મુંબઈ પોલીસને કહેવું જોઇએ તમે છો તો અમે છીએ

29 December, 2018 11:02 AM IST  |  | રુચિતા શાહ

મુંબઈ પોલીસને કહેવું જોઇએ તમે છો તો અમે છીએ

થર્ટી ફર્સ્ટની રાતે પોલિસની ડ્યૂટી

સોમવારની સાંજથી વહેલી સવાર સુધીના દરિયાકિનારાઓ, જાણીતા ડિસ્કોથેક, પબ્સ, ફાઇવસ્ટાર હોટેલ્સથી લઈને જ્યાં-જ્યાં નવા વર્ષના સ્વાગત માટે લોકોનો મેળાવડો જામવાનો હશે ત્યાં-ત્યાં મુંબઈ પોલીસનો પહેરો હશે. લગભગ ૩૫ હજાર કરતાં વધુ પોલીસ ખાતાના જુદા-જુદા અધિકારીઓમાં કમિશનરથી લઈને કૉન્સ્ટેબલ સુધીની વ્યક્તિઓ ડ્યુટી પર હશે. તહેવારોને આપણે શાંતિથી સેલિબ્રેટ કરી શકીએ છીએ, કારણ કે મુંબઈ પોલીસ આપણી સાથે છે; આપણા માટે છે. દિવાળી હોય, હોળી હોય, ધુળેટી હોય, ગણપતિ હોય કે નવરાત્રિ હોય; આપણા લગભગ દરેક મહત્વના તહેવારમાં મુંબઈ પોલીસના હજારો અધિકારીઓ આપણી સેવામાં હાજર હોય છે. શહેરમાં તહેવારોના દિવસોમાં થતી ગેરરીતિઓને કારણે ક્યાંય કોઈ ભગદડ ન મચે, ક્યાંય તોફાની તત્વો ભીડનો લાભ લઈને તોફાન ન મચાવે, કાયદા અને અનુશાસનનું પૂરતું પાલન થાય એ માટે સતત ખડેપગે મુંબઈ પોલીસ હાજર હોય છે. મુંબઈની સડકો પર આવતી કાલે ઓછામાં ઓછા ડર સાથે છોકરીઓ ચાલી શકશે, કારણ કે તેમને ખબર છે કે કંઈક થશે તો પોલીસ તો છેને. જોકે આ પોલીસવાળાઓને પણ પરિવાર તો છે જ. દિવાળી, ગણપતિ જેવા તહેવારમાં તેમના ઘરે પણ તેમનાં લાઇફ-પાર્ટનર અને બાળકો તેમની રાહ જોતાં હોય છે. આ સંદર્ભે તેમની સાથે થયેલી વાતચીતને આગળ વધારીએ.

આ અમારી ડ્યુટી છે

પોલીસ ખાતામાં જોડાનારી પ્રત્યેક વ્યક્તિને ખબર હોય છે કે હવે પછી તે પોતાની સોશિયલ લાઇફને ન્યાય નથી આપી શકવાનો. જૉઇન્ટ પોલીસ કમિશનર દેવેન ભારતીના આ શબ્દો છે. તેઓ કહે છે, ‘આ વખતે પણ અમે થર્ટી ફર્સ્ટ નાઇટ માટે લગભગ દરેકના વીકલી ઑફ કૅન્સલ કર્યા છે. અમુક દિવસો એવા હોય છે જેમાં પોલીસનો જાપ્તો ઘેરો કરવો અનિવાર્ય છે. જે દિવસે પોલીસ ખાતામાં કામ કરવા માટે પગ માંડ્યા એ દિવસથી એક વાત અમારા સૌના મગજમાં કંડારાઈ ચૂકી હોય છે કે હવે આ જ અમારું કર્તવ્ય છે. અમારું પહેલું કર્તવ્ય અમારી ડ્યુટી છે. આ વાત અમારા પરિવારને પણ ખબર જ હોય છે અને એ લોકો પણ આમ તો મેન્ટલી પ્રર્પિેડ હોય છે. તહેવારો સિવાય પોલીસ-અધિકારીઓને રજા મળતી હોય છે એટલે બાકીના સમયે તેઓ ફૅમિલી ટાઇમ પસાર કરી લેતા હોય છે.’

