નિર્દોષોને બચાવવા જાતનું જોખમ ખેડનાર સ્ત્રી

19 November, 2019 04:41 PM IST  |  Mumbai | Taru Kajaria

નિર્દોષોને બચાવવા જાતનું જોખમ ખેડનાર સ્ત્રી

મૅરિયન પ્રિચર્ડ

રસ્તા પર કોઈ ગુંડો એકલી છોકરીને છેડતો હોય કે મારપીટ કરતો હોય અથવા તો કોઈ વિચિત્ર અને ભયાનક અક્સ્માત થયો હોય ત્યારે એ દુર્ઘટનામાં ફસાયેલા કમનસીબોની મદદે જવાને બદલે તેમના ફોટો કે વિડિયો લેતાં ટોળાંઓની તસવીરો આપણે જોઈ છે. પછી એ વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને પોતે કોઈ સામાજિક ફરજ બજાવી હોય એમ માનતા લોકોને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે એવી એક વ્યક્તિની વાત વાંચી. વાત વરસો પહેલાંની, ૧૯૪૨ની છે. બીજા વિશ્વયુદ્ધનાં એ વરસો હતાં. હિટલરનું નાઝી સૈન્ય યુરોપના દેશોમાં યહૂદીઓ પર અસહ્ય અત્યાચારો વરસાવતું હતું. જુલમો ઓછા થવાનું નામ નહોતા લેતા. એ દિવસોમાં ઍમ્સ્ટરડૅમમાં બાવીસ વર્ષની ડચ યુવતી મૅરિયન પ્રિચર્ડ રોજની જેમ સાઇકલ પર યુનિવર્સિટીમાં તેના ક્લાસિસમાં જતી હતી. એક દિવસ તેણે રસ્તા પર નાઝી સૈનિકોને નાનાં-નાનાં યહૂદી બાળકોને ક્રૂરતાથી પકડીને એક ટ્રકમાં ફેંકતા જોયા. બેથી આઠ વર્ષનાં એ બાળકોને વાળથી ખેંચીને તો ટાંગ પકડીને નિર્દયતાથી એ લોકો ટ્રકમાં ફંગોળતા હતા. એ દૃશ્યએ મૅરિયનની જિંદગી બદલી નાખી. નિર્દોષ બાળકો પર થતી બર્બરતા જોઈને તેનું દિલ દ્રવી ઊઠ્યું. તેને થયું આ બાળકોને બચાવવાં જ જોઈએ. તેણે નાઝીઓની અમાનવીય હરકતો સામે વિરોધ નોંધાવ્યો અને ત્રણ વરસ સુધી એ યહૂદી બાળકોને નાઝીઓના પંજાથી બચાવવાની પ્રવૃત્તિમાં મચી પડી. તેના પ્રયાસોથી અંદાજે દોઢસો યહૂદી બાળકોની જિંદગી બચી ગઈ. 

અલબત્ત, એ માટે મૅરિયને જાનનું જોખમ ખેડ્યું, પરંતુ ન્યાયના પૂજારી પિતાની પુત્રી મૅરિયન માટે એ સહજ હતું. તેના પિતા ન્યાયમૂર્તિ હતા અને નાઝીઓની દમનકારી નીતિઓના વિરોધી હતા. તેમણે પોતાની દીકરીમાં પણ ન્યાય અને નૈતિકતાનાં દૃઢ મૂલ્યો રોપ્યાં હતાં. મૅરિયન એ યહૂદી નિરાશ્રિત બાળકોને નાઝીઓથી બચાવવા જાત-જાતના ત્રાગડા રચતી. તેમને છુપાવીને રાખતી. તેમને ભોજન આપતી અને બિનયહૂદીઓને ઘરે તેમને આશ્રય અપાવતી. ક્યારેક પોતાને એ બાળકોની કુંવારી માતા તરીકે પણ ઓળખાવતી! યહૂદી બાળકોની ઓળખ છુપાવવા તે તેમના જન્મનાં પ્રમાણપત્રોના ખોટા દસ્તાવેજો પણ બનાવતી. સત્ય અને નૈતિકતાના પોતાનાં જીવનમૂલ્યોને પણ તેણે એ સમયે અભરાઈએ ચડાવી દીધાં હતાં, પરંતુ એ બધું જ તે નિર્દોષ અને મૂલ્યવાન માનવજિંદગી બચાવવા માટે કરી રહી હતી. વરસો પછી ૧૯૯૬માં આપેલા એક ઇન્ટરવ્યુમાં મૅરિયને કહેલું કે એ ત્રણ વરસ દરમિયાન (બીજું વિશ્વયુદ્ધ ૧૯૪૫ સુધી ચાલ્યું હતું) હું કેટલીયે વાર જુઠ્ઠું બોલી હતી, મેં ચોરીઓ કરી હતી, લોકોને છેતર્યા હતા અને ઈવન કતલ પણ કરેલી!

