બહુ બિઝી છો તમે? ખરેખર? સાચે?

12 January, 2020 05:40 PM IST  |  Mumbai Desk | kana bantwa

બહુ બિઝી છો તમે? ખરેખર? સાચે?

સમય જ નથી મળતો? બહુ વ્યસ્ત રહો છો? પોતાને માટે સમય કાઢી નથી શકતા એવું લાગે છે? મમ્મીને ફોન કરીને ખબરઅંતર પૂછવાનો સમય મહિનાથી નથી મળ્યો? પત્ની માટે બર્થ-ડેની પાર્ટીની અરેન્જમેન્ટ કરવાનું વ્યસ્તતાને કારણે રહી ગયું? દીકરાની સ્કૂલમાં પેરન્ટ્સ-મીટિંગમાં ન જઈ શકાયું એટલા બિઝી હતા? પરિવાર માટે વસ્તુઓ ખરીદવાનું પણ ભુલાઈ જાય એટલું કામ રહે છે? મોટા ભાગના પ્રશ્નોના તમારા જવાબ ‘હા’માં હશે અથવા આવા અન્ય કેટલાય સવાલના જવાબ પણ ‘હા’માં હશે. બિઝનેસ અદ્ભુત ચીજ છે. વ્યસ્તતા હોય ત્યારે સમયને પાંખો આવે છે. અઠવાડિયું તો આંખના પલકારામાં વીતી જાય. મહિનો ક્યારે પૂરો થઈ ગયો એની પણ ખબર ન પડે. દિવસ જાણે ક્ષણ જેવડો નાનો બની જાય. એકસાથે કેટલાંય કામનું ભારણ મન પર હોય. જાણે એકસાથે અનેક ઘોડા પર સવારી. અને ઘોડાઓ પણ જંગલી અશ્વો. તોફાની. ઉન્મત્ત. ઉદ્ધત. છાકટા. ઝનૂની. ઉન્માદી. એમ થાય કે દિવસ ૨૪ કલાકને બદલે બે-ચાર કલાક વધુ લાંબો હોત તો કેવું સારું હોત. થોડી મિનિટો વધુ મળી જાય. જરા શ્વાસ લેવાનો સમય મળી જાય. જરા થંભીને પોરો ખાઈ લઈએ. નિરાંતે જરા પગ વાળીને બેસીએ. જરા હળવાશનો હાશકારો માણીએ. થોડી મિનિટો વધુ મળી જાય તો જીવી લઈએ જરા પોતાને માટે. જીવી લઈએ જરા ગમતીલું. જરા મનમોજી. જરા આજુબાજુની દુનિયાને નજર માંડીને નિહાળી લઈએ. પરિવાર સાથે થોડું રડી લઈએ. કોઈને થોડો સમય આપીએ. પત્ની સાથે, પતિ સાથે, મિત્ર સાથે, ગમતી વ્યક્તિ સાથે થોડી પળો ગાળી લઈએ જો મળે થોડી વધુ ક્ષણો તો. જો કલાકમાં ૬૦ કરતાં થોડી વધુ મિનિટ હોય તો.

