વાલીઓ કહે છે નો સ્કૂલ, નો ફીસ શિક્ષકો કહે છે અમારા પગારનું શું?

26 June, 2020 03:09 PM IST  |  Mumbai | Varsha Chitalia

વાલીઓ કહે છે નો સ્કૂલ, નો ફીસ શિક્ષકો કહે છે અમારા પગારનું શું?

રન્ટ્સ અને ટીચર્સના અભિપ્રાયો જાણવાનો પ્રયાસ

લૉકડાઉનના લીધે અનેક વાલીઓની કમર તૂટી ગઈ છે. આર્થિક સંકડામણના લીધે સ્કૂલ ફી ભરી શકાય એમ નથી એવી રજૂઆત સાથે તેઓ આગામી શૈક્ષણિક વર્ષની છ મહિનાની ફી માફીની માગણી કરી રહ્યા છે. તેમની દલીલ છે કે ઑનલાઇન એજ્યુકેશન માટે આટલી બધી ફીની જરૂર નથી. બીજી તરફ સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે વાલીઓ ફી ભરવામાં આનાકાની કરશે તો શિક્ષકો અને અન્ય કર્મચારીઓના વેતનને અસર થશે. આ બાબત હાલમાં બન્ને પક્ષ સામસામે આવી જતાં આખા મુદ્દાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે કેટલાક પેરન્ટ્સ અને ટીચર્સના અભિપ્રાયો જાણવાનો પ્રયાસ કરીએ

વૈશ્વિક મહામારીના કારણે આ વર્ષે સ્કૂલોમાં વહેલું વેકેશન પડી ગયું હતું અને હજી સ્કૂલ શરૂ થવાનાં કોઈ એંધાણ દેખાતાં નથી. એવામાં અનેક સ્કૂલોએ ઑનલાઇન સ્ટડી શરૂ કરી દીધો છે. શરૂઆતમાં ઑનલાઇન સ્ટડીને સપોર્ટ કરનારા પેરન્ટ્સ હવે એનો વિરોધ કરી રહ્યા છે. કારણ છે ફી સ્ટ્રક્ચર.
લૉકડાઉન હટાવતાં જ સ્કૂલ દ્વારા ફી માગવામાં આવતાં આ વિવાદ ઊભો થયો છે. કોરોનાના લીધે સર્જાયેલા આર્થિક સંકટને પહોંચી વળવા વાલીઓએ છ મહિનાની ફી માફીની રજૂઆત કરી છે. તેમની દલીલ છે કે ઑનલાઇન એજ્યુકેશન ક્યારેય ક્લાસરૂમ સ્ટડીનો પર્યાય ન બની શકે તો પછી આટલી બધી ફી કેમ ભરવાની? અનેક વાલીઓએ ‘નો સ્કૂલ નો ફી’નો નારો લગાવતા ટ્વીટ કર્યું છે. સામે પક્ષે ખાનગી સ્કૂલોના વહીવટકર્તાઓ ઢીલ મૂકવા તૈયાર નથી. તેમની દલીલ છે કે શિક્ષકોના વેતન અને મેઇન્ટેનન્સને ધ્યાનમાં રાખી પેરન્ટ્સે ફી આપવી જોઈએ. સોશ્યલ મીડિયામાં અત્યારે આ મુદ્દો હૉટ ટૉપિક બન્યો છે. આ આખો મુદ્દો ખેંચતાણને છે ત્યારે ફી સ્ટ્રક્ચરને લઈને મુંબઈના કેટલાક પેરન્ટ્સ, શિક્ષકો અને પ્રિન્સિપાલના અભિપ્રાયો જોઈએ.

