લુપ્ત થતું લખપત... ઝંખે છે જાળવણી

03 December, 2019 02:41 PM IST  |  Mumbai | Sunil Mankad

લુપ્ત થતું લખપત... ઝંખે છે જાળવણી

હાટકેશ્વર મંદિર

કચ્છની પાકિસ્તાનને અડીને આવેલી દરિયાઈ સરહદ જ્યાંથી શરૂ થાય છે ત્યાં ખાડી જેવી કોરી ક્રીકના કાંઠે આવેલું સરહદ ગામ આમ તો કચ્છના દસ તાલુકા પૈકીનું એક તાલુકા મથક છે, પરંતુ દેશના કે રાજ્યના તો શું, કચ્છના લોકો પૈકી પણ કેટલા લોકોએ એ જોયું હશે કે કેટલા લોકો એના વિશે જાણતા પણ હશે એ કહેવું મુશ્કેલ છે. એનું મુખ્ય કારણ એ કે આજે એ સાવ વિલુપ્તિના આરે ઊભું છે.

લખપતના દ્વારે આવો એટલે એક ભવ્ય પણ ખંડિત પ્રવેશદ્વાર આવે. એ જોતાં મન ઉદાસ થઈ જાય. ખંડેર જેવું પ્રવેશદ્વાર જુઓ એટલે એક ઉક્તિ ચોક્કસ યાદ આવી જાય ‘ખંડહર બતા રહા હૈ કિ ઇમારત કિતની બુલંદ થી...’ હા, લખપતનો ઇતિહાસ વાંચો તો એ કેટલું સાચું છે એ સ્વીકારવું પડે. કચ્છના પાટનગર ભુજથી ૧૩૧ કિલોમીટર દૂર આવેલું આ કચ્છનું નગર લખપત કચ્છ રાજ્યના સમયમાં ખૂબ જ મહત્ત્વ ધરાવતું હતું. આખા નગરને ફરતે કચ્છનો આજેય પણ અદ્યતન લેખાય એવો સાત કિલોમીટર લાંબો કિલ્લો એ સત્તરમી સદીનો અંત અને અઢારમી સદીના પૂર્વાર્ધની કચ્છની અસ્મિતાનો સાક્ષી છે. કચ્છના તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરથી ૧૭ કિલોમીટરના અંતરે આવેલું લખપત એક સમયે બસ્તા બંદર તરીકે ઓળખાતું. તેરમી સદીમાં રા’લાખાનું સિંધ પર શાસન હતું. એ સમયે રા’લાખાના નામ પરથી આ નગરનું નામ લખપત પડ્યું હોવાનું કહેવાય છે.

સિંધુ નદીના વહેણ લખપત અને નજીકના દેશલપર (ગૂંતલી)માંથી વહેતા એટલે એ સમયે લખપત ગુજરાતને સિંધ સાથે જોડતું અતિમહત્ત્વનું બંદર ગણાતું. કચ્છના સિંધ સાથેના વેપારમાં લખપતનું નામ સૌથી મોખરે લેવાતું. સપાટ અને છીછરો દરિયો ધરાવતા આ બંદરમાં માલના પરિવહન માટે સઢવાળાં નાનાં વહાણો ચાલતાં. દેશ-વિદેશ સાથે તેનો દરિયાઈ વેપાર રહેતો. ચોખા પણ અહીં પકતા. કચ્છના રાવ લખપતજીએ આ બંદરનો પાયો નાખ્યો હતો. આ બંદરની સમૃદ્ધિ આંખ ઠારે એવી હતી, પરંતુ માનવસર્જિત અવળચંડાઈ અને કુદરતી અવકૃપાએ આ બંદરની જાહોજલાલી છીનવી લીધી. 

૧૮૧૮માં લખપતમાં ૧૫,૦૦૦ની વસ્તી હતી અને વાર્ષિક રેવન્યુ એ સમયે ૬૦,૦૦૦ રૂપિયા જેટલી હતી. કચ્છની એક સમયની જીવાદોરી સમાન સિંધુ નદીનાં વહેણ ઇ. સ. ૧૮૧૯માં આવેલા મહાભૂકંપ બાદ કુદરતી રીતે સર્જાયેલા અલ્લાહ બંધને કારણે અરબી સમુદ્ર તરફ ઉત્તરે ફંટાઈ ગયાં. ધરતી ઊંચી આવી જતાં અલ્લાહ બંધનું નિર્માણ થયું. પરિણામે લખપત બંદરનાં વળતાં પાણી થયાં. બ્રિટિશ શાસનના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લાહોરને બંદર બનાવવા વિચાર કરેલો ત્યારે આ નારાયણ સરોવર-કોટેશ્વર પાસેની કોરી ક્રીકથી લાહોર સુધી સિંધુ નદીનો સર્વે કરવામાં આવ્યો હતો અને એ જ સમયે આ લખપતને મેજર પોર્ટ તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અલ્લાહ બંધ નિર્મિત થઈ જતાં આ યોજના પડતી મૂકવામાં આવી.

