લાઈફ કા ફંડાઃ એક પંખા પરની ધૂળ

17 May, 2019 01:11 PM IST  |  અમદાવાદ

લાઈફ કા ફંડાઃ એક પંખા પરની ધૂળ

ખૂબ મહેનત કરીને આગમે નવું ઘર લીધું. ઘર મોટું હતું - બે બેડરૂમ, હૉલ-કિચનનો મોટો ફ્લૅટ. એમાં હૉલ મોટો હતો અને એમાં બે પંખા હતા. એક પંખો સોફા અને ટીવી ગોઠવ્યાં હતાં એની ઉપર હતો અને બીજો થોડે દૂર.

નવા ઘરમાં બધું ગોઠવાઈ ગયું. આગમની  મહેનત રંગ લાવી હતી. જાતમહેનતે મોટું ઘર લીધું, સજાવ્યું. જે આવે તે ઘર અને ગમની મહેનતનાં વખાણ કરતું.

નવું ઘર હતું એટલે મહેમાનોની આવ-જા ચાલુ જ હતી. આગમની પત્ની રાજવી સતત ઘર સજાવવામાં, સાફ રાખવામાં અને મહેમાનોની આગતા-સ્વાગતામાં જ બિઝી હતી. તે ઘર સાફસૂથરું રાખતી. સુંદર સજાવ્યું પણ હતું. હૉલમાં જે બે પંખા હતા એમાંથી સોફા ઉપરનો પંખો દર બે દિવસે ધૂળવાળો થઈ જતો, કારણ, બધા સોફા પર બેસી ટીવી જોતા એટલે આખો દિવસ એ પંખો વધારે ચાલતો અને એના પર જ વધારે ધૂળ લાગતી અને એ ગંદો થઈ જતો.

એક દિવસ રાજવીનાં સાસુ તેમની સખીઓને લઈને આવવાનાં હતાં. બધી તૈયારી થઈ ગઈ હતી. સાસુ થોડાં વહેલાં આવ્યાં અને હૉલનો બહુ ન ચાલતો પંખો સાફ હતો અને વધુ ચાલતા પંખા પર થોડી ધૂળ હતી એ જોઈને તેઓ બોલ્યાં, ‘રાજવી, આ શું એક પંખો સાફ છે અને બીજો ધૂળવાળો, જલ્દી સાફ કર.’

રાજવીએ રસોડામાંથી આવી જાતે એ પંખો સાફ કરી દીધો.

અને પંખો સાફ કરતાં-કરતાં વિચારવા લાગી કે આ કેવી વાત છે જે જવાબદારી નિભાવે, કામ કરે, કામમાં આવે એ જ ગંદો થાય - એ જ થાકેને... પેલો થોડે દૂર રહેલો પંખો ભાગ્યે જ ચાલુ કરવામાં આવતો એથી એના પર બહુ ધૂળ જામતી નહીં. એ સાફસૂથરો, ચમકદાર જ દેખાતો... અને બધા એનાં વખાણ કરતા, જ્યારે સોફાની બરાબર ઉપરનો પંખો લગભગ આખો દિવસ ચાલુ રહેતો, કામ કરતો, ઠંડક આપતો અને ધૂળવાળો થતો તો બધા એને ગંદો કહેતા. આભાર માનવાની જગ્યાએ ઉતારી પાડતા.

આ પણ વાંચોઃ ત્રણ શબ્દો... (લાઇફ કા ફન્ડા)

આવું જીવનમાં, પરિવારમાં, ઑફિસોમાં પણ બને છે. જે વધુ દોડીને કામ કરી થાકે છે તેને ઉતારી પાડવામાં આવે છે અને જે કોઈ કામ નથી કરતું તેની વાહ-વાહ થાય છે.
હવે નક્કી કરજો કે તમે કયો પંખો છો અને શું તમે કામ કરી દોડતી કોઈક વ્યક્તિનું જીવનમાં અપમાન તો નથી કરતાને? જાતને પૂછજો.

columnists