કૉલમ: તમે ક્યારે જીતી શકશો પાછલી જિંદગીનો જંગ?

08 May, 2019 01:05 PM IST  |  | વડીલ વિશ્વ - પલ્લવી આચાર્ય

કૉલમ: તમે ક્યારે જીતી શકશો પાછલી જિંદગીનો જંગ?

પુષ્પા અને રમેશ શાહ

ખુશ કોને ના રહેવું હોય? કેટલીક વાર તમારો સ્વભાવ, તમારી પરિસ્થિતિ, તમારી શારીરિક અને માનસિક તબિયત અને એવું ઘણું બધું તમને દુ:ખી કરી મૂકે છે. જિંદગી છે તો આ તો બધું આવ્યે રાખવાનું. આ બધા સાથે પણ જો ખુશ રહેવાની ચાવી તમને મળી જશે તો પાછળની જિંદગીનો જંગ પણ તમે જીતી જશો તે ચોક્કસ!

બ્રિટિશ જેરિયાટ્રિક સોસાયટીના ‘એજ ઍન્ડ એજિંગ’ નામના સાયન્ટિફિક જર્નલમાં પબ્લિશ થયેલા એક રિસર્ચનું કહેવું છે કે જો વડીલો ખુશ હોય તો લાંબું જીવી શકે છે. આ વાત તો ખરી, ખુશ તો બધાએ રહેવું હોય છે, પણ ખુશ રહેવું કેવી રીતે? ખુશી દરેક વ્યક્તિ પર આધારિત છે. રિટાયર્ડ થઈને ફલાણા ભાઈને બહુ પૈસા મળ્યા છે એટલે એમને ચિંતા નથી. ફલાણા ભાઈનાં સંતાનો બધાં સારું ભણ્યાં અને સારી સારી જૉબ પર છે અને સારું કમાય છે એટલે એમને ચિંતા નથી. પેલા બહેનને દીકરાની વહુ સરસ મળી છે, તેમની સેવા કરે છે. પેલા ભાઈના છોકરાઓ તેમનો પડ્યો બોલ ઝીલે છે. બધા પાસે સારું છે અને મારી પાસે જ નથી એ વાત માણસને દુ:ખી જ કરી મૂકે છે.

આજના સમયમાં વડીલો જો પોતાની ખુશીનો આધાર બીજું નહિ, પોતે બનશે તો જ ખુશ રહી શકશે. તેથી દાદા-દાદીઓ આજે જ નક્કી કરો કે તમારે ખુશ રહેવાનું છે. તમે ધારો તો ચોક્કસ ખુશ રહી શકો. અહીં કેટલાક લોકોનાં ઉદાહરણ આપ્યાં છે કે તેઓ કેવી રીતે ખુશ રહે છે. તમે પણ અજમાવો.

નૂતન અરુણ સુક્કાવાલાનો અનારકલી ડાન્સ

ડાન્સ કરીને ખુશ

બોરીવલી વેસ્ટમાં રહેતાં ૭૨ વર્ષનાં રિટાયર્ડ બૅન્કર પુષ્પા શાહ અને તેમના પતિ ૮૦ વર્ષના રમેશભાઈ રિટાયર્ડ થયા પછી ડાન્સ કરવાનું ચાલુ કર્યું હતું, એટલું જ નહીં, આ વયે તેઓ પ્રોફેશનલ ડાન્સ શો કરે છે અને સુપરડુપર ફિટ છે! આ સુપરડાન્સર દાદા-દાદી ફૅમિલી ફંક્શનમાં, સિનિયર સિટિજનોનાં મંડળો કે ગ્રુપના કાર્યક્રમોમાં નાચે છે એવું નથી, તેઓ પ્રોફેશનલ ડાન્સ શો કરે છે. દોઢસોથી વધુ શો તેઓ કરી ચૂક્યાં છે, ટેલિવિઝન પર ડાન્સના પ્રોગ્રામ આપે છે અને બોરીવલીમાં ડાન્સ ક્લાસ ચલાવે છે. અહીં યાદ રહે કે અગાઉ ક્યારેય તેઓ નાચ્યાં નહોતાં, રિટાયર્ડ થયા પછી જ તે ચાલુ કર્યું. રમેશભાઈ અને પુષ્પાબહેન સુપર બિઝી છે. તેઓ કહે છે, ‘અમે નોકરિયાત હતાં ત્યારે એવા સંજોગો ના મળ્યા કે અમારી આ ટૅલન્ટને બહાર લાવી શકીએ. ૧૧ વર્ષ પહેલાં રિટાયર્ડ થઈ અમે જુદા જુદા સિનિયર સિટિઝનનાં ગ્રુપ અને મંડળોમાં મેમ્બર થયાં. ત્યાં એક વાર પ્રોગ્રામમાં અમે કપલ ડાન્સ કર્યો પછી હવે તો જે કોઈ ડાન્સ કરવા બોલાવે ત્યાં જઈએ છીએ. માત્ર સિનિયર સિટિઝનોના પ્રોગ્રામમાં જ નહીં, કોઈ પણ જાતના પ્રોગ્રામમાં લોકો અમને ડાન્સ કરવા બોલાવે છે અને અમે જઈએ છીએ. અત્યાર સુધીમાં દોઢસોથી વધુ પ્રોગ્રામ કરી ચૂક્યાં છીએ.’

