કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 3)

20 February, 2019 10:33 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 3)

પ્રતીકાત્મક તસવીર

સંબંધોની દુનિયા

વન મોર હિટ!

તાનિયાએ પોસ્ટ કરેલા વઘઈના વિડિયોને વધાવી લેવાયો. જોતજોતામાં એ તાનિયાનો સૌથી વધુ જોવાયેલો વિડિયો બની ગયો.

‘તારી ફિલ્મે તો મને ફેમસ કરી દીધો.’ અતીત હોંશભેર કહે છે. તાનિયાના વઘઈથી નીકળ્યાના આ આઠ-દસ દિવસમાં તેમની લગગભગ રોજ વાતો થતી, વિડિયોના કામકાજનું સ્ટેટસ અપડેટ થતું એમ મૈત્રીનાં મૂળિયાં ઊંડાં ઊતરતાં ગયેલાં.

‘મારાં મમ્મી-પપ્પા, રોમાનાં રેણુદીદી-અનુરાગ જીજુ તો ખરાં જ; વિડિયોમાં મને ભાળીને સ્કૂલ-કૉલેજકાળના મિત્રોએ મને યાદ કર્યો એ ગમ્યું.’ અત્યારે સંધ્યા વેળા તાનિયાએ રણકાવેલા ફોનમાં તેણે એનો ઇઝહાર કર્યો‍.

‘વૉટ અબાઉટ રોમા?’ તાનિયાને સૂઝ્યું, ‘શી મસ્ટ બી હૅપી ઍઝવેલ.’

વચમાં તેણે ફોન જોડ્યો’તો ત્યારે રોમા સાથે પણ વાત કરેલી - આઇ હોપ હું તમને ડિસ્ટર્બ નહીં કરતી હોઉં.

‘નૉટ ઍટ ઑલ. દિલગીર તો હું છું. હું નેટ પર બહુ ઍક્ટિવ નથી, પણ અતીતને તમારામાં શ્રદ્ધા છે એટલે સારું જ કામ કરતાં હશો એવું માની લઉં છું.’ કહીને તેણે આમંત્રણ પણ પાઠવ્યું હતું - ફરી કોઈ વાર આવી ચડો તો ગમશે...

આમાં જોકે ઔપચારિકતા વધુ હતી, પણ એમ તો અજાણ્યા સાથે તમે કેટલોક ઉમળકો દાખવી શકો? તાનિયાએ માઠું નહોતું લગાડ્યું.

અત્યારે તેણે સામેથી રોમાના રીઍક્શનનું પૂછતાં અતીતે સરળપણે કહી કીધું : રોમાને આનંદ કેમ ન હોય? પણ તે જરા રિઝર્વ નેચરની છે. પ્યાર-ખુશી ખૂલીને દર્શાવે નહીં.

‘તમે તેમનો ભાવ સમજી શકો છો એ ઘણું.’ તાનિયા વળી અતીતથી પ્રભાવિત થઈ.

‘યા... હવે એ કહે કે તારો નવો પ્રોગ્રામ, નવી થીમ શું છે?

***

રસોડામાંથી અતીતના વદન પર ફેલાતો રોમાંચ નિહાળીને રોમાએ હળવો નિ:શ્વાસ નાખ્યો.

તાનિયાના ફોને અતીત કેવા ખીલી ઊઠે છે. તેમની વાતો મને સંભળાતી નથી, મને એની દરકાર પણ નથી? નૉર્મલ કેસમાં આવું હોય ખરું? અનુરાગ દીદી સિવાય કોઈનીયે તારીફ કરે તો હું રિસાઈ જાઉં, અતીત માટે મને ફીલિંગ્સ જ નથી. તે જે કંઈ કરે-કહે મને ફરક નથી પડતો.

‘તો પછી તેને કાયમ માટે હટાવી દેવાય એમાં પણ તને શું કામ ફેર પડવો જોઈએ?’

જીજુના શબ્દો તાજા થયા. અમારી પાસે પ્રાઇવેટ નંબર છે, એના પરથી અતીત-રેણુદીદીથી છાની રોજ વાતો-ચૅટ થતી હોય છે. છેલ્લી મુલાકાતમાં જીજુએ અતીતનું પત્તું સાફ કરવાનો સુઝાવ મૂક્યો ત્યારે કંપી જવાયેલું. અતીતના ખૂનની કલ્પના જ કેટલી ભયંકર હતી! આપણે કોઈની હત્યા કરવા જેટલા નિષ્ઠુર થઈ જ કેમ શકીએ?

