૧૭ વર્ષની ઉંમરે પાંચ ગામડાંઓને દારૂમુક્ત કરી નાખ્યાં આ કિશોરે

17 August, 2025 05:50 PM IST  |  Mumbai | Laxmi Vanita

મધ્ય પ્રદેશના સુરજિત લોધીએ ૧૪ વર્ષની વયે પોતાના પિતાની દારૂની લત છોડાવવા માટે ગામને દારૂમુક્ત કરવાનું બીડું ઝડપ્યું.

અત્યારે ૨૦ વર્ષના સિરજુ ભૈયા ગામના લોકો માટે આદર્શ છે.

મધ્ય પ્રદેશના સુરજિત લોધીએ ૧૪ વર્ષની વયે પોતાના પિતાની દારૂની લત છોડાવવા માટે ગામને દારૂમુક્ત કરવાનું બીડું ઝડપ્યું. બીજા કિશોરો, મહિલાઓ, પોલીસ, પંચાયત બધાંને એક મિશન માટે કામ કરતાં કરી દીધાં. ગામમાં છૂત-અછૂતના ભેદભાવ દૂર કરવાની પહેલ કરી. એ બદલ  અવૉર્ડ મેળવી ચૂકેલા સુરજિતમાંથી સિરજુભૈયા સુધીની દાસ્તાન જાણીએ

ભારતનાં કેટલાંય ગામડાં આજે પણ અલ્પવિકસિત છે જ્યાં મૂળભૂત જરૂરિયાતોની ગેરહાજરી અને બિનજરૂરી વસ્તુઓની હાજરી છે. મોટા ભાગનાં ગામડાં જેમનું આપણે કદી નામ પણ નથી સાંભળ્યું ત્યાંની પરિસ્થિતિ કંઈક આવી જ હોય છે. આજે વાત કરવાની છે મધ્ય પ્રદેશના વિદિશાના જિલ્લાના ગામ સાહબાની. આ ગામમાં જ્યાં ઘરોની છત આજે પણ જુનવાણી રંગોથી રંગેલી, જર્જરિત હાલતમાં છે અને રસ્તા શાંત છતાં જીવનથી ભરપૂર છે. જોકે ગેરકાયદે દારૂની દુકાનો આ ગામની શાંતિનો ભંગ કરી રહી હતી. કહેવાય છે કે બાળક જેવું જુએ એવું શીખે. પિતાને ઘરમાં આવી દારૂ પીને હાથ ઉપાડતાં જુએ તો એવું જ શીખે. ઘરમાં ઘરેલુ હિંસા જોઈને એવું શીખવાને બદલે આવું કેમ થાય છે અને કેમ ન થાય એનો ભેદ સમજી શકે એ જ કંઈક અલગ ચીલો ચાતરે.

૧૩ વર્ષની ઉંમરે સાહબા ગામના સુરજિત લોધીએ પોતાના ગામની દિશા અને દશા બદલવાનો નિર્ણય કર્યો. ટીનેજનાં વર્ષોમાં તેણે કરેલો જાગૃતિયજ્ઞ એટલો ખીલ્યો કે ગામની સિકલ ખરેખર બદલાઈ ગઈ.

એક સમયે લોકો જેની વાતને હસવામાં કાઢી નાખતા તે બાળસુરજિત આજે ગામના દરેક બાળકનો આદર્શ છે અને લોકો તેને સન્માનથી સિરજુભૈયા કહીને સંબોધે છે. આ યુવા ચેન્જમેકરની સફર નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાનની યુક્તિને સાર્થક કરે છે. હાલ ૨૦ વર્ષનો સુરજિત ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે અને તેની ઇચ્છા છે કે પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધીને સમાજમાં ફેલાઈ રહેલાં દૂષણો સામે હજી મોટા જંગ ઉપાડવા. ગામ અને સમાજ માટે સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેનું મગજ સતત કાર્યરત છે. આ સફળતા અને ખ્યાતિ પાછળ તેણે કેટલો સંઘર્ષ વેઠવો પડ્યો છે એ જાણીએ.