આ કપલ બૉલીવુડનાં ગીતો, મરાઠી અને ગુજરાતી ગીતો પર પણ ડાન્સ કરે છે. પાંચેક વરસ પહેલાં ‘હૅપી ન્યુ યર’ ફિલ્મના પ્રમોશન માટે તેમને બોલાવ્યાં હતાં ત્યારે શાહરુખ ખાન સાથે ‘દિલસે’ ગીત પર ડાન્સ કર્યો હતો, ટીવી શો ડાન્સ દીવાને અને ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટમાં પર્ફોર્મ કરી ચૂક્યાં છે, મહારાષ્ટ્ર ડાન્સ શોમાં કોળી ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત કૉલેજો, મંદિરો કે મૉલમાં, સમાજોના કે પૉલિટિકલ કોઈ પણ પ્રોગ્રામોમાં તેમને લોકો બોલાવે છે. ડાન્સ માટે તેમને ઘણી બધી ટ્રોફીઓ મળી છે. આ કપલ આજે પણ કોરિયોગ્રાફરને ઘરે બોલાવે છે અને નવાં નવાં સ્ટેપ્સ શીખે છે, ડાન્સ માટે કૉશ્ચ્યુમના ખર્ચા કરે છે.

૮૦મા વર્ષે રમેશ શાહ ફિઝિકલી અને મેન્ટલી ફિટ છે, સરસ ડાન્સ કરી શકે છે. રિટાયર્ડ શિક્ષક છે, પણ ૩૦ વર્ષથી જે કોચિંગ ક્લાસમાં ભણાવતા હતા ત્યાં ભણાવે છે, પ્રાઇવેટ ટ્યુશન્સ પણ લે છે, લેખક છે; સ્પીચ અને ãસ્ક્રપ્ટ લખે છે. પ્રવૃત્તિના કારણે હું તન-મનથી ખુશ રહી શકું છું એમ જણાવતાં રમેશ શાહ કહે છે, ‘મને બી પી, ડાયાબિટીઝ કે આર્થરાઇટિસ જેવી કોઈ બીમારી નથી. ડાન્સ કરવાથી શરીર સારું રહે છે, મેન્ટલ પાવર ડેવલપ થાય છે, યાદશક્તિ ડેવલપ થાય અને અંગો વાળવાથી શરીર સ્ફૂર્તિમાં રહે છે.’

સેવા કરીને ખુશ

અંધેરી વેસ્ટમાં રહેતા ૭૪ વર્ષના ભરત ભટ્ટ દર બે દિવસે કૂપર હૉસ્પિટલમાં જઈ ત્યાં આવતા પેશન્ટને ગાઇડ કરવાનું કામ કરે છે. આ સેવાકાર્યની માહિતી આપતાં ભરતભાઈ કહે છે, ‘કૂપર હૉસ્પિટલ ૬ માળનું બિલ્ડિંગ છે. અહીં આવતા પેશન્ટ કેસ ક્યાં કાઢવો, કયા રોગ માટે કયા ડૉક્ટરને બતાવવું, ડૉક્ટર માટે ક્યાં જવું, કઈ વિન્ડો પર કઈ સેવા માટે પૂછવું, મેડિસિન ક્યાંથી મળશે, બાળકોના ડૉક્ટરો ક્યાં મળશે વગેરે જેવી સાવ નાની, પણ પેશન્ટને મૂંઝવણમાં મૂકતી બાબતોમાં પેશન્ટને ગાઇડ કરું છું.’

