અધૂરી ઇચ્છાનું છૂટુંછવાયું સ્વરૂપ એટલે - ફરિયાદ

13 November, 2019 02:51 PM IST  |  Mumbai | Sejal Ponda

અધૂરી ઇચ્છાનું છૂટુંછવાયું સ્વરૂપ એટલે - ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

અમુક ફરિયાદો મનમાં ને મનમાં દફન થઈ જાય છે. આવી દફન થઈ જતી ફરિયાદ માણસને ભીતરથી બાળી નાખે છે. સામેની વ્યક્તિ આપણા પ્રેમ અને લાગણીનો ખોટો ફાયદો ઉપાડતી હોય ત્યારે માત્ર ને માત્ર એમના પરના અપાર પ્રેમને કારણે આપણે મનમાં ને મનમાં સમસમી જઈએ છીએ. આપણો પ્રેમ આપણી ફરિયાદને હોઠ પર જ મૌન કરી નાખે છે

બહોત અંદર તક જલા દેતી હૈ, વો શિકાયતે જો બયાં નહીં હોતી.

ગુલઝાર સાહેબની આ પંક્તિ માટે આપોઆપ વાહ નીકળી જાય. કેટલું ઊંડાણ છે આ પંક્તિમાં! ફરિયાદ કરનારા લોકો કોઈને ગમતા નથી. ગુનો કરનારા લોકોના ભાગ પડે જેમ કે ખૂનનો ગુનો, ચોરીનો ગુનો, મારપીટનો ગુનો, છેતરપિંડીનો ગુનો એ જ રીતે ફરિયાદ કરનારા લોકોના પણ ભાગ પડે.

અમુક લોકો એટલા અસંતોષી હોય કે બધી જરૂરિયાતો પૂરી થઈ હોવા છતાં ફરિયાદ કરતા રહે છે. થોડીક લક્ઝરી જીવવામાં આમતેમ થાય કે એમની ફરિયાદો શરૂ થઈ જાય. કારનો ડ્રાઇવર નથી આવ્યો, રસોઈના મહારાજે રજા લીધી છે, શૉપિંગ કરવા ગયા ત્યાં એ.સી. નહોતું, પાર્ટીમાં પહેરવાની મૅચિંગ જ્વેલરી નથી, આવાં ક્ષુલ્લક કારણો પર ઘણાને સ્ટ્રેસ આવે અને એ લોકોની ફરિયાદ શરૂ થઈ જાય. આવો અમીરી અસંતોષ ફરિયાદનું સ્વરૂપ લઈ લે છે.

અમુક લોકોની ફરિયાદ રોજની મીઠી નોકજોકથી શરૂ થાય છે અને સાંજ પડતાં તો ઓગળી પણ જાય છે. આ ફરિયાદ પણ મીઠી જ હોય છે. પ્રેમ કરતા હોઈએ એની સાથે અપૂરતો સમય મળે તો ફરિયાદ થઈ આવવી સ્વાભાવિક છે. આ ફરિયાદમાં અંસતોષ નથી પણ હક છે. અંગત વ્યક્તિ પાસે હકથી ક્વૉલિટી સમયની માગણી કરી શકાય. એમાં સંકોચ શેનો! હા પણ એ માંગણી ઝઘડાનું સ્વરૂપ ન લે એની તકેદારી રાખવી પડે. પતિ-પત્ની કે પછી પ્રેમી-પ્રેમિકા વચ્ચે આવી મીઠી ફરિયાદ પ્રેમમાં વધારો કરે ત્યાં સુધી ઠીક છે. એનું સ્વરૂપ વિકરાળ ન બનવું જોઈએ.

ઈશ્વર પાસે થતી ફરિયાદ હંમેશા છૂપી હોય છે. એ ક્યારેય છતી નથી થતી. ઈશ્વરની પરીક્ષા આપી આપીને કંટાળેલા માણસને ઈશ્વર સામે ફરિયાદ કરવાનો પૂરેપૂરો હક્ક છે. જે સહી શકે એની જ પરીક્ષા ઈશ્વર લેતો હોય છે. આ વાક્ય સાંભળવામાં બહુ સારું લાગે છે પણ સહન કરતાંકરતાં માણસ થાકી જાય છે. ભાંગી પડે છે અને ઈશ્વર સામે પોતાનું નસીબ આવું કેવું બનાવ્યું? એવી ફરિયાદ કરે છે. ઈશ્વર પાસે તો ફરિયાદનો ઢગલો ખડો હોય છે. કેટકેટલા ભક્તોની ફરિયાદ ચોવીસ કલાક ઈશ્વરે સાંભળવી પડે છે.

