હવે તો સમજાયુંને, નવા કાયદાથી દેશવાસીઓએ ફાટી પડવાની જરૂર નથી જ નથી

13 January, 2020 04:32 PM IST  |  Mumbai | Manoj Joshi

હવે તો સમજાયુંને, નવા કાયદાથી દેશવાસીઓએ ફાટી પડવાની જરૂર નથી જ નથી

વિરોધ પ્રદર્શન

કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) આવ્યા પછી એનો જે લાભ મળવો જોઈએ એ મળવાને બદલે એનો ગેરલાભ વધારે લેવામાં આવી રહ્યો છે. કહેવાતા વિરોધ પક્ષોએ આ નવા કાયદાનું અર્થઘટન ખોટી રીતે આગળ વધારીને સૌકોઈના મનમાં એનો ભય ઘુસાડી દીધો અને એનું પરિણામ અત્યારે દેશઆખો જોઈ રહ્યું છે. રવિવારે, સત્તાવાર રીતે દેશના વડા પ્રધાને પોતાની સ્પીચમાં કહ્યું કે કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટને દેશના હિન્દુ કે મુસ્લિમો સાથે કોઈ નિસબત નથી, તેમને આ કાયદાથી સહેજ પણ ડરવાની જરૂર નથી કે તેમને આ કાયદાથી કોઈ જાતનો ખતરો ઊભો થવાનો નથી. ગાઈવગાડીને, ઠોકી-પછાડીને કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદો આ દેશનું નાગરિકત્વ ધરાવતા એક કરતાં એકેય વ્યક્ત‌િને અસર કરનારો નથી. આ કાયદો માત્ર ને માત્ર ઘૂસણખોરી કરનારા લોકોને જ લાગુ પડે છે અને તેમને જ આ કાયદાની તીવ્રતાની અસર થવાની છે.

ફરી એક વખત વિચારો તમે કે કેવી રીતે આ દેશમાં આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે? કેવી રીતે આ કાયદાના અમલ સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે? જે વાત તમને, મને કે આપણને કોઈને લાગુ નથી પડી રહી એનો વિરોધ કરવાનો અર્થ શું સરે છે. અમેરિકામાં આવેલા કાયદાથી જેમ ભારતીયને ફરક નથી પડતો એવી જ રીતે આપણા દેશમાં લાગુ કરવામાં આવેલા કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટથી એક પણ ભારતીયને ફરક નથી પડવાનો અને પડી શકે પણ નહીં. આ કાયદો માત્ર અને માત્ર ઘૂસણખોરો માટે છે. જરા સમજો, સમજીવિચારીને એનો વિરોધ કરવાની દિશામાં આગળ વધો.

કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તમારા ભોળપણનો લાભ લેવામાં આવી રહ્યો છે. આ કાયદો આ દેશના નાગરિકને તો જ કનડી શકે જો તે ઘૂસણખોરોને મદદગાર બનતા હોય. આ કાયદો તો અને તો જ આ દેશના નાગરિક સામે પગલાં લઈ શકે જો એ ઘૂસણખોરોને સંતાયેલા રહેવામાં મદદગાર બન્યો હોય. એવું કરનારાને તકલીફ પડી શકે, એવું કરવામાં મદદરૂપ થનારાને તકલીફ પડી શકે, પણ બાકીના કોઈને કશી નિસ્બત નથી કે કોઈને એક પણ પ્રકારની તકલીફ પડવાની નથી. નહીં કરો વિરોધ, વિરોધ કરીને તમે તમારી જાતને શંકાના દાયરામાં મૂકો છો. તમારે જ માટે તકલીફ ઊભી કરવાનું કામ કરો છો.

ઘરમાં ઘૂસેલી વ્યક્ત‌િ જો સારી હોય તો એનો અર્થ એવો નથી કરવામાં આવતો કે એ વ્યક્ત‌િને ઘરમાં ઘૂસેલી રહેવા દેવી. એ ઘૂસણખોર જ છે અને ઘૂસણખોર સામે પગલાં લેવાવાં જોઈએ એ આપણે પણ ત્યારે જ સ્વીકારીએ જ્યારે આપણા ઘરમાં કોઈ પરમિશન વિના અંદર આવી જાય. જરા વિચાર તો કરો, તમે તો તમારી સોસાયટીના ગેટમાં કુરકુરિયું પણ આવવા દેવા રાજી નથી થતા. એ પણ આવી જાય તો સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ પર બૂમાબૂમ શરૂ કરી દઈએ છીએ, જ્યારે આ તો ધાડાનાં ધાડાં ઊતરી આવ્યાં છે. એક અનુમાન મુજબ ભારતમાં એક કરોડથી પણ વધારે બંગલાદેશીઓ ઘૂસેલા છે અને વર્ષોથી એ લોકો રહી રહ્યા છે. સરકારે તેમનો સ્વીકાર કરવાની ના નથી પાડી, પણ તેમનો સ્વીકાર ત્યારે જ શક્ય બની શકે જ્યારે તે પોતે તમામ પ્રકારની પરીક્ષામાંથી પાર ઊતરવાની તૈયારી દર્શાવે. જો તેની તૈયારી હોય તો તેને પણ કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટ ક્યાંય નુકસાન નથી પહોંચાડવાનો.

manoj joshi columnists caa 2019 cab 2019 citizenship amendment act 2019