તમારી પર્સનાલિટી બદલી શકે છે ઍક્સેસરીઝ

10 February, 2020 05:57 PM IST  |  Mumbai Desk | Varsha Chitaliya

તમારી પર્સનાલિટી બદલી શકે છે ઍક્સેસરીઝ

સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે પુરુષોએ વળી શું તૈયાર થવાનું હોય? તેમનો વૉર્ડરોબ ખોલો તો પાંચ-સાત જોડી ઇસ્ત્રીટાઇટ પૅન્ટ-શર્ટ, વૉલેટ, એકાદ બેલ્ટ, ઘડિયાળ અને શૂઝ સિવાય કંઈ ન મળે. જોકે આટલા ઑપ્શનમાં પણ તમે પોતાની સ્ટાઇલ ક્રીએટ કરી શકો છો. સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં અટાયર ઉપરાંત ઍક્સેસરીઝનો રોલ ઘણો જ મહત્ત્વનો છે. લેટેસ્ટમાં પુરુષોના ફૅશન વર્લ્ડમાં ઍક્સેસરીઝને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જુદી-જુદી ઍક્સેસરીઝ વડે તમારા વ્યક્તિત્વને કઈ રીતે પ્રભાવશાળી બનાવી શકાય એ વિશે ઇમેજ કોચ નેહા રત્નાકર શું કહે છે એ જાણી લો.
ઍક્સેસરીઝની બાબતમાં પુરુષો પાસે ચૉઇસનાં લિમિટેશન્સ છે, પરંતુ એમાંથી જ સ્ટાઇલ ક્રીએટ કરી શકો તો તમારી પર્સનાલિટી ચેન્જ થઈ જાય છે. તમે એક કે બે ચોક્કસ બ્રૅન્ડના આઉટફિટ્સ પહેરતા હશો તો એમાં ઘણી સમાનતા જોવા મળશે. એમાં યુનિક જોઈતું હોય તો ઍક્સેસરીઝ દ્વારા જ કરી શકાશે. જોકે કયા ઓકેઝન પર તમારે કેવી પર્સનાલિટી પૉર્ટ્રેટ કરવી છે એ પ્રમાણે ઍક્સેસરીઝની પસંદગી કરવી જોઈએ. આ સાથે ઑડિયન્સને પણ ધ્યાનમાં રાખવું પડે. હાલમાં લગ્નની સીઝન ચાલે છે તો પહેલાં આપણે એની વાત કરીએ. ત્યાર બાદ ડે ટુ ડે લાઇફ અને બિઝનેસ મીટિંગ્સની વાત કરીશું.
લગ્ન સમારોહમાં
ગુજરાતીઓનાં લગ્નોમાં વિધિ દરમ્યાન કુરતા પહેરવાનો ટ્રેન્ડ પૉપ્યુલર છે. અહીં સ્ટાઇલ ક્રીએટ કરવા તમારે જ્વેલરી પર ફોકસ રાખવું જોઈએ. મહિલાઓ આ બાબત નસીબદાર છે. તેમને પોતાનું સ્ટાન્ડર્ડ બતાવવું હોય તો જ્વેલરીનો ઠઠારો કરી શકે છે. તેમની પાસે ઑપ્શન્સ ઘણા છે. લેટેસ્ટમાં પુરુષો કુંદન અને સ્ટોનની જ્વેલરી પહેરવા લાગ્યા છે. પ્લેન કુરતા સાથે સ્ટોન ક્લાસિક લુક આપશે. નજીકના પ્રસંગમાં જો કુરતા પર ટર્બન પહેરવાની હોય તો સ્ટોનની જ્વેલરી ખાસ પહેરવી. ટર્બન પર ફૅન્સી બ્રૉચ લગાવી શકાય. સાંજના ફંક્શનમાં સૂટ સાથે ક્ફલિન્ક્સ અને પૉકેટ સ્ક્વેર યુનિક હોવાં જોઈએ. યંગ લુક માટે બ્લેઝર અને વેસ્ટકોટ બેસ્ટ ચૉઇસ છે. એમાં નેકટાઇથી નવીનતા ઉમેરી શકાય.
ફાઇનૅન્શિયલ સ્ટાન્ડર્ડ