ન મળે એમાં નવાઈ નથી

મુંબઈમાં થર્ટી ફર્સ્ટની રાતે જો પોલીસ પહેરો ન હોય તો અવ્યવસ્થા ફેલાતાં વાર ન લાગે એ હકીકત છે, કારણ કે એ રાતે નશામાં ચકચૂર લોકો કયું પગલું ક્યારે ભરી દે એ કહેવાય નહીં. એક સમયે ગેરકાયદે દુકાન ચલાવતા ફેરિયાવાળાઓ અને નાઇટ પાર્ટીમાં રેઇડ મારીને પાર્ટીગોઅર્સના નાકે દમ લાવનારા એક્સ-અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર વસંત ઢોબળે કહે છે, ‘એક પોલીસવાળો ઍન ઍવરેજ લગભગ ૩૫ વર્ષ ડ્યુટી કરતો હોય છે. એ ૩૫ વર્ષના સમયગાળામાં ભાગ્યે જ કોઈ તહેવાર તે પોતાના પરિવાર સાથે ઊજવી શકે એવું બને. આ હકીકત છે. આમાં કંઈ કરી શકાય એમ પણ નથી, કારણ કે ફેસ્ટિવલના દિવસોમાં જેટલો પણ પોલીસ ફોર્સ હોય એ ઓછો જ ગણાશે. અમુક દિવસોમાં ચોવીસ કલાકની ડ્યુટીનો કોઈ પર્યાય નથી. ઘણી વાર એવું બને કે પરિવારના મહત્વના પ્રસંગોમાં પણ હાજરી ન આપી શકાય. મને યાદ છે કે મારા દીકરાને ડૉક્ટરેટની ડિગ્રી મળવાની હતી. તેનો કૉન્વકેશન પ્રોગ્રામ હતો અને ખૂબ પહેલાંથી જ મારે એ પ્રોગ્રામમાં જવાનું નક્કી થઈ ગયું હતું. પ્રોગ્રામ ન્યુ ઝીલૅન્ડમાં હતો, પણ હું ન જઈ શક્યો. આવું તો અઢળક વાર થયું હોય. જોકે ધીમે-ધીમે પરિવારજન એનાથી ટેવાઈ જાય.’

પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનું

છત્રપતિ શિવાજી મહારાજના જીવનનો એક ખૂબ જ પ્રેરક પ્રસંગ છે. દુશ્મનોએ સિંહગઢ પર હુમલો કરવાની તૈયારી કરી હતી અને શિવાજી થોડાક ચિંતામાં હતા. તેમના શૂરવીર સેનાપતિ તાનાજીના દીકરાનાં લગ્ન હતાં એટલે તેમને ખબર નહોતી પડી રહી કે યુદ્ધની વ્યૂહરચના કેમ કરીશું. બીજી બાજુ, તાનાજી તમામ ઘટનાથી અજાણ પોતાના દીકરાનાં લગ્નની કંકોતરી લઈને મહારાજ પાસે આવ્યા. શિવાજીના ચહેરા પરની ચિંતા તેમણે પકડી પાડી અને આગ્રહ કરીને એનું કારણ પૂછ્યું. શિવાજીએ નછૂટકે કહ્યું ત્યારે તાનાજીએ પોતાના દીકરાનાં લગ્નને બાજુ પર રાખીને યુદ્ધમાં લડવાની તૈયારી કરી અને ગઢ જીત્યો, પણ પોતે શહીદ થઈ ગયા. ગઢ આવ્યો, પણ સિંહ ગયો એવું શિવાજી એ સમયે બોલ્યા હતા. આ કિસ્સા સાથે દરેક પોલીસના જીવનનો મર્મ સંકળાયેલો છે એવું કહીને ક્રૉફર્ડ માર્કેટના પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સપેક્ટર સંજય કાંબળે કહે છે, ‘અમે યુનિફૉર્મ પહેર્યો એ દિવસથી જ આ વાત સ્વીકારી લીધી હતી. અમારા પરિવારે માનસિક રીતે આ યુનિફૉર્મ પહેરી લીધો છે. બેશક, બાળકો નાનાં હોય ત્યારે ન સમજે અને રોકવાની જીદ પકડે, પણ પત્ની એ સમયે સાચવી લે. મને યાદ છે કે મારો દીકરો લગભગ આઠ-નવ વર્ષનો હતો અને નાતાલના જ દિવસો હતા. હું ડ્યુટી પર હતો અને મોડો ઘરે પહોંચ્યો. તેની સ્કૂલમાંથી તેને કહ્યું હશે કે તમને જે જોઈતું હોય એ સૅન્ટા ક્લૉઝને લખી કાઢો, એ તમારી ઇચ્છા ચોક્કસ પૂરી કરશે. તેણે એક કાગળમાં લખ્યું, ડિયર સૅન્ટા, પ્લીઝ સેન્ડ માય ફાધર ઇન ટાઇમ. રાતે લગભગ અઢી વાગ્યે હું ઘરે પહોંચ્યો ત્યારે તે સૂઈ ગયો હતો. ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠો તો પ્લેટની નીચે એક ચિઠ્ઠી જેવો કાગળ જોયો અને તેના આ શબ્દો વાંચ્યા. મારી આંખો ભરાઈ ગઈ. સંતાનો નાનાં હોય ત્યારે તેઓ પિતાને ઝંખતાં હોય. જોકે પોલીસની ડ્યુટીમાં દરેક ઝંખના પૂરી ન કરી શકાય એ વાસ્તવિકતા છે. બેશક, આ કિસ્સો જ્યારે મેં મારા સિનિયર અધિકારીને કહ્યો અને ચિઠ્ઠી દેખાડી તો તેમણે મને અઠવાડિયાની રજા આપી દીધી અને અમે એક નાનકડું ફૅમિલી વેકેશન માણી લીધું.’

