કોરોનાકાળની આજકાલ : જગતની વાત કરતી વખતે ઇન્ડિયાને ભૂલીએ એ તો બિલકુલ ન ચાલે

30 July, 2021 12:51 PM IST  |  Mumbai | Manoj Joshi

અમેરિકા સૌથી બેસ્ટ અવસ્થામાં હોય તો પણ એનાથી ઇન્ડિયાને ફાયદો થવાનો નથી અને બ્રાઝિલમાં પીવાનું પાણી પણ નહીં મળે એવી હાલત થઈ જાય તો પણ ઇન્ડિયા માત્ર આશ્વાસન આપી શકે

પ્રતીકાત્મક તસવીર

જગતઆખામાં કોરોનાકાળમાં કેવું વાતાવરણ છે એની વાતો કરતા હોઈએ ત્યારે ઇન્ડિયાની વાતોને તમે કેવી રીતે અવગણી શકો. ચાલે જ નહીં. અમેરિકા સૌથી બેસ્ટ અવસ્થામાં હોય તો પણ એનાથી ઇન્ડિયાને ફાયદો થવાનો નથી અને બ્રાઝિલમાં પીવાનું પાણી પણ નહીં મળે એવી હાલત થઈ જાય તો પણ ઇન્ડિયા માત્ર આશ્વાસન આપી શકે. હકીકત તો એ જ છે કે આપણે કેવી અવસ્થા વચ્ચે જીવીએ છીએ અને આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ. જવાબ પણ તમને ખબર જ છે. આપણી અવસ્થા, પરિસ્થિતિ અને સંજોગો એકદમ વિચિત્ર છે. નથી આપણે સેફ ઝોનમાં પહોંચી શક્યા કે નથી આપણે જઈ શક્યા રેડ ઝોનમાં. રેડ ઝોનના હોત તો આજે આપણે ઘરમાં બેઠા હોત અને સેફ ઝોનમાં હોત તો આપણને કોઈએ થર્ડ વેવ માટે ચેતવણી આપવી ન પડી હોત. આપણે એવા સંજોગોમાં છીએ જ્યાંથી ગામ ભણી પણ જઈ શકાય અને સ્મશાન ભણી પણ કોઈ ખેંચી શકે. ગઈ કાલે જેડીએ બહુ સરસ વાત કહી. કોઈ પણ જાતનાં અણધાર્યાં કહેવાય એવાં પગલાં લેતાં પહેલાં તમે પસાર કરેલી પરિસ્થિતિને યાદ કરી લો. યાદ કરી લો એ દિવસોને, જે દિવસોમાં ક્યાંય ઑક્સિજન નહોતો અને યાદ કરી લો એ દિવસોને જે દિવસોમાં અંતિમવિધધિ કરવા માટે પણ ઘરમાંથી એક જ વ્યક્તિ જઈ શકતી હતી. પ્લાસ્ટિકમાં વીંટળાયેલા સ્વજનનાં એ અંતિમ દર્શન ક્યારેય વીસરાવાનાં નથી તો પછી અત્યારે કેમ આપણે એ ભૂલી શકીએ. થર્ડ વેવ આપણી સામે મોઢું ફાડીને ઊભી છે એવા સમયે સાવચેતી અને સાવધાની સિવાય કોઈ રસ્તો બાકી રહેતો જ નથી. એક વાત સૌકોઈએ યાદ રાખવાની છે કે હવે સરકાર કોઈ લાંબાં પગલાં લઈ શકવાની નથી. લૉકડાઉન પણ હવેના સમયમાં અસંભવ છે એટલે એવું પણ નહીં ધારવાનું કે લૉકડાઉન આવે તો જ કોવિડ ફેલાઈ રહ્યો છે. ના, લૉકડાઉન સંભવ નથી અને ધંધાપાણી અટકાવવાનો પણ કોઈ અર્થ સરવાનો નથી. કહેવાનો ભાવાર્થ એ જ છે કે તમારે તમારી સમજણ વાપરવાની અને તમારી સમજણશક્તિ મુજબ તમારે સાવધાની રાખીને આગળ વધતા રહેવાનું. જો એ કરવામાં તમે ક્યાંય ઓવરકૉન્ફિડન્સમાં રહ્યા તો મર્યા ઠાર.તમને કોઈ એટલે કોઈ થર્ડ વેવ સામે બચાવી નહીં શકે અને બચાવી શકાય પણ નહીં. થર્ડ વેવનું સૌથી મોટું શસ્ત્ર વૅક્સિન છે, પણ એવું ધારવું ગેરવાજબી છે કે આપણે વૅક્સિન લઈ લીધી છે એટલે બધું પૂરું થઈ ગયું. મહામારી એમ પૂરી નથી થતી અને એ એમ પૂરી નથી થતી એટલે જ એને મહામારી નામ આપવામાં આવ્યું છે. મહામહેનતે મરે, મહામહેનતે જે કાબૂમાં આવે એનું નામ મહામારી. જો લિપસ્ટિક્સનો શેડ દેખાડવો હોય, જો ચહેરા પર મસ્ત રીતે ઊગેલી મૂછ દેખાડવી હોય તો એને માટે માસ્કને તિલાંજલિ આપવી પડશે અને માસ્કને તિલાંજલિ આપવા માટે મહામારીને નાથવી પડશે. મહામારીને નાથવી એ જ હવે આ બધામાંથી છુટકારો આપવાનો રસ્તો છે અને એ રસ્તે સૌકોઈએ ચાલવું પડશે. કોઈ એક પણ ઊંધી દિશામાં ગયો એનો અર્થ એ થયો કે એ બધા માટે જોખમી બની રહ્યો છે.

manoj joshi coronavirus