૮૦૦૦ મીટરથી ઊંચાં ૧૪શિખરો ૬ મહિના અને છ દિવસમાં સર

05 December, 2021 07:49 AM IST  |  Mumbai | Aashutosh Desai

અદ્ભુત, અસંભવ અને અકલ્પનીય લાગે એવી આ સિદ્ધિ છે નેપાલના નિર્મલ પુરજાની. આ જાંબાઝનું સાહસ કઈ રીતે પૉસિબલ બન્યું એની ડૉક્યુ ફિલ્મ ‘૧૪ પીક્સ : નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ આવી છે. સપનાં જોવાની હામ ધરાવતા દરેકે ૩૮ વર્ષના આ યુવકની જિંદગીમાંથી શીખવા જેવું છે

નિર્મલ પુરજા

૨૩ એપ્રિલ ૨૦૧૯. સ્વપ્ન-પ્રવાસ આરંભ થયાને પહેલો માઇલસ્ટોન રચાયો અને ૨૯ ઑક્ટોબર ૨૦૧૯, જ્યારે ૧૩-૧૩ માઇલસ્ટોનનું બાહોશીભર્યું ચણતર કર્યા પછી ૧૪મા માઇલસ્ટોન દ્વારા આ વિરલાએ વિશ્વના ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી લીધું. ડ્રીમ સોજોર્ન - ‘મિશન અચીવ્ડ’. 
નેટફ્લિક્સ પર હમણાં જ એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થઈ, જેનું ટાઇટલ જ દર્શકને એ જોવા માટે ઉત્સુક કરી મૂકે એવું છે - ‘૧૪ પીક્સ - નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’. રિલીઝ 
થઈ અને આ બંદાએ પહેલે જ દિવસે જોઈ નાખી. જોવાઈ તો ગઈ; પણ આ ડૉક્યુ ફિલ્મના વિચારો, એમાં જોયેલા સીન્સ, એ ફિલ્મના હીરો દ્વારા બોલાયેલા શબ્દો આ બધું દિવસો વીતી જવા છતાં કેમેય કરી દિમાગમાંથી નીકળતા નહોતા. ભીતરનો લેખક સતત કહી રહ્યો હતો કે ‘૧૪ પીક્સ’ વિશેની અને એના પરિપ્રેક્ષ્યમાં બીજી કેટલીક વાતો વાચકો સાથે શૅર કરવી જ જોઈએ. ‘૧૪ પીક્સ’ એક મસ્ટ વૉચ ડૉક્યુ ફિલ્મ છે. દરેક મા-બાપે તેમનાં સંતાનોને પાસે બેસાડીને દેખાડવા યોગ્ય એવી આ ફિલ્મનો હીરો છે 
એક નેપાલી યુવાન છે. પણ આ ડ્રીમ સોજોર્ન એટલે શું?
પ્રોજેક્ટ પૉસિબલ
ડ્રીમ સોજોર્નનો અર્થ થાય સ્વપ્ન-પ્રવાસ. હિમાલયની તળેટીમાં રહેતા એક છોકરાએ ૨૯ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ તેના ફેસબુક સ્ટેટસમાં લખ્યું હતું, ‘મિશન અચીવ્ડ’. એ દિવસે તેણે એક અનોખો વિશ્વવિક્રમ અનોખી રીતે બનાવ્યો હતો. એ ‘હિમાલયના છોરા’ વિશે આમ તો આપણને ખાસ કોઈ માહિતી ક્યાંથી હોય, કારણ કે આપણે તો વર્ષોથી ક્રિકેટરો અને ફિલ્મી હીરોને પૂજતા આવ્યા છીએ. એક કૅચ છૂટી જાય કે વિકેટ પડે એટલે ગેમ માટેના જુનૂનના દેખાડારૂપે ગાળાગાળી કરતા કોઈ પ્લેયર માટે આપણે ગાંડાઘેલા થઈ જતા હોઈએ છીએ કે પછી વાસ્તવિક જીવનમાં પોતે ભલે ડ્રગ્સનો બંધાણી હોય પણ સ્ક્રીન પર ડ્રગ માફિયાને પકડવાની જહેમત કરતો કોઈ ગુંડા જેવો દેખાતો ફિલ્મી હીરો તો આપણા માટે ભગવાનથીયે વધુ ઊંચા સ્થાને હોય છે. તો આપણા ફૅન ફૉલોઇંગના આવા બિઝી શેડ્યુલમાં કોઈ સાચા જવાંમર્દને જાણવાનો સમય ક્યાંથી મળે, શક્ય છે? ના... ના... શક્ય જ નથી. સમજી શકાય એવી વાત છે. પણ આ જવાંમર્દે તેની સિદ્ધિઓ દ્વારા વિશ્વને ફરજ પાડી કે લોકોએ તેના વિશે જાણવું પડશે, પ્રેરણા લેવી પડશે અને ગુણગાન પણ ગાવાં પડશે. વિશ્વસ્તરે મનોરંજન પૂરું પાડતી નેટફ્લિક્સ જેવી ઓટીટી ચૅનલને પણ રસ પડ્યો આ જબરદસ્ત ફેસિનેટિંગ સ્ટોરી પરથી ડૉક્યુ ફિલ્મ બનાવવામાં. આજકાલ દરેક નેટફ્લિક્સ લવર્સના મોઢે સંભળાય છે, ‘૧૪ પીક્સ - નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ જોઈ? અને તમને કહું કે પ્રશ્ન ખોટો પણ નથી. આ ડૉક્યુ ફિલ્મ મિસ કરવા જેવી છે જ નહીં, બૉસ! 
