પૂછો તમારી જાતને, તમે સુખી છો કે દુખી?

15 November, 2019 02:29 PM IST  |  Mumbai | Rashmin Shah

પૂછો તમારી જાતને, તમે સુખી છો કે દુખી?

પ્રતીકાત્મક તસવીર

જરૂરી નથી કે તમે સુખી હો. ના, જરા પણ જરૂરી નથી. પણ હા, એટલું જરૂરી છે કે તમે દુખી ન હોવા જોઈએ. જીવનમાં પણ આ જ વાતને સૌથી વધારે પ્રાધાન્ય આપજો. સુખી ન હો તો ચાલશે પણ દુઃખ તો ન જ હોવું જોઈએ.

સુખ શાશ્વત છે. સદીઓથી ચાલતું આવે છે અને સદીઓ સુધી એ ચાલતું રહેવાનું છે. એને ક્યારેય કોઈ પકડીને દેખાડી શકવાનું નથી અને એનું ક્યારેય ક્યાંય પ્રદર્શન નથી થઈ શકવાનું અને એટલે જ સુખ ક્યારેય કોઈ એક વ્યાખ્યામાં બાંધી શકાયું નથી. કોઈ માટે સુખ એટલે આજીવિકા છે તો કોઈ માટે સુખ એટલે ધાર્યું કરાવવાની નીતિ છે. કોઈ માટે શાંતિ એટલે સુખ છે અને કોઈ માટે વિકાસમાં સુખનો પરકાયા પ્રવેશ છે. જરૂરી નથી કે તમે તમારા સુખને ક્યાં જુઓ છો, કેવી રીતે જુઓ છો. ના, જરા પણ જરૂરી નથી અને એટલે જ મહત્વનું એ છે કે તમે સુખી નહીં હો તો ચાલશે પણ તમે દુઃખી ન હો એનું ધ્યાન રાખજો. સુખી નહીં હોય તો કશું લૂંટાઈ નથી જવાનું પણ જો દુઃખી હશો તો સુખના ઓચ્છવ વચ્ચે પણ એ સુખ તમને ભીંજવી નહીં શકે. નક્કી કરો આજથી કે સુખી થઈ શકો કે નહીં પણ દુઃખી તો નથી જ થવું. યાદ રાખજો, સુખ કોઈ આપી શકે અને એ કોઈને આધીન પણ હોઈ શકે, પણ દુઃખ માત્ર અને માત્ર તમારા આધાર પર છે.

રાતે ઘરે આવવામાં મોડું કરતા પતિની એ આદત તમારું દુઃખ હોઈ શકે અને બની શકે કે સવારના ચા બનાવતી વખતે બગડી ગયેલું દૂધ તમારા દુઃખની પરિભાષા હોઈ શકે. ધાર્યું ન થાય અને દુઃખ આવે એવું પણ બની શકે અને એક માર્ક માટે સ્કૂલમાં સેકન્ડ નંબર પર આવેલા દીકરાને જોઈને પણ અફસોસનું દુઃખ થાય. જેમ સુખની વ્યાખ્યા અપાર છે એમ જ દુઃખની પરિકલ્પના પણ લક્ષ્મણરેખા વિહીન છે. સુખ માટે વલખાં મારવાં પડશે પણ દુઃખી ન થવા માટે, દુઃખી ન થવા માટે વલખાંઓને શાંત કરવા પડશે. દુઃખને પાસે આવતાં રોકવું પડશે અને દુઃખી થવાની નીતિ છોડવી પડશે. મનમાં એક જ વાતને સ્ટોર કરીને રાખવી પડશે, સુખ ન મળે તો વાંધો નહીં પણ દુઃખ નથી જોઈતું. સુખ શોધવા માટે નીકળેલા ખાલી હાથે પાછા ફરે એવું બને અને એવું સેંકડો વાર બની શકે પણ દુઃખ છોડવા ગયેલો ક્યારેય દુઃખ સાથે પાછો નથી ફરતો. મૂકી દો દુઃખનો ટોપલો રઝળતો. જગતની એકમાત્ર આ સંપ‌િત્ત એવી છે જે કોઈ લૂંટી જવાનું નથી અને જો એ કોઈ લૂંટવાનું ન હોય તો પછી શું કામ સાથે લઈને ફરવું છે, ભાર ઉપાડવો છે? સીધી વાત, સરળ વાત. દુઃખી નથી થવું. દુઃખી નહીં હો તો દુઃખી કરવાની માનસિકતા પણ નીકળી જશે અને જો એવું કર્યું તો ગણિતની ત્રિરાશિના હિસાબ સીધો અહીં લાગુ પડશે. જો દુઃખી નહીં કરો તો ત્રાહિતને સુખ આપ્યાનો આનંદ પણ મળશે.

