લૉકડાઉન ખૂલે તો પણ એ માત્ર અગત્યનાં કામો માટે જ ખૂલે છે એ સમજાશેને તમને

14 May, 2020 03:47 PM IST  |  Mumbai | Manoj Joshi

લૉકડાઉન ખૂલે તો પણ એ માત્ર અગત્યનાં કામો માટે જ ખૂલે છે એ સમજાશેને તમને

પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન ખૂલે, જ્યારે પણ ખૂલે એનો અર્થ એવો નથી સમજવાનો કે કોરોના આ દેશમાંથી તિલાંજલિ લઈને નીકળી ગયો. ના, લૉકડાઉન ખૂલે ત્યારે એટલું જ માનવાનું છે કે અગત્યનાં અને અનિવાર્ય સ્તરનાં કામો કરવા માટે જ એ ખોલવામાં આવ્યું છે. ઘરનાં વડીલો અને બૈરાંઓ કે પછી બાળકોએ બહાર નીકળવાનું નથી. ત્યાં સુધી જ્યાં સુધી કોરોનાની વૅક્સિન તેમના સુધી પહોંચે નહીં અને એ પછી પણ જો નીકળવાનું બને તો એ કામ અનિવાર્ય જ હોવું જોઈએ. આટલી સમજણ વાપરવાની છે સૌકોઈએ. તમારી વાઇફે પણ આ વાત સમજવાની છે અને તમારાં મા-બાપે પણ આ બાબતમાં સમજદારી વાપરવાની છે.
લૉકડાઉન ખૂલ્યું તો ‘ચાલો હવે દીકરીના ઘરે જઈ આવીએ’ કે હવે તો ‘જમાઈને જમવા માટે બોલાવી લઈએ’ એવું ધારવું પણ અત્યારના તબક્કે પાપ છે. આ પાપ કોઈએ કરવાનું નથી. આ પાપ કરનારાઓની સજા પણ નક્કી છે કોરોના.
જો કોઈ એવું માનતું હોય કે ‘મને કશું નહીં થાય’ તો તેનું નામ તમે મૂરખાની યાદીમાં સામેલ કરી દેજો અને તેને જાણ પણ કરી દેજો. કોરોનાએ પુરવાર કરી દીધું કે એ રંગ નથી જોતો, એ દેશ નથી જોતો, એ ક્લાસ નથી જોતો કે કોરોના જાતિ નથી જોતો. એ માત્ર વળગે છે અને વળગ્યા પછી એ તન, મન અને ધનથી નુકસાની આપે છે.
જેને કોરોનાનો ડર ન લાગતો હોય કે પછી જે લૉકડાઉન પછી ઘરમાં રહેવા રાજી ન હોય તેને એક વખત કોરોનાની સારવારના પ્રાઇવેટ હૉસ્પિટલનાં બિલ દેખાડવાનું કષ્ટ તમે લેજો. લાખો રૂપિયામાં આવતા એ બિલની રકમ જો ઘરમાં પડી હોય અને એ ચૂકવવાની ક્ષમતા હોય તો અને તો જ ઘરની બહાર નીકળવાની હિંમત કરજો. આ હિંમત કરતી વખતે પણ એ વાત યાદ રાખજો કે બિલની અમાઉન્ટ માત્ર તમારા પૂરતી જ હશે તો નહીં ચાલે. પરિવારમાં જેકોઈ સભ્યો હોય તે સભ્યોને પણ તમે કોરોના આપવાના છો એટલે તમારે તેમને માટેની તૈયારી પણ રાખવાની છે અને એ બિલની અમાઉન્ટ પણ તમારા સેવિંગ્સ અકાઉન્ટમાં અકબંધ રાખવાની છે.
કોરોનાની સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલ આઠથી દસ લાખ રૂપિયા જમા કરાવે છે. આપણે આ રકમ પર કોઈ કમેન્ટ નથી કરવી, પણ આ રકમ નાની નથી એવી કમેન્ટ તો કોઈ પણ ગુજરાતી કરી શકશે. આઠથી દસ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા પછી જીવ બચવાની કોઈ ગૅરન્ટી નથી તો પછી શું કામ આવું જોખમ લેવાનું? શું કામ મહેનતની કમાણીને સારવારના નામ પર ઉડાવવાની. બહેતર છે કે ઘરમાં રહીએ અને સુરક્ષા અનુભવીએ. લૉકડાઉન પછી તમારી આજુબાજુમાં પણ જો રેડ ઝોન કે હૉટસ્પૉટ વિસ્તારનું કોઈ રહેવા આવી જાય તો પણ સાવચેત રહેવાનું છે. સાવચેત રહેવાનું વારંવાર કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે તમે ખોટી બહાદુરી ન દેખાડો. ભાગ્યમાં લાંબી આવરદા લખી હોય તો પણ એટલું યાદ રાખવાની જરૂર છે કે લાંબું આયુષ્ય પણ સામેથી આવતી ટ્રેનને પછાડી દેવાનું કામ નથી કરતું. ટ્રેનના પાટા પર જો ઊભા રહો તો ટ્રેન તમને અડફેટમાં લેવાનું જ કામ કરે અને આ કામ કોરોના પણ કરશે, જો એની સામે આવીને તમે ઊભા રહી ગયા તો.

manoj joshi columnists lockdown