જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાથી ડૉલર ઊછળતાં સોનું અઢી મહિનાના તળિયે

06 April, 2019 12:01 PM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાથી ડૉલર ઊછળતાં સોનું અઢી મહિનાના તળિયે

ગોલ્ડ

જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર ઊછળીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો તેમ જ ટ્રેડવોર અને બ્રેક્ઝિટની સમસ્યાનો ઉકેલ સામે દેખાવા લાગતાં વર્લ્ડના તમામ સ્ટૉક ઇન્ડેક્સ મલ્ચમન્થ હાઈ લેવલે પહોંચતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું હતું અને વર્લ્ડ માર્કેટમાં સોનું અઢી મહિનાના તળિયે ૧૨૮૦.૫૯ ડૉલરે પહોંચ્યું હતું. જોકે આ લેવલે થોડી લેવાલી નીકળતાં ભાવ સુધર્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનના કૅશ અર્નિંગમાં છેલ્લા ૧૯ મહિના પછી પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો, માર્ચમાં કૅશ અર્નિંગ ૦.૮ ટકા ઘટ્યું હતું, જે ફેબ્રુઆરીમાં ૧.૨ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૮ ટકા વધારાની હતી. જપાનના હાઉસહોલ્ડ સ્પેન્ડિંગમાં ફેબ્રુઆરીમાં ૧.૭ ટકાનો વધારો થયો હતો, જે જાન્યુઆરીમાં બે ટકાનો વધારો હતો અને માર્કેટની ધારણા ૨.૧ ટકા વધારાની હતી. અમેરિકાના અનએમ્પ્લૉઇમેન્ટ બેનિફિટમાં વીતેલા સપ્તાહ દરમિયાન ૧૦ હજારનો ઘટાડો થયો હતો, આ ઘટાડા બાદ અનએમ્પ્લૉઇમેન્ટ બેનિફિટ ડિસેમ્બર-૧૯૬૯ પછીની એટલે કે સાડાઓગણપચાસ વર્ષના તળિયે પહોંચ્યા હતા. અમેરિકાના જૉબકટમાં માર્ચમાં ૨૧ ટકાનો ઘટાડો થઈ માર્ચમાં ૬૦,૫૮૭ લોકોએ નોકરી ગુમાવી હતી, ફેબ્રુઆરીમાં ૭૬,૮૩૫ લોકોએ નોકરી ગુમાવી હતી. જૉબકટમાં ૨૧ ટકાનો ઘટાડો થયો હતો, તેમ છતાં જૉબકટ ડેટા છેલ્લાં ૧૦ વર્ષના સૌથી હાઇએસ્ટ હતા. જપાનના નબળા કૅશ-સ્પેન્ડિંગ ડેટાને અને અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબડેટાને પગલે ડૉલર ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો અને સોનું અઢી મહિનાની નીચી સપાટીએ ગગડી ગયું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની માર્ચમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સ અનુસાર બહુમતી મેમ્બરોએ ૨૦૧૯ના અંત સુધી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આ મિનિટ્સ અનુસાર મેમ્બરોએ ઇકોનોમિક ડેટાની નબળાઈ, પૉલિટિકલ ક્રાઇસિસ અને ટ્રેડવોર અંગે ચિંતા વ્યક્ત કરીને મૉનેટરી પૉલિસીમાં હાલ કોઈ ફેરફાર ન કરવાનો મત વ્યક્ત કર્યો હતો. જપાનના નબળા ઇકૉનૉમિક ડેટા અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ બતાવે છે કે ગ્લોબલ સ્લોડાઉનનો ભય હજુ યથાવત્ છે. બ્રેક્ઝિટ, ટ્રેડવૉરની સમસ્યા થોડી હળવી થવાની સાથે અમેરિકા-ચીનના કેટલાક ઇકૉનૉમિક ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવતાં સોનામાં એકસાથે વેચવાલી આવી છે, પણ સોનામાં તેજી થવાના ચાન્સીસ હજુ યથાવત્ છે. ટ્રેડવોર અને બ્રેક્ઝિટની સમસ્યાનું સમાધાન થવા અંગે પૉઝિટિવ ડેવલપમેન્ટ થશે તો સોનું હજુ ઘટશે, પણ દરેક ઘટાડે સોનામાં ખરીદી કરનારને લૉન્ગ ટર્મ તેજીનો મોટો લાભ મળશે.

રશિયા, ચીન, તુર્કી અને કઝાકિસ્તાનનો ડૉલર વેચીને સોનું ખરીદવા વધતો ટ્રેન્ડ

ઇન્ટરનૅશનલ પેમેન્ટ ઑપેરેટર સ્વિફ્ટના રિપોર્ટ અનુસાર ૨૦૧૮માં ગ્લોબલ ટ્રેડમાં ડૉલરનો વ્યવહાર ૪૦ ટકા ઓછો થયો છે, કારણ કે મોટા ભાગના દેશો ડૉલર વેચીને સોનું ખરીદી રહ્યા છે. રશિયા છેલ્લાં છ વર્ષથી ડૉલર વેચીને સોનાની રિઝર્વ વધારી રહ્યું છે. ચીન પણ ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે. ચીને છેલ્લા ત્રણ મહિનામાં ૩૨ ટન સોનું ખરીદ્યું હતું. તુર્કી અને કઝાકિસ્તાન પણ ડૉલર રિઝર્વ ઘટાડીને સોનાની રિઝર્વ વધારી રહ્યાં છે. આ ચાર દેશ ઉપરાંત ભારત, પોલૅન્ડ અને હંગેરી પણ સોનાની રિઝર્વ વધારી રહ્યાં છે. વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોએ ૨૦૧૮માં ૬૫૧ ટન સોનું ખરીદ્યું હતું, જે ૨૦૧૭થી ૭૪ ટકા વધુ હતું.

columnists