ટ્રાન્સજેન્ડર પછી, પહેલાં અમે માણસ અમારા અધિકારોનું શું?

10 December, 2019 12:13 PM IST  |  Mumbai | Bhakti D Desai

ટ્રાન્સજેન્ડર પછી, પહેલાં અમે માણસ અમારા અધિકારોનું શું?

ટ્રાન્સજેન્ડર

આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના દિવસે સ્ત્રીઓ, બાળકો, લઘુમતીઓ, પછાતો, વિકલાંગો, ગરીબો એમ વિવિધ વર્ગના લોકોના હકોની વાતો થશે, પરંતુ આજે પણ જેમને સાવ નજરઅંદાજ કરવામાં આવ્યા છે અને જેઓ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મેળવવા સદીઓથી વલખાં મારે છે એવા થર્ડ જેન્ડરના લોકોને ન તો હજી સુધી કાયદાએ મુખ્ય ધારામાં લાવવાની પૂરતી કોશિશ કરી છે કે ન સમાજે તેમનો સ્વીકાર કર્યો છે. હ્યુમન રાઇટ્સ ડેની ઉજવણીનું આ ૬૯મું વર્ષ છે, પરંતુ આજે પણ આ વર્ગના લોકો પ્રત્યે અલગાવ પ્રવર્તે છે. સમાનતાની વાત તો દૂર, પણ મૂળભૂત માનવીય અધિકાર પણ નથી મળ્યા ત્યારે તેમની વ્યથા સમજવાની કોશિશ કરીએ.

માનવ અધિકાર એટલે શું? દરેક વ્યક્તિ આ અધિકાર સાથે જ જન્મે છે અને જીવન પર્યંત કોઈ પણ અડચણ વગર તે મુક્તપણે ભોગવી શકે એવા હકોને માનવ અધિકારોમાં ગણવામાં આવ્યા છે. એમાં કોઈ જાતિ, રંગ, વર્ણ, કામ, ક્ષેત્ર, ઉંમર એમ કશાયના ભેદ વિના દરેક માનવને સમાનતા અને સન્માન પ્રાપ્ત થવાં જ જોઈએ. વિશ્વના દરેક મનુષ્યને આ મૂળભૂત અધિકાર મળવા જોઈએ અને આ અધિકારનો આધાર મનુષ્યના લિંગ પર ન હોવો જોઈએ. જોકે વાસ્તવિકતા એવી છે કે જન્મથી જે સ્ત્રી અથવા પુરુષ છે તેઓ જ મૂળભૂત માનવીય અધિકારો માટે પાત્ર છે. પોતાને ભણેલો-ગણેલો અને વિચારોથી પ્રગતિશીલ ગણાવતો આ સમાજ સ્ત્રી અને પુરુષ સિવાયની અન્ય જાતિ ધરાવતા લોકો, જેમાં વ્યંડળો, કિન્નરો, ટ્રાન્સજેન્ડર્સને માનવ હોવાના મૂળભૂત અધિકાર આપતો નથી.

હજી ૨૦૧૫ની સાલ સુધી તેમને સ્વતંત્ર લિંગ તરીકે સ્વીકારવામાં નહોતા આવ્યા. કોઈ પણ જગ્યાએ સરકારી યોજનાના લાભ મેળવવા માટે ફૉર્મ અથવા અરજીમાં સ્ત્રી અને પુરુષ આ બે જ જાતિના ઉલ્લેખ સામાન્ય રીતે કરવામાં આવતા હતા. નૅશનલ લીગલ સર્વિસ ઑથોરિટી (એનએલએસએ—નાલ્સા)એ સર્વોચ્ચ ન્યાયાલયમાં ટ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડરના હોદ્દા માટેની, તેઓના સમાન માનવીય અધિકારોની તથા સરકારી યોજનાનો લાભ મળે એ માટે સામાજિક અને આર્થિક રીતે કાયદેસર પછાત તરીકેનો દરજ્જો મેળવવાની માગણી કરતી અરજી કરી હતી અને લાંબી લડત બાદ ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે આ યાચિકા મંજૂર કરી. આનાથી ટ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડર તરીકેનું સ્થાન ફૉર્મમાં એટલે કે પેપર પર તો મળ્યું, પણ સમાજમાં આજ સુધી નથી મળી શક્યું.