આજની આ લખપતની બંજર દેખાતી ધરતી પર ૧૮૧૮ સુધી સિંધુ નદીનું મીઠું પાણી કોરી ક્રીકના કારણે ઠલવાતું ત્યારે અહીં અઢળક પાક થતો. સિંધના લાલ ચોખા પણ અહીં પુષ્કળ પ્રમાણમાં થતા. પરિણામે આ પ્રદેશની આવક પણ અઢળક થતી.

૧૮૦૧માં કચ્છના ક્રોમવેલ તરીકે જાણીતા લશ્કરી વડા જમાદાર ફતેહ મહમ્મદે આ સ્થળનું વ્યુહાત્મક મહત્ત્વ જાણીને લખપતને ફરતો મજબૂત કિલ્લો બનાવ્યો હતો. ૧૮ર૦થી લખપત બંદરે મહત્ત્વ ગુમાવવાનું શરૂ કરી દીધું. વસ્તી ઓછી થવાની શરૂઆત થઈ ગઈ. હિન્દુઓ સિંધમાંથી અન્ય સ્થળોએ સ્થળાંતરિત થતા ગયા એમ લખપતની વસ્તી પણ ઘટીને ૬૦૦૦ થઈ ગઈ. ૧૮પ૧ સુધીમાં તો તમામ વેપારો બંધ થઈ ગયા અને લખપત લગભગ ખંડેર જેવું - નિર્જન રણ જેવું થઈ ગયું. ૧૮૮૦ સુધી વસ્તી ઘટીને રપ૦૦ થઈ ગઈ હતી. ર૦૦૧માં માત્ર ૮૭ પરિવારો સાથે વસ્તી ૪૬૩ નોંધાઈ હતી. જોકે ર૦૧૧ની છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે લખપતમાં ૧૦પ પરિવારો સાથે પ૬૬ લોકો રહે છે.

લખપતનો કિલ્લો આજે પણ જોવાલાયક અને અતિઆકર્ષક લાગે છે. એ સિવાય લખપતમાં સિખોનું ગુરુદ્વારા પણ અતિમહત્ત્વનું જોવાલાયક સ્થળ છે. સિખોના ધર્મગુરુ અને સિખ ધર્મના સ્થાપક ગુરુ નાનકસાહેબ મક્કા હજ માટે જતા હતા ત્યારે કે સિંધના હિંગલાજ પીરસરવા જતા હતા ત્યારે લખપતમાં કેટલોક સમય રોકાણ કર્યું હતું. કહેવાય છે કે ગુરુ નાનકસાહેબ ઉદાસી મિશન યાત્રા દરમ્યાન ૧પ૦૬-૧પ૧૩ અને ૧પ૧૯-૧પર૧ દરમ્યાન જે સ્થળે રોકાયા હતા એ જગ્યાએ સુંદર ગુરુદ્વારા બનાવાયું છે જેમાં આજે પણ ગુરુ નાનકસાહેબની લાકડાની પાદુકા અને પાલખી દર્શન માટે રાખવામાં આવ્યાં છે. ર૦૦૧ના ભૂકંપ પછી આ જગ્યાની યોગ્ય જાળવણી કરવા બદલ યુનેસ્કો એશિયા પેસિફિક અવૉર્ડ પણ આ ગુરુદ્વારાને મળ્યો છે.

લખપતમાં થઈ ગયેલા પીર ગોસ મહમ્મદ નામના સૂફી સંતની એક દરગાહ પણ અહીં જોવાલાયક છે. અર્ધહિન્દુ અને અર્ધમુસ્લિમ રીતરિવાજો પાળતા આ સૂફી સંતનું ૧૮પપમાં મૃત્યુ થયું ત્યાર બાદ તેમના ભાઈ બાવામિયાં અને અનુયાયીઓએ તેમની આ દરગાહ બનાવી છે.

કચ્છ રાજયના સમયની આ ઐતિહાસિક નગરીમાં નાગરોની વસ્તી પણ મોટા પ્રમાણમાં હતી એની સાક્ષીરૂપે હાટકેશ્વરજીનું મંદિર અને નાગરરાઈ તળાવ આજે પણ છે. તો નાગરોનું ઇષ્ટદેવ હાટકેશ મંદિર પણ એક સમયે અહીં નાગર સમાજની સારી વસ્તીની સાક્ષી પૂરતું ઊભું છે.

columnists