ક્યારેક વેજ બિરિયાનીમાં રિંગણ નાખજો, મજા આવશે

01 July, 2020 04:48 PM IST  |  Mumbai | Rashmin Shah

ક્યારેક વેજ બિરિયાનીમાં રિંગણ નાખજો, મજા આવશે

રાજુ શ્રીવાસ્તવ

ફેમસ કૉમેડી-આર્ટિસ્ટ રાજુ શ્રીવાસ્તવે કિચનમાં આવા તો અનેક પ્રયોગો કર્યા છે. રાજુ શ્રીવાસ્તવ પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરીને એ સમયે ચા અને ગ્લુકોઝ બિસ્કિટ ખાઈને પેટ ભરવાની હૅબિટથી માંડીને આજે મળતા લાડની વચ્ચે માખણથી નિતરતું શાક અને કાજુથી લથબથ રબડીના સ્વાદની વાત મિડ-ડેના રશ્મિન શાહ સાથે કરે છે. વાંચો તમે પણ...

ઇલાયચી ટી, ગ્રીન ટી, હર્બલ ટી, આસામીઝ ટી, ઇન્ડિયન મસાલા ટી, ઑર્ગેનિક ટી, આ ટી અને તે ટી તથા એવી બીજી અનેક ટી. આ બધું અત્યારે આવ્યું, પણ અમારા વખતે એવું કંઈ નહોતું. સાદી ચા હોય અને એની સાથે નાસ્તો કરવા માટે પારલે-જી બિસ્કિટ હોય, બસ. નાસ્તો ગણો તો નાસ્તો અને જમવાનું ગણો તો જમવાનું. ભૂખ લાગે એટલે પહોંચી જવાનું નજીકની ચાની દુકાને. ચા લેવાની અને પાસે પડેલી બરણીમાંથી જાતે બિસ્કિટ કાઢીને ખાઈ લેવાનાં. મને દુનિયાનો સૌથી બેસ્ટ નાસ્તો જો કોઈ લાગ્યો હોય તો એ આ ચા અને પારલે-જીનો નાસ્તો. તમે માનશો નહીં, પણ જો મને અત્યારે પણ રસ્તા પર ચાની લારીમાં ચાની સાથે પારલે-જી જોવા મળી જાય તો મારા પગ અટકી જાય. સ્ટ્રગલના સાથી છે એ બન્ને અમારાં. મારા જેવા અનેક કલાકારો એવા હતા જેમનાં એનાથી પેટ ભરાયાં છે. હું તો ઘણી વાર મજાકમાં કહું પણ છું કે મારા લોહીમાં તમને રક્તકણ અને શ્વેતકણની સાથોસાથ (પારલે) જી-કણ પણ મળશે. એ સમય એવો હતો કે ચા અને પારલે-જી સિવાય બીજું કશું પોસાતું નહીં અને આજે, આજે પોસાય છે, પણ હવે એ લક્ઝરી માટે સમય નથી.
હમણાં મેં ચા પીવાનું ઓછું કર્યું છે, ગ્રીન ટી વધારે પીઉં છું, પણ શો માટે જાઉં ત્યારે ચા અચૂક પીવાની. જો બાય રોડ જવાનું હોય તો હાઇવે પર ચા પીવાની અને જો ફ્લાઇટમાં ગયો હોઉં તો ઍરપોર્ટની બહાર નીકળીને ચા પીવાની. ઍરપોર્ટની ચા ક્યારેય નહીં પીવાની. હૉસ્પિટલમાં પેશન્ટને અપાતું શાક અને ઍરપોર્ટ પર મળતી ચા બન્ને મારે માટે સેમ છે. બીજું, મને પેલી માદળિયાં ડુબાડવાનાં હોય એવી ચા પણ ભાવતી નથી. આપણે ચામાં પારલે-જી ઝબોળીએ અને આ અંગ્રેજો માદળિયાં ઝબોળે, ફાવે જ નહીં. જો આવી ચા મળે તો હું સાદું પાણી પીને ચલાવી લઉં, પણ એ ચા તો ન જ પીઉં. હમણાં હું એક જગ્યાએ મળવા માટે ગયો ત્યારે મને બન્ને ચાની ઑફર થઈ. પેલી માદળિયાવાળી, આઇમીન ડીપ-ડીપ ટી અને ગ્રીન ટી. ગ્રીન ટી પણ મને નૉર્મલી ભાવતી નથી, પણ પેલી માદળિયાવાળી ચા કરતાં તો એ હજાર દરજ્જે સારી એટલે મેં ગ્રીન ટી પી લીધી.