‘તો પછી અતીતને છેતરતાં શીખી જા.’

એ તો કેમ બને?

‘તને અતીત પ્રત્યે લાગણી નથી, તેની લાગણીથી દૂર ભાગવા માગે છે; પણ ડિવૉર્સ શક્ય નથી તો બીજો કયો વિકલ્પ રહે છે?’

વિચારવાનું નક્કી કરીને અમે છૂટા પડ્યા, પણ આટલા દિવસેય નક્કર નિર્ણય પર અવાયું નથી. રોજ જીજુ મને ટટોળે છે.

‘આટલું તો તેં તારી દીદીનો હક બોટતાં નહીં વિચાર્યું હોય!’ જીજુ હમણાંના અકળાઈ જાય છે ‘કે પછી ઊંડે-ઊંડે તને અતીત માટે કૂણી લાગણી તો નથી જાગીને? વિડિયોમાં ચમક્યો એટલે હૈયું લપસ્યું પણ હોય!’

અનુરાગના સ્વરમાં રહેલું ઈર્ષ્યાતત્વ તાણ વિસારી હરખાવી ગયું,

‘બળો મા. તન ભલે અતીત જોડે વહેંચ્યું હોય, મનથી તો હું તમારી જ છું.’

‘તો તારા વતી મને નિર્ણય લેવાનો અધિકાર પણ છે. ઇટ્સ ફાઇનલ. બે-ચાર દહાડામાં હું અતીતની એક્ઝિટનો પ્લાન ઘડી કાઢું છું.’

ત્યારે હા-ના નહોતી થઈ... અત્યારે પણ વિચારું છું તો થાય છે કે ક્યાં સુધી અવઢવમાં રહેવું? અતીતનો મારા માટેનો પ્રેમ મને ગૂંગળાવે છે. એમાં અમારો આડો સંબંધ ખુલ્લો પડી ગયો તો ખુવારી વધવાની જ. અતીતની એક્ઝિટમાં જ અમારું સુખ સચવાય એમ છે અને પોતાના સુખ માટે સ્વાર્થી કોણ નથી બનતું? સૉરી અતીત, એટલું જ કહી શકું!

અતીત પરથી નજર વાળીને રોમાએ રસોઈમાં ધ્યાન પરોવ્યું.

***

‘ડૂ યુ નો, તાનિયાનો નવો પ્રોજેક્ટ શું છે?’ રાત્રિભોજન માટે ભાણે બેસતાં અતીતે પૂછ્યું.

તાનિયા-તાનિયા! બીજી કોઈ પત્ની હોત તો અકળાઈ જાત કે આ હમણાં-હમણાંનું તમને ખરું સુરૂર ઊપડ્યું છે તાનિયાનું! પણ રોમાએ કેવળ પાંપણ સહેજ ઊંચકીને પૂછ્યું - શું?

‘સ્મશાનમાં એક રાત્રિ!’

રોમા હળવું થથરી. અમે અતીતને મારવાનું વિચારીએ છીએ ત્યાં તાનિયા સ્મશાને પણ પહોંચી ગઈ!

‘મહાશિવરાત્રિ નિમિત્તે તે સ્મશાનમાં એક રાત્રિ ગાળવા માગે છે. કહે છે કે આ રાત અઘોરીઓ માટે વિશેષ હોય છે. સોમવાર, ચોથી માર્ચની શિવરાત્રિમાં હજી પાંચ દિવસની વાર છે. એ દરમ્યાન તાનિયા સર્વે કરીને ગુજરાત-મહારાષ્ટ્રનું કોઈ એક સ્મશાન ફાઇનલ કરશે. કૅમેરા સાથે એકલી તે સ્મશાનમાં રાત્રિ ગાળશે... તાનિયાની હિંમતને દાદ દેવી ઘટે.’

‘હં...’ રોમાએ કેવળ હોંકારો પૂર્યો‍.