પણ, એવું થતું નથી. એક ક્ષણ પણ બચતી નથી વ્યવસ્તતા વચ્ચે. કદાચ દિવસ ૨૪ કલાકને બદલે ૪૮ કલાકનો કરી દેવામાં આવે તો પણ તમે એક સેકન્ડ પણ નહીં કાઢી શકો વધારાની, જો તમે ૨૪ કલાકમાંથી એક ક્ષણ પણ ન કાઢી શકતા હો તો. વ્યસ્તતા તમારા અસ્તવ્યસ્ત હોવાની સાબિતી છે. તમારું આયોજન કાચું હોવાનો પુરાવો છે. દરેક સુખી માણસ પાસે સમય હોય જ છે. જે એવું કહે કે મારી પાસે તો સમય જ નથી એ માણસ દેખાડો કરે છે અથવા તે આયોજનમાં નબળો છે. સુખી માણસનો અર્થ સંપન્ન, સમૃદ્ધ કે સફળ એવો ન કરવો. એક સુંદર વાત છે : એક સફળ બિઝનેસમૅન તળાવકિનારે માછલી પકડવા માટે ગયો. ત્યાં એક માછીમાર માછલીઓ પકડતો હતો. બિઝનેસમૅને જોયું કે પેલો માછીમાર માછલી પકડવાના કામમાં અત્યંત કુશળ હતો. એક કલાકમાં તો ટોપલી ભરાય એટલી માછલીઓ પકડીને તે ચાલી ગયો. પેલા બિઝનેસમૅને તેને રોક્યો અને કહ્યું કે માત્ર એક કલાકમાં ઘણી માછલીઓ તમે પકડી લીધી, હવે શું કરશો? માછીમારે જવાબ આપ્યો, ‘ઘરે જઈશ, મારી પત્ની આ માછલીઓ વેચશે. બપોરે જમીશું, ગપ્પાં મારીશું, સાંજે મિત્રો સાથે મોજ કરીશું. રાત્રે જમીને સૂઈ જઈશું.’ બિઝનેસમૅને કહ્યું, ‘તમે ભૂલ કરો છો. તમે જે કુશળતાથી માછલીઓ પકડો છો એ જોતાં તમારે આખો દિવસ માછલીઓ પકડવી જોઈએ અને જો તમે આખો દિવસ માછલીઓ પકડો તો આવી ૧૦-૧૨ ટોપલીઓ ભરાય એટલી માછલીઓ તમે પકડી શકો.’ માછીમાર આમાં ખાસ કશું સમજ્યો નહીં. તેણે અબુધની જેમ પ્રશ્ન કર્યો, ‘પણ એનાથી શું મળે?’ બિઝનેસમૅનને માછીમારની અબુધતા પર દયા આવી. તેણે સમજાવ્યું, ‘જો તમે રોજ ૧૦-૧૨ ટોપલી માછલી પકડો તો તમે વધુ કમાઓ, તમારી પોતાની ફિશિંગ બોટ ખરીદી શકો. મોટા પાયે માછલી પકડી શકો, મોટું ઘર બનાવી શકો, પૈસાદાર બની શકો.’ માછીમારે પૂછયું, ‘પછી?’ ‘પછી તમે આરામથી રહી શકો. ચિંતા વગર. સુખચેનથી’ બિઝનેસમૅને સમજાવ્યું. માછીમારે પૂછ્યું, ‘એટલું કમાતાં કેટલાં વર્ષ લાગે?’ ગણતરીમાં પાવરધા બિઝનેસમૅને તત્કાળ કહી દીધું, ‘વીસેક વર્ષ તો લાગે.’ માછીમારે ટોપલી ઊંચકી, જરા હસીને જતાં-જતાં બિઝનેસમૅનને કહ્યું, ‘અત્યારે પણ હું ચિંતા વગર આરામથી જ રહું છું, ચિંતા કર્યા વગર. ૨૦ વર્ષ સુખચેન વગર રહ્યા પછી જો સ્થિતિ આજના જેવી જ થવાની હોય તો એ ખોટનો ધંધો શા માટે કરું? સુખ માટે આપણે સુખનો ભોગ તો નથી આપતાને? આરામ માટે આરામનો ભોગ તો નથી આપતાને? ઊંઘ વેચીને ઉજાગરા તો નથી ખરીદતાને? જીવનમાં વ્યસ્તતા જરૂરી છે, પણ અવ્યવસ્થાને લીધે પેદા થતી વ્યસ્તતા નહીં. ખરેખર જે વ્યક્તિ વ્યસ્ત હોય છે એ માત્ર ધંધામાં કે નોકરીમાં જ વ્યસ્ત નથી રહેતી, તે સંબંધોમાં પણ બિઝી રહે છે. તે પરિવારમાં પણ બિઝી રહે છે. તે સામાજિક કાર્યોમાં પણ વ્યસ્ત રહે છે. તે બધે જ પહોંચી વળે છે. તેનું સમયનું આયોજન એટલું સચોટ હોય છે કે તેની પાસે દિવસના અંતે પત્ની માટે સમય બચે છે અને મિત્રો માટે પણ બચે છે, સંતાનો માટે પણ બચે છે અને પોતાને માટે પણ બચે છે. તે પાર્ટીઓમાં પણ જઈ આવે છે, બાળકને તેડીને બગીચામાં ટહેલી આવે છે, પત્નીને બહાર જમવા લઈ જઈ શકે છે, મિત્રો સાથે મહેફિલ માણી શકે છે, સવારમાં ઊઠીને ધ્યાન કરી શકે છે, કસરત કરી શકે છે, નાસ્તો બનાવવામાં પત્નીને મદદ કરી શકે છે અથવા રસોડાના પ્લૅટફૉર્મ પાસે ઊભીને બ્રેકફાસ્ટ બનાવતી પત્ની સાથે બે મધુરી વાતો પણ કરી શકે છે. તેની પાસે આ બધા માટે સમય હોય જ છે.