૨૦૧૧માં સર્વોચ્ચ ન્યાયાલયમાં બાળકને દત્તક લેવા માટે અને પોતાના જેવા લોકોને કાયદેસર ઓળખ મળે એ હેતુથી અરજી દાખલ કરનાર પહેલી ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંત કહે છે, ‘મને ભારતીય નાગરિક તરીકે મારા મૂળભૂત અધિકારો કાયદાની દૃષ્ટિએ તો મળ્યા છે, પણ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે હજી ટ્રાન્સજેન્ડર માટે કોઈ વેલ્ફેર બોર્ડની સ્થાપના નથી કરી, જેના હિસાબે આજે પણ અમને ઘર કે નોકરી જેવી સુવિધાઓ નથી મળી રહી. આનાથી વધારે માનવીય અધિકારોનું ઉલ્લંઘન બીજું શું હોઈ શકે? આ અમારી સાથે મનુષ્ય તરીકે થયેલો અન્યાય છે અને આના મૂળમાં લૈંગિક ભેદભાવ છે.’

૨૦૧૧માં મહારાષ્ટ્રની વસ્તીગણતરી પ્રમાણે મહારાષ્ટ્રમાં કુલ ૧૧.૨૪ કરોડ લોકો છે. ગૌરી સાવંત તેમના જેવા લોકોની વસ્તી વિશે કહે છે, ‘મહારાષ્ટ્રમાં અમારી વાસ્તવમાં ૬ લાખથી પણ વધારે વસ્તી છે, પણ મહારાષ્ટ્ર સરકારના આંકડા પ્રમાણે માત્ર ૨૦૦૦ની વસ્તીની નોંધ થઈ છે. જો અમારું વેલ્ફેર બોર્ડ બને તો અમને પિતાની મિલકત, રોજગાર, ઘર ખરીદવું, શિક્ષણ મેળવવું જેવા અધિકાર મળી શકે. એવું નથી કે સમાજ અમને બધે સ્થાન આપશે, પણ જો કાયદો બનશે તો અમને એક સુરક્ષા પ્રદાન થશે. કાયદાના ડરથી જરૂર અમને વહેલું-મોડું સ્થાન મળશે અને અમારા જેવાનું જીવન સહેલું બનશે. અમને આજે પણ સરકારી હૉસ્પિટલમાં ટૉઇલેટની બાજુમાં અથવા દાઝેલા લોકોના વૉર્ડની બાજુમાં જગ્યા આપવામાં આવે છે. આના પરથી સમાજમાં અમારું સ્થાન અને અમારા અધિકારનો દરજ્જો લોકોને ખ્યાલ આવશે.’

સર્વોચ્ચ ન્યાયાલયે ટ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડર તરીકે સ્થાન આપી તેમને ભારતના બંધારણ હેઠળ મૂળભૂત માનવીય અધિકાર આપ્યા. હાલમાં એટલે કે ૨૦૧૯ની ૨૬ નવેમ્બરે ભારતમાં ‘ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) બિલ’ ૨૦૧૯ મંજૂર થયું છે જેના દ્વારા સરકારના પ્રયત્ન છે કે ટ્રાન્સજેન્ડરને સમાજમાં સમાન અધિકારો મળે. તેઓનું શૈક્ષણિક, સામાજિક, આર્થિક રીતે સશક્તીકરણ થાય.   

સમાજ દ્વારા સ્વીકૃતિ ન મળવાથી મહેનત કરીને કમાવાનો અધિકાર આ લોકોને મળતો નથી અને આને કારણે તેમના શરીરને વાપરીને અથવા ભીખ માગીને પૈસા કમાવા સિવાય તેઓ પાસે અન્ય કોઈ બીજો રસ્તો રહેતો નથી. આને કારણે ટ્રાન્સજેન્ડરમાં એચઆઇવીનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય એ સ્વાભાવિક છે.