આ બાહોશ યુવાનનું નામ છે ‘નિર્મલ પુરજા’, જેને આખું વિશ્વ હવે તો ‘નીમ્સ’ના નામથી ઓળખવા માંડ્યું છે. નેપાલના આ યુવાને વિશ્વનાં સૌથી ઊંચાં ૧૪ શિખરો જેને વિશ્વ ‘એઇટ થાઉઝન્ડર્સ’ તરીકે ઓળખે છે એ માત્ર છ મહિના અને છ દિવસમાં સર કર્યાં. તમને ખબર છે નિર્મલ પુરજાએ આ નવો રેકૉર્ડ બનાવ્યો એ પહેલાં આ રેકૉર્ડ કેટલા સમયનો હતો? સાત વર્ષ અગિયાર મહિના અને ચૌદ દિવસ. જી હા, આ પહેલાં ૧૯૮૭ની સાલમાં માઉન્ટેનિયર જેરસી કુકુઝકાએ આ ૧૪ શિખર લગભગ ૮ વર્ષ જેટલા સમયમાં સર કર્યાં હતાં.  ક્યાં આઠ વર્ષ અને ક્યાં છ મહિના, ખરુંને? પણ આ ચમત્કાર જેવી લાગતી બાબત હકીકત છે અને એ હકીકતનું નામ છે ‘પ્રોજેક્ટ પૉસિબલ’. 
કોણ છે નીમ્સ?
નામ નિર્મલ પૂરજા. ૩૮ વર્ષનો નેપાલી યુવાન જેને ૨૮ વર્ષની આયુ સુધી પહાડો ચડવાનો અનુભવ સુધ્ધાં નહોતો, જેણે ૨૮ વર્ષની આયુ સુધી જિંદગીમાં ક્યારેક પર્વતારોહણ કરીશ એવો વિચાર સુધ્ધાં નહોતો કર્યો; પણ જ્યારે કર્યો ત્યારે સીધી માઉન્ટ એવરેસ્ટ પર તેની નજર ઠરી. ૨૦૧૨માં તેણે પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. પછી નિર્મલ ક્યાં રોકાય એમ હતો જ. ૨૦૧૪માં ભૌલાગિરિ, ૨૦૧૬માં ફરી માઉન્ટ એવરેસ્ટ અને ૨૦૧૭માં લ્હોત્સે. લોકો જ્યાં એક વાર માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે જિંદગી આખી મહેનત કરતા હોય તે આ યુવાને પાંચ વર્ષમાં બે વાર સર કરી લીધો અને સાથે એવરેસ્ટની જ સમકક્ષ બીજી બે ચોટી તો ખરી જ. નિર્મલ પરિવારનો સૌથી નાનો અને સૌથી લાડકો દીકરો ખરો, પરંતુ સૌથી વધુ શેતાન અને સૌથી વધુ જોખમ લેનારો. સમજી લો જાણે નીમ્સ સમજણો થયો ત્યારથી તેણે પહેલી દોસ્તી ‘જોખમ’ નામના શબ્દ સાથે જ કરી. નેપાલની ગુરખા ફોર્સમાં તે સિલેક્ટ થઈ ચૂક્યો હતો, પણ એટલાથી સંતોષ માને તો તે નીમ્સ શાનો. ઇંગ્લૅન્ડની સ્પેશ્યલ ફોર્સમાં જાંબાઝ સિપાહી તરીકે નોકરી મેળવી ત્યારે નિર્મલને એ બાબત ઠીકઠાક સમજાઈ ચૂકી હતી કે તે એક ખૂબ સારો અને મજબૂત ક્લાઇમ્બર છે. બસ, ત્યારથી જાણે કોઈ એક ખ્યાલ તેના સબકૉન્શિયસ માઇન્ડમાં રોપાઈ ચૂક્યો હતો જે સમય વીતતાં ધીરે-ધીરે જીદમાં પરિવર્તિત થતો ગયો.         