સ્ટ્રગલના દિવસો હતા ત્યારે માંડ શો મળ્યો હોય અને ઑર્ગેનાઇઝર પણ અમુક એવા મળી જાય કે તેને એકેક રૂપિયો બચાવવાનો હોય. બને એવું કે ગાડી તમને લેવા માટે આવે. તમારે જવાનું બે-અઢી કલાક દૂર. રસ્તામાં કશુંક ખાઈ લઈશું એવું ધારીને તમે રવાના થાઓ અને થોડી વાર પછી તમે હોટેલ જુઓ એટલે ડ્રાઇવરને ગાડી રોકવાનું કહો એટલે બે જ જવાબ મળે. પહેલો જવાબ, ‘આગે બહોત અચ્છી હોટેલ આયેગી’ જે ક્યારેય આવવાની જ ન હોય. બીજો જવાબ, ‘લેટ હો જાએગા સાહબ.’ આવું સાંભળ્યા પછી પણ તમે શોના ત્રણ કલાક પહેલાં ઑડિટોરિયમમાં પહોંચી ગયા હો અને એ પછી પણ તમને કશું ખાવાનું મળે નહીં અને તમે ખાલી પેટે શો કરો. હવે એવું નથી થતું એ પણ એટલું જ સાચું છે. સફળતા તમારું પેટ ભરાવી દે અને ધાર્યું ન હોય એવી રીતે પેટ ભરાવી દે.
હવે હું હાઇવે પર કે હોટેલમાં ક્યાંય જમવા માટે જાઉં છું ત્યારે બધા ઓળખી જાય. સામેથી મળવા આવે, રાજી થઈને બેચાર લોકોને મારી આજુબાજુમાં ગોઠવી દે અને તમારો ઑર્ડર લેવાને બદલે હોટેલ કે ધાબાનો ઓનર પોતાની ફેવરિટ આઇટમનો ઑર્ડર આપી દે. એમાં પણ કેવું બને ખબર છે તમને?
‘રાજુભૈયા આયે હૈં. ગજોધર આયા હૈ’ એવું મનમાં ને મનમાં કહીને તમારી આઇટમમાં એક ચમચી માખણ નાખવાને બદલે ત્રણ ચમચી માખણ નાખીને માખણનું શાક ખવડાવે. ૬ કાજુ નાખવાને બદલે રબડીમાં ૨૦ કાજુ રબડીના અંશ જ ઉડાડી દે. મારે કહેવું પડે કે આવું કરીને તમે મારો જમવાનો મૂડ ખરાબ કરો છો પણ એમ છતાં તે માને નહીં એટલે હવે ટ્રાય એવી કરું કે હું કાં તો હોટેલની રૂમમાં જ ફૂડ મગાવી લઉં અને કાં તો ગાડીમાં જ પાર્સલની વ્યવસ્થા કરી લઉં જેથી ઓરિજિનલ ફૂડ ટેસ્ટ કરવા મળે. ઓરિજિનલ ફૂડથી જ સાચું પેટ ભરાય એ તમે યાદ રાખજો.
જમવાની કે ફૂડની હું બહુ પંચાત નથી કરતો. મને બધું ફાવે, ક્યારેય એવું બને નહીં કે હું જમવામાં એકાદ-બે આઇટમ છોડી દઉં. બધું જ લેવાનું અને બધું જ ખાવાનું. હા, શોના ટાઇમને ધ્યાનમાં રાખીને વધારે ખાટું, તીખું કે ઑઇલી ફૂડ ખાવાનું અવૉઇડ કરું. આઇસક્રીમ કે કોલ્ડ ડ્રિન્ક્સ પણ ભાગ્યે જ લઉં. આ બન્ને એવી આઇટમ છે કે એને મન પડે તો એ તરત જ તમારા અવાજને અસર કરી નાખે. બહુ ભૂખ લાગી હોય અને કન્ટ્રોલ ન થવાનો હોય તો લસ્સી પીવાનું રાખું. પહેલાં તો સ્વીટ લસ્સી જ પીતો, પણ હવે સાકર નાખવાનું અવૉઇડ કરું છું.