જીવન સાથે લડતાંલડતાં અને ફરિયાદ કરતાંકરતાં પણ થાકી જઈએ ત્યારે કંટાળીને ફરિયાદ કરવાનું બંધ કરી દેનારા લોકોને ઈશ્વરના ચોપડે અલગ કૅટેગરીમાં સ્થાન મળતું હોય છે. જે લોકો જે મળ્યું એમાં ખુશ રહી શકતા હોય એવા લોકો ઈશ્વરના ફૅવરિટ હોય છે.

અમુક ફરિયાદો મનમાં ને મનમાં દફન થઈ જાય છે. આવી દફન થઈ જતી ફરિયાદ માણસને ભીતરથી બાળી નાખે છે. બીમાંથી આપણે ખૂબ જતનથી કૂમળો છોડ ઊગાડ્યો હોય અને તરત કોઈ એને મૂળિયાં સમેત ઊખેડી નાખે તો કેટલું દુઃખ થાય, એવી જ અનુભૂતિ દફન થઈ જતી ફરિયાદ વખતે થતી હોય છે. મનમાં ઊઠતી ફરિયાદ હોઠ સુધી આવે અને કહેવાય જ નહીં ત્યારે ડૂમો ભરાઈ આવે છે. સામેની વ્યક્તિ આપણા પ્રેમ અને લાગણીનો ખોટો ફાયદો ઉપાડતી હોય ત્યારે માત્ર ને માત્ર એમના પરના અપાર પ્રેમને કારણે આપણે મનમાં ને મનમાં સમસમી જઈએ છીએ. આપણો પ્રેમ આપણી ફરિયાદને હોઠ પર જ મૌન કરી નાખે છે. આ મૌન આપણી ભીતર બળતું રહે છે. આપણને બાળતું રહે છે.

કામના સ્થળે ઘણા ચાપલૂસી કરતા લોકો એમની સાથે કામ કરતા લોકોની એમના ઉપરી આગળ કાનભંભેરણી કરતા રહે છે. આવી આદત ધીરેધીરે ફરિયાદનું સ્વરૂપ ધારણ કરે છે. પોતાની લીટી લાંબી કરવા બીજાની લીટી ટૂંકી કરવાની એમની આદત, બીજા માટેની ઈર્ષા એમને ખોટી ફરિયાદ કરવા તરફ દોરે છે. આવા લોકોથી દબાઈને રહેવા કરતાં એમની સામે સાચી ફરિયાદ લઈને ઊભા રહેવું જોઈએ.

આપણી જે ઇચ્છા પૂરી થતી નથી એ ફરિયાદ સ્વરૂપે બંડ પોકારે છે. એટલે ઘણી ખરી ફરિયાદ આપણી અધૂરી ઇચ્છાનું છૂટુંછવાયું સ્વરૂપ છે. જ્યાં આપણે ફરજ નિભાવીએ છીએ અને જ્યાં આપણને હક મળે છે, એવા સંબંધોમાં ફરિયાદનો છંટકાવ થતો જ રહે છે. ફરિયાદ ખોટી આદત ત્યારે બને છે જ્યારે આપણી વધતી અપેક્ષાઓને આપણે ડામતા નથી. જે મળ્યું હોય એની સતત ફરિયાદ કરતાં રહીએ તો જીવવાનો આનંદ ક્યારેય માણી શકાતો નથી. સ્વીકારભાવ... ફરિયાદને ઘણા અંશે ઓછી કરી નાખે છે. જ્યાં સ્વીકાર છે ત્યાં સંતોષ છે. જ્યાં અસ્વીકાર છે ત્યાં ફરિયાદ છે. સ્વીકાર કે અસ્વીકાર? સંતોષ કે ફરિયાદ? શું કરવું એ વ્યક્તિગત નિર્ણય છે. અને આ નિર્ણય લેવામાં જો કોઈ મદદ કરી શકે છે તો એ છે, આપણું મન. પૂછી જુઓ. જવાબ જરૂર મળશે.

columnists Sejal Ponda