સત્તા નહીં, પરંતુ સત્તાને પચાવવાની ક્ષમતા મહત્ત્વની

26 June, 2020 03:06 PM IST  |  Mumbai | Rashmin Shah

સત્તા નહીં, પરંતુ સત્તાને પચાવવાની ક્ષમતા મહત્ત્વની

સત્તા મેળવવી સહેલી છે; પણ એ જ સત્તાને પચાવીને માણસાઈ અકબંધ રાખવાનું અને લાગણીઓનું અસ્તિત્વ અકબંધ રાખવાનું કામ અઘરું છે

સાત દાયકા પછી પણ સક્સેસ શું કામ અમિતાભ બચ્ચનનો હાથ છોડવા માટે રાજી નથી? આજે પણ કેમ મહેન્દ્ર સિંહ ધોનીના નામે સામે ચાલીને બૉલ બાઉન્ડ્રી બહાર જવા તૈયાર છે? રહમાન જ શું કામ મ્યુઝિકલ ગુરુ કહેવાય અને શું કામ સાહેબ, ગુરુદત્ત અને ગુલઝાર આજે પણ પૂજનીય સ્થાન ભોગવે છે? આ અને આવા તમામ સવાલનો જવાબ એક જ છે, તેમની સૌજન્યશીલતા, મળેલી સફળતા પચાવવાની તેમની ક્ષમતા. સત્તાનું પણ એવું જ તો છેસત્તા ક્યારેય મહત્ત્વની નથી. ના, સહેજ પણ નહીં. તાકાત હોય, ક્ષમતા હોય, શક્તિ હોય, બુદ્ધિ હોય કે પછી દૃષ્ટિ. કામ કરવા માટે જરૂરી હોય એ મહત્ત્વાકાંક્ષા પણ છાતીમાં છલોછલ હોય અને એ મહત્ત્વાકાંક્ષાને મેળવવા માટે જરૂરી હોય એવું ચાતુર્ય પણ ઠાંસોઠાંસ ભર્યું હોય તો સત્તા તમને સોંપવામાં આવે એમાં કોઈ નવાઈ નથી, પણ નવાઈ ત્યારે છે જ્યારે હાથમાં આવેલી સત્તા પચાવવાની ક્ષમતા તમારામાં ભારોભાર ભરી હોય. જુઓ તમે, રતન તાતાને જોશો તો તમને સ્પષ્ટ દેખાય કે સત્તાને, પદને હાંસલ કરવાની ક્ષમતા તો તેમનામાં હતી પણ સાથોસાથ મળેલા એ પદને દિમાગ પર સ્થાન નહીં આપવાની ગુણવત્તા પણ તેમનામાં છે, છે અને છે જ. અમિતાભ બચ્ચનની જનરેશનમાં જ ધર્મેન્દ્ર પણ હતો અને શત્રુઘ્ન સિંહા પણ હતો, પણ જે સફળતા બિગ બીએ મેળવી છે એ સફળતાને જોઈને કહેવાનું મન થઈ આવે કે એ સક્સેસ અલૌકિક છે. ડિટ્ટો દંતકથા જેવી.
આ દંતકથા જેવી જ સફળતા સચિન તેન્ડુલકરે પણ ભોગવી છે અને મહેન્દ્ર સિંહ ધોનીના ખાતામાં પણ એ જ દંતકથાની સફળતા બોલે છે. મ્યુઝિક-ડિરેક્ટર રહમાન પણ આ જ ભોગવે છે અને રોહિત શેટ્ટી પણ આ જ સક્સેસની ચરમસીમા પર છે. શું મ્યુઝિક- કમ્પોઝરોનો તૂટો છે, ડિરેક્ટરો ઇન્ડસ્ટ્રીમાંથી ખૂટી ગયા છે? ના, એક શોધો હજાર ચહેરા આંખ સામે આવી જશે. ક્રિકેટરની વિરલ સિદ્ધિઓની વાત કરો તો તમને દેખાશે કે આજે પણ સેંકડો પ્લેયર એવા છે જે સચિન તેન્ડુલકર જેટલી અને કદાચ એનાથી પણ વધારે સિદ્ધિ મેળવી શકે એમ છે, પણ સફળતાની સાથોસાથ જે લોકચાહના સચિન અને ધોની ભોગવે છે એ કોઈ બીજાના ખાતામાં ઉમેરાવાની નથી.
