૧૨૩ મિનિટ અને હાર્ડલી ૨૦૦ ડાયલૉગ્સ

31 July, 2022 07:08 PM IST  |  Mumbai | Bhavya Gandhi

હા, વેબ-સિરીઝ ‘ મૅન વર્સસ બી’માં એવું જ છે અને એ પછી પણ એ વેબ-સિરીઝ આપણા તમામ મેકર્સને કહે છે કે કામ આ રીતે થાય અને આ સ્તરનું થાય

૧૨૩ મિનિટ અને હાર્ડલી ૨૦૦ ડાયલૉગ્સ

આમ તો આપણે અહીં ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સ્ટાર્સની વાત કરવાના છીએ, પણ મારાથી રહેવાતું નથી એટલે આજે આપણે વાત કરવાના છીએ નેટફ્લિક્સ પર ગયા મહિને રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘મૅન વર્સસ બી’ની. આપણે ત્યાં જેટલા પણ મેકર્સ છે એ સૌ માટે આ સિરીઝ એક લેસન છે. સિમ્પલી સુપર્બ કહેવાય એવી આ વેબ-સિરીઝની એક ખાસિયત કહું તમને. ૯ એપિસોડની આ આખી સિરીઝનું કુલ ડ્યુરેશન ૧૨૩ મિનિટનું છે અને આ ૧૨૩ મિનિટના ડ્યુરેશનમાં મૅક્સિમમ ૨૦૦ ડાયલૉગ્સ છે. હા, ૨૦૦ ડાયલૉગ્સ અને એ ડાયલૉગ્સમાંથી ૪૦ ટકા ડાયલૉગ્સ તો ઓકે, યસ, નો જેવા એક શબ્દના છે. એ પછી પણ આખી વેબ-સિરીઝની જેમ મજા છે એ અદ્ભુત સ્તરની છે.
પાંચ વર્ષના બચ્ચાથી લઈને ૯૫ વર્ષના દાદા સાથે બેસીને જોઈ શકાય એવી આ વેબ-સિરીઝ વિશે આપણે ત્યાં કોઈએ કશું લખ્યું નથી એટલે જ મેં એના પર લખવાનું પસંદ કર્યું. તમને પેલું મિસ્ટર બીનનું કૅરૅક્ટર યાદ છે. એ મિસ્ટર બીન એટલે કે બ્રિટિશ ઍક્ટર રોવન ઍટકિન્સન જ આ સિરીઝમાં છે. એક અબજોપતિ કપલ વેકેશન પર જવાનું છે, પણ સાથે કપકેક નામની ડૉગીને લઈ જઈ શકે એમ નથી એટલે એ કપલ હાઉસસીટરને ઘરે બોલાવે છે. હાઉસસીટર ઘરે આવે છે, પણ એની સાથે એક ભમરો પણ આવી જાય છે. હવે આ આખી વેબ-સિરીઝ એ હાઉસીટર અને ભમરા વચ્ચે ચાલે છે. બન્નેને એકબીજા સાથે જાની દુશ્મની છે. જાણે કે ટૉમ-ઍન્ડ-જેરી. 
રોવને જ આ વેબ-સિરીઝ લખી છે અને રોવન જ લીડ ઍક્ટર છે. અગાઉ આવેલી અને આપણે ત્યાં જબરદસ્ત પૉપ્યુલર થયેલી ‘મિસ્ટર બીન’ પણ રોવને જ લખી હતી, પણ હું ‘મૅન વર્સસ બી’ની વાત એટલા માટે કહીશ કે આજે જ્યારે વેબ-સિરીઝ નામે જે પ્રકારે બધા મનમાં આવે એવું પીરસી રહ્યા છે એવા સમયે આ પ્રકારના સબ્જેક્ટ પર કામ કરવું અને એ પણ અસરકાર રીતે કામ કરવું એ જરા પણ નાની વાત નથી.
હું કહીશ કે ‘મૅન વર્સસ બી’ આપણે ત્યાંના વેબ-સિરીઝના કલ્ચરને પણ ચેન્જ કરવામાં નિમિત્ત બને એવી શક્યતા છે. સબ્જેક્ટમાં ડ્રામા જોઈએ, ઉતાર-ચડાવ હોવા જોઈએ, વિલન તો જોઈએ જ અને વેબ-સિરીઝ છે એટલે થોડી બોલ્ડનેસ તો તમારે ઉમેરવી જ પડે. આ અને આ પ્રકારની જેકોઈ વાતો થતી રહી છે એ તમામ વાતોને ‘મૅન વર્સસ બી’એ જબરદસ્ત લાફો માર્યો છે એવું કહેવું જરા પણ વધારે નહીં કહેવાય. એ વેબ-સિરીઝ રિલીઝ થયા પછી મેં ચાર વખત જોઈ.
પહેલી વખત મજા ખાતર. બીજી વખત એના મેકિંગ માટે, ત્રીજી વખત એની ક્રીએટિવિટીની દૃષ્ટિએ અને ચોથી વખત, આ કૉલમમાં લખવાના હેતુથી. આ ચોથી વખત જ મેં એના ડાયલૉગ્સ ગણ્યા અને એટલે જ મને સમજાયું કે લાંબું-લાંબુ લખવું મહત્ત્વનું નથી, પણ અસરકારક લખવું ઇમ્પોર્ટન્ટ છે. ‘મૅન વર્સસ બી’ જોતાં-જોતાં જ મને કમલ હાસનની ‘પુષ્પક’ યાદ આવી ગઈ. એક પણ ડાયલૉગ વિનાની એ ફિલ્મ પણ એ જ પુરવાર કરતી હતીને કે ઍક્ટર શું કહે છે એ નહીં, પણ ઍક્ટર શું કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જોજો ‘મૅન વર્સસ બી’. આખું ફૅમિલી સાથે બેસીને જોજો, તમારો રવિવાર સુધરી જશે એની ગૅરન્ટી મારી.

સબ્જેક્ટમાં ડ્રામા જોઈએ, ઉતાર-ચડાવ જોઈએ, વિલન તો જોઈએ જ અને વેબ-સિરીઝ છે એટલે થોડી બોલ્ડનેસ તો તમારે ઉમેરવી જ પડે. આ અને આ પ્રકારની જે વાતો થતી રહી છે એ વાતોને ‘મૅન વર્સસ બી’એ જબરદસ્ત લાફો માર્યો છે એવું કહેવું જરાય વધારે નહીં કહેવાય.

columnists Bhavya Gandhi