મુંબઈ પોલીસના એક્સ-કમિશનર અરૂપ પટનાઈક વધુ એક મુદ્દા પર ધ્યાન દોરતાં કહે છે, ‘પોલીસનું કામ જ છે પ્રોટેક્ટ કરવાનું છે તો એ દિવસોમાં પોલીસવાળાની ડ્યુટી કડક હોય તો એમાં કશું ખોટું નથી. બેશક, મોટા હોદ્દા પર હોય તેમને થોડીક પળો પરિવાર સાથે મળી જાય છે, કારણ કે તેમની પાસે ગાડી હોય છે અને તેમની પાસે સહકર્મચારીઓ મદદ માટે હોય છે. કૉન્સ્ટેબલ લેવલના લોકોનું કામ વધુ અઘરું છે. જોકે આ કામ જ ૩૬૫ દિવસનું અને ૩૬૦ ડિગ્રીનું છે. પોલીસ-અધિકારી તરીકે અમને આ જ કામ કરવાનો પગાર મળે છે એટલે એમાં કંઈ જ અજુગતું નથી.’

જનતા પણ જવાબદાર

મુંબઈ પોલીસમાં અનેક પદ શોભાવી ચૂકેલાં અને અત્યારે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં ઍડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે કામ કરતાં અર્ચના ત્યાગી પણ આ વાત સાથે સહમત થાય છે. તેઓ કહે છે, ‘પરિવાર પછી, પણ પહેલાં મુંબઈના નાગરિકની સેફ્ટી એ અમારું કર્તવ્ય છે. તહેવારોમાં પુષ્કળ કામ કર્યું હોય અને એ પણ કોઈ રંજીશ વિના. એ એમ જ કરવાનું હોય એ મોટા ભાગની દરેક પોલીસ ખાતાની વ્યક્તિને ખબર છે. અત્યાર સુધી મારા મનમાં પણ આ વાત નથી આવી. તમે પૂછ્યું તો પહેલી વાર આવો વિચાર આવ્યો. ફૅમિલી એમાં સફર કરે છે એવું પણ હું સંપૂર્ણપણે નથી માનતી. બેશક, ફૅમિલીને તમારા વિના સર્વાઇવ થવાની આદત પડી જાય છે. આટલાં વર્ષોથી મુંબઈમાં રહું છું અને ઘરમાં બધાને ખૂબ હોંશ છે છતાં અમે ઘરમાં ગણપતિ નથી લાવી શકતા, કારણ કે જાણીએ છીએ કે ગણપતિમાં કામના કલાકો વધી જશે અને ઘરમાં મારી ગેરહાજરીમાં ફેસ્ટિવલના સેલિબ્રેશનની મજા નહીં રહે. ક્યારેક અનિવાર્ય સંજોગોમાં રજા પણ મળી જાય છે. મારી દીકરીની એક્ઝામ માટે મને એક અઠવાડિયાની રજા ક્રિટિકલ ટાઇમે પણ મળી હતી.’

પોલીસના પરિવારની આ ટ્રેઇનિંગમાં અધિકારીના લાઇફ-પાર્ટનર પર સૌથી વધુ જવાબદારી આવતી હોય છે. જૉઇન્ટ કમિશનર દેવેન ભારતી કહે છે, ‘મારાં પત્નીએ મારા દીકરા માટે માતાની સાથે પિતાની જવાબદારી પણ ઘણા અંશે નિભાવી છે. મને યાદ નથી કે હું એક પણ ઓપન હાઉસમાં કે તેના ઍન્યુઅલ ફંક્શનમાં જઈ શક્યો હોઉં. એ રીતે પોલીસ-અધિકારી કરતાં પોલીસ-કર્મચારીની પત્નીને બહુ મોટી ક્રેડિટ આપવા જેવી છે. પતિ, પુત્ર કે પિતા તરીકેના અમારા રોલમાં અમે સો ટકા તો ક્યારેય નથી આપી શકવાના એ નિãત છે. જોકે એમાં અમને કોઈ સૅક્રિફાઇસ નથી દેખાતું. અમારા કામનો આ પ્રકાર છે અને બીજી મહત્વની વાત, મુંબઈની સેફ્ટીમાં જેટલો મહત્વનો રોલ પોલીસનો છે એટલો જ નાગરિકોનો પણ છે જ. કોઈ પણ અરાજકતાની પૂર્વ માહિતી આપીને અલર્ટ કરવાનો કે જે પણ પોલીસ પ્રોસિડિંગ હોય એમાં પૂરતો સહયોગ આપવાનો મુંબઈકરોનો સ્પિરિટ હંમેશથી પોલીસ વિભાગ માટે ઉપયોગી રહ્યો છે. આ જનતા અને પોલીસનું જૉઇન્ટ વેન્ચર હોય તો જ શક્ય છે.’

