ત્રણ માતાઓને બચાવવા મેદાને પડ્યાં છે આ મહિલા

04 June, 2025 02:35 PM IST  |  Mumbai | Heena Patel

હર્ષાબહેન ધરતીમાતા અને સરિતામાતાને બચાવવાની ઝુંબેશ પણ ચલાવી રહ્યાં છે અને ‘આઓ બચાઓ તીન માતાએં’ પ્રોજેક્ટ હેઠળ કૉલેજોમાં જઈને જાગૃતિ ફેલાવી રહ્યાં છે

હર્ષા લાધાણી તેમના પતિ, દીકરા, વહુ, દીકરી અને જમાઈ સાથે

કન્યા ભવિષ્યમાં થનારી માતા છે અને તેને બચાવવા માટે છેલ્લાં ૧૪ વર્ષથી મલાડમાં રહેતાં ૭૨ વર્ષનાં હર્ષા લાધાણી પોતાની રીતે લડી રહ્યાં છે. તેઓ સમૂહલગ્નોમાં જઈને લોકોને શપથ અપાવી રહ્યાં છે કે અમે સ્ત્રીભ્રૂણહત્યા નહીં કરીએ. એટલું જ નહીં, હર્ષાબહેન ધરતીમાતા અને સરિતામાતાને બચાવવાની ઝુંબેશ પણ ચલાવી રહ્યાં છે અને ‘આઓ બચાઓ તીન માતાએં’ પ્રોજેક્ટ હેઠળ કૉલેજોમાં જઈને જાગૃતિ ફેલાવી રહ્યાં છે

અમે સ્ત્રીભ્રૂણહત્યા નહીં કરીએ અને નહીં કરાવીએ... આ શપથ અપાવવાનું કામ છેલ્લાં ૧૪ વર્ષથી મલાડમાં રહેતાં ૭૨ વર્ષનાં હર્ષા લાધાણી કરી રહ્યાં છે. હર્ષાબહેન ઑલ ઇન્ડિયા વુમન્સ કૉન્ફરન્સ મહિલા મંડળ, મલાડનાં પ્રેસિડન્ટ છે. સ્ત્રીભ્રૂણહત્યાના વિરોધમાં કામ કરવાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સની દિલ્હીમાં આવેલી મેઇન બ્રાન્ચમાંથી મને સૌપ્રથમ વાર ૨૦૧૧માં જેન્ડર સેન્સિટાઇઝેશન માટે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી અને એની મેમ્બર ઇન્ચાર્જ બનાવાયેલી. જેન્ડર સેન્સિટાઇઝેશનનો અર્થ છે સમાજમાં લિંગઆધારિત ભેદભાવ, રૂઢિઓ અને અસમાનતા પ્રત્યે લોકોને જાગૃત કરવા અને તેમના વ્યવહારમાં સકારાત્મક બદલાવ લાવવો. એને ધ્યાનમાં લઈને મેં પવિત્ર ફેરો કરીને પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ હેઠળ મેં સામૂહિક લગ્નપ્રસંગોમાં જઈને દંપતીને સ્ત્રીભ્રૂણહત્યાવિરોધી શપથ અપાવવાનું શરૂ કર્યું. આ કામ મેં હજી પણ ચાલુ જ રાખ્યું છે. હજી ૧૦ મેએ જ કાંદિવલીમાં આયોજિત એક સમૂહલગ્નમાં દંપતીઓને શપથ અપાવ્યા હતા. અત્યાર સુધીમાં હું ૪૦૦૦ જેટલાં દંપતીઓને શપથ અપાવી ચૂકી છે.’