સુરજિતનું તકલીફભર્યું બાળપણ

૨૦૦૪માં સાહબા ગામમાં જન્મેલા સુરજિતના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. આખા ગામમાં લગભગ ૮૦૦ જેટલાં ઘરો હતાં. આટલા નાના ગામમાં પાંચેક ગેરકાયદે દારૂની દુકાનો હતી. શિક્ષણ કે આદર્શની ગેરહાજરીમાં સમાજમાં જે બદીઓ હોય એ બદીઓથી અહીંના લોકો પીડાતા હતા. ગામમાં વ્યાપક પ્રમાણમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી અને ગામલોકો જે બે પૈસા કમાતા એ દારૂમાં જ જતા હતા. ગામમાં વ્યસનને કારણે નબળું સ્વાસ્થ્ય, સમય પહેલાં મૃત્યુ, સામાજિક અસહિષ્ણુતા, ઘરે-ઘરે ઘરેલુ હિંસા જેવી સમસ્યાઓ સામેલ હતી. ગામની મહિલાઓને સદાય ચિંતા રહેતી કે પતિ રાતે ઘરે આવશે કે નહીં. ધારો કે આવશે તો મારપીટ તો નહીં કરેને? પુરુષો રાતભર દારૂ ઢીંચીને કમાણીનો બધો ભાગ દારૂમાં વાળતા. જો આ વિષય પર પતિ સાથે વાત પણ કરે તો પરિવારમાં જેટલા હોય તે બધાનું આવી બનતું. આ પરિસ્થિતિમાંથી ૧૩ વર્ષનો સુરજિત પણ બાકાત નહોતો. સુરજિતને આ સમસ્યાનો હંમેશ માટે ઉકેલ લાવવો હતો.

બદલાવની શરૂઆત ઘરથી‍

ગામની મહિલાઓની ચિંતા માત્ર પતિનું દારૂનું વ્યસન નહોતું, પરંતુ દિવસભરમાં જે મહેનતાણું મળ્યું હોય એ દારૂ પીવામાં પૂરું કરીને જ પતિઓ ઘરે આવતા. એને કારણે દરેક પરિવારને આર્થિક તંગી પણ ભોગવવી પડતી. સુરજિતને પણ આવા કેટલાય દિવસો જોવા પડ્યા હતા. ૨૦૧૬માં તે કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન (KSCF) દ્વારા આયોજિત ‘બાળમિત્ર ગ્રામ’ (BMG) કાર્યક્રમ સાથે જોડાયો. બાળમિત્ર ગ્રામ કૈલાસ સત્યાર્થીના NGO દ્વારા ચલાવવામાં આવતું એક બાળમાર્ગદર્શિત વિકાસનું મૉડલ છે જેને ૨૦૦૧થી વિવિધ રાજ્યોમાં લાગુ પાડવામાં આવ્યું હતું. આ મૉડલ ખાસ કરીને બાળમજૂરી, જાતિભેદ, શિક્ષણ, પાણી–સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર કામ કરે છે અને ગામને બાળક હિતલક્ષી બનાવે છે. એ ટેક સામાન્ય જાગૃતિથી સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે. સુરજિતને જ્યારે આ મૉડલનો લાભ મળ્યો ત્યારે તેની ઉંમર ૧૩ વર્ષ હતી. આ કાર્યક્રમ બાદ તેણે દારૂના વ્યસન અને બાળમજૂરી સામે લડત શરૂ કરી. પોતે જે યાતનાઓથી ગુજરી રહ્યો હતો એને કારણે બીજા લોકોનું દુખ તે બહુ સારી રીતે સમજતો હતો. તેની આ જ સંવેદનશીલતા તેનું મજબૂત હથિયાર બની. સૌથી પહેલાં તો તેણે પોતાના પિતાનું જ વ્યસન છોડાવવાની કોશિશ કરી, પણ ઘરમાં નાનું છોકરું દારૂ છોડવાની વાત કરે તો તેને કોણ ગાંઠે? તેને થયું કે જો ગામમાં દારૂનો અડ્ડો જ ન રહે તો પિતાજી ક્યાં પીવા જશે? જોકે દારૂની દુકાનો એમ જ બંધ કરાવવી સહેલી નહોતી. બાળક ગણીને હસી કાઢતા ગામલોકો તેના વિરોધ-પ્રદર્શનને ગંભીરતાથી લે એ માટે તેણે પોતાની જ ઉંમરનાં બીજાં બાળકોને તૈયાર કર્યાં. ઘરે-ઘરે માટીના ચૂલા હતા. લગભગ દરેક બાળકે ઘરમાં પિતા દ્વારા દારૂના નશામાં મારપીટ થતી જોઈ હતી. એ વાત તેમના માટે રૂટીન બની ગઈ હતી. એને બદલવા માટે તેણે હમઉમ્ર બાળકોને તૈયાર કર્યાં. કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન દ્વારા તેને આ બાબતે ઘણી મદદ મળી. જોતજોતામાં તેને ૯૦થી ૯૫ ટીનેજરોનો સપોર્ટ મળ્યો. આ ટીનેજર્સ ઘરે-ઘરે ફરતા. ગામની બહેનોને દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવવા તૈયાર કરવામાં આવી. ટબૂરિયાં કંઈક સારું કામ કરવા તૈયાર છે એ જોઈને બહેનો પણ જાગ્રત થઈ. આખરે સુરજિતના સાહબા ગામમાં દારૂની દુકાનો બંધ થઈ.

