બોર અહીં માત્ર ખવાતા નથી ઉછાળાય પણ છે

13 January, 2020 04:54 PM IST  |  Mumbai Desk | pooja sangani

બોર અહીં માત્ર ખવાતા નથી ઉછાળાય પણ છે

પોષ સુદ પૂનમ એટલે કે અંગ્રેજી કૅલેન્ડર મુજબ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦નો દિવસ છે અને વહેલી સવારનું દૃશ્ય છે. મધ્ય ગુજરાતમાં આવેલા ખેડા જિલ્લાના મુખ્ય નગર નડિયાદમાં પ્રવેશના તમામ રસ્તાઓ એસટી બસો, મોટરકારો, ટૂ-વ્હીલર, રિક્ષા અને બીજાં વાહનોથી ચિક્કાર ભરાયેલા છે. યુગલો અને તેમના પરિવારો નાનકડાં બાળકોને તેડીને પસાર થઈ રહ્યાં છે. સવારથી જ નડિયાદ શહેરના પ્રવેશદ્વાર એવા તમામ રસ્તાઓ પર બોરની લારીઓ, ખૂમચાવાળાઓ બોરના ભાવ સાથે બૂમાબૂમ કરી રહ્યા છે. ગ્રાહકો તેમની પાસેથી જ બોર ખરીદે એ માટે જાતજાતના અવાજ કરી રહ્યા હોય છે. હાથમાં બોરથી થેલીઓ લઈને ગ્રાહકોને આપી દેવા માટે મથામણ કરી રહ્યા હોય છે. 