ફીમાં કોઈ રાહત નથી આપી, ઇન્સ્ટૉલમેન્ટ કરી આપ્યાં : મનાલી પંડ્યા, પેરન્ટ

જુનિયર કેજીમાં સ્ટડી કરતી ફ્રેયા પંડ્યાની સ્કૂલે પહેલી જૂનથી ઑનલાઇન સ્કૂલ શરૂ કરી હતી. પંદર દિવસ પછી રાજ્ય સરકારના આદેશ અથવા અન્ય કોઈ કારણસર ટીચર દ્વારા ભણાવવાનું બંધ કરી દેવામાં આવ્યું. ફ્રેયાનાં મમ્મી મનાલી કહે છે, ‘રોજ ૪૦ મિનિટની સ્કૂલ હતી. એમાં વીસ મિનિટ ઍક્ટિવિટી તેમ જ વીસ મિનિટ સ્ટડી કરાવવામાં આવ્યો હતો. સોળમા દિવસે શું થયું ખબર નહીં પણ અમને રેકૉર્ડિંગ વિડિયો મોકલી જણાવવામાં આવ્યું કે તમે જાતે તમારાં સંતાનોને ભણાવો. સાચું કહું તો વર્કિંગ પેરન્ટ હોવાના કારણે ઑડિયો-વિઝ્યુઅલ રેકૉર્ડિંગ વિડિયોથી મને લાભ થયો છે. હવે હું ફ્રેયાને મારા અનુકૂળ સમય પ્રમાણે ભણાવી શકું છું. રેકૉર્ડિંગ વિડિયોમાં ટીચર્સની મહેનત દેખાય છે. કોઈ પણ ઉંમરના સ્ટુડન્ટ માટે લર્નિંગ હૅબિટ સ્ટૉપ ન થવી જોઈએ. છ મહિના પછી તેમને બુક લેવાનું કહેશો તો ડિફિકલ્ટ છે તેથી વર્ચ્યુઅલ સ્ટડી ચાલુ રહે એ જરૂરી છે. ફી સ્ટ્રક્ચરને લઈને પેરન્ટ્સે જે રજૂઆત કરી છે એ મુદ્દો જુદો છે. અમે શિક્ષકોની વિરુદ્ધમાં નથી. લૉકડાઉનના લીધે અનેક પેરન્ટ્સની નોકરી ચાલી ગઈ છે અથવા તેમને પૂરો પગાર મળ્યો નથી. વાલીઓ આર્થિક સંકડામણમાં હોય ત્યારે સ્કૂલ દ્વારા પૂરી ફી લેવી એ ખોટું છે. અમારી સ્કૂલે ફીમાં કોઈ રાહત આપી નથી. તેમણે વગર વ્યાજે ઇન્સ્ટૉલમેન્ટમાં ફી ભરવાનું જણાવ્યું છે. મારા મતે કોઈ પણ સ્કૂલે આ વર્ષે ટ્યુશન-ફી સિવાયની જે જુદી-જુદી ફી વસૂલવામાં આવે છે એ બિલકુલ ન લેવી જોઈએ તેમ જ ટ્યુશન-ફીમાં પણ સ્ટાન્ડર્ડ પ્રમાણે રાહત કરી આપવી જોઈએ.’