નીમ્સ વિશે જેમ વધુ ને વધુ જાણતા જઈએ તેમ-તેમ થતું જાય કે તેણે જન્મ લેતાંની સાથે જ જાણે ‘રેકૉર્ડ્સ’ શબ્દ પોતાની જન્મકુંડળીમાં લખાવી લીધો હશે. ઇંગ્લૅન્ડની સ્પેશ્યલ ફોર્સમાં જોડાયો ત્યારથી જ નિર્મલે પોતાને નામે રેકૉર્ડ્સ બનાવવા માંડ્યા હતા. ઇંગ્લૅન્ડની સ્પેશ્યલ ફોર્સમાં સિલેક્ટ થયો અને સોલ્જર તરીકે જોડાયો એ પણ એક રેકૉર્ડ હતો. નિર્મલ પહેલો નેપાલી છોકરો હતો જે ઇંગ્લૅન્ડની સ્પેશ્યલ ફોર્સમાં સિલેક્ટ થયો હોય. આ પહેલાં કોઈ નેપાલીને ક્યારેય ઇંગ્લૅન્ડની સ્પેશ્યલ ફોર્સમાં સ્થાન મળ્યું નહોતું. બીજો એક રેકૉર્ડ પણ તેણે ઇંગ્લૅન્ડમાં જ માઉન્ટેનિયરિંગની પ્રૅક્ટિસ દરમિયાન બનાવ્યો. વિશ્વની સૌથી ઊંચી એવી ૧૪ ચોટીઓને સર કરવાનો નિર્ણય લીધા બાદ નિર્મલ એ માટે તનતોડ તૈયારી કરી રહ્યો હતો. સવારે બે-ત્રણ વાગ્યે જાગી જવું, પીઠ પર ૩૫ કિલો વજન ઉઠાવીને ૨૦ કિલોમીટર ચાલવું, આખો દિવસ કામ કરવું, ત્યાર બાદ જિમ અને રાત્રે અગિયાર વાગ્યે સૂવું. આ બધું તો તેની રૂટીન પ્રૅક્ટિસ હતી. આ દરમિયાન જ ૨૦૧૮માં જ્યારે પ્રોજેક્ટ પૉસિબલ શરૂ કરવાને હજી એક વર્ષની વાર હતી, પણ એ માટેની તૈયારીના ભાગરૂપે તેણે છ હજાર મીટરની ઊંચાઈએ સાઇકલ ચલાવવાનો પ્રયોગ કરીને પોતાની કૅપેસિટી ચકાસવાની હતી. આ ટેસ્ટ દરમિયાન ખાસ તો એ જાણવાનો પ્રયત્ન થવાનો હતો કે શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું થતાં તેનું શરીર અને દિમાગ કઈ રીતે અને કેટલું કામ કરે છે અને તે કઈ રીતે પોતાના નિર્ણયો લે છે, નિર્ણયો લઈ પણ શકે છે કે નહીં. ટેસ્ટ શરૂ થઈ અને નિર્મલે છ હજાર મીટર અલ્ટિટ્યુડ પર સાઇક્લિંગ કરવા માંડ્યું. હવે નિર્મલ પર આ ટેસ્ટ થઈ એ પહેલાં અનેક સાઇક્લિસ્ટ્સ આ પ્રયોગ કરી ચૂક્યા હતા અને અચ્છા-અચ્છા સાઇક્લિસ્ટ્સ પણ આ પરિસ્થિતિમાં ૯૦ સેકન્ડથી વધુ સાઇક્લિંગ કરી શક્યા નહોતા, જ્યારે નિર્મલે ૩ મિનિટ સુધી સાઇકલ ચલાવીને એક નવો રેકૉર્ડ કર્યો.
પણ ફન્ડિંગ ઇમ્પૉસિબલ
સ્વપ્ન જુઓ ત્યારે સ્વપ્ન હજી આંખમાં જ હોય છે અને લક્ષ્ય નક્કી કરો ત્યારે તે લક્ષ્ય હજી માત્ર વિચારોમાં જ હોય છે, પરંતુ સ્વપ્ન કે લક્ષ્ય હાંસલ કરવા માટે જમીન પર પહેલું ડગ ભરીએ ત્યારથી જ વાસ્તવિકતા પાછળ નહીં સામે આવવા માંડે છે. નિર્મલે લક્ષ્ય નક્કી તો કરી લીધું, પરંતુ એ માટેના ફન્ડિંગનું શું? તે કોઈ એવા પૈસાદાર બાપનો દીકરો તો હતો નહીં કે ફન્ડની ચિંતા ન કરવી પડે. વળી નેપાલની ટ્રેડિશન પ્રમાણે મા-બાપની દેખભાળ અને ભરણપોષણ પણ નાનો દીકરો જ કરતો હોય છે. આથી તેણે જે કંઈ કમાતો એમાંથી નેપાલ મા-બાપને પણ પૈસા મોકલવા પડતા. 