ઘણી લારીઓ અને ખૂમચાઓ પર બોરનો ઢગલો હોય છે અને બોરની જથ્થાબંધ બોરીઓ પડી હોય છે. અને આ માહોલ શહેરના કોઈ પણ પ્રવેશદ્વારથી લઈને છેક ઐતિહાસિક શ્રી સંતરામ મહારાજના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સુધી જોવા મળી રહ્યો છે. બીજા બાજુ પોલીસ ટ્રાફિક જૅમને રોકવા, આડા અવળા પસાર થતાં વાહનોને શિસ્તમાં લાવવા અને પબ્લિકને એક સ્થળે ભેગી થતી અટકાવવા માટે સિસોટી વગાડતા હોય છે અને બૂમાબૂમ કરીને મથામણ  કરી રહ્યા હોય છે. આ બધી ધમાલ વચ્ચે માનવ મહેરામણ ઉત્સાહ સાથે આગળ વધી રહ્યો છે અને જેમનું કામ પૂર્ણ થઈ રહ્યું છે તે સંતોષ અને આનંદના મિશ્રિત ભાવ સાથે પરિવાર સાથે વાતો કરતાં-કરતાં કાખમાં રહેલા નાનકડા બાળકને વહાલ કરતાં-કરતાં બહાર આવી રહ્યા છે અને જે વાહન મળે એમાં પોતાના ઘરે જવાની ઉતાવળ કરી રહ્યા હોય છે. બસ, તો આ માહોલ મોડી સાંજ સુધી ચાલે છે અને ધીરે-ધીરે શહેર શાંત પડતું જાય છે. રાત પડતાં-પડતાં તો રાબેતા મુજબ સન્નાટો છવાઈ ગયો હોય છે. બોર વેચીને એક દિવસ માટે કમાણી કરનાર ગરીબ ફેરિયાઓ પૈસાનો હિસાબ કરીને ઘરે પાછા ફરતા હોય છે અને પછી તો શહેર પોઢી જઈને બીજા દિવસના સૂર્યોદય પર વળી પાછા નિત્યક્રમમાં લાગી જશે.  
તો મિત્રો, આ વાત હું કરી રહી છું નડિયાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના મંદિરની.
આપણે દર વખતે ફૂડની વાત તો કરીએ જ છીએ, પરંતુ ફૂડની સાથે જાડાયેલી શ્રદ્ધા અને પરંપરાઓ જોડાયેલી છે એની વાત પણ કરીએ તો તમને ખૂબ જ મજા આવશે. દરેક જાણીતા મંદિર, એનો પ્રસાદ, એની સાથે સંકળાયેલી પરંપરા અને લોકવાયકાઓ જાણીતી હોય છે તો આજે આપણે મધ્ય ગુજરાતમાં આવેલા ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના મંદિર અને ત્યાંની બોર ઉછાળવાની પરંપરા વિશે જાણીશું.
આ બોર ઉછાળવાની પરંપરા એટલે શું? તો એના વિશે આપને જણાવું કે દર હિન્દુ પંચાંગ વર્ષ મુજબ પોષ મહિનાની પૂનમ કે જેને પોષી પૂનમના દિવસે શ્રી સંતરામ મહારાજના મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે અને પોતાનું નાનું બાળક બોલતું થાય, તોતડાતું હોય તો સ્પષ્ટ અને કડકડાટ વાણી આવે એ માટે સંતરામ મંદિરના ચોકમાં બોર ઉછાળીને પોતાની બાધા પૂરી કરે છે. ૧૮૦ વર્ષ કરતાં પણ જૂની પરંપરા સંતરામ મંદિર ખાતે અવિરતપણે ચાલતી આવે છે અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. જે યુગલનાં બાળકોની બે વર્ષ કે તેથી વધુ વય થઈ જાય એ પછી પણ યોગ્ય વાણી ફૂટી ન હોય તો તેના માટે સંતરામ મંદિરની નિર્દોષ બાધા રાખે છે.
એમાં એવી માન્યતા છે કે દર વર્ષે પોષી પૂનમના દિવસે મંદિરના પરિસરમાં આવીને બોર ઉછાળવામાં આવશે તો તેમનાં સંતાનો ઝડપથી બોલતાં થઈ જાય છે. તેઓ આ દિવસે મંદિરમાં આવીને ખોબા ભરીને-ભરીને શિયાળામાં મળતાં મીઠાં બોર ઉછાળે છે. ભગવાનનું નામસ્મરણ કરતાં-કરતાં ચીકુથી નાની સાઇઝનાં લીલાં બોર મંદિરની છત પર ચડીને અથવા બોર ઉછાળવા માટે તૈયાર કરવામાં આવેલા માંચડાઓ પર ચડીને યુગલો ઉછાળે છે અને નીચે પડેલાં બોર શ્રદ્ધાળુઓ અને ગરીબ લોકો દ્વારા વીણી લેવામાં આવે છે અને પ્રસાદ તરીકે ખાવામાં આવે છે. ખૂબ ઉત્સાહભર્યો માહોલ હોય છે અને લોકો બોર ઉછાળીને આશા સાથે પરત ફરે છે કે તેમનું બાળક ટૂંક સમયમાં બોલતું થઈ જશે અને તેની ભાષાથી ઘરના તમામ સભ્યો આનંદમાં ગરકાવ થઈ જશે.’
