અમિતાભ હોય કે અંબાણી, કામ તો કરતાં જ રહેવું પડે

21 December, 2019 03:36 PM IST  |  Mumbai | Sanjay Raval

અમિતાભ હોય કે અંબાણી, કામ તો કરતાં જ રહેવું પડે

અમિતાભ બચ્ચન

આ મારું કામ નથી, આ કામ હું નહીં કરી શકું, આ કામ મારાથી ન થઈ શકે, આ કામ મારે માટે યોગ્ય નથી.

આ કે આવા એક પણ વિચારને ક્યારેય મનમાં લાવશો નહીં. દરેક કામ કે પછી જે તમને સોંપવામાં આવ્યું છે એ કામ તમારા માટે જ બન્યું છે અને તમે એ કરવા માટે સક્ષમ છો. આ કોઈ સુફિયાણી સલાહ નથી કે પછી આવું કોઈ હકારાત્મક ભાવ સાથે કહેવામાં આવ્યું નથી. આ વાત શ્રીમદ ભગવદ્ગીતામાં કહેવામાં આવી છે અને એ સ્વયં કૃષ્ણ ભગવાને કહી છે. તમે જ કહો, શું ભગવાન ક્યારેય પક્ષપાતી હોઈ શકે ખરા? જો ભગવાન પક્ષપાતી ન હોય, જો ભગવાન ક્યારેય કોઈ પક્ષપાત રાખવા માગતા ન હોય તો એનો અર્થ સીધો એ જ થયો કે ભગવદ્ગીતામાં કહેવાયેલી વાત તમને એટલે કે વાંચનારાને સીધી લાગુ પડે છે. વાત માત્ર એટલી છે કે મનમાંથી એને માટેની નકારાત્મકતા કાઢવાની છે. કરવામાં આવતા દરેક કામનું ફળ મળવાનું જ છે. એ વહેલું-મોડું મળે એવું બને, પણ કરેલા કામનું ફળ મળશે કે નહીં એને માટે શંકા રાખવાની જરૂર નથી. મેં કહ્યું એમ, ભગવાન પક્ષપાતી નથી. તમે કામ કરશો તો ફળ તમને આપશે અને બીજું કોઈ કરશે તો એનું ફળ તેને આપશે, પણ એ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે પૂરું કરશે જ કરશે. વાત માત્ર મનમાંથી નકારાત્મકતા કાઢીને એને હકારાત્મક રીતે જોવાની છે.