હા, એક યહૂદી માણસ અને તેનાં ત્રણ નાનકડાં બાળકોને મૅરિયટે પોતાના એક સંબંધીના ગામના ઘરમાં છુપાવ્યા હતા. તે પોતે પણ ત્યાં જઈને રહેતી. ત્યાં નાઝીઓ ત્રાટકતા ત્યારે એ પૂરો પરિવાર એક ગુપ્ત ખાડામાં છુપાઈ જતો. આવી જ એક રેઇડ દરમિયાન કોઈ યહૂદી હાથ ન લાગ્યો એટલે નાઝીઓ પાછા ચાલ્યા ગયા. એટલે બાળકો ખાડામાંથી બહાર આવી ગયાં. એવામાં અડધા કલાક પછી નાઝીઓનો એક મળતિયો ડચ ઑફિસર ત્યાં પાછો આવ્યો. મૅરિયન સમજી ગઈ કે હવે પેલો અધિકારી આ પરિવારને નાઝીઓને હવાલે કરી દેશે અને તેણે એક આકરો નિર્ણય કરી લીધો. ગણતરીની ક્ષણોમાં અધિકારીનો દેહ મૅરિયનની ગોળીનો શિકાર બની ગયો! એ હત્યા બદલ તેને કોઈ અફસોસ નહોતો. તેણે કહેલું કે ફરી વાર પણ જો હું એવા સંજોગોમાં મુકાઈ હોત તો મેં એ જ પગલું ભર્યું હોત. મૅરિયનને કારણે એ પરિવાર જીવતો રહ્યો. આમ છતાં તેના મન પર એ હત્યાનો ભાર જિંદગીભર રહ્યો હતો.

યુદ્ધ પૂરું થયા બાદ જર્મનીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની વિસ્થાપિતો માટેની રાહત અને પુનર્વસન છાવણીઓમાં મૅરિયને કામ કર્યું અને ત્યાં જ તેને અમેરિકન સૈન્યનો અફ્સર ઍન્ટન પ્રિચર્ડ મળ્યો તેની સાથે લગ્ન કરીને મૅરિયન ૧૯૪૭માં અમેરિકા રહેવા આવી ગઈ. ત્યાં વર્મોન્ટ રાજ્યમાં વર્ષો સુધી તેણે નિરાશ્રિતોના પુનર્વસન વિભાગમાં માનસવિશ્લેષક તરીકે ફરજ બજાવતી. ૧૯૮૧માં મૅરિયનને જેરુસલેમના બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા યહૂદીઓ માટેના સ્મારક મ્યુઝિયમ યૅદ વાશેમ તરફથી અપાતું રાઇચસ અમંગ ધ નેશન્સનું સન્માન મળ્યું. આ સન્માન નાઝીઓ સામે લડીને યહૂદીઓનું રક્ષણ કરનાર વ્યક્તિઓને અપાય છે. યહૂદીઓને બચાવવા માટે પોતે મૂલ્યો સાથે કરેલી બાંધછોડ ભલે મૅરિયનના મન પર આજીવન બોજ બનીને રહી, પરંતુ વતને મૅરિયટે કરેલાં સદ્કાર્યોની કદર કરી અને તેને એક સદ્ગુણી વ્યક્તિ તરીકે નવાજી. અમેરિકાની વર્મોન્ટ યુનિવર્સિટીએ પણ મૅરિયનને ડૉક્ટર ઑફ લૉની માનદ ઉપાધિ આપી હતી. ૨૦૧૬માં છન્નું વર્ષની વયે મૅરિયટે આ દુનિયામાંથી વિદાય લીધી, પરંતુ તેની કરુણાસભર પ્રવૃત્તિ તેના વિદ્યાર્થીઓ થકી આજે પણ દુનિયામાં જીવંત છે. મૅસેચુસેટ્સની ક્લાર્ક યુનિવર્સિટીમાં વાર્ષિક શિબિરોમાં તે ભણાવવા જતી. તેના કેટલાક વિદ્યાર્થીઓ આજે મૅરિયનના કરુણામય કાર્યને લક્ષ્ય બનાવીને આગળ વધી રહ્યા છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થીએ રવાન્ડાના આક્રમણખોરો અને સ્ત્રી રાહતકર્મીઓ વિશે મહાનિબંધ લખ્યો છે. તેણે તેના પ્રોફેસરને કહેલું, સર, આ બધું જ મૅરિયનના પ્રતાપે છે. તેણે માત્ર ચાલીસના દાયકામાં જ જિંદગીઓ નથી બચાવી, આજે પણ તેના પ્રભાવ થકી કેટલીયે જિંદગીઓ ટકી રહી છે.

મૅરિયનની જિંદગીની કહાણી વાંચતાં વિચાર આવે કે અસત્ય, છેતરપિંડી, હત્યા જેવી નકારાત્મક બાબતોની બાવજૂદ કોઈ વ્યક્તિ અવ્વલ દરજ્જાની સદ્ગુણી અને સજ્જન મનુષ્ય હોઈ શકે એ તો તેના જીવનને અખિલાઈમાં જોઈએ ત્યારે જ સમજાય. વિશાળ જનહિત માટે, નિર્દોષોની રક્ષા કાજે કરેલું સિદ્ધાંતો સાથેની બાંધછોડનું પાપ પણ પુણ્યનું જ કામ લેખાયને!

columnists