નિર્મલ તેના પ્રોજેક્ટ પૉસિબલ માટે ફન્ડિંગ મેળવવા મોટા-મોટા બિઝનેસમેનથી લઈને કૉર્પોરેટ્સ સુધીના તમામ સોર્સિસને મળવા માંડ્યો. પ્રેઝન્ટેશન આપી લોકોને પોતાના ‘પ્રોજેક્ટ પૉસિબલ’ માટે ફન્ડ આપવા મનાવી લેવાનો તે પ્રયત્ન કરતો, પરંતુ દરેક જગ્યાએથી તેણે પ્રોજેક્ટ પૉસિબલ માટે ફન્ડ ઇમ્પૉસિબલ છે એવો જ રિપ્લાય મળતો. આખરે તેણે લંડનનું પોતાનું ઘર ગિરવી મૂકવાનું નક્કી કર્યું.
લક્ષ્ય માટેની જીદ એવી કે જે પ્રોજેક્ટ શક્ય પણ બનશે કે નહીં એની ખાતરી નહોતી, જે પ્રોજેક્ટમાં તે જીવતો પણ બચશે કે નહીં એ ખબર નહોતી એના માટે પોતાનું ઘર ગિરવી મૂકવા નીમ્સ તૈયાર થઈ ગયો. મોટા ભાઈ કમલે ખૂબ ના પાડી. કહ્યું કે આપણા પરિવારમાં તું એકમાત્ર છે જે ઠીકઠાક ઠરીઠામ છે, ઇંગ્લૅન્ડની સ્પેશ્યલ ફોર્સની નોકરી છોડવાનો તારે વિચાર સુધ્ધાં ન કરવો જોઈએ. જોકે જોખમ સાથે બાળપણની દોસ્તી અને એમાં વળી જન્મકુંડળીમાં લખાવી લીધેલો પેલો શબ્દ ‘રેકૉર્ડ્સ’. 
નિર્મલે ઇંગ્લૅન્ડની સ્પેશ્યલ ફોર્સની નોકરી પણ છોડી દીધી અને ઘર પણ ગિરવી મૂકી દીધું.
પીઠ પરનું ટૅટૂ
આ પ્રકારના વીરલાઓ શું ખરેખર થોડા ભેજાગેપ હોતા હશે કે અલગારી? નીમ્સની એક ઓળખ તેની પીઠ પરનું ટૅટૂ છે, બોલો! વિશ્વનાં સૌથી ઊંચાં એવાં ૧૪ શિખરોનું એક મોટું ટૅટૂ તેણે પોતાની પીઠ પર કરાવ્યું છે. અને એ ટૅટૂ પણ કેવું? માત્ર શાહીથી કોતરાયેલું ટૅટૂ નહીં. ‘એવરેન્સ ટૅટૂ’. મતલબ કે નીમ્સનાં માતા-પિતા, ભાઈ-બહેન અને પત્ની બધાના વાળના ડીએનએ એમાં મિશ્રિત કરીને એમાંથી ટૅટૂ ચીતરવામાં આવ્યું. એ વાત ખરી કે નિર્મલ પાસે આવું કરવા પાછળનું કારણ જબરદસ્ત છે. નીમ્સ કહે છે, ‘આમ કરવા માટે મારી પાસે કારણ હતું. હું મારા આખા પરિવારને એક એવી આધ્યાત્મિક યાત્રા પર લઈ જવા માગતો હતો જ્યાં તેઓ જિંદગીમાં ક્યારેય જઈ નહોતા શકવાના. આ સિવાય આ ટૅટૂ મારા માટે એક ધાર્મિક માળા જેવું કામ કરવાનું હતું. હું જાણતો હતો કે એ મને સતત યાદ કરાવતું રહેશે કે મારો એક પરિવાર છે અને તેમના માટે મારે ૧૪ એઇટ થાઉઝન્ડર્સ પરથી એક પીસમાં પાછા આવવાનું છે. આ ટૅટૂ સતત મને ચેતવતું રહેશે કે જો હું મારી જાતને વધુ પુશ કરીશ તો મારું મૃત્યુ પણ થઈ શકે છે. મારે એ યાદ રાખવાનું છે કે મારા ઘરે મા-બાપ, પત્ની, ભાઈ-ભાભીઓ બધાં મારી રાહ જોઈને બેઠાં છે. મારા માથે મારા પરિવારની જવાબદારીઓ છે.’
