નાગડ! તારે નેસ, મનડે માળો બાંધીયો...

10 December, 2019 11:36 AM IST  |  Kutch | Kishor Vyas

નાગડ! તારે નેસ, મનડે માળો બાંધીયો...

ઘી જમીન પર ઢોળાઈ રહ્યું છે અને આ યુવતી નાગવાળાને જોઈ રહી છે. એ જોઈને પેલા વેપારીને નવાઈ લાગી. તે યુવતીના ચહેરા સામે જોઈ રહ્યો પછી પૂછ્યું, ‘શું નામ છે તારું બહેન?’ તેની નજર હજી પણ નાગવાળાની પીઠને તાકી રહી હતી. તે દેખાતો બંધ થયો એટલે પોતાનું વાસણ ત્યાં જ છોડીને ઊભી થઈ દોડવા લાગી! વેપારી ફાટી આંખે તેને જતી જોઈ રહ્યો!

કચ્છમાં પુષ્કળ વરસાદ પડવાના સમાચાર મળતાં કાનસુઆ કાઠીએ પાછા વતનમાં જવાનો નિર્ણય કર્યો. મેલાણ ઉપાડવાની તૈયારી કરી લીધી અને બીજા જ દિવસે ત્યાંથી ચાલતો થયો. આ બાજુ નાગવાળો નાગમતીના પ્રેમમાં પાગલ બની રહ્યો હતો અને તેને જોવા માટે બીજા જ દિવસે એ જગ્યાએ પહોંચી ગયો. જુએ છે તો, જ્યાં ગોકુળ ગાજતું હતું ત્યાં કાળા કાગડા ઊડી રહ્યા હતા! નાગમતીના કારણે ઊજળી લાગતી ધરતી ઉજ્જડ બની ગઈ હતી. એ જોઈને નાગવાળાનું હૃદય ચિત્કારી ઊઠ્યું.

તે પાગલની માફક એ સ્થળે આમથી તેમ ભટકી રહ્યો હતો અને એક-એક પથ્થરને પૂછી રહ્યો હતો કે મારી નાગમતી ક્યાં ગઈ! તેની નજર એક મોટી શિલા પર પડી જેના પર લખ્યું હતું:

‘અમે પરદેશી પાન, વાને વંટોળે આવિયાં,

કોણે ન દીધલ માન, પાદરથી પાછાં વળ્યાં.

આવેલ ઊભે દેશ, ગંજો કો ગમિયો નહીં,

નાગડ! તારે નેસ, મનડે માળો બાંધીયો.’ 

દુહો વાંચી નાગવાળો મૂર્છિત થઈને ઢળી પડયો. તેનાં ગાત્રો શિથિલ થઈ ગયાં. તે જેમ-તેમ મહેલે પહોંચ્યો, પણ જીવન જાણે ઝેર બની ગયું. આખરે નાગમતીની શોધમાં એક દિવસ તે ઘર છોડીને નીકળી પડ્યો. તે સમિયાણાથી નીકળીને કચ્છ-વાગડના માર્ગને શોધતો આખરે રણકાંધી પાર કરીને કાનમેર આવી પહોંચ્યો. તેને જાણવા મળ્યું કે નાગમતીને વરવા માટે કેટલાક રાજકુમારો કૃષિ વિદ્યાની તાલીમ લઈ રહ્યા હતા. તેણે પણ પોતાનું નામ ઉમેદવાર તરીકે નોંધાવી દીધું. એ પણ અન્ય રાજકુમારોની માફક તાલીમ લેવા લાગ્યો.

કોમળ સેજ પર સૂવાવાળા સમિયાણાના રાજકુમારે બળદોના પૂંછડા આમળીને જીવન પણ બળદ જેવું બનાવી દીધું! પરંતુ રાજા જેવા ચાસ માગતો હતો એવા ચાસ પાડવાનું તેના માટે શક્ય નહોતું બનતું. તે નિરાશ બનતો જતો હતો. ખેડ ખેડીને હવે તે કંટાળ્યો પણ હતો. આટલી મહેનત કરવા દરમ્યાન તેને નાગમતીનું મોઢું પણ જોવા નહોતું મળ્યું જેની વ્યથા તેને સતાવી રહી હતી. પણ તેણે આશા છોડી નહોતી. તેને અપાર શ્રદ્ધા હતી કે નાગમતી તેને જરૂર મળશે! પણ એમ કરતાં બીજા છ મહિના વીતી ગયા. આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું.