અંધેરીમાં વડીલો માટે ચાલતા સમન્વય ગ્રુપના તેઓ મેમ્બર છે અને ગ્રુપની પ્રવૃત્તિ અંતર્ગત તેઓ આ સેવા કરી રહ્યા છે. ભારતભાઈ રિટાયર્ડ માર્કેટિંગ પર્સન છે. ઘૂંટણમાં દુખાવાના કારણે તેમણે જૉબ છોડવી પડી હતી, પછી તેમણે નેચરોપથીનો અભ્યાસ કર્યો અને આજે લોકોને એની સારવાર કરે છે. તેઓ આ રીતે ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે.

ગમતી ઍક્ટિવિટી કરો

૬૮ વર્ષનાં અંધેરીમાં રહેતાં નૂતન અરુણ સુક્કાવાલાને બચપણથી ડાન્સનો શોખ હતો, પણ લગ્ન પછી આ પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ અને વધુમાં જૉબના કારણે ડાન્સનો ચાન્સ નહોતો મળતો તે રિટાયર્ડ થયા પછી સિનિયર સિટિઝન ગ્રુપ્સમાં મેમ્બર બન્યા પછી મળ્યો. ગ્રુપના ઍન્યુઅલ પ્રોગ્રામ્સ સહિતના પ્રોગ્રામ્સમાં તે ડાન્સ કરે છે. અનારકલીનો ડાન્સ તેમને ફેવરિટ છે. ડાન્સ કરવાથી કેવો અવર્ણનીય આનંદ આવે છે એની વાત કરતાં નૂતન સુક્કાવાલા કહે છે, ‘ડાન્સ કરવાથી અદ્ભુત આનંદ મળે છે, મારી અધૂરી ઇચ્છા પૂરી થતી લાગે છે. એટલું જ નહીં, મારા ડાન્સને અપ્રિશિયેશન મળે છે ત્યારે તો ઓર મજા આવે છે. હવેથી મને એમ લાગે છે કે મારે મારી ગમતી ઍક્ટિવિટી કરવી જોઈએ. હું સંગીત પણ શીખું છું, એની એક્ઝામો આપી છે. છેલ્લાં ૧૦ વર્ષથી હવેલીમાં ર્કીતન શીખું છું. ફિલ્મી ગીતો, ગુજરાતી ગીતો અને ગરબા પર ડાન્સ કરું છું.’

આ તો માત્ર થોડાં ઉદાહરણ છે કે વડીલો પોતાને ગમતી કે શોખની કે સેવાની પ્રવૃત્તિ કરીને પોતાને બિઝી રાખીને મોજમાં રહેવાનો કેવો પ્રયત્ન કરે છે. હવેથી તમે પણ બધી નેગેટિવિટી, ચિંતાઓ, નકામી પળોજણો છોડીને ખુશ કેમ રહી શકાય એના પ્રયત્નો ચાલુ કરી દો. જુઓ પછી એનો ચમત્કાર તમારી હેલ્થ પર કેવો થાય છે તે!

વડીલોએ શું કરવું જોઇએ?

વડીલોનું આયુષ્ય વધ્યું છે એનાં કારણોમાં ટેક્નૉલૉજી, હેલ્થકૅર સર્વિસ અને મેડિકલ ફૅસિલિટીઝ છે, પણ આ બધા સાથે પણ તમારે લાંબું , સુખી અને સ્વસ્થ જીવન મેળવવું છે તો શું કરવું પડશે? વડીલોની ખુશી શાના પર નિર્ભર હોય છે તે જોઈએ:

૧. જીવનસાથી - જીવનસાથી જો સારો, સમજુ અને મિત્ર જેવો હોય તો જિંદગીનાં વરસો વધી જાય. જીવનસાથી તરફથી સુખ ને શાંતિ ના હોય ત્યારે લાંબું જીવી નથી શકાતું.

૨. ઇમોશનલ સિક્યૉરિટી - ઇમોશનલ સિક્યૉરિટી નજીકના પરિવારથી મળે છે. ઉંમરના કારણે વડીલો ફિઝિકલી ડિપેન્ડન્ટ થઈ જાય છે. આજના સમયમાં ફાઇનૅન્શિયલ અને મેન્ટલ સ્ટ્રેસના કારણે સંતાનો પોતે જ ટેન્શનમાં હોય છે. તેઓ આ દોડમાં પેરન્ટને ટાઇમ આપી નથી શકતાં. તેથી સેલ્ફિશ બનીને પેરન્ટને સાચવતા નથી ત્યારે તેમની ઇમોશનલ સિક્યૉરિટી ખતરામાં આવી જાય છે.

