મજા હતી, એ સમયે કોઈ સુવિધા નહોતી અને આજે જે જોઈએ એ બધું છે. ટેક્નૉલૉજીના માધ્યમથી આખી દુનિયા આપણા ઘરમાં છે. હું ખાવા-પીવાનો શોખીન છું, આજે મારા શબ્દ નીકળે ત્યાં મારી દીકરી જેવી વહુ અને દીકરો મારે માટે વસ્તુ હાજર કરે છે. આજનો સમય પણ હું ખૂબ માણું છું. એક વાત અહીં યાદ આવે છે જે નિમિષાએ પણ જોઈ છે તેના નાનપણમાં. પહેલાં નહાવા માટે પાણી ગરમ કરવા ગીઝર નહોતાં અને બળતણ માટે કોલસા જ હતા. પાણી ગરમ કરવા એના પર એક તાંબાનું સાધન મુકાતું, જેના નાળચામાંથી પાણી લેવાય અને ઉપરથી એમાં બીજું પાણી નાખી શકાય. પહેલાં લોકો જમવા માટે પંગતમાં બેસતા અને આસન, શેતરંજી નહોતાં. એથી બહુ પહેલાં લોકો પત્રાવળી પર બેસતા અને થોડા સમય પછી લાંબા-લાંબા લાકડાના પાટલા આવ્યા અને એ વપરાતા.’

બીજી પેઢી ઃ અહીં મેહુલભાઈ કહે છે, ‘નાનપણમાં પ્રસંગમાં બધા મહેમાન નીચે શેતરંજી પાથરીને બેસતા અને મારાં મમ્મી અને અન્ય સ્ત્રીઓ જમવાનું પીરસતી. આવું દૃશ્ય હવે મીતને કે તેમની પેઢીને જોવા નહીં મળે. અમારા પરિવારની ખાસિયત એ છે કે પુરુષો બધાં કામ કરે, જેમ કે  સવારની ચા લગ્ન થયા પછી પણ મારા પપ્પા જ બનાવતા અને મમ્મી સાંજે સ્કૂલમાંથી આવતી દેખાય ત્યારે પણ તેના માટે ચા મૂકે અને કુકર પણ તૈયાર કરી દે. મારી મમ્મી પણ એટલી જ મહેનતુ હતી. લગ્ન પછી મારા નાનાને ઘરે આમારી બધી જવાબદારી પૂરી કરીને મદદ કરવા જતી.’

ત્રીજી પેઢી ઃ મીત પોતાની વાત કરતાં કહે છે, ‘મમ્મી બહાર હોય તો હું દાદાને ચા બનાવીને આપું. પહેલાં મને આવડતી નહોતી પણ હવે મમ્મીએ શીખવી છે એથી હું બનાવું છું.’

અહીં નિમિષાબહેન કહે છે, ‘પ્લેનની સફર મારા પપ્પા (સસરા)એ પહેલી વાર ૫૧મે વર્ષે કરી, મેહુલે ૨૪ વર્ષે અને મીતે ૭ વર્ષની ઉંમરમાં કરી. વિદેશયાત્રા મેં ૩૭ વર્ષની ઉંમરે, મીતે ૧૪મે વર્ષે કરી અને મારા પપ્પા ક્યારેય નથી ગયા. પહેલાં સુરતમાં મોટા વેપારીઓ સંક્રાંતમાં પતંગ ચગાવવા આવતા અને વાસી સંક્રાંતનું પણ ખૂબ મહત્ત્વ હતું, જે આજે કોઈને ખબર પણ નથી. આમ એવી ઘણી વાતો છે જે જમાના પ્રમાણે બદલાઈ છે, પણ અસલી મજા બન્નેમાંથી સારી વાતો ગ્રહણ કરવામાં જ છે.’

columnists