જરૂરી નથી રાજનેતા રાજનીતિ પૂરતા સીમિત હોય

14 September, 2020 12:58 PM IST  |  Mumbai | Manoj Joshi

જરૂરી નથી રાજનેતા રાજનીતિ પૂરતા સીમિત હોય

પ્રતીકાત્મક તસવીર

બે દિવસથી રાજનેતા વિશે ચર્ચા ચાલે છે. આજે એ વાતનો અંતિમ અધ્યાય છે અને આ અંતિમ અધ્યાયમાં એ જ કહેવાનું છે કે રાજનેતા કેવા હોય?
રાજનેતા ક્યારેય કોઈ પરિસ્થિતિને મોહતાજ ન હોય, એ વાત, મુદ્દા અને પરિસ્થિતિને આધારિત હોય. રાજ જતું હોય, સત્તા હાથમાંથી છૂટી જવાની હોય કે પછી પોતાનું શાસન પણ જતું હોય તો પણ એ સચ્ચાઈનો પક્ષ જતો ન કરે. આ પ્રકારે વર્તનારા રાજનેતાને ક્યારેય પોતાની સત્તાનો દુરુપયોગ જચતો નથી. અત્યારે મને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું અને બહુ પૉપ્યુલર થયેલું એક વિધાન યાદ આવે છે...
‘હું ખાતો નથી અને ખાવા પણ દેતો નથી.’
ચોકીદારની આ જ ભૂમિકા હોય છે અને રાજનેતા ચોકીદાર જેવો હોય છે. ચોકીદાર જાણતો હોય છે કે ઘરની અંદર કેવો કીમતી સામાન પડ્યો છે. તેને એ પણ ખબર છે કે માલિક બહાર જશે પછી તેને માટે બધા દરવાજા મોકળા છે, પણ એ મોકળા દરવાજામાં તે પોતે તો અંદર જઈને તેને મળેલી સત્તાનો દુરુપયોગ નથી કરતો, પણ એ કોઈને અંદર પણ જવા નથી દેતો. જરૂર પડે તો લડીને, ઝઘડીને, મારામારી પર આવીને અને અમુક સમયે જીવ આપીને પણ અંદર પડેલા કીમતી સામાનનું જતન કરે છે. રાજનેતા પણ આ જ કરે છે. દેશની, રાજ્યની કીમતી જણસનું ધ્યાન રાખે છે અને સત્તાનો દુરુપયોગ કરીને જેકોઈ લાભ ખાટી શકાય છે એ લાભ ખાટવા નહીં દેવા માટે પણ સક્ષમ રહે છે. એને માટે તે આંખે થવા પણ તૈયાર છે, બદનામી ભોગવવામાં પણ તેનો કોઈ વિરોધ નથી અને એવું કરવા માટેનું કારણ એક જ છે કે તે કોઈ પણ ભોગે, કોઈ પણ હિસાબે સાચું કામ કરવાની બાજુમાં રહેવા માગે છે.
રાજનેતા નરેન્દ્ર મોદી જેવો હોય એવું કહેતા અનેક ફોન-કૉલ્સ મને આવી ગયા, પણ આજના દિવસે મારે કહેવું એ છે કે નરેન્દ્ર મોદી જેવી અનેક વ્યક્તિઓ આ સમાજમાં છે જે રાજકારણના ક્ષેત્રમાં નથી પણ તેની નીતિ, પ્રામાણિકતા, નિષ્ઠા અને કાર્યદક્ષતા નરેન્દ્ર મોદી જેવી જ છે. એ જુદા ક્ષેત્રમાં છે. અગાઉ સ્વામી વિવેકાનંદ અને મોરારિબાપુનો દાખલો આપ્યો હતો, એ પ્રકારે કે તેઓ ભલે પોતપોતાના ક્ષેત્રમાં રહ્યા, પણ એ બન્નેના વ્યક્તિત્વમાં રાજનેતાપણું ભારોભાર છલકાઈ રહ્યું છે. પત્રકારત્વના ક્ષેત્રથી લઈને અભિનયના ક્ષેત્રમાં અને ઉદ્યોગ ક્ષેત્રથી માંડીને સરકારી નોકરીના ક્ષેત્રમાં પણ રાજનેતા જેવી જ ગુણવત્તા ધરાવતા લોકોને સાચવી રાખવાની અને તેમને સમજવાની જવાબદારી આપણી સૌની છે. કારણ કે રાજનેતા બનતા નથી, એ જન્મે છે. રાજનેતાનું સર્જન નથી થતું, એ સર્જિત હોય છે. રાજનેતા ક્યારેય અનુભવે તૈયાર નથી થતા, એ અનુભવ સાથે આગળ વધે છે અને એના અનુભવોના આધારે નેતાઓનું ઘડતર થાય છે.

manoj joshi columnists