પળ પૂરતો અતીત પત્નીને તાકી રહ્યો. કહ્યા વિના ન રહેવાયું, ‘રોમા, કોઈ પ્રૉબ્લેમ છે?’

તે ચમકી : શું? કેમ? તમને કેમ એવું લાગ્યું?

‘આ વખતે તું અમદાવાદથી આવી ત્યારથી જોઈ રહ્યો છું કે તું ગહેરી વિમાસણમાં છે. તાનિયાએ ઉતારેલા વિડિયોમાં તને દિલચસ્પી ન હોય, પણ એને કારણે મારી તારીફ થાય એનોય ઉમળકો નહીં? દીદીએ આની પાર્ટી માગી તો પણ તેં ઠંડો જવાબ વાળ્યો : તમે આવો તો પાર્ટી.’

‘અતીત, તમને ઉજવણીની ઝંખના હોય તો...’

‘સવાલ મારી ઝંખનાનો નથી, તારી હોંશનો છે રોમા. ક્યારેક-ક્યારેક મને લાગે છે તું ખુશ નથી, કંઈક છે જેણે તને જકડી રાખી છે.’ અતીતે રોમાનો પહોંચો પસવાર્યો, ‘યુ કૅન શૅર વિથ મી. પતિ-પત્ની વચ્ચે કોઈ પડદો ન હોય.’ પછી પોતાની સમજ મુજબ ઉમેર્યું, ‘તું મારી જૉબને કારણે ગૂંગળાતી-મૂંઝાતી હોય તો કહી દે, હું જૉબ છોડવાનું પ્લાનિંગ કરું.’

બીજા સંજોગોમાં રોમા ગદ્ગદ થઈ હોત. માબાપની નારાજગી વહોરીને મેળવેલી નોકરી પણ પત્નીની ખુશી ખાતર છોડનારો જીવનસાથીને કેટલું ચાહતો હોય કે પોતાના સપના-ખ્વાહિશ પણ કુરબાન કરી શકે!

એથી જોકે અર્થ નહીં સરે. તમારે નોકરી નહીં, જીવન જ છોડીને જવાનું છે અતીત! નાઓ ઇટ્સ ફાઇનલ.

***

સ્મશાનમાં એક રાત્રિ!

અતીતનો ફોન મૂક્યા પછી તાનિયા નવા સબ્જેક્ટના હોમવર્કમાં મચી પડી.

સફળતામાં રત રહેવાને બદલે બધું બહેતર આપવાના કાર્યમાં વ્યસ્ત થઈ જવું તાનિયાને ગમતું. વિષય-પસંદગીની તાનિયામાં સૂઝ હતી. મહાશિવરાત્રિનું પર્વ ઢૂંકડું છે. એ નિમિત્તે શું થઈ શકે? વિચારતાં સ્મશાનમાં રાત ગાળવાનો વિચાર સ્ફૂર્યો. પિતાએ પીઠ થાબડી, માનો જીવ બોલી ઊઠ્યો હતો, ‘અમને તું લઈ ન જા, પણ અતીતને પૂછી જો તો?’ વઘઈના ફૉરેસ્ટ ઑફિસરને જોયા-જાણ્યા પછી ગમી ગયો હતો.

‘વાય! મા, અમારી મૈત્રીનો અર્થ એ નહીં કે તેમને મા૨ે મારા કામમાં પરોવવા. રોમાને કેવું લાગે?’

દીકરી કેવી દૂરંદેશી છે!

‘બહાદુર પણ છું. સ્મશાનમાં ભૂતપ્રેમને પણ એકલી પહોંચી વળું એવી!’

તેણે તૈયારી આરંભી. પ્રથમ તો લોકેશન ફાઇનલ કરવાનું હતું. સ્મશાન એવું હોવું જોઈએ કે નીરવ, ભયાવહ લાગે. હું જ થ્રિલ ન અનુભવું તો મારા પ્રેક્ષકોને ક્યાંથી થવાની? મુંબઈનું લોકેશન આમાં ફિટ ન બેસે. બીજાં બે-ચાર સ્થળે ફર્યા બાદ તેનું મન વલસાડની હિન્દુ સ્મશાનભૂમિ પર બેઠું.

