ઐસે જિયો જૈસે પહલા દિન હૈ યે

25 August, 2019 03:50 PM IST  |  મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

ઐસે જિયો જૈસે પહલા દિન હૈ યે

હેપ્પીનેસ

મુંબઈમાં હમણાં બહુબધા લોકો બીમાર પડ્યા છે. જે લોકો ક્યારેય બીમાર પડતા નહોતા એવા લોકોને પણ બીમારીએ હડફેટમાં લીધા છે. આ સીઝન જ એવી છે એવું કહું તો પણ ચાલે અને અત્યારનું વાતાવરણ જ એવું છે જેમાં તમને એવું લાગે કે બધાના ગ્રહ જ ખરાબ ચાલી રહ્યા છે. જવલ્લે જ મેં જેમને બીમાર જોયા છે એવા મારા પપ્પા પણ હમણાં હૉસ્પિટલાઇઝ્‍ડ હતા. હું એ વાત કહું એ પહેલાં મને એટલું કહેવું છે કે બીમાર પડવું સહેલું છે, પણ તમારા પોતાને ગમતી અને વહાલી વ્યક્ત‌િઓ બીમાર પડે એ જરા પણ સહન નથી થતું. મારી હાલત પણ એવી હતી અને એટલે જ હું કહું છું કે કોઈ બીમાર ન પડવું જોઈએ. બીમારીમાં એવી ખરાબ હાલત થઈ જાય છે કે તમારે કશું કરવાનું જ હોતું નથી, બસ તમારી ગમતી વ્યક્તિને પીડાને કારણે હેરાન થતી જોયા કરવાની.

બહુ ખરાબ સિચુએશન છે આ અને એટલે જ કહીશ કે તમારા ઘરમાંથી ક્યારેય કોઈ બીમાર પડે ત્યારે પહેલું કામ તેમની સારવારનું કરજો. જરા પણ માથું મારતા નહીં કે બેદરકાર રહેતા નહીં.

મારી વાત કરું તો પપ્પા ઘરે હતા ત્યારે તેમને સ્ટમક પેઇન ચાલુ થયું. શરૂઆતમાં બધાને એમ જ લાગ્યું કે આ નૉર્મલ હશે અને સામાન્ય રીતે જે પ્રકારનો પેટનો દુખાવો થાય એવો જ હશે આ. થોડી વારમાં ઠીક થઈ જશે એવી ધારણા સાથે બધાએ દેશી નુસખા વાપરવાનું શરૂ કરી દીધું. પેટ ચોળવું, હિંગ લગાડવી, નજર ઉતારવી અને સામાન્ય ઍન્ટિબાયોટિક આપવા જેવી ક્રિયા કરી લીધી, પરંતુ એ પછી પણ તેમની હેલ્થ બરાબર ન થઈ એટલે પહેલાં સામાન્ય ક્લિનિક અને ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરવામાં આવ્યા, પણ ફરક ન પડ્યો અને દુખાવો એટલો ને એટલો જ રહેતાં પછી સ્પેશ્યલાઇઝ્‍ડ ડૉક્ટર પાસે જવું પડ્યું. ત્યાં સુધીમાં તબિયત ખરેખર થોડી વધારે બગડી ગઈ હતી એટલે તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા, જ્યાં ઑપરેશન થયું અને ભગવાનની દયાથી હવે તેમની તબિયત એકદમ નૉર્મલ છે.

પપ્પા જ્યારે હૉસ્પિટલમાં હતા ત્યારે મેં મારું બધું કામ છોડી દીધું હતું. હું માત્ર ને માત્ર તેમની સાથે જ રહ્યો હતો. આ વાત ગણાવવાની છે જ નહીં અને ગણાવતો પણ નથી, કારણ કે કોઈ પણ દીકરો (કે પછી દીકરી)એ આવી સિચુએશનમાં પપ્પા સાથે અને પાસે જ રહેવાનું હોય, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘટનાથી મેં મારી આંખે જોયું કે મારા પપ્પાની ઉંમર વધી ગઈ. હા, સાચે જ. હૉસ્પિટલ પહેલાંના પપ્પા અને હૉસ્પિટલ પછીના પપ્પામાં મને ફરક દેખાયો. તેમની ઉંમર વધી ગઈ એવું મને તેમની અવસ્થા પરથી નથી લાગ્યું, પણ મારી જવાબદારીઓ પરથી લાગ્યું. મારી આંખ સામે મારી જ પહેલી ગુજરાતી ફિલ્મ ‘પપ્પા, તમને નહીં સમજાય!’નો હૉસ્પિટલવાળો આખો સીન આવી ગયો. ફિલ્મની શરૂઆતમાં પપ્પા હૉસ્પિટલમાં છે અને હું હાંફળોફાંફળો થઈને હૉસ્પિટલ પહોંચું છું અને પછી હૉસ્પિટલમાં પર જ રહું છું.