સ્ટ્રગલના દિવસોમાં હું ફૂડ બનાવતાં શીખ્યો એ આજે પણ મને આવડે છે. એ દિવસોમાં કાંદા, મરચાં અને ટામેટાં ત્રણ આઇટમ ઘરમાં હોય જ હોય. ઘરે પાછા આવતી વખતે સસ્તામાં સસ્તી જે સબ્ઝી હોય એ લેતા આવવાનું. સીઝનની ખબર હોય એટલે એ મુજબ જ સબ્ઝી લેવાની અને પછી બેચાર દિવસ સુધી એ એક જ સબ્ઝી ખાવાની. શાક સાથે મરચાં, ટમેટાં અને કાંદા ત્રણ ઍડ કરો એટલે તમારું શાક રેડી થઈ જાય અને ભાવે એવું જ બને. બાફેલા કઠોળમાં પણ આ ત્રણ આઇટમ ઍડ કરીને મેં મારું ડિનર કર્યું છે. ડિનરમાં મારી પાસે બે જ આઇટમ હોય. શાક અને રોટલી કે પરાઠાં કે પછી બ્રેડ કે પછી થેપલાં. ઘણી વાર તો એવું પણ બને કે ભૂખ એટલી લાગી હોય કે રોટલી બનાવવા સુધી રાહ જોવાય નહીં તો હું શાકમાં ચા સાથે ખાવાના ટોસનો ભુક્કો કરીને નાખી દઉં. આજે પણ જો જમવાના ટાઇમે મને ટોસ દેખાઈ જાય તો શાકમાં ટોસનો ભુક્કો નાખું જ નાખું. મગની છુટ્ટી દાળમાં લસણના ઝીણા ટુકડા કરીને એના પર કાચું તેલ અને મરચાંના ઝીણા ટુકડા, કાંદા અને ટમેટાં તથા એના પર જરાસરખું સૉલ્ટ નાખીને ટ્રાય કરજો. બહુ મજા આવશે. આ અને આવી જે કોઈ ટાઇમ-સેવર મારી રેસિપી છે એ બધાને હું ‘સીક્રેટ ઑફ સક્સેસ’ના નામે ઓળખાવું.
મને શાક બધાં બનાવતાં આવડે. બધાં એટલે બધાં. કઠોળ પણ બનાવતાં આવડે અને રોટલી કે પરાઠાં મારા પૂરતાં બનાવતાં ફાવે, પણ બીજાને એ ભાવે કે નહીં એનું નક્કી નહીં. ઘણી વાર તો કંટાળો આવે તો મને ભાખરી જેવડી સાઇઝની અને થીકનેસ પણ એવી, રોટલી પણ બનાવી છે અને એનો આનંદ પણ લીધો છે.
મને દાળભાત બનાવતાં પણ આવડે. ભાત અને બેચાર શાક તો કોઈને પણ બનાવતાં આવડવાં જ જોઈએ એવું હું માનું છું. ઘરથી ક્યાંય દૂર ન જવાના હો તો પણ આ આઇટમ તો શીખવી જ રહી. ઇમર્જન્સીમાં ક્યારે કામ લાગી જશે એની તમે કલ્પના પણ નહીં કરી હોય. રાઇસની આઇટમમાં મને બિરયાની, પુલાવ અને અલગ-અલગ પ્રાંતના પુલાવ પણ ફાવે. તમે ક્યારેય બિરયાનીમાં રીંગણાનો ટેસ્ટ નહીં કર્યો હોય, પણ એક વખત એમાં રીંગણાના ઝીણા ટુકડા નાખીને ખાજો. તમને રાઇસ કડવા લાગવા માંડશે. મેં કરી હતી આવી ભૂલ એક વખત. એ ભૂલને સુધારવા માટે મેં પ્લેટમાં સિંધાલૂણ નિમક લીધું. ચમચી ભરીને બિરયાની ખાતા જવાની અને થોડું સિંધાલૂણ પણ ચાટતા જવાનું. શું અદ્ભુત ટેસ્ટ બની ગયો હતો એ. આજે પણ મને એ ટેસ્ટ યાદ છે. એ સમયે તો એ કૉમ્બિનેશન ભૂલથી થયું હતું, પણ હવે એ ઇન્ટેશનલી બનાવું છું અને આમ જ એ ખાઉં છું. પ્લેટમાં બિરયાની, બિરયાનીમાં રીંગણા અને બાજુમાં સિંધાલૂણ નિમક.