અડીખમ નિર્મલ
૨૦૧૯ની ૨૩ એપ્રિલે નેપાલસ્થિત હિમાલયના ૮૦૯૧ મીટર ઊંચા અન્નપૂર્ણા પર્વતને સર કરવાની સાથે નિર્મલના માઇલસ્ટોનની શરૂઆત થઈ. ૧૨ મેએ હિમાલય પૂજનનું બીજું પગથિયું ૮૧૬૭ મીટર ઊંચા ધવલગિરિ પર્વત દ્વારા પૂર્ણ કરી લેવાયું. ત્રીજા જ દિવસે એટલે કે ૧૫ મેએ તો નીમ્સ ૮૫૮૬ મીટર ઊંચા કંચનજંગા પર્વતના શિખરે હાક મારતો હતો. 
મને કહો માણસ કોઈ એક રેકૉર્ડ બનાવવા માટે અગ્રેસર થયો હોય તો તે એ એક જ રેકૉર્ડ બનાવવા તત્પર હોય કે નહીં? પણ કહ્યુંને, નીમ્સ સાવ નોખી માટીની જ વ્યક્તિ. ત્રણ શિખરપૂજન પૂર્ણ કર્યા બાદ તેણે એક આ રેકૉર્ડનાં પગથિયાં ચડતાં-ચડતાં એક સાવ નવો રેકૉર્ડ બનાવી દીધો. માત્ર ૪૮ કલાકમાં તેણે બાકીનાં ત્રણ શિખર સર કરી લીધાં (આ એક નવો વિશ્વવિક્રમ છે) અને તમે નહીં માનો પણ આ ત્રણ શિખરમાંથી એક શિખર હતું માઉન્ટ એવરેસ્ટ. માનવામાં નથી આવતુંને? તો લો જુઓ. ૨૨ મે ૨૦૧૯ના દિવસે નીમ્સ ૮૮૪૯ મીટર ઊંચા એવા વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ચોટીએ હતો અને પર્વતારોહણનું જુનૂન જૂઓ કે એવરેસ્ટ ચડી આવ્યા પછી ઘડીભર આરામ કરવાની જગ્યાએ નીમ્સ ૨૨ મેના દિવસે જ ૮૫૧૬ મીટર ઊંચા લ્હોત્સેની ચોટીને ગળે વળગાડવા નીકળી પડે છે. એક દિવસ (૨૪ કલાક)માં માઉન્ટ એવરેસ્ટ અને લ્હોત્સે અને ત્યાર બાદ ૨૪ મેના દિવસે ૮૪૬૩ મીટર ઊંચા મકાલુ પર્વતના શિખરે. ૪૮મા કલાકમાં આ ત્રણેય શિખર સર કરવાનો અનોખો અને અશક્ય લાગે એવો વિશ્વવિક્રમ પોતાના નામે લખી નાખ્યો. આ છ શિખરો સાથે નીમ્સ પોતાની ડ્રીમ સોજોર્નનો પહેલો ફેઝ પૂર્ણ કરે છે.
બીજા ફેઝની શરૂઆત ૩ જુલાઈએ પાકિસ્તાનસ્થિત ૮૧૨૬ મીટર ઊંચા નંગા પર્વત શિખરે પહોંચીને થાય છે. ૧૫ જુલાઈએ ૮૦૮૦ મીટરના ગેશરબ્રમ-૧ અને ૧૮ જુલાઈએ ૮૦૩૫ મીટર ઊંચા ગેશરબ્રમ-૨ પર પહોંચીને નીમ્સ ૧૪ પગથિયાંની આ સફરના છેક નવમા પગથિયે પહોંચી જાય છે. દુનિયા જેને મોતનો પર્વત કહે છે તે k2 ચડવાનો હતો. નીમ્સ ૨૪ જુલાઈએ આ ૮૬૧૧ મીટર, વિશ્વના બીજા ક્રમાંકના સૌથી ઊંચા અને મહામુશ્કેલ એવા K2નું ચડાણ પૂર્ણ કરી લે છે. ૨૬ જુલાઈએ તો તે ૮૦૫૧ મીટરના બ્રૉડ પીક તરીકે ઓળખાતા પર્વતની ટોચે પહોંચી જઈને આ ફેઝ પણ પૂર્ણ કરી લે છે.