વસ્તીથી દૂર અને નર્જિન વિસ્તારમાં નદીના કાંઠે આવેલું સ્મશાન દિવસે ભેંકાર લાગે, રાત્રે તો કાચી છાતીનો માણસ ફાટી જ પડે. અઘોરી અહીં આવે કે ન આવે, રાત અહીં ગાળવા જેવી છે! ફાઇનલ. વલસાડ સ્મશાનભૂમિ કો લૉક કિયા જાએ!

***

‘હાય દીદી...’

શનિની સવારે, મહાશિવરાત્રિના બે દિવસ અગાઉ, રોમા અમદાવાદ પહોંચી. ખરેખર તો જીજુ સાથે નક્કી થયા મુજબ પોતે આવી હતી. તેમણે અતીતની હત્યાનો પ્લાન ઘડી રાખ્યો છે. એની વિસ્તૃત છણાવટ આજે કરી લેવાની છે. દીદીને આગમન વિશે અગાઉથી કહેવાનું ટાળતી. તેમને હવે પસંદ નથી પડતું - તું આમ દસ-બાર દહાડા આવતી રહે એનો મને વાંધો ન હોય, પણ એથી અતીત ત્યાં એકલો પડી જાય એનું પણ તારે વિચારવાનુંને. તારાં સાસુ-સસરાને થાય કે વહુ અમારી તો થઈ જ નહીં!’

હવે જોકે આ બધાનો અંત આવી જવાનો. અતીત જ નહીં રહે પછી તેના માવતર સાથે મારે શું? જીજુ મને અમદાવાદમાં ઘર લઈ આપશે ને અતીતની વિધવા તરીકે હું આ જ શહેરમાં થાળે પડીશ. પછી આવું ઑડિટ નહીં થાય.

ત્યાં તેણે જીજુને હૉલમાં આવતા જોયા ને બીજા તમામ વિચાર થંભાવી દીધા!

***

જીજુ સાથે શૉપિંગ જવા નીકળેલી રોમા ખરેખર તો હોટેલની રૂમમાં પહોંચી. થોડી વારે અનુરાગ આવી પહોંચ્યો. જુદા નામે, અલગ-અલગ જઈને હોટેલમાં રૂમ રાખીને એન્જૉય કરવામાં બેઉ ઘડાઈ ગયેલાં. આજે પણ તનની ક્ષુધા ઠારીને તેમણે પ્લાન ચર્ચવા માંડ્યો.

‘મેં ઘણા વિકલ્પો વિચાર્યા, કૉન્ટ્રૅક્ટ કિલર બાબત પણ વિચારી જોયું; પરંતુ આપણા ભેદમાં ત્રીજાને સાક્ષી શું કામ રાખવો?’

રોમાએ ડોક ધુણાવી - યા!

‘આનો અર્થ એ કે અતીતની હત્યા આપણે જ કરવી પડે અને તું તેની સાથે હોય એટલે તારે કરવી પડે.’

રોમાને આમાં પણ ગલત ન ગંધાયું. અનુરાગ મને ફસાવીને પોતે સેફ રહેવા માગે છે એવો વિચાર આવે પણ કેમ? તેની યોજના જ એવી હશે કે હું ક્યાંય ફસાઉં નહીં!

‘મને કહે, અતીત ટ્રાન્સર્પોટ માટે ડિપાર્ટમેન્ટની જીપ વાપરે છે, રાઇટ?’

‘જી, તેમણે કૉલ પર જવાનું થાય એટલે એક જીપ અમારા ક્વૉર્ટર પર જ રહેતી હોય એટલે તો અમને કારની જરૂર નથી. ’

‘હં... તમારી તરફ રસ્તા ઢાળવાળા. ધરમપુર-વલસાડ જવું હોય તો ઘાટ ઊતરવો પડે અને સાપુતારા-નાશિક જવું હોય તો ઢાળ ચડવો પડે.’

‘હા...’

‘હવે ધારો કે એક રાત્રે અતીતે અચાનક જવાનું આવે, દોડી જ જવું પડે એવી સિચુએશન હોય, તે જીપમાં જ નીકળે, ફુલ સ્પીડમાં નીકળે; પણ એ જીપની બ્રેક ફેઇલ હોય તો? ’

હેં!