દરરોજ મહેલની દાસીઓ રાજકુમારો માટે ખાવાનું લાવતી. નાગવાળો એમાંથી કટકો રોટલો અને છાસ લેતો. મખમલ જેવા સુંવાળા હાથ ખરબચડા બની ગયા હતા. એ દિવસે દાસીઓના આવવાનો સમય થયો ત્યારે રાજકુમારો કેવા ચાસ પાડે છે એ જોવા માટે નાગમતી પણ દાસીના વેશમાં ત્યાં આવી અને એક પછી એક રાજકુમારને જોતી-જોતી તે નાગવાળાની નજીક પહોંચી. તે ઓળખી ગઈ. નાગવાળાનું પુષ્પ સમ કોમળ શરીર હળ ખેડી-ખેડીને કાળું પડી ગયું હોય એમ તેને લાગ્યું. તેની નજર સામે સમિયાણાનો ઘોડો ખેલાવતો રાજકુમાર તરવરી ઊઠ્યો! તે તેની નજીક જઈને બોલી, ઓ નાગવાળા, તું તારું સાંતિડું છોડ, સાચા ખેડૂ વગર ધરતી ખેડી ન શકાય!

નાગવાળો પણ નાગમતીને ઓળખી ગયો. ચાતકને વરસાદ પડવાથી જે આનંદ થાય એવો આનંદ તે અનુભવવા લાગ્યો. તેની આશા પાંગરવા લાગી. તે જ ક્ષણે નાગમતીએ તેના મનમાં દૃઢ નિર્ણય કર્યો અને નાગવાળાને જણાવી દીધું કે આમ તું મને મેળવી નહીં શકે. આજે રાત્રે ચંદ્ર મધ્યાકાશમાં આવે એ પહેલાં હું બે પાણીદાર અશ્વોને લઈને ગામ બહાર આવેલા પાવડિયામાં મહાદેવના શિવાલયમાં હું આવું છું. તું તૈયાર રહેજે એટલું કહીને નાગમતી વીજગતિએ ત્યાંથી સરકી ગઈ.

નાગમતીની વાત સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં પણ તેજનો ચમકારો થઈ ગયો. તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો. સાંજ પડતાં તેણે તમામ તૈયારી કરી લીધી. પૂર્ણિમાની રાત હતી. થાળી જેવડો ચંદ્ર ઊગી નીકળ્યો. તે ગામ બહાર નીકળી ગયો અને શિવાલયમાં પહોંચીને નાગમતીની રાહ જોવા લાગ્યો. નાગમતીએ પણ તૈયારીરૂપે વિશ્વાસુ દાસી દ્વારા બે અશ્વો તૈયાર રાખ્યા હતા. મધ્યરાત્રીને થોડી વાર હતી ને તે પુરુષ વેશે રાજમહેલમાંથી ગુપચુપ બહાર નીકળી પડી, પરંતુ કિલ્લાના દરવાજા પાસે આવીને જુએ છે તો દરવાજા બંધ! તેના હૃદયમાં ફાળ પડી. દરવાજા વહેલા બંધ કરીને દરવાન પણ ચાલ્યો ગયો હતો. તોતિંગ તાળું કોઈ હિસાબે તોડી શકાય એમ નહોતું. તેણે હાથ પછાડ્યા!

કોઈ માર્ગ મળી જાય એવા પ્રયાસમાં તે કિલ્લા પર ચઢી. કિલ્લાની ચારે તરફ ફરી વળી. ત્યાંથી કૂદકો મારવો પણ અશક્ય હતો. રાત તો તેની ગતિમાં પસાર થઈ રહી હતી. જેમ-જેમ રાત આગળ વધતી હતી તેમ-તેમ તેના અંતરમાં આગની જ્વાળાઓ લબકારા મારી રહી હતી. એક પણ ઉપાય થઈ શકે એમ નહોતો. તેણે આખી રાત કિલ્લા પર પ્રદક્ષિણા કરીને પસાર કરી. પ્રભાતે જ્યારે દરવાજા ખૂલ્યા ત્યારે જ તે બહાર નીકળી! સંકેત મુજબ ગામ બહાર બે અશ્વો તૈયાર હતા. એક પર સવાર થઈ, બીજાની લગામ હાથમાં લઈ તે નાગવાળા પાસે પહોંચવા અધીરી બની.