ત્રીજા ફેઝમાં એઇટ થાઉઝન્ડર્સનાં ૧૪માંથી હવે માત્ર ત્રણ શિખરો રહી ગયાં હતાં. એમાંથી બે ચીનમાં હતાં અને એક નેપાલમાં. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે નીમ્સ ૮૧૮૮ મીટર ઊંચા ચો ઓયુ પર્વતના શિખરે પહોંચે છે અને ૨૭ સપ્ટેમ્બરે નેપાલસ્થિત ૮૧૬૩ મીટર ઊંચા મનાસલુ પર્વતે. હવે નીમ્સ તેના આ રેકૉર્ડ અચીવમેન્ટના છેલ્લા પગથિયે પગ મૂકવા માટે તલપાપડ હતો. ચીનનો ૮૦૨૭ મીટર ઊંચો શિશપંગમા. ચાઇનીઝ સરકાર દ્વારા પહેલાં હા, પછી ના અને ના તે ના જ... આખરે નિર્મલે કળેવળે કામ કઢાવવું પડ્યું. નેપાલ સરકાર, નેપાલ આર્મી, ચાઇનીઝ સરકાર, નેપાલની પ્રજા, ચાઇનાની પ્રજા, આખા વિશ્વના લોકોનો તેણે સપોર્ટ માગ્યો, ચાઇનીઝ ગવર્નમેન્ટને સમજાવવા અને મનાવવાની હાકલ નાખી અને આખરે ૨૯ ઑક્ટોબર ૨૦૧૯નો એ દિવસ જ્યારે હિમાલયના શિશપંગમા શિખરે નિર્મલે ગૌરવપૂર્વક શિશ ઉઠાવ્યું અને શિશપંગમા પર્વતે આ જવાંમર્દને આશીર્વાદ આપ્યા. 
નિર્મલ પુરજાએ અસંભવ, અશક્ય, અકલ્પનીય અને પહેલી નજરે માની ન શકાય એવો રેકૉર્ડ કરી દેખાડ્યો. માત્ર ને માત્ર છ મહિના અને છ દિવસમાં ૧૪ એઇટ થાઉઝન્ડર્સ પર નીમ્સ પોતાનાં પગલાંની છાપ છોડીને પાછો ફર્યો હતો. 
આ સાહસના સાથીઓ કોણ?
નિર્મલ એકલો આટલી મોટી સિદ્ધિ કઈ રીતે હાંસલ કરી શકે? એ શક્ય છે ખરું? કદાચ નહીં. અને એ વાત નીમ્સ પોતે પણ સ્વીકારે છે. અરે, સ્વીકારે છે જ નહીં, મોટા અવાજે કહે પણ છે કે મારા ભાઈઓ વિના આ શક્ય નથી જ. અને એ ભાઈઓ એટલે કોણ? શેરપાભાઈઓ.
એવરેસ્ટ કે એવાં કોઈ પણ શિખરો સર કરનારા બાહોશ પર્વતારોહકો વિશે હજારો વાર લખાયું છે અને હજી પણ લખાતું રહેશે, પરંતુ શેરપાઓ વિશે ક્યારેય કોઈ વાત નથી કરતું. જ્યારે કે પડદા પાછળ રહેતા વાસ્તવિક હીરો તો શેરપાઓ છે. એવરેસ્ટ શિખર સર કરનારા પ્રથમ શેરપા તેનઝિંગ નોર્ગે વિશે બધાએ સાંભળ્યું કે વાંચ્યું હશે, પરંતુ ત્યાર પછી? સામાન્ય માણસ તો છોડો, પર્વતારોહકો પણ શેરપા વિશે ખાસ વાત કરતા ભાળ્યા નથી. નિર્મલ પુરજા બરાબર જ કહે છે કે શેરપા બધા માટે માત્ર શેરપા જ છે, બધા તેને શેરપા કહીને જ બોલાવે છે. શા માટે? તે લોકો પણ માણસ છે, તેમનાં પણ નામ હોય છે. શા માટે તેમની સાથે કે તેમના વિશે નામ લઈને વાત નથી થતી? જેમ કે મિંગમાં ડેવિડ, ગલજેન અને ગેઝમૅન જેવા લગભગ ૧૨થી ૧૩ શેરપા હતા જેમણે નિર્મલને નીમ્સ તરીકેની ખ્યાતિ અપાવી અને આવો અનોખો વર્લ્ડ રેકૉર્ડ બનાવવામાં સાથે રહીને મદદ કરી.
‘હે મહિધર, તારા શિખરે પહોંચીને જાણ્યું હું કેટલો વામણો છું. જાહોજલાલી તારી જોઈને હું કેટલો નિર્ધન છું. તલભાર છતાં અભિમાન ન તારા મહી, તુજ મસ્તકે મૂકી પગ હું શાને અભિમાન કરું?’ નિર્મલે એક-એક શિખર સર કરતા જઈને કુદરતની જાહોજલાલીને કેટલી નજદીકથી જાણી હશે, માણી હશે? ત્યારે જ તો આટલી મોટી સિદ્ધિ પછી પણ તે આટલો સરળ, નિખાલસ રહીને કહી શક્યો હશે કે શેરપાઓ માત્ર શેરપા નથી, તેઓ પણ માણસ છે, તેમનાં પણ નામ છે અને તેમના ઋણસ્વીકાર વિના કોઈ શિખર શક્ય નથી.