મોટા ભાગના ગુજરાતીઓ પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા છે. એક સમય હતો કે જ્યારે તેઓ હાથમાં રોકડ રકમ સાથેની થેલી કે નાની બૅગ લઈને ફરતા. ઈ-ટ્રાન્ઝેક્શનના જમાનામાં વૉલેટની ફૅશન આઉટડેટેડ થઈ ગઈ છે. બીજું, આ ઍક્સેસરીઝ વિઝિબલ નથી એથી એમાં વધુ ખર્ચો કરવાની કે સ્ટાઇલ બતાવવાની જરૂર નથી. બિઝનેસ સ્ટાન્ડર્ડ બતાવવાનું હોય તો વિઝિબલ ઍક્સેસરીઝ પર ભાર મૂકવો. રિસ્ટવૉચ એવી ઍક્સેસરીઝ છે તમારા ફાઇનૅન્શિયલ સ્ટેટસને ઇન્ડિકેટ કરે છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે મોટા-મોટા બિઝનેસમૅન સાવ સાદાં કપડાં પહેરે છે, પણ વારંવાર પોતાનો હાથ ઊંચો-નીચો કરતા કે હલાવતા હોય છે. આવું કરવાનો આશય મોંઘા ભાવની બ્રૅન્ડેડ રિસ્ટવૉચ બતાવવાનો હોય છે. મિડલ એજના પુરુષોએ ફાઇનૅન્શિયલ સ્ટાન્ડર્ડને હાઇલાઇટ કરવા સારી રિસ્ટવૉચ પહેરવી જોઈએ. જુદા-જુદા લોકોને મળવાનું થતું હોય તો તમારી પાસે ત્રણ-ચાર સ્ટાઇલિશ રિસ્ટવૉચનું કલેક્શન હોવું જોઈએ.
બિઝનેસ-કલ્ચર
તમે કઈ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો અને કેવા લોકો સાથે કામ કરો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે તમે તમારી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય બિઝનેસમૅન કરતાં એકદમ જ અલગ દેખાશો તો લોકો સ્વીકારશે નહીં. બિઝનેસમૅને ઍક્સેસરીઝમાં નવીનતા ઉમેરતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. મિડલ એજના પુરુષોએ બિઝનેસને અપ્રોચેબલ બનાવવા બને એટલા સરળ રહેવાની સલાહ છે. તેમણે પોતાના વ્યવસાયને અનુરૂપ સ્ટાઇલ અડેપ્ટ કરવી જોઈએ. જોકે હવે તો યંગ જનરેશન પણ બાપ-દાદાના ધંધામાં રસ લેતી થઈ છે. મેં જોયું છે ઘણા યુવાનોએ એજ્યુકેશનની મદદથી ફૅમિલી બિઝનેસને નવી દિશા આપી છે. નવા ઑન્ટ્રપ્રનરને તો અપ્રોચેબલ કઈ રીતે બનવાનું છે એની સારી સમજ છે. તેઓ પોતાની ઍક્સેસરીઝમાં ઇનોવેશન્સ લાવી નવી સ્ટાઇલ ક્રીએટ કરવામાં માહેર છે. તેઓ ઇચ્છે તો નવીનતા ઉમેરી શકે છે.
કૉર્પોરેટ-કલ્ચર
વર્કિંગ પ્રોફેશનલે પોઝિશન પ્રમાણે ઍક્સેસરીઝનો ઉપયોગ કરવો જોઈએ. સીઈઓ જેવી હાયર પોસ્ટ પર કામ કરતા પુરુષોએ ટોળા કરતાં અલગ તરી આવવા માટે બે પ્રકારની ઍક્સેસરીઝને પોતાના વૉર્ડરોબમાં સામેલ કરવી જોઈએ. એક રાઇટિંગ પેન અને બીજી રિસ્ટવૉચ. એનું કારણ છે આ લેવલ સુધી પહોંચતાં તમારી એજ ચાળીસીને વટાવી ગઈ હશે. બ્રૅન્ડેડ અટાયર પહેરતા હશો તેથી એમાંય કંઈ નવું નહીં કરી શકો. બ્રૅન્ડેડ આઉટફિટ્સ સામાન્ય રીતે દેખાવમાં સિમ્પલ હોય છે તેથી પ્રભાવશાળી દેખાવા હાથમાં આકર્ષક પેન હોવી જોઈએ. ખાસ કરીને મીટિંગ્સમાં પેનથી તમે બીજા પર પ્રભાવ પાડી શકો છો. કૉર્પોરેટ-કલચરમાં પાર્ટી થયા કરતી હોય છે. આવી પાર્ટીઓમાં બ્લેઝર, બો અને પૉકેટ સ્ક્વેર યુનિક હોવાં જોઈએ. અહીં તમે યંગ અને રૉકિંગ લુક માટે જોઈએ તો એકાદ ટ્રેન્ડી ઍક્સેસરી ઉમેરી શકો છો. પાર્ટીની ભીડમાં જુદા પણ દેખાવું છે અને ટ્રેન્ડી પણ જોઈએ તો સ્કાર્ફ બેસ્ટ છે.

