ઓછામાં ઓછો રાંધેલો ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા શરૂ કરો

06 December, 2019 12:40 PM IST  |  Mumbai | Manoj Joshi

ઓછામાં ઓછો રાંધેલો ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા શરૂ કરો

બીજા નંબરની જે સલાહ છે એ સલાહ છે ફૂડને લગતી. ખાવાની બાબતમાં એટલું ધ્યાન રાખો કે ઓછામાં ઓછો રંધાયેલો ખોરાક ખાઓ. નૅચરલ મોડ એટલે કે કુદરતી રીતે મળતા ખોરાકને જેટલો કુદરતી રાખી શકાય એટલું સ્વાસ્થ્ય માટે સારું છે. ખોરાક બનાવવાની પ્રક્રિયા ઓછી કરી નાખો. આ વાત ખાસ કરીને મહિલાઓને લાગુ પડે, કારણ કે પુરુષો એની પ્લેટમાં જે આવશે એ જ ખાવાના છે એટલે શક્ય હોય ત્યાં સુધી તેમણે જ ધ્યાન રાખવાનું છે કે ઓછામાં ઓછી રાંધણકળા સાથે ખોરાક બને અને એ જ ખોરાક નિયમિત ભોજનમાં ઉમેરાય. તમને એક નાનકડી પંજાબી રીત કહું. આપણે જમવામાં સાથે સૅલ‍ડ લઈએ છીએ, પણ પંજાબીઓ એવું નથી કરતા. તમે પંજાબમાં જઈને ત્યાંના ટિપિકલ પંજાબીના ઘરે જઈને જોશો તો તમને દેખાશે કે જમવા બેસતાં પહેલાં ૧૫ મિનિટે તેના હાથમાં એક બોલ આપી જવામાં આવશે, જેમાં સૅલડ હશે. ટમેટાં, કોબિજ, ભાજીથી માંડીને એવું બધું. ભોજન તૈયાર થાય એ પહેલાં એ મહાશય આ બોલ ખાલી કરી જાય. બોલ ખાલી કર્યા પછી ૧૦ મિનિટે તે જમવા બેસે અને એ પછી તે માંડ એકાદ રોટલી અને રાઇસ ખાઈ શકે. આ જમવાની સાચી રીત છે. રાંધેલો ખોરાક ઓછામાં ઓછો ખાઓ અને મનને સંતોષ થઈ જાય એ માટે મોટા ભાગનું પેટ ભરીને થોડો રાંધેલો ખોરાક પણ ખાઈ લેવો.

જે પતિદેવ આવી વાત માનવા કે સ્વીકારવા રાજી ન હોય તેને સીધા કરવાની જવાબદારી પણ તેની ધર્મપત્નીની જ. તેમણે આ કરવું પડશે. આવું કરવા માટે જેકોઈ ઇન્ટરેસ્ટિંગ રીત વાપરવી પડે એ વાપરો, પણ આ કામ કરો. ઓછામાં ઓછો રાંધેલો ખોરાક ખાવામાં આવે એ બહુ જરૂરી છે. શરીરની અંદર ઉત્પન્ન થતી મોટા ભાગની બીમારીઓ પેટને કારણે જ જન્મે છે અને પેટનું સ્વાસ્થ્ય અકબંધ રાખવું એ ખૂબ જરૂરી છે.

રાંધેલા ખોરાકની અને પેટની આ વાત જાણ્યા પછી બીજી વાત પણ જાણી લેવી જોઈએ. સ્વીટ્સ ખાવાનું ઓછું કરો. બહુ જરૂરી છે આ. ખાવાની ના નથી પાડવામાં આવતી, પણ એને ઓછી કરવાનું કહેવામાં આવે છે. જેટલું સ્વીટ્સ ખાવાનું મન થતું હોય એના કરતાં એને ૧૦ ટકા પર લઈ આવો. પેટ ભરીને સ્વીટ્સ ખાવું એ ન્યુક્લિયર બૉમ્બ પેટમાં ઓરવા સમાન છે. ખાંડ સફેદ ઝેર છે એવું આપણે સાંભળીએ છીએ, પણ એમ છતાં એ સફેદ ઝેરને ખાવાનું છોડતા નથી. ગોળ બહુ સારો છે, સ્વાસ્થ્ય માટે લાભદાયી છે એ પણ કહેવાતું આવે છે. એનો ઉપયોગ કરો. ગોળની વરાઇટી બનાવવાનું શરૂ કરો કે પછી શીખો અને એની મીઠાઈ ઘરમાં બનાવીને ખાવાનું રાખો, પણ ખાંડનું પ્રમાણ જેટલું શક્ય હોય એટલું શરીરમાં ઓછું કરો. ગોળની વરાઇટી જમ્યા પછી પણ માની લો કે મન ન માને તો ફ્રૂટ્સ ખાવાનું રાખો, પણ એ કરો ખરા. અનિવાર્ય છે, આવશ્યક છે અને જરૂરી પણ છે. સાકરને ટાળવાના જેકોઈ રસ્તા દેખાય એ રસ્તા અપનાવવાના છે. એક વાત યાદ રહે કે આ રસ્તા અપનાવવા માટે મન મક્કમ કરવું પડશે. વર્ષોની આ બધી આદતો છે, એમ સહજ અને સરળતા સાથે છૂટવાની નથી એટલે એને માટે તમારે જાતને તૈયાર કરવાની છે, પણ એ જાતને તૈયાર કરવાની પ્રક્રિયા પણ તમારે માટે થવાની છે. યાદ છેને પેલું વાક્ય, આપણે કોઈ એટલા શાહુકાર નથી કે હૉસ્પિટલ જઈ શકીએ.

manoj joshi columnists