ચળવળનો વ્યાપ વધ્યો

જોકે દારૂડિયાઓને લત છે એટલે તેઓ તો એક નહીં તો પાસેના બીજા ગામે પહોંચી જવાના. સુરજિતની કિશોરસેનાએ આસપાસનાં ગામોમાં પણ એ જ મુહિમ ચલાવી. એમ જ સફર આગળ વધતી ગઈ અને કારવાં બનતા ગયા. તેણે પોતાના શિક્ષકો અને ગામની મહિલાઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. જરૂર પડ્યે પોલીસનો સપોર્ટ લીધો અને ગ્રામપંચાયતના ડાહ્યા માણસોએ પણ કિશોરોની ચળવળને સાથ આપ્યો. ગામનાં પંચો જોડાતાં અભિયાનને ગંભીરતાને લેવામાં આવ્યું અને એ જ બદલાવ આજુબાજુનાં ગામોમાં પણ ફેલાયો. તેણે અને તેની ટીમે કેટલાંય ગામોમાં જાગૃતિ અભિયાન ફેલાવીને લોકોને જાગૃત કર્યા. આ અભિયાનમાં નારાઓ સાથે રૅલી કાઢવી, લોકો સાથે સંવાદ કરવો અને ચર્ચા કરવી જેવી પ્રવૃત્તિઓ તેઓ કરતા. સુરજિત ગામની ગેરકાયદે દારૂની દુકાનોને બંધ કરાવવા માગતો હતો. એ માટે તેણે સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓને કેટલાય પત્રો પણ લખ્યા. મહિનાઓની મહેનત પછી એ દિવસ આવ્યો જ્યારે માત્ર પોતાના ગામને જ નહીં, આસપાસનાં પાંચ ગામને દારૂની દુકાનથી મુક્તિ મળી.

કહેવાય છે કે એક પૉઝિટિવ ચીજ કરવા જાઓ ત્યારે એની સાથે બીજા બદલાવો પણ આપમેળે આવતા જાય છે. ગામને દારૂના દૂષણથી મુક્ત કરવા માટે પહેલ કરી ત્યારે એક બીજી વાત પણ સમજમાં આવી. અભણ અને અશિક્ષિત લોકો બહુ સરળતાથી દારૂના રવાડે ચડી જતા હતા. એને કારણે સુરજિત અને તેના બાળમિત્ર ગ્રામના કિશોરોએ મળીને દરેક બાળક ભણે એ સુનિશ્ચિત કરવાનું શરૂ કર્યું. પોતાની આસપાસનાં ગામોમાં દરેક બાળક સ્કૂલમાં જાય એ અભિયાન ચાલુ કરતાં ગામની સ્કૂલો પણ ધમધમતી થઈ ગઈ. લગભગ ૪૧૦ ન ભણતાં બાળકોને સ્કૂલમાં જતાં કરવામાં આવ્યાં અને શિક્ષણનો અનોખો યજ્ઞ પણ શરૂ કર્યો.