આ વિશે મંદિરના સેવા આપતા મહેશ પટેલ કહે છે, ‘૧૮૦ વર્ષ પહેલાં શ્રી સંતરામ મંદિરના દિવંગત શ્રી લક્ષ્મણદાસજી મહારાજ પાસે એક યુગલ આવ્યું હતું અને પોતાનું સંતાન બોલતું ન થયું હોવાની ચિંતા વ્યક્ત કરી હતી, જે સાંભળીને મહારાજશ્રીએ આશીર્વાદ આપીને કહ્યું હતું કે તમારું બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય ત્યારે તારા ખેતરમાં જે ફળ થયું હોય એ મંદિરમાં ચડાવી જજે. ત્યાર બાદ તે બાળક સારી રીતે બોલતું થતાં જ ખેતરની બોરડી પરથી બોર ઉતારીને પોષી પૂનમના દિવસે મંદિરમાં બોર અર્પણ કરીને માનતા પૂરી કરી હતી. ત્યાર બાદથી બોર અર્પણ કરવાની અને બોર ઉછાળવાની પરંપરા ચાલી આવી છે એને ચરોતર પ્રદેશમાં બોર પૂનમ પણ કહેવામાં આવે છે. જે શ્રદ્ધાળુઓ પોષી પૂનમના દિવસે આવી શકતા ન હોય તેઓ ચાલુ દિવસે મંદિરમાં બોર અર્પણ કરીને પણ બાધા પૂરી કરતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચે છે અને શ્રદ્ધાથી બોર ઉછાળવાની પરંપરાને આગળ ધરાવે છે. આ એક જ દિવસમાં ટનબંધ બોર ખપી જાય છે અને દસ હજાર કિલોથી પણ વધુ બોર ઉછાળવામાં આવે છે.
લાંભા ખાતે શ્રી બળિયા દેવનું મંદિર
જો બાળકો સાથેની પરંપરાની જ વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા ખાતે આવેલું શ્રી બળિયાદેવ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. પોતાના બાળકને આરોગ્યને લઈને કોઇ તકલીફ ન થાય અને ખાસ કરીને ઓરી કે અછબડા નીકળે ત્યારે એ ઝડપથી મટી જાય એ માટે લાંભા ખાતે શ્રી બળિયા દેવ મંદિર ખાતે આવીને ભોજન ખાવાની બાધા રાખતા હોય છે. દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો આવી પહોંચે છે અને બાળકને પ્રભુ સમક્ષ નમાવીને બાધા પૂરી કરી છે. ત્યાર બાદ ઘરેથી આગલા દિવસે બનાવીને લાવેલાં થેપલાં, બટાટાનું શાક, દહીં, ચવાણું, લાડવા કે બીજી કોરી મીઠાઈ આરોગીને બાધા પૂરી કરે છે. એના માટે મંદિરમાં ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરની બહાર રોડ પર ફેરીયાઓ બેઠા હોય છે અને તેઓ થેપલાં, મરચાં, અથાણું વગેરે વેચે છે જેથી ત્યાંથી ખરીદીને પણ પણ ખાઈ શકાય છે.
હવે, મારા ફૂડી મિત્રોને ગમે એવી મસ્ત વાત કરું? આ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચવાણું અને બુંદીના લાડુની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરની અંદર ત્રણ કાઉન્ટરો કાયમ માટે ઊભાં કરવામાં આવેલાં છે ત્યાં તદ્દન વાજબી ભાવે ખૂબ જ સ્વાદિષ્ટ ચવાણું અને મીઠી બુંદીના લાડુ આપવામાં આવે છે. લાડુ ૪૦ રૂપિયાના જ્યારે ચવાણું ૩૫ રૂપિયા પ્રતિ ૫૦૦ ગ્રામના ભાવે વેચવામાં આવે છે. શ્રદ્ધાળુઓ હોંશે-હોંશે આરોગે છે અને પોતાના પરિવાર, મિત્રો અને સગાંસંબંધીઓ માટે પણ ઘરે લઈ જાય છે.
તો સાચે મિત્રો, જે ઉક્તિ છે કે પ્રભુ ભૂખ્યો ઉઠાડે છે, પરંતુ ભૂખ્યો ઊંઘાડતો નથી એ આવાં પ્રસિદ્ધ મંદિરો અને એની સાથે જોડાયેલી પરંપરાઓથી સાબિત થાય છે. તો મિત્રો, બસ આપડે તો ખાઈપીને મોજ કરવાની. ઈશ્વરને પણ નથી પસંદ કે તેમનાં સંતાનો ભૂખ્યાં સૂવે કે કોઈને ભૂખ્યા સૂવા દે. એટલે જ કહેવાય છેને કે ‘ભૂખ્યાં ભજન ન થાય રે ગોપાલા’. તો બસ, કરો ખાઈપીને મોજ.

columnists Gujarati food mumbai food indian food