આ વાત નાની નથી. પપ્પા પાસે સતત રહ્યા પછી મને સમજાયું છે કે કઈ રીતે બધું ધ્યાન રાખવાનું હોય છે. મારો મોટો ભાઈ પપ્પાની ઑફિસ અને તેમનું કામ સંભાળતો અને હું અહીં હૉસ્પિટલમાં રહેતો. હૉસ્પિટલનું કામ મારી લાઇફમાં પહેલી વાર આવ્યું હતું. એક ખાસ વાત કહીશ, ક્યારેય આવું કામ કોઈના નસીબમાં ન આવે, ક્યારેય નહીં. બહુ પેઇનફુલ પ્રોસેસ હોય છે આ. આપણે ફિલ્મોમાં જોયું હોય એમ જ ઍડ્મિશનની લાઇનમાં ઊભા રહેવાનું, મેડિક્લેમ હોય તો એની અલગ પ્રોસેસ કરવાની અને કેસ હોય તો એની અલગ પ્રોસેસ. કઈ રૂમ લેવી, મેડિક્લેમ માટેના ક્લેમની પ્રોસીજર અને એ પ્રોસીજરની લાંબી પ્રક્રિયા. મારી પર્સનલ વાત કરું તો હું શરૂઆતથી જ ઇન્ડિપેન્ડન્ટ રહ્યો છું એટલે પ્રમાણમાં ઘણું બધું મેં જોઈ લીધું છે, શીખી લીધું છે અને અનુભવી પણ લીધું છે અને એમ છતાં અમુક વાતો અને કામ મારા માટે નવાં હતાં. કઈ રૂમ રાખવી, એની ફૅસિલિટી શું છે, ડૉક્ટર કોણ છે, બીજો મેડિકલ સ્ટાફ શું છે, તેમને કઈ દવા આપવામાં આવે છે, એની શું અસર છે, કેટલો રેસ્ટ કરવાનો છે, કેટલું ફૂડ ઇન્ટેક છે જેવી વાતોથી માંડીને દવા લેવા જવાની, ડૉક્ટરો સાથે બધું ડિસ્કસ કરવાનું, પૈસાનો બંદોબસ્ત કરવાનો અને બાકીની બધી વ્યવસ્થા કરવાની. જવાબદારી તમને મૅચ્યોર બનાવી દે છે. મારા ભાગે આ બધું કરવાનું આવ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે દેખાવમાં જે વાતો બહુ નાની લાગે છે એ હકીકતમાં કેટલી મોટી હોય છે. આ બધું હું ફર્સ્ટ ટાઇમ જ કરી રહ્યો હતો અને એટલે મારા દિમાગમાં આ ફર્સ્ટ ટાઇમ વર્ડ બેસી ગયો અને મને થયું કે મારા આ વિષય પર એક આર્ટિકલ કરવો જોઈએ.

ફર્સ્ટ ટાઇમ.