‘બ્રેક ફેઇલ કરવી ઝાઝી મુશ્કેલ નથી. હું તને ગાઇડન્સ આપીશ. ગૂગલ પર બધાયના વિડિયો પણ છે.’ અનુરાગે પેન ડ્રાઇવ કાઢી. ‘આમાં એ ફાઇલ્સ છે, એ પણ જોઈ લેજે. પછી તું બ્રેક કાઢવામાં પાવધરી થઈ જઈશ એટલું નક્કી.’

રોમાએ પેન ડ્રાઇવ પર્સમાં સરકાવી. આમેય અમારું ક્વૉર્ટર અંતરિયાળ છે ને અતીતના આગમન પછી કોઈ નોકરચાકર રહેતું નથી. સાંજે અતીત ફ્રેશ થવા જાય એ દરમ્યાન બ્રેક ફેઇલ કરવી આસાન રહેશે.

‘આટલું તો થાય, પણ અતીતે એ રાત્રે બહાર નીકળવાનું થાય એવી ઇમર્જન્સી સર્જા‍ય જ એની શું ગૅરન્ટી?’

‘ઇમર્જન્સી આપણે ઊભી કરવાની રોમા, એમાં નિમિત્ત બનશે પેલી તાનિયા!’

હેં.

‘બે દિવસ પછીની મહાશિવરાત્રિનું મુરત એટલે જ ફાઇનલ રાખ્યું છે. અતીત જેનો ફૅન છે એ તાનિયા એ રાત્રિ વલસાડના સ્મશાનમાં ગાળવાની એટલી આપણને-અતીતને જાણ છે. હવે ધારો કે... મધરાતે તાનિયાનો ફોન આવે કે અતીત હું મુસીબતમાં છું, હેલ્પ મી આઉટ! તો અતીત મદદના પોકારે માર-માર કરતો નીકળી જાય કે નહીં! એ જીપ લઈને, જેની બ્રેક ફેઇલ હોય. પછી ઘાટ પર અકસ્માત અને અતીતની એક્ઝિટ!’

રોમાથી ઇનકાર ન થયો. વલસાડ પહોંચતાં અતીતને સહેજે ત્રણ-ચાર કલાક થવાના એટલે કદાચ પહેલાં તો ત્યાંના કૉન્ટૅક્ટને કૉલ જોડીને તાનિયાની મદદે પહોંચવા કહે; પણ પોતે પણ ત્યારે ને ત્યારે નીકળવાના જ. એટલા તો અતીતને હું જાણું. અને ઢચુપચુ હશે તો હું જવા માટે પુશ કરીશ...

‘ધીસ લુક્સ પર્ફેક્ટ, પણ તાનિયાને એવી તે કઈ ઇમર્જન્સી આવે?’

હજીયે ન સમજી!ના ભાવ સાથે આધી ઘરવાળી જેવી સાળીને નિહાળીને અનુરાગે ફોડ પાડ્યો, ‘મધરાતે અતીત જાગતો તો નહીં હોય.... તારે જ તેને ઢંઢોળીને હાંફળાને થઈ કહેવાનું કે તાનિયાનો ફોન હતો, સ્મશાનમાં ઇમર્જન્સી આવતાં તેણે તમને મદદે બોલાવ્યા છે!’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 2)

ઓ...હ. આવું ખુદ હું કહું પછી અતીત કંઈ તાનિયાને કૉલ કરીને કન્ફર્મ નથી કરવાના. તાનિયા ફોન લઈ-કરી શકવાની કન્ડિશનમાં પણ નથી એવું કહીશ એટલે ઇમર્જન્સીની ગ્રૅવિટી પણ વધશે અને અતીતે તાનિયાને ફોન જોડવાનો પણ નહીં રહે...

‘સાઉન્ડ્સ પર્ફેક્ટ...’ રોમાએ થમ્બ અપ કર્યો.

છૂટા પડતી વેળા અનુરાગ બોલ્યો પણ ખરો - હવે તો ત્રણ દિવસ પછી અતીતને ખરખરે જ મળીશું!

રોમાએ ફિંગર્સ ક્રૉસ કરી, પણ ખરેખર શું બનવાનું હતું એની ક્યાં ખબર હતી? (ક્રમશ:)

columnists