સુખ ક્ષણિક છે અને દુઃખ પણ ક્ષણિક છે, પણ આ ક્ષણિક દુઃખની આવરદા લાંબી કરવાનું પાપ આપણે કરી બેસીએ છીએ. દુઃખમાં ઑક્સિજન ભરીને પણ જો દુઃખી નહીં થવાની નીતિ અપનાવી લેશો તો દુઃખ સાચા અર્થમાં ક્ષણિક બનીને ઊભું રહેશે અને લાંબો સમય પોતાના પગ પર ઊભું નહીં રહી શકે. સૉરી, પણ ન ગમે એવી એક વાત કહેવાનું મન થાય છે. સંતાનને જાતમાં સમાવી રાખવાની ક્ષમતા ધરાવતી મહિલાઓ જાતને દુઃખી કરવાની આદત સૌથી વધારે ધરાવે છે. આ સ્વભાવગત છે અને આ સ્વભાવને છોડવો આવશ્યક છે. જો દુઃખી ન થવું હોય તો, જો દુઃખી ન રહેવું હોય તો. વારંવાર એક વાત કહેવાનું મન થાય છે. સુખ આપવા માટે કોઈની આવશ્યકતા રહે, પણ એકાંત માણસને ક્યારેય દુઃખી નથી કરતું અને કરમની કઠણાઈ એ છે કે આજે એકાંત જ દુઃખદાયી બની ગયું છે. એકાંતને માણતાં શીખી ગયા તો દુઃખી થવાની નીતિ છૂટી જશે. જો સમયને માણતાં શીખી ગયા તો પણ દુઃખી થવાની રીતમાંથી છુટકારો મળી જશે. જો અવસ્થાને અનુભવતાં શીખી ગયા તો પણ દુઃખી થવાની પ્રક્રિયામાંથી બહાર આવી જશો. સુખી થવાનો સૌથી સરળ રસ્તો એક જ છે, દુઃખી થવાનું છોડી દો. કહ્યું એમ, સુખી થવા માટે કોઈની આવશ્યકતા રહેશે, પણ એકલા દુઃખી નથી થઈ શકાતું અને એ પછી પણ ધારો કે તમે એકલા દુઃખી થતા હો તો તમારા આ એકલવાયાપણાને નવી આદત આપો. દુઃખી નહીં થવાની આદત. ઘર ખાવા નહીં દોડે, એકાંત બટકાં ભરવાની પ્રક્રિયા અટકાવી દેશે અને એકલતા તમારી અંદર ભરાઈ રહેવાનું કામ છોડી દેશે. દુઃખી ન હો એ જ મૂળ મંત્ર હોવો જોઈએ પણ દુન્યવીપણાએ આ સરળ વાતને કન્ફયુઝન આપી દીધું અને સુખ પાછળ ભાગતા કરી દીધા.

સુખી હોવું એટલે શું? પૂછજો એક વાર તમારી જાતને અને એ જવાબનું મૂલ્યાંકન પણ તમે જાતે જ કરજો. તમને કોઈ સાઇકિયાટ્રિસ્ટની આવશ્યકતા નહીં રહે, કોઈ સોશ્યોલૉજિસ્ટની જરૂરિયાત નહીં રહે. સુખી હોવું એટલે દુઃખી ન હોવું. સહજ અને સરળ જવાબ છે આ, પણ આ સહજ અને સરળ જવાબને પામવાને બદલે એને અનેક અવસ્થાઓ સાથે જોડી દેવાનું પાપ સૌ કરી બેઠા છે. જે કંઈ થઈ રહ્યું છે એમાં જો તમે નિમિત્ત હો અને એને લીધે પરિણામ બગડી રહ્યું હોય તો નિમત્ત બનવાનું છોડી દો અને ધારો કે જે કંઈ થઈ રહ્યું છે એમાં તમે નિમિત્ત નથી તો જાતને કોસવાનું છોડી દો. વાતને વળ નહીં સરળ બનાવો અને સીધો નિયમ કરી નાખો. સુખ નહીં મળે તો ચાલશે પણ દુઃખ નથી જોઈતું. સુખી નહીં થવાય તો ચાલશે પણ દુઃખી નથી રહેવું.

સાહેબ, સુખ સહજ થઈ જશે, જીવનની તમામ ક્ષણમાં સુખનો સાક્ષાત્કાર થશે. જરૂરી માત્ર એટલું જ છે. બસ, તમે દુઃખી ન હોવા જોઈએ.

columnists Rashmin Shah