આપણે જ્યારે રંગેચંગે દરેક તહેવારને સેલિબ્રેટ કરી શકીએ છીએ ત્યારે આપણી સુરક્ષાને સજ્જડ બનાવવા માટે યોગદાન આપનારા પોલીસ ખાતાને આ વખતે થૅન્ક યુ કહીને નવા વર્ષનું સ્વાગત કરીએ. તમે છો તો અમે છીએ એ વાત પોલીસ-અધિકારીઓ માટે સો ટકા લાગુ પડે છે.

મારાં પત્નીએ મારા દીકરા માટે માતાની સાથે પિતાની જવાબદારી પણ ઘણા અંશે નિભાવી છે. મને યાદ નથી કે હું એક પણ ઓપન હાઉસમાં કે તેના ઍન્યુઅલ ફંક્શનમાં જઈ શક્યો હોઉં. એ રીતે પોલીસ-અધિકારી કરતાં પોલીસ-કર્મચારીની પત્નીને બહુ મોટી ક્રેડિટ આપવા જેવી છે. પતિ, પુત્ર કે પિતા તરીકેના અમારા રોલમાં અમે સો ટકા તો ક્યારેય નથી આપી શકવાના એ નિãત છે.

- દેવેન ભારતી, જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ

અમે યુનિફૉર્મ પહેર્યો એ દિવસથી જ આ વાત સ્વીકારી લીધી હતી. અમારા પરિવારે માનસિક રીતે આ યુનિફૉર્મ પહેરી લીધો છે. બેશક, બાળકો નાનાં હોય ત્યારે ન સમજે અને રોકવાની જીદ પકડે, પણ પત્ની એ સમયે સાચવી લે.

- સંજય કાંબળે, સિનિયર પોલીસ-ઇન્સપેક્ટર

ફૅમિલીને તમારા વિના સર્વાઇવ થવાની આદત પડી જાય છે. આટલાં વર્ષોથી મુંબઈમાં રહું છું અને ઘરમાં બધાને ખૂબ હોંશ છે છતાં અમે ઘરમાં ગણપતિ નથી લાવી શકતા, કારણ કે જાણીએ છીએ કે ગણપતિમાં કામના કલાકો વધી જશે અને ઘરમાં મારી ગેરહાજરીમાં ફેસ્ટિવલના સેલિબ્રેશનની મજા નહીં રહે.

- અર્ચના ત્યાગી, ઍડિશનલ ડિરેક્ટર જનરલ

મોટા હોદ્દા પર હોય તેમને થોડીક પળો પરિવાર સાથે મળી જાય છે, કારણ કે તેમની પાસે ગાડી હોય છે અને તેમની પાસે સહકર્મચારીઓ મદદ માટે હોય છે. કૉન્સ્ટેબલ લેવલના લોકોનું કામ વધુ અઘરું છે. જોકે આ કામ જ ૩૬૫ દિવસનું અને ૩૬૦ ડિગ્રીનું છે. પોલીસ-અધિકારી તરીકે અમને આ જ કામ કરવાનો પગાર મળે છે એટલે એમાં કંઈ જ અજુગતું નથી.

અરૂપ પટનાઈક, એક્સ પોલીસ કમિશનર

મને યાદ છે કે મારા દીકરાને ડૉક્ટરેટની ડિગ્રી મળવાની હતી. તેનો કૉન્વકેશન પ્રોગ્રામ હતો અને ખૂબ પહેલાંથી જ મારે એ પ્રોગ્રામમાં જવાનું નક્કી થઈ ગયું હતું. પ્રોગ્રામ ન્યુ ઝીલૅન્ડમાં હતો, પણ હું ન જઈ શક્યો. આવું તો અઢળક વાર થયું હોય. જોકે ધીમે-ધીમે પરિવારજન એનાથી ટેવાઈ જાય.

વસંત ઢોબળે, એક્સ-અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર

columnists