અહીં એક વાત કહેવી બહુ જરૂરી છે કે અન્ય જાતિની જ્યારે વાત કરીએ ત્યારે એમાં ઘણા પ્રકાર હોય છે. સામાન્ય રીતે લોકોમાં તેઓ વ્યંડળ અથવા કિન્નર કે અંગ્રેજીમાં થર્ડ જેન્ડર, ટ્રાન્સજેન્ડર અને ઇન્ટરસેક્સ ધરાવતા લોકો જેવા શબ્દોથી પરિચિત હોય છે, પણ આ દરેક શબ્દો તેમના એક-એક પ્રકારને પરિભાષિત કરે છે અને આ દરેકની પરિભાષા અલગ-અલગ છે. તેમના પ્રકાર અને જાતિ ભલે ભિન્ન-ભિન્ન હોય, પણ મૂળભૂત અધિકારો અને સમાનતાની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે તેમની મનુષ્યમાં ગણતરી કરી તેમને પણ એ જ અધિકાર અને હક્ક મળે, જે સમાજમાં દરેક સ્ત્રી અને પુરુષોને મળે છે એની નોંધ લેવી જરૂરી છે.

છેલ્લાં અનેક વર્ષોથી ચેન્નઈની એક બિનસરકારી સંસ્થા ‘સાથી’ના ઉપપ્રમુખ તરીકે ટ્રાન્સજેન્ડર લોકો માટે કામ કરનાર ડૉ. એલ. રામકૃષ્ણન કહે છે, ‘સ્ત્રીમાંથી પુરુષ બનેલા ટ્રાન્સજેન્ડર લોકોની સંખ્યા મણિપુર, ગુજરાત, ઓડિશા, કર્ણાટક અને કેરળમાં વધારે છે. કર્ણાટક, ઓડિશા અને કેરળની રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડરને લઈ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી એના પર અમલ કર્યો છે. કેરળ આ મુદ્દાને લઈને ખૂબ જ આગળ પડતા વિચાર ધરાવે છે. અહીં ટ્રાન્સજેન્ડર કેરળ રાજ્યની વિધાનસભામાં છે, શિક્ષક તરીકે પણ કામ કરે છે. તેઓને નોકરી પણ મળે છે. તેમને આધાર કાર્ડ આપવામાં આવ્યાં છે અને સરકારી દસ્તાવેજો દ્વારા તેમને ઓળખ આપવામાં આવી છે અને અનેક મૂળભૂત અધિકારો સરકારે તેમને આપ્યા છે.’

ટ્રાન્સજેન્ડર લોકોના મૂળભૂત અધિકાર માટે કામ કરતા ડૉ. સુરેન્દ્ર યાદવ કહે છે, ‘તમે સ્ત્રી હો, પુરુષ હો કે ટ્રાન્સજેન્ડર, પણ જન્મ તો મનુષ્ય તરીકે જ થયો છે. આપણે એકબીજાને પ્રેમ કરીએ અને માન આપીએ એ જરૂરી છે. એક ડૉક્ટર તરીકે મેં ક્યારેય કોઈની સારવારમાં ભેદભાવ કર્યો નથી. આપણે સૌએ થર્ડ જેન્ડર મનુષ્યો માટે એક સુરક્ષિત વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.’

આટલાં વર્ષોથી જે લોકોનું સમાજમાં અને દુનિયામાં અસ્તિત્વ છે તેમને મૂળભૂત માનવીય અધિકારો અપાવવામાં અને તેમને ઓળખ અપાવવામાં આપણે સફળતા નથી મેળવી શક્યા.

મહારાષ્ટ્રમાં અમારી વાસ્તવમાં ૬ લાખથી પણ વધારે વસ્તી છે, પણ મહારાષ્ટ્ર સરકારના આંકડા પ્રમાણે માત્ર ૨૦૦૦ની વસ્તીની નોંધ થઈ છે. અમને આજે પણ સરકારી હૉસ્પિટલમાં ટૉઇલેટની બાજુમાં અથવા દાઝેલા લોકોના વૉર્ડની બાજુમાં જગ્યા આપવામાં આવે છે.

- ગૌરી સાવંત, ટ્રાન્સજેન્ડર

કેરળ આ મુદ્દાને લઈને ખૂબ જ આગળ પડતા વિચાર ધરાવે છે. અહીં ટ્રાન્સજેન્ડર લોકો કેરળ રાજ્યની વિધાનસભામાં છે, શિક્ષક તરીકે પણ કામ કરે છે. તેઓને નોકરી પણ મળે છે. તેમને આધાર કાર્ડ આપવામાં આવ્યાં છે.