સફળતા હોય કે પછી સત્તા, મેળવવી સહેજ પણ અઘરી નથી; પણ એને પચાવવાનું કામ અઘરું છે. સત્તા શાણપણ સાથે જ શોભે. સત્તામાં જો તાકાત હોવી અનિવાર્ય છે તો એ જ સત્તા હેતાળવી પણ હોવી જોઈએ. એમાં પ્રેમ પણ દેખાવો જોઈએ અને એમાં લાગણીનો ઓચ્છવ પણ દેખાવો જોઈએ. એવું જ સફળતાનું છે. મોરારિબાપુએ કહ્યું છે એમ, જે મળે અને સાથોસાથ વિનમ્રતા પણ લાવે એનું નામ સફળતા. સફળતાનો નાદ ન હોય, સત્તાનો નશો ન હોવો જોઈએ. સત્તાનું ગુમાન પણ ન હોવું જોઈએ અને સફળતાનો ઘમંડ ન હોવો જોઈએ. આ ગુમાન અને ઘમંડ વિનાની સત્તા અને સફળતા હોવી અઘરી છે, પણ અશક્ય નથી અને અશક્ય નથી એટલે જ એની અપેક્ષા સૌકોઈ પાસેથી રાખવામાં આવે છે. રાખવામાં આવેલી આ અપેક્ષાને પૂરી કરવાનું કામ પણ થવું જોઈએ. પછી ભલે ઑફિસ હોય, દુકાન હોય, શોરૂમ હોય કે ઘર હોય. ખાસ કરીને સત્તાની બાબતમાં આ વાત વધુ અસર કરે છે.
હાથમાં રહેલી સત્તાને લીધે જેઠાણીએ એવું ધારી લેવાની જરૂર નથી કે ઘરમાં મોડેથી આવેલી દેરાણીમાં અણઆવડત છે. આવડતની બાબતમાં તે વધારે પાવરધી હોય એવું બની શકે છે અને લાગણીની બાબતમાં પણ તે જેઠાણીથી પચાસગણી ચડિયાતી હોય એવું પણ થઈ શકે છે. ફરક માત્ર એટલો છે કે તમે પહેલાં ઘરમાં આવી ગયાં એટલે ઘરથી અને ઘરના વાતાવરણથી વધારે વાકેફ થઈ ગયાં. સસરાને પણ આ જ વાત, આ જ સ્વરૂપમાં અને આ જ રૂપમાં લાગુ પડે છે તો સાસુએ પણ મનમાં ગાંઠ બાંધીને રાખવાની જરૂર છે કે સત્તા હાથમાં હોય એનો અર્થ રૂઆબ ઠાલવવો એવો નથી. પગ જ્યારે નહીં ચાલે ત્યારે હાથમાં રહેલી સત્તા પણ કોઈ કામની નહીં રહે અને જીભ જ્યારે ધ્રૂજશે ત્યારે સત્તાધીશ હોવા છતાં પણ હુકમ કરવા માટે શબ્દો સાથ નહીં આપે. સત્તા મેળવવી અઘરી નથી સાહેબ, સત્તાને પચાવવી અઘરી છે. હાથમાં રહેલું હન્ટર ક્યાંય પણ અને કોઈની પણ પીઠ પર સોળ ઊભા કરવાને સમર્થ હોય છે પણ સોળ ક્યાં ઊભા કરવા, શું કામ કરવા અને કેટલા ઊભા કરવા એનું તારણ પણ વાજબી કારણો સાથે હાથમાં હોવું જોઈએ. સત્તા દિમાગનો ખેલ હોય છે, વિચારોની રમત હોઈ શકે છે પણ સત્તાને પચાવવાની ક્ષમતા તો દિલથી જ આવે અને એના માટે માત્ર માણસાઈ મનમાં ટકેલી રહે એ જોવાનું હોય છે. સચિન તેન્ડુલકર મહાન પ્લેયર છે, છે અને છે જ; પણ આ જ મહાન પ્લેયરે ક્યારેય કૅપ્ટન નહીં બનવું એ નક્કી રાખીને જ તેણે માત્ર ક્રિકેટર રહેવાનું પસંદ કર્યું. અમિતાભ બચ્ચન શ્રેષ્ઠ ઍક્ટર છે એવું કહેવામાં પણ સંકોચ થાય છે, પણ એ કહેવામાં જરા પણ ખચકાટ નથી કે આ માણસે ક્યારેય ડિરેક્શનની દિશા પકડવા વિશે વિચાર સુધ્ધાં નથી કર્યો. રહમાન આજે પણ ડિરેક્ટરના ઇશારે કામ કરવા તૈયાર છે, પણ અઢળક પૈસો હોવા છતાં પણ તે પ્રોડ્યુસર બનવા રાજી નથી.
શું કામ?
જવાબ એક જ હોઈ શકે કે સત્તાધીશ બનવાની તેમની કોઈ લાલસા હતી નહીં અને એ લાલસા નહોતી એટલે જ તેમને ખબર હતી કે સત્તા હાથમાં લેવી સહેલી છે, સત્તા મેળવવી સહેલી છે; પણ એ જ સત્તાને પચાવીને માણસાઈ અકબંધ રાખવાનું અને લાગણીઓનું અસ્તિત્વ અકબંધ રાખવાનું કામ અઘરું છે અને જો એવું જ હોય તો બહેતર છે કે એ અઘરું કામ આસાનીથી કરવા માટે સત્તાનો કોઈ સાથ હાથમાં ન લઈએ.

Rashmin Shah columnists ms dhoni amitabh bachchan