વિરામ અને વિકાર: આરોપીઓના પરિવારજનોની વાતને સ્વીકારવી એ જ હવે સમાજધર્મ

03 December, 2019 02:14 PM IST  |  Mumbai | Manoj Joshi

વિરામ અને વિકાર: આરોપીઓના પરિવારજનોની વાતને સ્વીકારવી એ જ હવે સમાજધર્મ

મનોજ જોષી

જો તમને ક્યાંય પણ એવું લાગતું હોય કે સહિષ્ણુ બનીને, મોટું મન રાખીને આરોપીઓને માફ કરવાની માનસિકતા દાખવવી એ ધર્મ છે તો પહેલો જવાબ તમને એ આપવાનો કે તમે હવે આ જગતમાં રહેવાને લાયક નથી રહ્યા. તમે પણ નહીં અને તમારો પરિવાર પણ નહીં. આરોપીઓની કેવી ભૂલ અને કઈ ભૂલ માફ કરવી જોઈએ એ વાત સહજ રીતે સમજવાની માનસિકતા હવે સૌકોઈએ કેળવવી પડે એમ છે. છેડતી કે બળાત્કાર જેવા આરોપોને હવે નબળી નજરથી જોવું એ સમાજદ્રોહ જેવી ઘટના છે. જો તમે એવું હજી પણ માનતા હો કે બળાત્કારી સુધરી શકે છે તો કહેવાનું કે આ તમારો ભ્રમ છે અને તમારા આ ભ્રમ માટે તમને સજા મળવી જોઈએ.

ખુદ આરોપીઓના પરિવારજનોએ કહ્યું કે તેમનાં સંતાનોને જો ફાંસીની સજા મળશે તો અમે એનો કોઈ વિરોધ નહીં કરીએ. એક આરોપીની માએ પોતાનો ચહેરો છુપાવ્યા વિના હૈદરાબાદની એક ન્યુઝ-ચૅનલને ઇન્ટરવ્યુ આપ્યો અને કહ્યું કે ‘મારી ઇચ્છા છે કે મારા દીકરાને પણ એવી જ રીતે મારવામાં આવે જે રીતે ડૉક્ટર મહિલાની હત્યા થઈ હતી. તેને ગળું દબાવીને, શ્વાસ રૂંધાવીને અને એ પછી તેના મૃતદેહને પણ કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈને પેટ્રોલ છાંટીને બાળી નાખવામાં આવે. અમે કોઈ એ લાશનો કબજો લેવા નહીં જઈએ.’

તેમની આ ઇચ્છા પૂરી થવી જોઈએ. ઍટ લીસ્ટ હત્યારાઓને મોત આપીને તો આ ઇચ્છા પૂરી કરવી જ જોઈએ. ગઈ કાલે કહ્યું એમ, હવે સમય આવી ગયો છે લાઠી ઠપકારવાનો. જો તમે કહેતા હો કે દીકરીઓને બચાવવી જોઈએ, સ્ત્રીભ્રૂણહત્યા ન કરવી જોઈએ તો તમારે એ પણ સમજવું પડશે કે આ જવાબદારી માત્ર માબાપની નથી. આ જવાબદારી સમાજની પણ છે અને આ જવાબદારી સરકારની પણ છે. સરકારે હવે જાગવું પડશે. હવે આ પ્રકારના કિસ્સામાં આવું જઘન્ય પાપ કરનારાઓને સીધાદોર કરવાના હેતુથી સજા કરવી પડશે. દરેક વખતે કાયદાની છટકબારીઓ કે પછી છીંડાંઓનો લાભ લેનારાઓ કાયદાની ખોટી ગૂંચવણ ઊભી કર્યા કરે અને દિવસો ખેંચાયા કરે એવું ન થવા દેવું જોઈએ. દેખાડો તેમને કે અમને આ નથી પસંદ, દેખાડો તેમને કે હવે અમે આ નહીં ચલાવીએ. દેખાડો તેમને કે હવે આવું જો બન્યું તો તમારી ખેર નથી. આવી ગયો છે સમય અને આવી ગયો છે દિવસ. કઈ ઘટનાને અંતિમ ઘટના ગણવી છે આપણે? કઈ વારદાતને કબરનો છેલ્લો ખીલો માનીને આગળ વધવું છે તમારે? કઈ દીકરીને દેશની છેલ્લી શહીદ માનીને જીવવું છે તમારે?

જે સ્ત્રીના પેટે જન્મ લીધો એ જ સ્ત્રી સાથે આવું પાપ કઈ રીતે થઈ શકે, કેવી રીતે એવું વિચારી પણ શકાય? હું કહીશ કે આ ઘટનાના આ જે ચાર આરોપીઓ છે તેમની પાસેથી એ પણ જાણવામાં આવે કે એ સમયે તેમના મનમાં શું ચાલતું હતું અને તેમને કેમ તેમની પોતાની મા-બહેન-દીકરી કે પરિવારની અન્ય કોઈ સ્ત્રીસભ્ય યાદ ન આવી? આરોપીઓને જીવતા રાખવાના હો તો તેમની હાલત એવી કરી નાખો કે દયા ખાનારાઓને પણ પરસેવો છૂટી જાય અને જો મારી નાખવાના હો તો દેશનો સમય બરબાદ ન કરો.

manoj joshi columnists