aના, અમિતાભ બચ્ચને આજની તારીખે પણ કામ અટકાવ્યું નથી અને સ્ટીવ જૉબ્સે પણ નાસીપાસ થઈને એવી કોઈ વાત કરી નહોતી. સાહેબ, મોત આંખ સામે હોય અને એ પછી પણ તમે તમારા હાથમાં રહેલું છેલ્લું કામ પૂરું કરો એનું નામ કાર્યદક્ષતા. મોત આવવાનું છે એની ખબર પડી ગયા પછી પણ તમે તમારા કામ માટે સતત સજાગ રહો એનું નામ કાર્યસિદ્ધતા. ખબર જ છે કે મર્યા પછી બધું મૂકીને નીકળી જવાનું છે એ પછી પણ અમિતાભ બચ્ચને કામ પડતું નથી મૂક્યું. કામને આપવામાં આવેલું આ સન્માન છે. કામને આપવામાં આવેલો આ સત્કાર છે. કામને માન આપવું પડે, એનો સત્કાર કરવો પડે. જો તમે કામને માન ન આપો, સત્કાર ન આપો તો કામ ક્યારેય તમારી પાસે રહે નહીં. કામના પરિણામથી થાકી-હારીને તમે નીકળી જાઓ તો ચાલે નહીં. ક્યારેય સાંભળ્યું છે કે  મહાન અને મોટા ગજાના સાયન્ટિસ્ટો પહેલી જ વારમાં સક્સેસ મેળવી શક્યા હતા? તેમણે અસંખ્ય પ્રયત્ન કર્યા હતા, અઢળક એક્સપરિમેન્ટ કર્યાં હતાં અને એ પણ એક ને એક, વારંવાર. કંટાળી ગયા હતા, થાકી ગયા હતા અને ત્રાસી ગયા હતા એ પછી તેમને સફળતા મળી હતી. તમે વાંચો કોઈ સાયન્ટિસ્ટની બાયોગ્રાફી. તમને દેખાશે એનો અથાક પ્રયાસ કેવો હતો અને કેવી રીતે તેઓ મચી પડ્યા હતા. મિત્રો, એક વાત મારે કહેવી છે કે જીવનમાં જેટલી પણ બાયોગ્રાફી વાંચવા મળે એ વાંચજો. તમારા અનુભવમાં જબરદસ્ત ઉમેરો થશે. આત્મકથા ક્યારે સફળતાના આધાર પર નથી લખી શકાતી, એવી આત્મકથાનું કોઈ મૂલ્ય નથી હોતું. આત્મકથા હંમેશાં નિષ્ફળતાના આધારે લખી શકાતી હોય છે. જેટલી વધુ પછડાટ તમે ખાધી હોય, જેટલી વધુ તકલીફો તમે વેઠી હોય એટલી દળદાર અને રસપ્રદ આત્મકથાનું નિર્માણ થાય. આત્મકથા અભિષેક બચ્ચનની ન હોય, આત્મકથા અમિતાભ બચ્ચનની જ હોય. આત્મકથા સંઘર્ષની હોય, આત્મકથા પુરુષાર્થની હોય. એક સામાન્ય ડાયમન્ડ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે.

જ્યારે ડાયમન્ડ આફ્રિકાની ખાણમાંથી નીકળે છે ત્યારે એનું એક મૂલ્ય છે, પણ એ ફરતો-ફરતો સુરત આવે અને પછી ફરી પાછો દેશ-દુનિયા ફરીને તમારા હાથમાં આવે ત્યારે એનું મૂલ્ય જુદું હોય છે. એના સ્વરૂપમાં કોઈ ફરક નથી પડ્યો હોતો, એના કૅરૅટ પણ વધતા નથી. એ બધું તો એનું એ જ હોય છે જે ખાણમાંથી કાઢવામાં આવ્યો ત્યારે હતું, પણ એનું રૂપ બદલાઈ ગયું હોય છે. એ ડાયમન્ડે અસંખ્ય સર્જરી સહન કરી હોય છે, શાઇનિંગ માટે તેણે છરકાઓ ખાધા હોય છે અને સાચા આકાર માટે તેણે કરવતો સહન કરી હોય છે. એ પછી એ તમારા ગળા કે આંગળીમાં સેટ થવાને લાયક બને છે. તમારી જે નિષ્ફળતા છે એ તમને મળેલો પેલો ડાયમન્ડનો કટ છે. દરેક નિષ્ફળતા તમારું રૂપ, તમારું સ્વરૂપ બદલાવવાનું કામ કરશે. સમય પોતાનું કામ કરશે. એ તમને એક દિશામાંથી બીજી દિશામાં અને બીજી દિશામાંથી ત્રીજી દિશામાં ફેંક્યા કરશે. એ તમને ઈજા આપશે, શ્રમ કરાવશે, દોડાવશે અને હંફાવશે પણ ખરો. થકવી દેશે તમને, પછડાટ આપશે અને ઉપરથી નીચેની દિશામાં ફેંકશે પણ ખરો, પણ એનો અર્થ એ નથી કે તમે થાકી-હારીને બેસી જાઓ. હાથ પર હાથ ધરીને આરામ શરૂ કરી દો. જ્યારે પણ એવો વિચાર આવે ત્યારે તમારે બે વ્યક્તિને યાદ કરવાના. એક અમિતાભ બચ્ચન અને બીજા મુકેશ અંબાણી. આ બન્ને શ્રેષ્ઠ આઇડલ છે. એકે અઢળક કામ કર્યું અને એ પછી પણ તેમનું કામ આજે પણ ચાલુ જ છે. બીજા પાસે બધું જ છે અને એ પછી પણ તેમની મહેનત ચાલુ જ છે.