ચા મારી ફેવરિટ છે

મારી જેમ જ ચા દેશભરના લોકોની ફેવરિટ છે. તમે કોઈ પણ સ્ટેટમાં જઈને જુઓ તો ચા માટેનો પ્રેમ તમને જોવા મળે જ મળે. બધાને એમ છે કે સાઉથમાં કૉફી વધારે પિવાય છે પણ ના, ત્યાં ચા પણ એટલી જ પિવાય છે જેટલી કૉફી પિવાય છે. મને દેશભરની ચા એકસરખી જ લાગી છે. નાના-મોટા ફરક હોય એટલું જ. તમે આસામ જઈને ચા માગો તો તમને નાના કળશમાં ચા આપશે, તો બિહારમાં માટીના કુલ્લડમાં ચા આપે. ગુજરાત જાઓ તો તમને ત્યાં રકાબીમાં ચા આપે અને મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં સ્ટીલની વાટકીમાં ચા મળે. સ્ટાઇલ જજુદી પણ જેવી એ મોઢે માંડો કે તરત જ તમને એના ટેસ્ટમાં રહેલી સમાનતાની ખબર પડી જાય.

સંઘર્ષના દિવસોમાં ડિનરમાં મારી પાસે બે જ આઇટમ હોય. શાક અને રોટલી કે પરાઠાં કે પછી બ્રેડ કે પછી થેપલાં. ઘણી વાર તો એવું પણ બને કે ભૂખ એટલી લાગી હોય કે રોટલી બનાવવા સુધી રાહ જોવાય નહીં તો હું શાકમાં ચા સાથે ખાવાના ટોસનો ભુક્કો કરીને નાખી દઉં. આજે પણ જો જમવાના ટાઇમે મને ટોસ દેખાઈ જાય તો શાકમાં ટોસનો ભુક્કો નાખું જ નાખું. મગની છુટ્ટી દાળમાં લસણના ઝીણા ટુકડા કરીને એના પર કાચું તેલ અને મરચાંના ઝીણા ટુકડા, કાંદા અને ટમેટાં તથા એના પર જરાસરખું સૉલ્ટ નાખીને ટ્રાય કરજો. બહુ મજા આવશે.

ચા મારી ફેવરિટ છે

મારી જેમ જ ચા દેશભરના લોકોની ફેવરિટ છે. તમે કોઈ પણ સ્ટેટમાં જઈને જુઓ તો ચા માટેનો પ્રેમ તમને જોવા મળે જ મળે. બધાને એમ છે કે સાઉથમાં કૉફી વધારે પિવાય છે પણ ના, ત્યાં ચા પણ એટલી જ પિવાય છે જેટલી કૉફી પિવાય છે. મને દેશભરની ચા એકસરખી જ લાગી છે. નાના-મોટા ફરક હોય એટલું જ. તમે આસામ જઈને ચા માગો તો તમને નાના કળશમાં ચા આપશે, તો બિહારમાં માટીના કુલ્લડમાં ચા આપે. ગુજરાત જાઓ તો તમને ત્યાં રકાબીમાં ચા આપે અને મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં સ્ટીલની વાટકીમાં ચા મળે. સ્ટાઇલ જજુદી પણ જેવી એ મોઢે માંડો કે તરત જ તમને એના ટેસ્ટમાં રહેલી સમાનતાની ખબર પડી જાય.

સંઘર્ષના દિવસોમાં ડિનરમાં મારી પાસે બે જ આઇટમ હોય. શાક અને રોટલી કે પરાઠાં કે પછી બ્રેડ કે પછી થેપલાં. ઘણી વાર તો એવું પણ બને કે ભૂખ એટલી લાગી હોય કે રોટલી બનાવવા સુધી રાહ જોવાય નહીં તો હું શાકમાં ચા સાથે ખાવાના ટોસનો ભુક્કો કરીને નાખી દઉં. આજે પણ જો જમવાના ટાઇમે મને ટોસ દેખાઈ જાય તો શાકમાં ટોસનો ભુક્કો નાખું જ નાખું. મગની છુટ્ટી દાળમાં લસણના ઝીણા ટુકડા કરીને એના પર કાચું તેલ અને મરચાંના ઝીણા ટુકડા, કાંદા અને ટમેટાં તથા એના પર જરાસરખું સૉલ્ટ નાખીને ટ્રાય કરજો. બહુ મજા આવશે.

indian food raju shrivastav Rashmin Shah columnists