એક અતિવ્યસ્ત પ્રોફેશનલ રોજના સમયે, રાતે અગિયારેક વાગ્યે થાક્યોપાક્યો ઘરે આવ્યો. સામાન્ય રીતે આ સમયે સૂઈ જતો તેનો પુત્ર આજે જાગતો હતો. તેના ૧૦ વર્ષના પુત્રે શૂઝ ઉતારી રહેલા પિતાને પૂછ્યું, ‘ડૅડી, તમે એક કલાકમાં કેટલા રૂપિયા કમાઓ છો?’ થાક્યાપાક્યા ઘરે આવેલા પિતાને પુત્રનો આ પ્રશ્ન જરા અકળાવનારો લાગ્યો છતાં તેણે કહ્યું, ‘લગભગ હજાર રૂપિયા જેવું થાય એક કલાકનું વળતર.’ જવાબ સાંભળીને પુત્રએ કહ્યું, ‘ડૅડી, મને ૫૦૦ રૂપિયા ઉછીના આપશો?’ આખા દિવસની દોડધામથી ખીજવાયેલા બાપનો પિત્તો ઊછળ્યો. તેને લાગ્યું કે દીકરો કોઈ નકામું રમકડું ખરીદવા માટે જ નાણાં માગી રહ્યો છે. તેણે પુત્રને ધમકાવીને કહ્યું, ‘પૈસા વેડફવા માટે હું આ તનતોડ મહેનત નથી કરતો. જા તારી રૂમમાં જઈને સૂઈ જા, નહીંતર મારું મગજ વધુ છટકશે તો...’ બાળક બિચારું નીચી મૂંડી કરીને જતું રહ્યું. જઈને સૂઈ ગયું. પેલા માણસનું મગજ થોડા સમય પછી જરા શાંત પડ્યું ત્યારે તેને વિચાર આવ્યો કે બની શકે કે દીકરાને પૈસાની જરૂર હોય. તેના પર વધુ ગુસ્સે થવાઈ ગયું. તે પુત્રની રૂમમાં ગયો અને પૂછ્યું, ‘બેટા ઊંઘી ગયો છે?’ ‘ના ડૅડી, જાગું છું.’ પુત્રએ જરા રોતલ અવાજે જવાબ આપ્યો. ‘આ લે ૫૦૦ રૂપિયા.’ બાપે ખિસ્સામાંથી નોટ કાઢીને પુત્રના હાથમાં મૂકી. પુત્રએ પૈસા લીધા, પોતાના ઓશીકા નીચેથી બીજી થોડી નોટો કાઢી, બાપ ફરી અકળાયો. આની પાસે પૈસા છે તો પણ વધુ માગે છે. પણ, તે આ વખતે ગુસ્સો પી ગયો. તેણે પૂછ્યું, ‘તારે પૈસાનું શું કામ હતું?’ દીકરાએ ધીમે-ધીમે બધા પૈસા ગણ્યા, પછી કહ્યું, ‘મારી પાસે અડધા પૈસા હતા, અડધા ખૂટતા હતા. આ લો ૧૦૦૦ રૂપિયા, તમારો એક કલાક મને આપશો?’
વ્યસ્તતા ખરાબ નથી, બિનજરૂરી વ્યસ્તતા ખરાબ છે. આપણે મોટા ભાગે અનાવશ્યક રીતે જ વ્યસ્ત રહેતા હોઈએ છીએ. આપણી વ્યસ્તતા કૃત્રિમ હોય છે. ઊભી કરેલી હોય છે. હું બિઝી છું એવું કહેવું એ સ્ટેટસ સિમ્બૉલ છે. બિઝી દેખાવાનું ચલણ છે. જાણે વ્યસ્ત હોવાથી મહત્ત્વ વધી જવાનું હોય એ રીતે કહેવામાં આવે છે કે સમય નથી મળતો મને. ક્યારેક આપણા પર એકસામટાં કેટલાંય કામ તૂટી પડે છે. બધું જ એકસાથે આવી પડે છે, પણ એમાંનું અડધું જ આકસ્મિક હોય છે, બાકીનું અડધું તો આપણે પોતે આપણી ઠેલણવૃત્તિને કારણે ભેગું કરેલું હોય છે. નવરા હોવાનો આનંદ થોડો સમય જ આપે, પછી નવરાશથી થાકી જવાય. માણસ વ્યસ્તતાથી થાકતો નથી, નવરાશથી થાકી જાય છે. માણસનું મન આરામ શોધતું રહે છે, માણસ ઉદ્યમ શોધતો રહે છે. બન્ને વિરોધાભાસી બાબતો એકસાથે ચાલતી રહે છે. કશું ન કરવા જેવી મુશ્કેલ સ્થિતિ બીજી કોઈ નથી હોતી. એટલે જેલનો એકાંતવાસ કેદીઓને તોડી નાખે છે. હવેની જેલોમાં કેદીઓ પાસે પરાણે મજૂરી કરાવવામાં નથી આવતી છતાં કેદીઓ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે છે. તેઓ નવરાશથી થાકી ગયા હોય છે. વિચારો, તમે ખરેખર બિઝી છો કે અવ્યવસ્થાને લીધે બિઝી રહો છો કે પછી બિઝી હોવાનો દેખાડો કરો છો? જો તમે ખરેખર બિઝી હો તો તમે સુખી છો. જો તમે વ્યસ્ત હોવાનો દેખાડો કરતા હો તો તમે એવું કરવા માટે મુક્ત છો. તમે તમારી મરજીથી દંભ કરી રહ્યા છો, પણ જો તમે પોતાની અસ્તવ્યસ્તતાને લીધે વ્યસ્ત રહેતા હો તો તમારી પાસે સ્થિતિ સુધારી લેવાની તક છે. તમે થોડું આયોજન કરો, થોડી પ્રાયોરિટી સેટ કરો, ટાઇમટેબલ બનાવો અને પોતાની જાત સાથેનાં કમિટમેન્ટ નિભાવો તો તમે વ્યસ્તતાને ઓછી કરી શકશો. તમારા સ્વજનો માટે સમય કાઢી શકશો, તમારા પુત્રએ તમારી પાસેથી રૂપિયા આપીને સમય ખરીદવો પડશે નહીં.

kana bantwa columnists weekend guide