૩. ફિઝિકલ ઇલનેસ - બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, જોઇન્ટ પેઇન, હાર્ટ પ્રૉબ્લેમ જેવી તકલીફો તેમને શરૂ થઈ ગઈ હોય છે. હૉસ્પિટલનાં વારંવાર ચક્કર અને નબળી હેલ્થના કારણે તેમને સંતાનો પર નિર્ભર થવું પડે છે. આ બધી બાબતો તેમની લાઇફ એક્સ્પેન્ટન્સી રિડ્યુસ કરે છે.

૪. મેન્ટલ ઇલનેસ - માનસિક તનાવ અને હતાશાના કારણે શારીરિક તકલીફો, જેવી કે અવારનવાર મૂડ બદલાઈ જવો, ભૂખ ઓછી થવી, વજન ઘટી જવું, ઊંઘ ઓછી થવી, મોટિવેશનનો અભાવ, કેટલાક કેસમાં સુસાઇડના વિચાર આવવા વગેરે તેમની હેલ્થને નબળી પાડે છે.

૫. ફાઇનૅન્શિયલ સિક્યૉરિટી - વડીલો જો આર્થિક રીતે સધ્ધર હોય તો પરિવાર પર આધાર રાખવો નથી પડતો. આર્થિક રીતે સધ્ધર હોય તો તેઓ સિક્યૉર ફીલ કરે છે.

૬. એક્સરસાઇઝ - હળવી કસરતો, ચાલવું, યોગા કરવા વગેરે રેગ્યુલર કરવામાં આવે તો વડીલોનું આયુષ્ય લાંબું અને સ્વસ્થ બની શકે છે.

૭. સોશ્યલ ઍક્ટિવિટી - વય ભલે વધી, તમે હંમેશાં કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં રહો. સમાજ સાથેની ઍક્ટિવિટી વધારો. બધા સાથે વાતોચીત કરો, તમારા અનુભવો શૅર કરો. આ બધું તમારા મનને પ્રફુલ્લિત રાખશે.

૮. ધાર્મિક બનો - મંદિર જાઓ, ભજન કરો , કથા-વાર્તાઓમાં જાઓ, ધાર્મિક પ્રવચનો સાંભળવા જાઓ. રેડિયો અને ટીવી પર પણ પ્રવચનો સાંભળો. આ પ્રવૃત્તિ પણ તમને પ્રસન્ન રાખશે.

૯. પર્સનલ સૅટિસ્ફેક્શન - અત્યાર સુધી મેં મારી જવાબદારીઓ પૂરી કરી છે અને હવે સંતાનો સુખી છે એ ફીલિંગ તમને હૅપી રાખે છે. તમારા અને સંતાનોના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું છે તથા મેં મારી બધી જવાબદારી સારી રીતે નિભાવી છે એ ફીલિંગ તમને આત્મસંતોષની લાગણી કરાવે છે, ખુશ કરે છે.

૧૦ સર્જનાત્મક અને પૉઝિટિવ પ્રવૃત્તિઓ- રિટાયર્ડમેન્ટમાં કોઈને ઉપયોગી થવાની અને પૉઝિટિવ પ્રવૃત્તિઓ કરો, જે તમને મનથી સુખી રાખશે અને તમે ખુશ રહી શકશો.

૧૧. શોખ પૂરા કરો - તમારા શોખ અત્યાર સુધી અધૂરા રહી ગયા છે એ પૂરા કરો. તમને મજા આવશે. તમને નાચવું છે, વાંચવું છે, ગાવું છે, જે કરવું હોય તે કરો.

આ પણ વાંચો : ખુદી કો કર બુલંદ ઇતના : જો જીવનમાં કાંઈ હાંસલ કરવું હશે તો સઘળું છોડવાની તૈયારી રાખવી પડશે

૧૨. બાળકોના અને પરિવારના મિત્ર બનો - તેમને સલાહો આપવાનું ટાળો. ઘરમાં મારું જ ધાર્યું થાય એવો ડોમિનેટિંગ સ્વભાવ છોડો. તેમને સલાહની જરૂર હોય ત્યાં જ આપો. આમ કરવાથી પરિવારના સભો સાથે ટકરાવ નહિ થાય.

૧૩. પૉઝિટિવ ઍટિટ્યુડ - દરેક બાબતને પૉઝિટિવ જુઓ, આત્મવિશ્વાસ વધારો, કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવી પડશે તો એને પહોંચી વળીશ એવો આત્મવિશ્વાસ રાખો.

-ડૉ. નિષ્ઠા દળવીનો અભિપ્રાય, કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ અને સાઇકોથેરપિસ્ટ

columnists