શેરપા - ધ સુપર હ્યુમન્સ
શેરપા કોઈ વ્યક્તિ કે પર્વતારોહકના મદદનીશ તરીકે કામ કરીને ગુજરાન ચલાવતા લોકોનું નામ નથી. શેરપા એ નેપાલ અને તિબેટની એક કમ્યુનિટી છે. વાસ્તવમાં હિમાલયના પહાડી વિસ્તારોમાં રહેતા, નેપાલ અને તિબેટના પૂર્વ ભાગમાં તિંગરી વિસ્તારના લોકોને શેરપા કહેવામાં આવે છે. આ કમ્યુનિટીનું આવું નામ કઈ રીતે પડ્યું? તો એનો જવાબ આપણને શેરપા ભાષામાંથી મળે છે. શેરપા ભાષામાં ‘શેર’નો અર્થ થાય ઈસ્ટ એટલે કે પૂર્વ અને ‘પા’ અર્થાત્ માણસો. મતલબ કે પૂર્વ તિબેટમાં રહેતા માણસો એટલે શેરપા. અને પર્વતારોહણમાં શા માટે શેરપાઓ તારણહારરૂપ હોય છે અને બીજા નહીં? સરળ જવાબ એ છે કે શેરપાઓ સુપર હ્યુમન હોય છે અને આ વાક્યમાં જરાય અતિશયોક્તિ નથી.
તમે જ્યારે હાઈ એલ્ટિટ્યુડ પર જાવ ત્યારે એક સૌથી મોટી ચુનૌતી હોય છે ઑક્સિજનની કમી. દાખલા તરીકે અહીં જમીન પર આપણે શ્વાસમાં જેટલો ઑક્સિજન લઈ શકીએ છીએ એના માત્ર ત્રીજા ભાગ જેટલો ઑક્સિજન એવરેસ્ટની ચોટી પરના વાતાવરણમાં હોય છે અને જેટલા લોકો એવરેસ્ટની ચોટી પર પહોંચે છે એમાંના માત્ર ૬ ટકા લોકો જ આવા વાતાવરણમાં કોઈ પણ જાતના ઑક્સિજન સપ્લિમેન્ટ વિના જીવિત રહી શકે એવા હોય છે. એટલું જ નહીં, તમે ૩૫૦૦ ફીટની ઊંચાઈએ પહોંચો પછી તમને અચાનક જ શરીરમાં ફ્લુ કે હૅન્ગઓવર જેવી પરિસ્થિતિ લાગવા માંડે છે. ઊંચાઈના લેવલ પર શરીરમાં એટલી ઝડપથી ફેરફાર થતો હોય છે કે તમને શું થઈ રહ્યું છે એનો તરત ક્યાસ કાઢી શકવો પણ મુશ્કેલ હોય છે. દિમાગને જરૂરી ઑક્સિજન પહોંચતો નથી એટલે દિમાગ એની પૂર્ણ કાર્યક્ષમતાએ કામ પણ કરી શકતું નથી. તો પછી શેરપાઓને કેમ આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી? શા માટે શેરપાઓ બીજા પર્વતારોહકો કરતાં વધુ સરળતાથી એવરેસ્ટ જેવા શિખર સર કરી શકે છે? 
આ વિશે એક્સ્ટ્રીમ એવરેસ્ટની ફાઉન્ડર મેમ્બર અને ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી હૉસ્પિટલ સધમ્પટનની ક્લિનિકલ કન્સલ્ટન્ટ ડેની લેવેટે સારોએવો ઊંડો અભ્યાસ કર્યો છે. લેવેટ પોતે પણ એવરેસ્ટ પાર કરી ચૂકી છે અને એ સમયે તેણે જોયું કે શેરપાઓ પોતાની પીઠ પર ટનબંધ સામાન ઊંચકીને ચડાણ કરી રહ્યા હોવા છતાં જબરદસ્ત સ્ફૂર્તિથી એવરેસ્ટ જેવું શિખર પ્રમાણમાં ઘણી સરળતાથી ચડી જાય છે. એટલું જ નહીં, ઊતરતી વેળા (જ્યારે સૌથી વધુ જોખમ હોય છે) તો તેમની સ્ફૂર્તિ જાણે બેવડાય છે. ડેની લેવેટ આ જોઈને આશ્ચર્ય અનુભવી રહી હતી અને તેણે શેરપાઓની ફિઝિકલ અને બાયોલૉજિકલ ટેસ્ટ લેવા વિચાર્યું. તેણે કુલ ૧૮૦ વૉલન્ટિયર્સ પર ટેસ્ટ કરી જેમાં ૧૧૬ નીચાણવાળી જમીન પર રહેતા હતા અને ૬૪ શેરપાઓ હતા.