ભૂતકાળમાં અમે ફી વધારાને સપોર્ટ કર્યો છે, હવે તમે ઘટાડો : વૈશાલી શાહ, પેરન્ટ

સામાન્ય રીતે દર બે વર્ષે સ્કૂલમાં દસથી પંદર ટકાનો ફી વધારો થતો રહે છે. પોતાનાં સંતાનોના ભવિષ્ય અને અત્યાધુનિક ટેક્નૉલૉજી સાથેના એજ્યુકેશનને ધ્યાનમાં રાખી વાલીઓ વધુ ફી ચૂકવવા તૈયાર થઈ જતાં હોય છે. વર્ષોથી પેરન્ટ્સ સ્કૂલને સપોર્ટ કરતા આવ્યા છે તો એક વર્ષ મૅનેજમેન્ટ તેમને કેમ સપોર્ટ કરતું નથી? નવમા ધોરણમાં અભ્યાસ કરતી યશવી શાહનાં મમ્મી વૈશાલી કહે છે, ‘ફી વધારાને પેરન્ટ્સ હસીને આવકારે છે એવી જ રીતે ફીમાં ઘટાડાને સ્કૂલે સ્વીકારવું જોઈએ. તેઓ સપોર્ટ નથી કરી રહ્યા એટલે પેરન્ટ્સમાં રોષ છે. ટીચર્સ અને સપોર્ટિવ સ્ટાફની સૅલરી ચૂકવવાની જવાબદારી હોવાથી મૅનેજમેન્ટ ફી માગે છે એની સામે વાંધો નથી, પરંતુ પેરન્ટ્સની હાલની પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ. મારી દીકરીની ઑનલાઇન સ્કૂલ શરૂ થઈ ગઈ છે. અમારી સ્કૂલે હજી ફી સ્ટ્રક્ચર રજૂ કર્યું ન હોવાથી કહી ન શકાય. જોકે અન્ય સ્કૂલના પેરન્ટ્સ સાથે વાતચીત થતી હોય છે. ઘણા પેરન્ટ્સ તેમનાં સંતાનોને ઑનલાઇન સ્ટડીમાં જૉઇન થવા દેતા નથી. તેમનું માનવું છે કે ઑનલાઇન ભણીએ જ નહીં તો ફી આપવાથી બચી જવાશે. વાસ્તવમાં આ બાબત સ્પષ્ટતા નથી. ઑનલાઇન જૉઇન ન થયા બાદ પણ ફી ભરવી પડશે તો બન્ને બાજુ નુકસાન થવાનું છે. ફી ભરવાના ટેન્શનમાં આર્થિક રીતે નબળા વાલીઓ જીવના જોખમે બહાર નીકળી કામ પર જવા લાગ્યા છે. ક્રાઇસિસના આ સમયમાં બન્ને પક્ષે વહેલી તકે કૉમ્પ્રોમાઇઝ કરી ઉકેલ લાવવો જોઈએ. નવમા-દસમા ધોરણમાં સ્ટડીનું પ્રેશર વધુ હોવાથી ફી સ્ટ્રક્ચરમાં વીસથી ત્રીસ ટકા તેમ જ નીચેના ધોરણના વિદ્યાર્થીઓની ફીમાં ચાળીસેક ટકા જેટલો ઘટાડો થવો જોઈએ.’

વાલીઓ પૂરી ફી નહીં ભરે તો શિક્ષકોની મુશ્કેલી વધશે : જયેન્દ્ર જોશી, શિક્ષક

પાલિકાની સ્કૂલના શિક્ષકો અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા શિક્ષકોના પે સ્કેલ અને વર્ક પ્રોફાઇલમાં ખાસ્સો તફાવત છે. વાલીઓ ફી ભરે કે વાંધો ઉઠાવે, સરકારી સ્કૂલના શિક્ષકોને ઘેરબેઠાં પૂરો પગાર પહોંચી જાય છે. પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોને આવો લાભ મળતો નથી. વાલીઓ પર આક્રોશ ઠાલવતાં હિન્દી અને સંસ્કૃત જેવા વિષયો ભણાવતા સ્કૂલ શિક્ષક જયેન્દ્ર જોશી કહે છે, ‘વાલીઓને મારે એટલું જ પૂછવું છે કે લૉકડાઉનની અસર શિક્ષકોને નથી થઈ? અમારે પણ તમારી જેમ જ ઈએમઆઇ ભરવાના છે. અન્ય ખર્ચાઓ છે. મેં જોયું છે ફીના મુદ્દે ઊહાપોહ કરનારા કેટલાય વાલીઓ હાઇરાઇઝ બિલ્ડિંગમાં મહિને પંદર હજાર રૂપિયા મેઇન્ટેનન્સ ભરે છે. તેમની સોસાયટી મેઇન્ટેનન્સ નહીં આપે તો ચલાવવાની છે? તો પછી તમારાં સંતાનોના ભવિષ્યનું ઘડતર કરનારા શિક્ષકોની આજીવિકા પર અસર થાય એવું વલણ કેમ અપનાવી રહ્યા છો? મને લાગે છે કે આ આખો મુદ્દો રાજકારણ સાથે જોડાયેલો છે. વાલીઓને ઉશ્કેરવામાં આવ્યા છે. ઑનલાઇન સ્ટડીમાં બે-ત્રણ ક્લાસ ભેગા કરી ભણાવવામાં આવે છે પરિણામે અનેક શિક્ષકોએ પહેલાં જ નોકરી ગુમાવી દીધી છે. જો તમે ફી ભરવામાં વાંધાવચકા કરશો તો અમારી ઘરગૃહસ્થી કેમ ચાલશે એનો વિચાર કરજો. તમારાં સંતાનોને ટેક્નૉલૉજીના માધ્યમથી ભણાવી શકે એ માટે શિક્ષકો દિવસના પાંચ-છ કલાક મહેનત કરે છે. હાયર સ્ટાન્ડર્ડમાં ભણાવતા શિક્ષકોની વય ચાળીસની ઉપર છે. ટેક્નૉલૉજી શીખવાની તેમની ઝડપ સ્ટુડન્ટ કરતાં ધીમી છે. તેમ છતાં તેઓ ઇન્ટરનેટ પરથી મટીરિયલ ડાઉનલોડ કરી, પીપીટી બનાવી ભણાવે છે. તેઓ સમયની સાથે અપગ્રેડ થયા છે તો પૂરી ફી આપવામાં વાલીઓ આનાકાની ન કરે.’