બધી બાબતમાં ફર્સ્ટ ટાઇમ કેવું સ્પેશ્યલ હોય છે. ફર્સ્ટ નાઇટ હોય કે પછી ફર્સ્ટ ટાઇમનો પેરન્ટિંગ એક્સ્પીરિયન્સ. બાળકનું પહેલું પગલું હોય કે પછી સ્કૂલનો પહેલો દિવસ હોય કે પછી સ્કૂલની પહેલી દોસ્તી હોય કે સ્કૂલમાં આપવામાં આવતું પહેલું હોમવર્ક હોય. સ્કૂલનો ફર્સ્ટ ઍન્યુઅલ ડે હોય કે યુવાનીમાં થતો પહેલો પ્રેમ હોય. સ્કૂલમાં ટીચરના હાથનો પહેલો માર હોય કે પછી કૉલેજની પહેલી બંક હોય. વેકેશનનો પહેલો દિવસ હોય કે કૉલેજનો પહેલો દિવસ હોય, પહેલી ગર્લફ્રેન્ડ હોય કે પછી પહેલો બૉયફ્રેન્ડ હોય, બોર્ડની પહેલી એક્ઝામ, પહેલું બ્રેકઅપ, જૉબનો પહેલો દિવસ હોય કે પછી હાથમાં આવેલી પહેલી સૅલેરી હોય.
ફર્સ્ટ ટાઇમ જેકંઈ હોય એ બધું સ્પેશ્યલ બની જતું હોય છે. એ પછી તમને એની આદત પડે અને પછી બધું રૂટીન બની જાય છે, પણ એ ફર્સ્ટ ટાઇમનો અહેસાસ અલગ હોય છે. મારું પણ એવું જ હતું. પહેલી વાર આર્ટિકલ લખવા બેઠો ત્યારે રૂમ બંધ કરીને અંદર બેસીને એકબે કલાકનો સમય લેતો અને આર્ટિકલ તૈયાર થતો ત્યારે એવી ખુશી થતી જાણે મેં જંગ જીતી લીધો હોય અને હવે, હવે કોઈ પણ સિચુએશનમાં લખવાનો વિચાર આવી જાય અને લખવાનું શરૂ પણ થઈ જાય. પહેલી ફિલ્મનું એક્સાઇટમેન્ટ પણ જુદું હતું અને એ પછી, એ એક્સાઇટમેન્ટ ક્યારેય આવ્યું જ નથી. ફર્સ્ટ ટાઇમ ઇઝ વેરી સ્પેશ્યલ, વેરી વેરી સ્પેશ્યલ.
હવે તમે જ વિચારો કે જો દરેક દિવસ આપણે પહેલા દિવસની જેમ જ ઊજવીએ તો?

આ પણ વાંચો : પર્યુષણ મહાપર્વનાં કર્તવ્યો તમે જાણો છો?

હકીકત પણ છે કે દરેક દિવસ ખરેખર નવો જ હોય છે, એ દિવસે જે બનવાનું છે એ પહેલાં ક્યારેય બન્યું નથી અને શું બનવાનું છે એની પણ તમને ખબર નથી હોતી. ભવિષ્યના આ સમયકાળને આપણે જીવતા જઈએ છીએ અને રાતે આપણે એનું ઍનૅલિસિસ કરીએ અને કહીએ કે ડલ દિવસ હતો કે પછી બોરિંગ દિવસ હતો, પણ એવું વિચારવાનું છોડીને દરેક સવાર નવી સવાર ગણીને, નવેસરથી શરૂઆત કરવાની માનસિકતા રાખીશું તો એનો ફાયદો આપણને જ થશે. એક તો સૌથી અગત્યની વાત એ છે કે આપણને ખબર જ નથી કે આવતી કાલની સવાર આવવાની છે કે નહીં અને એ પછી પણ આપણે રાતે સૂઈએ ત્યારે તો એવી જ રીતે સૂઈએ છીએ જાણે આપણને અમર પટ્ટો મળ્યો હોય. આ આત્મવિશ્વાસ સારો છે, પણ એને પર્મનન્ટ માનીને જીવવું ખોટું છે. બહેતર છે કે કોઈ જાતના પૂર્વાગ્રહ વિના, દરેક દિવસને નવા દિવસની જેમ ટ્રીટ કરીને આગળ વધીએ અને ફર્સ્ટ ટાઇમનો ફેવરિટ એક્સ્પીરિયન્સ કરીએ. આ જે અનુભવ હશે એ અનુભવ એકસાથે અનેક પ્રકારની લાગણી આપી જશે, પણ એ બધી લાગણીઓમાં સૌથી મહત્ત્વની જો કોઈ લાગણી હશે તો એ એક જ, તમારા મનમાં આવેલો રોમાંચ. રોમાંચ સાથે જીવવાની આ તક જતી કરવા જેવી નથી.

Bhavya Gandhi columnists