આ શપથ કઈ રીતે અપાવવામાં આવે છે એની જાણકારી આપતાં હર્ષાબહેન કહે છે, ‘સૌપ્રથમ હું સ્ટેજ પરથી ત્યાં હાજર લોકોને સમાજમાં દીકરીઓની કેટલી ખોટ છે અને સમાજમાં દીકરીનું શું મહત્ત્વ છે એ સમજાવું છું. લગ્નના ફેરા પૂરા થયા પછી દરેક માંડવામાં જઈને દંપતીને શપથ અપાવું છું. તે લોકો પોતાનો જમણો હાથ ડાબી બાજુએ દિલ પર રાખીને શપથ લે છે. વિવિધ જ્ઞાતિઓ, સંસ્થાઓ, રાજકીય પક્ષો, સામાજિક મંડળો દ્વારા સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવે ત્યારે તેમના તરફથી આમંત્રણ મળે તો હું શપથ ​અપાવવા માટે જઉં છું. એ સિવાય ગુજરાતમાંથી પણ મને ઘણાં આમંત્રણો મળતાં હોય છે તો ત્યાં પણ હું જઉં છું. ભ્રૂણહત્યાના મુદ્દે છેલ્લાં અમુક વર્ષોમાં ઘણો સકારાત્મક બદલાવ આવ્યો છે, પણ હજી આ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે. સરકારનો કાયદો છે, પણ બંધબાર‌ણે ઘણું થતું હોય છે એટલે લોકોને સમાજમાં કન્યાનું મહત્ત્વ સમજાવવું જરૂરી છે. અમે જોઈએ છીએ કે મુંબઈ જેવા શહેરમાં પણ કન્યા સંતાન પ્રત્યે ઓરમાયું વર્તન થાય છે. એમાં સુખી અને શિ​િક્ષત વર્ગમાંથી આવતા પરિવારો પણ બાકાત નથી.’

રોટરી ક્લબના એક પ્રોગ્રામમાં હર્ષાબહેને ડાન્સ કૉમ્પિટિશનમાં ભાગ લીધેલો એ સમયની તસવીર

હર્ષા લાધાણી છેલ્લાં ૪ વર્ષથી એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે જેનું નામ છે આઓ બચાઓ તીન માતાએં. આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘આમાં અમે ૩ માતાને બચાવવાની વાત કરીએ છીએઃ ભવિષ્યમાં થનારી માતા એટલે કે ગર્લ ચાઇલ્ડ, ધરતીમાતા અને સરિતામાતા. કૉલેજોમાં જઈને લેક્ચર આપીએ, પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશન આપીએ અને અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.’

ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સના બૅનર હેઠળ ચાલતા મહિલા મંડળ, મલાડમાં હર્ષાબહેન ૧૯૯૩માં જોડાયાં હતાં. એ સમય સુધીમાં હર્ષાબહેનનાં બાળકો મોટાં થઈ ગયેલાં અને ઘર-પરિવારની જવાબદારીઓ ઓછી થઈ ગયેલી. એટલે પછી તેમણે સમાજસેવામાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું. મહિલા મંડળ દ્વારા મહિલાઓને સશક્ત કરવાનું કામ થાય છે. એ માટે અનેક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. એ વિશે વાત કરતાં હર્ષાબહેન કહે છે, ‘ઘરેથી જ નાના-મોટા બિઝનસ ચલાવતી મહિલાઓને પ્લૅટફૉર્મ પૂરું પાડવા માટે એક્ઝિબિશનનું આયોજન કરીએ, તેમના માટે હેલ્થ ચેકઅપ કૅમ્પ રાખીએ, તેમના મનોરંજન માટે પિકનિક પર લઈ જઈએ, સરકારી હૉસ્પિટલોમાં ડિલિવરી માટે આવતી મહિલાઓને નવજાત શિશુ માટેનો સામાન આપીએ, સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ‌ેની ફી આપીએ, ઘરડાઘરમાં ગ્રોસરીની કે બીજી કોઈ જરૂરિયાત હોય તો એ પૂરી પાડીએ.’