ડે ટુ ડે લાઇફ
ડે ટુ ડે લાઇફમાં નોકરી કરતા હો તો તમારા વર્કિંગ કલ્ચર અનુસાર શૂઝ અને બેલ્ટ જેવી ઍક્સેસરીઝને ફૉલો કરી શકો છો. અહીં તમારે વધુ નવું કરવાની જરૂર નથી. ખાસ કરીને મિડલ અથવા મોટી ઉંમરના પુરુષોએ રોજિંદી લાઇફસ્ટાઇલમાં ઍક્સેસરીઝને હાઇલાઇટ કરવાની આવશ્યકતા નથી. યંગ છો અથવા સ્ટાઇલિસ્ટ રહેવાનું પસંદ કરો છો તો ટ્રેન્ડી કરો પણ એટલું નહીં કે વર્કપ્લેસ પર બધા કરતાં સાવ જ જુદા દેખાઓ. વર્ક પ્લેસ પર મોબાઇલના કવર જેવી વસ્તુમાં કંઈક નવું ઉમેરી આકર્ષણ ઊભું કરી શકો છો. એટ્રેક્શન માટે દોઢ-બે મહિને મોબાઇલ કવર ચેન્જ કરો. ડિફરન્ટ લુક માટે કોઈકવાર ફોર્મલ અને કેઝ્યુઅલ વેઅરમાં ટ્રેન્ડી ઍક્સેસરીઝ પહેરો એટલું બસ છે.
આમ જુદી-જુદી ઍક્સેસરીઝનું વેરિએશન ઍડ કરી પુરુષો પોતાની એજ, પ્રોફેશન અને પ્રસંગને અનુરૂપ સ્માર્ટ અને અટ્રૅક્ટિવ પર્સનાલિટી ડેવલપ કરી શકે છે. જેમના સંપર્કમાં આવો છો તેની સામે જે ઇમેજ પૉર્ટ્રેટ થાય છે એ તમારી વૅલ્યુ નક્કી કરે છે.

પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પુરુષોના વૉર્ડરોબમાં ક્લાસિક ઍક્સેસરીઝનું કલેક્શન હોવું જોઈએ. પોતાના પ્રોફેશન, ઉંમર, ફાઇનૅન્શિયલ સ્ટાન્ડર્ડ અને કલ્ચરને ધ્યાનમાં રાખવા રિસ્ટવૉચ, રાઇટિંગ પેન, પૉકેટ સ્ક્વેર, કફલિન્ક્સ જેવી જુદી-જુદી ઍક્સેસરીઝનું વેરિએશન ઍડ કરી પુરુષો સ્ટાઇલિશ અને ક્લાસિક લુક મેળવી શકે છે. ઈ-ટ્રાન્ઝેક્શનના જમાનામાં વૉલેટ જેવી ઍક્સેસરીઝ આઉટડેટેડ બની છે તેથી એમાં કંઈ નવું કરવાની આવશ્યકતા નથી, પરંતુ કંઈક ટ્રેન્ડી કરવું જ હોય અને તમે યંગ છો તો મોબાઇલ કવરમાં કરી શકાય - નેહા રત્નાકર, ઇમેજ કોચ

columnists Varsha Chitaliya