ટેસ્ટ દરમિયાન મળી રહેલાં રિઝલ્ટ્સમાં લેવેટે જોયું કે માણસની જે કોશિકાઓ શરીરમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે શ્વસન કરતી હોય છે એને મેડિકલ ટર્મ્સમાં માઇટોકૉન્ડ્રિયા કહેવામાં આવે છે. શેરપાઓમાં એ માઇટોકૉન્ડ્રિયા વધુ સક્ષમ હતી. મતલબ કે આપણી માઇટોકૉન્ડ્રિયા શરીરમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે જેટલો ઑક્સિજન વાપરે છે એના કરતાં શેરપાઓની માઇટોકૉન્ડ્રિયા ખૂબ કુશળતાથી કામ કરી શકે છે. મતલબ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઑક્સિજન વાપરીને પણ શેરપાઓની કોશિકાઓ તેમના શરીરમાં ઊર્જા પેદા કરી શકે છે. સમજી લો જાણે શેરપાઓ ફ્યુઅલ એફિશિયન્ટ કાર છે. 
એટલું જ નહીં, ડેની લેવેટે શેરપાઓની બ્લડ-વેસલ્સ એટલે કે શરીરની રક્તવાહિનીઓની પણ તપાસ કરી. તેમની જીભની નીચેની નસોથી લઈને અલગ-અલગ ઑર્ગન્સ સાથે જોડાયેલી નાની-નાની વેસલ્સ ધરાવતી માઇક્રો-સર્ક્યુલેશન સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો. આ બારીક નસો દ્વારા આપણા શરીરનાં અલગ-અલગ અંગો, મસલ્સ અને ટિશ્યુમાં ઑક્સિજન પહોંચાડે છે. આ તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે હાઈ એલ્ટિટ્યુડ પર પહોંચતાં સામાન્ય માણસની બ્લડ વેસલ્સ શરીરનાં ઑર્ગન્સ સુધી ખૂબ ધીમે અને ખૂબ ઓછો ઑક્સિજન મોકલી શકતી હતી, જ્યારે શેરપાઓના શરીરની વેસલ્સ આટલી ઊંચાઈએ પણ સરળતાથી કામ કરી રહી હતી. શેરપાઓની શારીરિક ક્ષમતા ચકાસવા માટે થયેલી આ ટેસ્ટ્સ વિશ્વમાં સૌથી પહેલી ટેસ્ટ્સ હતા જે ડેની લેવેટે કરી હતી. 
શેરપાઓની જિનેટિકલ કાબેલિયત તેમને સુપર હ્યુમન બનાવે છે.

ડૉક્ટર કે એન્જિનિયર તો બનવું જ નહોતું

નિર્મલ પુરજાના પિતા અને બે ભાઈઓ પણ ગુરખા હતા. નેપાલના ગુરખા ફોર્સમાં હો એટલે એવું ધારી લેવાય કે એ લોકો તો હાઈ અલ્ટિટ્યુડ પર જ મોટા થયા હોય એટલે તેમને ઊંચાઈમાં રહેવાનો અને ઓછા ઑક્સિજન સાથે કામ ચલાવવાની કુદરતી જ ફાવટ હોય, પણ નિર્મલના કેસમાં એવું નથી. નિર્મલનો ઉછેર ચિતવનમાં થયો હતો. આ એવી જગ્યા છે જે લગભગ ફ્લૅટ પ્લેટો છે અને સી-લેવલ પર જ છે. ખૂબ જ ગરીબ પરિવારમાં ઊછરેલા નીમ્સ પાસે ઘરની આસપાસ ઊછળકૂદ કરતી વખતે પગમાં સ્લિપર પહેરવાના પણ પૈસા નહોતા. જોકે તેના મોટા ભાઈઓ ગુરખા તરીકે જોડાયા એ પછી ઘરની આર્થિક સ્થિતિ સુધરી. મોટા ભાઈઓએ લાડકવાયા નિર્મલને ભણવા માટે બોર્ડિંગ સ્કૂલમાં પણ મૂકેલો. એજ્યુકેશનમાં પણ તેનો ઝટપટિયો સ્વભાવ છલકાતો જ હતો. પરીક્ષા વખતે તેને સૌથી પહેલાં એક્ઝામ હૉલમાંથી બહાર આવવું હોય એટલે તે બે કલાકનું પેપર તે એક કલાકમાં લખીને નીકળી જતો. એમ છતાં તે સ્કૂલમાં ટૉપ ફાઇવમાં જ નંબર લાવતો. એક ઇન્ટરવ્યુમાં નિર્મલ કહે છે કે મારે એન્જિનિયર કે ડૉક્ટર તો બનવું જ નહોતું. મારા મનમાં બે ચીજો જ હતી. એક તો નેપાલના રૉબિનહુડ બનવું અથવા તો ગુરખા બનવું. તેણે બીજો ઑપ્શન પસંદ કર્યો અને એમાં પણ રેકૉર્ડબ્રેક પર્ફોર્મન્સથી આગવી પ્રતિભા છતી કરી. 

columnists