તમારે આગળ વધવાનું છે અને જો તમે આગળ વધશો, જો તમે ચાલવાનું ચાલુ રાખશો તો જ તમે આવી રહેલા એ ચેન્જને સ્વીકારવાને લાયક બનશો. બદલાવ નિરંતર છે. યાદ રાખજો કે જીવનમાં બે નિરંતર છે. એક ચેન્જ અને બીજો સમય. બદલાવ કોઈને માટે ઊભો રહેશે નહીં અને એવી જ રીતે સમય પણ કોઈને માટે ઊભો રહેવાનો નથી. અશક્ય, અસંભવ કે સમય તમારે માટે ઊભો રહે, ના, ક્યારેય નહીં.

તમારે સમય પ્રમાણે જાતને મોલ્ડ કરવી પડે અને દરેક કામને કરવાની તૈયારી કેળવવી પડે. દરેક કામ ફાયદો ન કરાવે એવું પણ બને, આર્થિક રીતે તમને કોઈ સીધો લાભ ન થાય એવું પણ બને, પણ હા, એ ભૂલવું ન જોઈએ કે દરેક કામ તમારા અનુભવના ભાથામાં ઉમેરો કરશે. કયો અનુભવ કયા સમયે તમને કેટલા ઉપયોગી બનશે એ કોઈ કશું કહી શકતું નથી. અનુભવના છોડને વટવૃક્ષ કેવી રીતે બનાવવું એ તમારા હાથમાં છે, કારણ કે છોડને કાર્યરૂપી પાણી પણ તમારે આપવાનું છે અને એ માટે તમારે સતત કાર્યરત રહેવાનું છે.

કોઈ પણ કામ હોય, ગમે એ કામ હોય. એનો સ્વીકાર કરો અને સહર્ષ એ કામમાં લાગી જાઓ. સમય પોતે પરીક્ષા લેતો હોય તો પણ તમારે એ પરીક્ષાને સહર્ષ સ્વીકારવી જોઈશે. જો એ સ્વીકારી શકશો તો અને તો જ નવા કામને પણ તમે આવકારી શકશો. અનેક વખત એવું બનતું હોય છે કે નવા કામ માટેની લાયકાત એક જ હોય, અનુભવ. જો અનુભવ નહીં હોય તો નવા કામ માટે બાકીની બધી લાયકાત હશે તો પણ તમને એ કામને લાયક ગણવામાં નહીં આવે. મેં મારા જીવનમાં અનેક એવાં કામ કર્યાં છે જે કામની આજે વાત કરું તો પણ હસવું આવે. એક હોટેલમાં વેઇટર તરીકે પણ મેં કામ કર્યું છે તો આજે એક પણ પૈસાનો ચાર્જ લીધા વિના ગાંઠનાં ગોપીચંદ કરીને હું લેક્ચર માટે પણ જાઉં છું. જેમ મહેનત તમારા હાથમાં છે એમ એ મહેનતનું ફળ આપવાનું ઉપરવાળાના હાથમાં છે. ફરી એક વાર કહી દઉં, ઉપરવાળો પક્ષપાતી નથી. એ ‘એક્સ’ને ઓછું અને ‘વાય’ને વધારે આપવામાં માનતો નથી. ભરોસો રાખજો.

આ બન્ને શ્રેષ્ઠ આઇડલ છે. એકે અઢળક કામ કર્યું અને એ પછી પણ તેમનું કામ આજે પણ ચાલુ જ છે. બીજા પાસે બધું જ છે અને એ પછી પણ તેમની મહેનત ચાલુ જ છે

Sanjay Raval mukesh ambani amitabh bachchan columnists