અહંકાર અને ઈર્ષ્યાને કારણે કલ્પનામાંથી પણ વિવાદનું સર્જન કરતા માણસો

29 October, 2020 03:35 PM IST  |  Mumbai | Jayesh Chitalia

અહંકાર અને ઈર્ષ્યાને કારણે કલ્પનામાંથી પણ વિવાદનું સર્જન કરતા માણસો

બીજા માણસો શું વિચારે છે કે વિચારશે એ આપણે પોતે જ કેટલું બધું વિચારી લઈએ છીએ.

એક વાર એક ગધેડાનું બચ્ચું ખોવાઈ ગયું. એના બચ્ચાને ગધેડો બધે શોધ્યા કરતો હતો. ક્યાંય મળે નહીં. આખરે એ એક ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો અને એને ઘરની અંદરથી અવાજ સંભળાયો જેમાં એક માણસ કહેતો હતો, તું ગધેડાનું બચ્ચું છે. બીજો માણસ પણ સામે કંઈક એવું જ વિધાન કહીને જણાવતો હતો, તું છે ગધેડો. હવે થયું એવું કે બહાર પોતાના બચ્ચાની શોધમાં નીકળેલો ગધેડો વિચારવા લાગ્યો કે મારું બચ્ચું આ ઘરની અંદર ફસાઈ ગયું લાગે છે. તેથી એ એની બહાર રાહ જોતો ઊભો રહી ગયો. આ શોરબકોર સાંભળી આજુબાજુના માણસો ત્યાં આવી ગયા અને પેલા બહાર ઊભેલા ગધેડાને પૂછવા લાગ્યા, તું કેમ અહી ઊભો છે, તારે શું કામ છે અહીં? ગધેડાએ કહ્યું, હું મારા બચ્ચાની બહાર આવવાની રાહ જોઉં છું. મારું બચ્ચું અંદર છે. લોકોને નવાઈ લાગી, આનું બચ્ચું કઈ રીતે અંદર પહોંચી ગયું? તેમણે ગધેડાને પૂછ્યું, તને કઈ રીતે ખબર પડી કે તારું બચ્ચું અંદર છે? તેણે બધાને નજીક બોલાવી કહ્યું, અંદરની વાત સાંભળો, જેમાં હજી માણસો એકબીજાને ગધેડાનું બચ્ચું કહેતા હતા. લોકોએ બહારના ગધેડાને કહ્યું, તું ચાલ્યો જા. આ તારું બચ્ચું નથી, આ માણસોનાં બચ્ચાં છે જે પોતે એકબીજાને ગધેડા કહી રહ્યા છે. હવે તમે જ કહો, ગધેડાને આનો ખ્યાલ ક્યાંથી આવે? એ બિચારો શું સમજે? જીવનમાં આપણી સાથે આવું ઘણી વાર થતું હોય છે. મહાપુરુષો, સાચા સંતો, સાચા ગુરુઓ આપણને કંઈક કહેતા હોય છે અને આપણે એને સમજી શકતા નથી અથવા કંઈક બીજું સમજી બેસીએ છીએ.
વાત અહીં પૂરી થઈ ગઈ. આમાંથી કોણે મેસેજ લીધો અને શું મેસેજ લીધો એ માણસો અને ગધેડા પોતે નક્કી કરે. દરેક માણસમાં એક (લુચ્ચાઈ અને ચાલાકીનું પ્રતીક) શિયાળ રહેતું હોય છે એમ ગધેડો (મૂર્ખતાનું પ્રતીક) પણ રહેતો હોય છે અને તેથી જ માણસ એકબીજાને ગધેડા પણ કહેતા હોય છે. જોકે માણસો એકબીજાને ગધેડો કેમ કહે છે એ ગધેડા આજ સુધી સમજી શક્યા નથી.
જે વસ્તુ પોતાની નથી
એનો વિવાદ
બીજી એક વાત પણ કંઈક આવી જ છે જેમાં બે બાળકો ઘરની બાલ્કનીમાં બેઠાં-બેઠાં એક રમત રમતાં-રમતાં ઝઘડી પડે છે. આ ઝઘડાનો અવાજ સાંભળી તેમના પિતા આવે છે, તેમને પૂછે છે કે કેમ ઝઘડો છો? એટલે એક છોકરો કહે છે, આણે મારી કાર લઈ લીધી. બીજો કહે છે, આણે પણ મારી કાર લઈ લીધી. પિતાને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, અહીં કાર ક્યાં છે? એટલે છોકરાઓએ કહ્યું, અમે બન્ને સામે રસ્તા પરથી પસાર થતી કારને આવતી–જતી જોઈ રમત રમતા હતા, જે પહેલાં કાર જુએ અને હાથ ઊંચો કરે કાર તેની. આમાં મારી દસ કાર થઈ ગઈ અને આની સાત થઈ તો તેણે મારી બે કાર લઈ લીધી. પિતા તો મૂંઝાઈ ગયા, જે છે જ નહીં અને હોય તો પણ પોતાનું તો નથી જ એના માટે આ બે જણ લડાઈ પર ઊતરી આવ્યા? થોડી વાર પછી પિતા તેમને શાંત કરી ચાલ્યા ગયા અને એકલા બેસી વિચારવા લાગ્યા. આ તો બાળકો છે, તેમનું બચપનું છે. પરંતુ આપણે મોટા માણસો પણ આવા જ ઝઘડા કરતા હોઈએ છીએ. જે આપણું નથી એના માટે કેવા-કેવા વિવાદ કરીએ છીએ? થોડુંક ઓછું મળે તો પણ વેરઝેર પર ઊતરી આવીએ છીએ. આ વાતમાંથી બાળકો તો ઠીક છે,
