કાઉન્ટ નૉર્મલ થાય એવી કોઈ સારવાર ખરી?

06 November, 2020 02:41 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

કાઉન્ટ નૉર્મલ થાય એવી કોઈ સારવાર ખરી?

પ્રતીકાત્મક તસવીર

સવાલ-મારી ઉંમર ૩૪ વર્ષ છે. છ વરસનો દીકરો છે ને હવે બીજા સંતાન માટે પ્રયત્ન કરીએ છીએ, પણ હવે અમારા બન્નેમાં તકલીફો થઈ છે. મારા સ્પર્મ કાઉન્ટ ઓછા છે અને મારી વાઇફને પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમની તકલીફ હોવાથી માસિક નિયમિત નથી. મારે રોજ દહિસરથી દાદર સુધી બાઇક પર જવા-આવવાનું થાય છે. ડૉક્ટરનું કહેવું છે કે બાઇક ચલાવવાથી સ્પર્મ ઘટી જાય છે. એમાંય મને શરીરમાં વારેઘડીએ ગરમી નીકળી આવે છે. ડૉક્ટરનું કહેવું છે કે વીર્યમાં હજી જો ઘટાડો થશે તો બાળક રાખવામાં પ્રૉબ્લેમ થશે. મારી વાઇફની ટ્રીટમેન્ટમાં બે-ત્રણ મહિના લાગશે ત્યાં સુધી શું કરવું? કોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એ વિના કાઉન્ટ નૉર્મલ થાય એવી કોઈ સારવાર ખરી?
જવાબ- આ તબક્કે તમારે હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાની જરૂરિયાત હોય એવું મને નથી લાગતું. જો તમારા સ્પર્મકાઉન્ટ નૉર્મલ કરતાં ઓછા હોય, પણ બૉર્ડરલાઇનથી ઉપર હોય તો કેટલીક પ્રાથમિક કાળજીથી એ સુધારી શકાય.
બાઇક ચલાવવાથી નીચેના ભાગમાં વધુ ગરમી રહે છે. બાઇકની આગળની ટૅન્ક ગરમ થતી હોવાથી ડાયરેક્ટ હીટથી ટેસ્ટિકલ્સ એક્સપોઝ થાય છે. શુક્રાણુને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે. ગરમીમાં શુક્રાણુની સંખ્યા અને મોટિલિટી બન્ને પર અસર થાય છે એવું તાજેતરના કેટલાક અભ્યાસોમાં કહેવામાં આવ્યું છે. એટલે જ બને ત્યાં સુધી એ ભાગને ગરમીના ડાયરેક્ટ ટચમાં ન રાખવામાં આવે એ જરૂરી છે. કેટલાક સર્વેમાં તો ટાઇટ જીન્સ પહેરવાને કારણે પણ શુક્રાણુ પર અસર થઈ શકે છે એવું પણ જણાઈ આવ્યુંં છે.
ધારો કે બાઇકની સીટ વધુ ગરમ થાય એવી હોય તો એના પર સૉફટ કૉટન ગાદી રાખો. જીન્સને બદલે કૉટનનું પૅન્ટ પહેરવાનું રાખો અને દિવસમાં બે વાર ઠંડાં પાણીમાં બરફ નાખીને ટબલરમાં બન્ને અંડકોષ પાંચ-સાત મિનિટ માટે બોળી રાખો. તીખો, તળેલો, મરચાં-મસાલા અને નમકીનવાળો ખોરાક ખાવાનું ટાળવું. દારૂ, સિગારેટ કે ગુટકાની આદત હોય તો તરત જ છોડી દેવી. ખોરાકમાં ગાયનું ઘી વાપરવું.

dr ravi kothari columnists sex and relationships