- ડૉ. એલ. રામકૃષ્ણન, સોશ્યલ ઍક્ટિવિસ્ટ

તમે સ્ત્રી હો, પુરુષ હો કે ટ્રાન્સજેન્ડર, પણ જન્મ તો મનુષ્ય તરીકે જ થયો છે. આપણે એકબીજાને પ્રેમ કરીએ અને માન આપીએ એ જરૂરી છે. એક ડૉક્ટર તરીકે મેં ક્યારેય કોઈની સારવારમાં ભેદભાવ કર્યો નથી.

- ડૉ. સુરેન્દ્ર યાદવ, સોશ્યલ ઍક્ટિવિસ્ટ

ગુજરાતના ટ્રાન્સજેન્ડરની સમસ્યા

ટ્રાન્સજેન્ડર હોવું એ જીવનમાં કેટલો મોટો અભિશાપ બની જાય છે એ કદાચ સ્ત્રી કે પુરુષ તરીકેના હક ભોગવનાર વ્યક્તિને ક્યારેય સમજાવાની નથી. ગુજરાતમાં રહેતી અને સમાજથી પોતાની ઓળખ છુપાવીને જીવતી એક વ્યક્તિ નામ ન આપવાની શરતે પોતાના હૈયાની વરાળ ઠાલવતાં કહે છે, ‘હું એક સ્ત્રી તરીકે ઊછરી છું, પણ હકીકતમાં હું પુરુષ છું. મારા પરિવારે પણ મને તરછોડી દીધી હતી અને છતાં અનેક સંઘર્ષો વેઠીને પોસ્ટ ગ્રૅજ્યુએટ થઈ. હવે હું એકલી રહું છું. જીવનમાં ડગલે ને પગલે અનેક સમસ્યાનો સામનો કર્યો છે. જોકે એમાં કેટલાક એવા લોકો પણ મળ્યા જે મારા જેવા હતા. જોકે સામાન્ય લોકોની માનસિકતા અમારા જેવા લોકો માટે હજી સ્વસ્થ નથી. હમણાં જે રાજ્યસભામાં બિલ મંજૂર થયું એમાં એક પ્રધાને એમ કહ્યું કે જે ઘરમાં આવાં બાળકો જન્મે છે તેની સાથે મને સહાનુભૂતિ છે અને આ એક દુ:ખની ઘટના છે. આવી માનસિકતા ધરાવતા લોકો અમને શું ન્યાય અપાવી શકશે? અમારે સહાનુભૂતિ નહીં, સમાનતા અને સ્વીકાર જોઈએ છે. આપણા સમાજમાં અમારા જેવા લોકોના મૂળભૂત અધિકારોનું શું? સમાજમાં બે ટકા લોકો આવા હોય તો પણ સમાન અધિકાર મળવા જ જોઈએ. અમને લાઇસન્સ મેળવવામાં કે સરકારી દસ્તાવેજો મેળવવામાં અનેક સમસ્યા નડે છે તો આપણા દેશમાં દરેક માટે સમાન અધિકાર છે એવું કેવી રીતે કહી શકાય? આજે એ જ કારણ છે કે હું આટલું ભણીગણીને આગળ વધી છું, પણ મારે મારી ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખ છુપાવવી જ પડે છે.’

હ્યુમન રાઇટ્સ ડે શું કામ?

૧૩મી સદીમાં ઇંગ્લૅન્ડમાં બનાવાયેલા મૅગ્નાકાર્ટા દસ્તાવેજમાં પહેલવહેલી વાર માનવ અધિકારોના વિચારનો ઉદ્ભવ થયો હતો. એ દસ્તાવેજમાં પૃથ્વી પર જન્મતા દરેક માનવીને માનવ હોવાના અધિકાર મળવા જોઈએ એવી વાત રજૂ થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ પછીથી માનવ અધિકારો વિશે વૈશ્વિક કાયદો બનાવવાની ચર્ચા વૈશ્વિક સ્તરે શરૂ થઈ, પણ એમાં સફળતા ન મળી. પહેલી વાર ૧૯૪૫માં વૈશ્વિક સ્તરે માનવીય અધિકારોનો ખ્યાલ સ્પષ્ટ થયો અને ૧૯૫૦ની સાલથી દર ૧૦ ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ હ્યુમન રાઇટ્સ ડે ઊજવાય છે.

columnists