આપણે માણસોએ શું મેસેજ લેવો જોઈએ એ માણસો પોતે જ નક્કી કરે. માણસોના પરિવારજનો, સગાં-સંબંધી નક્કી કરે.
રેતી પર ચાલતાં વહાણ
ત્રીજી વાત પણ આવી જ રસપ્રદ છે. બે ખાસ મિત્રો દરિયાકિનારે બેઠાં ગપ્પાં લગાવતા હોય છે. વાત-વાતમાં એક મિત્ર રેતીમાં કૂંડાળું બનાવીને કહે છે, જો આ મારું ખેતર છે, બીજો મિત્ર બાજુમાં બીજું કૂંડાળું બનાવીને કહે છે, જો આ મારો તબેલો છે જેમાં ગાય-ભેંસ છે. પહેલો મિત્ર કહે છે, જો જે હોં તારી ગાય-ભેંસ મારા ખેતરમાં આવીને મારા પાકને નુકસાન ન પહોંચાડે નહીંતર ભારે થશે, હું તારી પાસેથી નુકસાનીના પૈસા વસૂલ કરીશ. બીજો કહે, જા જા, તારે તારા ખેતરને સાચવવું હોય તો વાડ બનાવ, બાકી મારી ગાય-ભેંસ તો ચરવા નીકળે ત્યારે ક્યાંય પણ જાય. આવી દલીલ કરતાં-કરતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. મામલો હાથાપાઈ પર આવી ગયો. લોકો ભેગા થઈ ગયા, પોલીસ આવી ગઈ. બન્નેને પોલીસ થાણે લઈ જવાયા. થાણાના વડાએ તેમને ઝઘડાનું કારણ પૂછ્યું તો પહેલો કહે, આની ગાય-ભેંસ મારા ખેતરમાં આવીને મારા પાકને નુકસાન પહોંચાડે છે. થાણાના વડાએ કહ્યું, ચાલો, તમારા ખેતરે અને તમારા તબેલામાં જઈને જોઈએ, ક્યાં-કોણે-કઈ રીતે નુકસાન પહોંચાડ્યું છે. પ્રત્યક્ષ પુરાવા જોઈએ.
આ સાંભળી બન્ને મિત્રો ચૂપ થઈ ગયા. જમાદારે પૂછ્યું, કેમ ચૂપ થઈ ગયા? ચાલો, હમણાં જ ફેંસલો થઈ જશે. મિત્રોએ કહ્યું, અમારા ખેતર અને તબેલો તો છે જ નહીં. જમાદારે કહ્યું, અરે તો પછી આ ઝઘડો શેનો છે, આ ખેતર અને તબેલા કોનાં છે? મિત્રોએ કહ્યું, કોઈના નથી, એ તો અમે રેતી પર દોરીને લીટા કરીને બનાવતા હતા એમાં વાત આગળ વધી ગઈ. શું તમને નથી લાગતું આપણા માણસોના વિવાદ ઘણી વાર આવા જ હોય છે જેમાં વાસ્તવમાં કંઈ હોતું જ નથી, જે હોય છે એ માણસનો અહંકાર અને ઈર્ષ્યા હોય છે. મારું-તારુંનો ભ્રમ હોય છે. આ બધાં રેતી પર ચાલતાં વહાણ કહી શકાય.
મજાકમાંથી મંથન મળી શકે
આ ત્રણેય વાર્તાનો સેન્ટ્રલ મેસેજ એ જ છે કે માણસોના મોટા ભાગના વિવાદ ગેરસમજ, અહંકાર, ઈર્ષ્યા, મારું-તારુંના સ્વાર્થ આધારિત હોય છે. બીજા માણસો શું વિચારે છે કે વિચારશે એ આપણે પોતે જ કેટલું બધું વિચારી લઈએ છીએ. વિચારી લઈએ છીએ એટલું જ નહીં, એની સામે પ્રતિભાવ પણ આપી દઈએ છીએ. સપના અને કલ્પના જેવી વાતોમાં આપણે લડી પડીએ છીએ. આપણે ક્યારેક એવા મૂર્ખ બની જઈએ છીએ કે ખરેખરા મૂર્ખને પણ સવાલ થાય, મૂર્ખ કોણ છે, અમે કે આ લોકો? જેમ ગધેડાને સવાલ થાય છે, આ માણસો કેમ એકબીજાને ગધેડો અથવા ગધેડાનું બચ્ચું કહેતા હશે? માણસનું મન જ મિત્ર અને શત્રુ ઊભા કરે છે. મન જ સુખ અને દુઃખનું સર્જન કરે છે. મન જ માણસને રામ કે રાવણ જેવા બનાવે છે. વળી ક્યારેક રામ અને ક્યારેક રાવણ જેવા પણ બનાવે છે. એકેક કથા, વાત કે વાર્તામાંથી જીવનના પાઠ મળે છે, મજાક-મસ્તીમાંથી પણ મંથન થઈ શકે એવા કિસ્સા મળે છે. ચિંતામાંથી પણ ચિંતન મળે છે. આપણી પાસે દૃષ્ટિ હોય તો જીવનની સાચી દિશા મળે છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

jayesh chitalia columnists