ફૅમિલી બૅકગ્રાઉન્ડ

સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય થવા વિશે વાત કરતાં હર્ષાબહેન કહે છે, ‘હું એવા વાતાવરણમાં ઊછરી છું જ્યાં મેં મારાં માતા-પિતાને લોકોની સેવા કરતાં જોયાં છે. કોઈને દવા માટે તો કોઈને સ્કૂલની ફી માટે. એ પછી પરણીને સાસરે આવી. અહીં પણ મારા સસરાને જૈન સમાજ માટે કામ કરતા જોયા એટલે સમાજ માટે કંઈક કરવાની મારામાં પ્રબળ ભાવના જન્મી. દરમ્યાન હું ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ સાથે જોડાઈ. એ પછી મને કામ કરવાની દિશા મળી. અમે જૈનો જીવદયામાં માનીએ. એવામાં બેટી બચાઓ અભિયાન માટે કામ કરવાની તક મળી એ મારું નસીબ છે. મારા હસબન્ડ પ્રવીણે પણ દેશસેવા માટે કામ કર્યું છે. તે હોમ મિનિસ્ટ્રીમાં એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલમાં તેઓ નિવૃત્ત છે, પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. મારા પરિવારમાં દીકરો હાર્દિક ફાઇનૅન્શિયલ કન્સલ્ટન્ટ છે, પુત્રવધૂ દિશા ડેલોઇટમાં અસિસ્ટન્ટ મૅનેજર છે, દીકરી ડૉ. હિરલ ફિઝિયોથેરપિસ્ટ છે અને જમાઈ ડૉ. ધવલ ડર્મેટોલૉજિસ્ટ છે.’

સામાજિક પ્રવૃ​ત્તિઓ કરવા ઉપરાંત હર્ષાબહેનને ડાન્સિંગ અને સિન્ગિંગનો પણ શોખ છે. હર્ષાબહેન મહિલાઓ માટે કામ કરતાં અન્ય મંડળો સાથે પણ જોડાયેલાં છે એટલે જ્યારે પણ કલ્ચરલ પ્રોગ્રામ કે ઇવેન્ટ રાખી હોય ત્યારે એમાં તેઓ તેમની ટૅલન્ટ દેખાડે છે. આ ઉંમરે પણ તેઓ આટલાં ઍક્ટિવ કેમ છે? એનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘હું તો મારી જાતને ૭૨ વર્ષની નહીં પણ ૨૭ વર્ષની માનું છું...

મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધુ

આપણને સહજ રીતે જ એવો સવાલ થાય કે શું આજના આધુનિક જમાનામાં પણ સ્ત્રીભ્રૂણહત્યાની સમસ્યા એટલી પ્રવર્તે છે? એનો જવાબ કદાચ તમને આ લેટેસ્ટ આંકડા જોઈને મળી શકે. હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો ભારતની વસ્તી આશરે ૧૪૪ કરોડ છે. એમાંથી ૭૪ કરોડ પુરુષો છે અને ૭૦ કરોડ મહિલાઓ છે. એ હિસાબે સેક્સ-રેશિયોની વાત કરીએ તો ૧૦૬ પુરુષોની સામે ૧૦૦ મહિલાઓ છે. ભારતની કુલ વસ્તીમાંથી ૫૧.૬ ટકા પુરુષો છે, જ્યારે ૪૮.૪૪ ટકા મહિલાઓ છે. આંકડાઓમાં આ તફાવત જોઈએ તો મહિલાઓની સરખામણીમાં સાડાચાર કરોડ પુરુષો વધુ છે. પુરુષ અને મહિલાના રેશિયોની વાત કરીએ તો વિશ્વના ૨૩૬ દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક ૨૧૪મો છે. એ દર્શાવે છે કે આજે પણ આ દિશામાં હજી ઘણું કામ કરવાનું બાકી છે. કોઈ એક સમાજમાં જ્યારે પુરુષોની સંખ્યા મહિલાઓથી વધી જાય ત્યારે પુરુષને વિવાહ માટે કન્યા શોધવામાં સમસ્યા થાય છે. મહિલાઓની કમીના કારણે માનવતસ્કરી અને યૌનશૌષણની ઘટનાઓ વધી શકે છે. એ સિવાય પણ સમાજમાં એવી ઘણી અસરો પડે છે જે વિશે આપણે કદાચ વિચાર પણ ન કરી શકીએ.

malad columnists gujaratis of mumbai gujarati community news news mumbai gujarati mid-day