પ્રાચીન સમયના દૂષણ જાતિભેદને દૂર કર્યો

શું આજે પણ લોકો છૂત-અછૂત અને જાતિભેદ જેવી બદીઓથી પીડાય છે? એવો પ્રશ્ન થાય. તો એનો જવાબ છે હા. આજે પણ અમુક ગામડાંમાં વર્ણવ્યવસ્થા છે. થયું એવું કે સાહબા ગામમાં પાણી માટે એક કૂવો છે જ્યાંથી બધાને પાણી મળે છે. હવે આ કૂવાનો ઉપયોગ માત્ર ઊંચી જાતિના લોકો જ કરી શકે છે. એટલે ગામમાં નીચી જાતિ જાહેર કરાયેલા લોકો માટે કૂવાની આસપાસ કાલ્પનિક રેખા દોરેલી છે જેને ઓળંગવાની એ લોકોને મનાઈ છે. ગામમાં કોઈના ઘરે મહેમાન આવ્યા હતા અને તેમની દીકરીએ આ કૂવામાંથી પાણી ભર્યું તો ઊંચી જાતિના લોકોએ તેનું બહુ જ અપમાન કર્યું. આ ઘટનાથી સુરજિત હચમચી ગયો. તેને થયું કે આપણા દેશમાં અતિથિદેવો ભવ:ની પ્રથા છે અને લોકો ઊંચી-નીચી જાતિમાં આવી વર્તણૂક કરે? આવું કદી સ્વીકાર્ય ન હોવું જોઈએ. તેણે જાતિભેદ અને ખાસ કરીને છૂત-અછૂતના ભેદને દૂર કરવાની કોશિશ કરી જેમાં કુદરતી સ્રોતનો હક સમાન હોવો જોઈએ એટલે લોકોના હકો માટે અભિયાન ચલાવ્યું. તેની પાંચ વર્ષની આવી કામગીરી બદલ તેને ૨૦૨૧માં પ્રતિષ્ઠિત ડાયના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો.

કઈ રીતે આટલી નાની ઉંમરે આવડું મોટું કાર્ય કરી શક્યો? એનો જવાબ આપતાં સુરજિત કહે છે, ‘મારા પિતા દારૂના નશામાં બધું જ ગુમાવી ચૂક્યા હતા. એ સમયે અમારી પાસે કશું જ ગુમાવવા જેવું નહોતું. મને એ સમયે પણ સમજાતું હતું કે જો કોઈ વ્યક્તિ દારૂના દૂષણ સામે અવાજ નહીં ઉઠાવે તો આ પરિસ્થિતિ એમ જ બદલાઈ શકવાની નથી.’

ડાયના અવૉર્ડ શું છે?

૧૯૯૯માં બ્રિટિશ સરકારે પ્રિન્સેસ ડાયનાની યાદમાં આ અવૉર્ડ શરૂ કર્યો છે. આ અવૉર્ડ ૯થી ૨૫ વર્ષના યુવાઓએ સમાજસેવા, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને પર્યાવરણ ક્ષેત્રે કરેલા કાર્યને બિરદાવવા માટે આપવામાં આવે છે. આ અવૉર્ડ પ્રાપ્ત કરનાર યુવાનને વૈશ્વિક સ્તરે માન્યતા મળે છે તેમ જ પોતાના કાર્યને આગળ વધારવાનાં ઘણાં પ્લૅટફૉર્મ પણ મળે છે. 

health tips life and style madhya pradesh columnists gujarati mid day mumbai