વાલીઓ અને મૅનેજમેન્ટની ખેંચતાણમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે : ચેતના ઓઝા, સ્કૂલ પ્રિન્સિપાલ

એઇડેડ અને અન-એઇડેડ સ્કૂલના ફી સ્ટ્રક્ચરમાં આભ-જમીનનું અંતર હોય છે તેમ છતાં મોટા ભાગના વાલીઓ પોતાનાં સંતાનોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનો આગ્રહ રાખે છે. પ્રાઇવેટ સ્કૂલમાં ઍડ્મિશન લીધું ત્યારે જ આ વાતનો વાલીઓએ ખ્યાલ રાખવો જોઈએ. ફી સ્ટ્રક્ચરને લઈને જે હોબાળો થયો છે એ સંદર્ભે પોતાનો અભિપ્રાય આપતાં સ્કૂલ પ્રિન્સિપાલ ચેતના ઓઝા કહે છે, ‘અમારી સ્કૂલ એઇડેડ છે. આખા વર્ષની ફી બે હજાર રૂપિયા જેટલી છે. અમે સરકારી માર્ગદર્શિકાને અનુસરીને કામ કરીએ છીએ. એઇડેડ સ્કૂલના શિક્ષકોના વેતનની જવાબદારી સરકારની હોવાથી અસર નથી પડતી, પરંતુ અનએઇડેડ સ્કૂલના શિક્ષકો તેમ જ સપોર્ટિવ સ્ટાફની સૅલરી સ્કૂલ ફી પર નિર્ભર રહે છે. તેમની આજીવિકાને ધ્યાનમાં રાખી વાલીઓએ ઉદાર દિલ રાખવું જોઈએ. મૅનેજમેન્ટ ફી ભરવા પર ભાર મૂકી રહી છે, કારણ કે સ્કૂલ રીઓપન કરવામાં આવશે ત્યારે એને સૅનિટાઇઝ કરવી પડશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતીનાં પગલાં માટે કામ કરવામાં મેઇન્ટેનન્સ વધવાનું છે એવી સમજણ વાલીઓમાં હોવી જોઈએ. તેમ છતાં જો કોઈને ખરેખર આર્થિક સંકડામણ હોય તો તેઓ મૅનેજમેન્ટ સાથે વાત કરી ઉકેલ લાવે. મૅનેજમેન્ટે પણ ડૉક્યુમેન્ટની તપાસ કરી જરૂરિયાતમંદ વાલીઓને ફીમાં રાહત કરી આપવી જોઈએ. બીજું એ કે ઑનલાઇન એજ્યુકેશનમાં શિક્ષકો કંઈ કરાવતા નથી એવો ભ્રમ વાલીઓએ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. ટેક્નૉસૅવી બનવા તેમને ઘણી મહેનત કરવી પડે છે. હાલમાં તેઓ સ્કૂલ કરતાં વધુ કલાકો કામ કરે છે. મારું એટલું જ કહેવું છે કે મૅનેજમેન્ટ અને વાલીઓની ખેંચતાણમાં અત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એનું ધ્યાન રાખજો.’

Varsha Chitaliya columnists