નાગવાળો તેની રાહ જોતો ક્ષણે-ક્ષણે અધીરો બનતો જતો હતો. પૂર્ણિમાનો ચંદ્ર માથા પરથી પસાર થઈ ગયો પછી તો એની દરેક પળ એક યુગ સમાન વિતવા લાગી. ચંદ્ર આથમવાની તૈયારીમાં હતો તો નાગવાળાનું જીવન પણ આથમવાની તૈયારી કરી રહ્યું હતું! પ્રભાત થતાં તેને લાગ્યું કે જરૂર કંઈક અઘટિત અવરોધ આવ્યો લાગે છે નાગમતીને અહીં આવવા આડે! તેની ધીરજ એવી આશંકાઓ પેદા થતાં ખૂટી. તેણે ભેઠમાંથી કટારી કાઢી અને ‘હર હર મહાદેવ’ના ઉચ્ચાર સાથે કાળજે ખોસી દીધી. લોહીના ખાબોચિયામાં તે મહાદેવની પિંડી પાસે ફસડાઈ પડ્યો.

બરાબર એ જ વખતે નાગમતી ત્યાં આવી પહોંચી. પોતાના પ્રેમીને સામે દોડી આવતો જોવા તલસતી હતી ત્યાં તેને લોહીના ખાબોચિયામાં તરફડતો જોયો, તેના હૃદયમાંથી ચીસ નીકળી ગઈ. તેની મહેનત અને મહત્ત્વાકાંક્ષા પર પાણી ફરી વળતું તેને દેખાયું! તેણે પાગલની માફક આક્રંદ કરવા માંડ્યું. નાગવાળાનું મસ્તક ખોળામાં લઈને હૈયાફાટ રુદન કરવા લાગી. નાગવાળો તેનો વિલાપ સાંભળી રહ્યો હોય એમ તેની નજરું પ્રેયસીના ચહેરા પર ચોંટી રહી હતી. નાગમતીના આવી પહોંચવાથી તેની આંખો આનંદ અને સંતોષ વ્યક્ત કરી રહી હતી. જીવન આખું તેની આંખોમાં એકઠું થઈ ગયું હતું. વિલાપ કરતી નાગમતી જ્યારે બોલી કે ‘આ તારી નાગમતી હવે કોઈ પુરુષના પાણી ભરવાની નથી, ત્યારે નાગવાળાની આંખમાં ચમકાર આવી ગયો અને તેની આંખો સદાયના માટે મિંચાઈ ગઈ. નાગમતીના કરુણ રુદને આંખુ જંગલ ગજાવી મૂક્યું. શૂન્યતા પણ શૂન્યવત બની ગઈ.

કુંવરીની શોધમાં નીકળેલો કાઠી રાજા ત્યાં આવી પહોંચ્યો અને શિવાલયની અંદરનું દૃશ્ય જોઈને તેમનું કાળજું કંપી ઊઠ્યું. નાગમતીનું સ્વરૂપ બદલતું જતું હતું. એ ઘડીકમાં યમરાજની પૂંઠ પકડનાર સાવિત્રી લાગતી હતી તો ઘડીકમાં મહાયોગિની લાગતી હતી. રાજા સ્થિતિ પામી ગયો. નાગમતીની નજીક જવાની કોઈની હિંમત નહોતી થતી. બધા સ્તબ્ધ થઈ ઊભા હતા. નાગમતીના શરીરમાં હવે સતીનાં ચિહ્નો જોવા મળતાં હતાં. તેનાં અંગેઅંગ ધ્રુજારી અનુભવી રહ્યાં હતાં. પીઠ પર પ્રસરી ગયેલા કાળા નાગ જેવા વાળ તેની ભવ્યતા વધારતા હતા. તે બોલી...

‘અગરચંદનનાં લાકડાં, વન ખડકાવો ચેહ,

નાગો મું કારણ મુઓ, ચેમાં બળશાં બેય’

ચિતા ખડકવામાં આવી. નાગમતી સ્થિર પગલે નાગવાળાના મૃતદેહને લઈને ચિતા તરફ ચાલી અને લાકડાં અને ઘાસની બનાવેલી પર્ણકુટીમાં જાણે સુહાગ રાતે પ્રવેશતી હોય એમ પ્રવેશી! અગ્નિ ચેતવવામાં આવતાં જ એકઠા થઈ ગયેલા લોકોએ ‘જય અંબે’ના નાદ ગજાવ્યા. સહસ્ત્ર જીહ્નાઓ ધરાવતો અગ્નિ એક અજોડ પ્રેમીયુગલને પોતાની ભયંકર છતાં શીતળ ગોદમાં વિરમી ગયો!

વાગડ પાસે પલાસવાથી થોડે જ દૂર પાવડીયારા તળાવ આજે પણ જીર્ણ થઈ ગયેલું જોવા મળે છે અને ત્યાં જ તળાવની પાળ પર નાગવાળા અને નાગમતીનું દહેરું આવેલું છે.

(સમાપ્ત)

columnists