ખીચડી તો ખાધી જ હશે પણ દ્વારકાનાં ખીચડી અને ઓસાણ ખાધાં?

21 September, 2020 11:42 AM IST  |  Mumbai | Puja Sangani

ખીચડી તો ખાધી જ હશે પણ દ્વારકાનાં ખીચડી અને ઓસાણ ખાધાં?

ખીચડી

ખીચડીનું નામ સાંભળીને જે લોકો પહેલાં મોં મચકોડતા હતા તેઓ તો આજકાલ માત્ર અને માત્ર ખીચડી સર્વ કરતી રેસ્ટોરન્ટમાં જઈને પેટથી ગળા સુધી ધરાઈ જવાય એટલી માત્રામાં ખીચડી ઝાપટે છે. એટલે કે ખીચડીનું આધુનિકીકરણ થઈ ગયું છે અને હવે નવા જમાનાના નવા ટેસ્ટ પ્રમાણેની ખીચડી બને છે કે જે પીત્ઝારિયા, બર્ગિરિયા, નૂડલિયા અને પાસ્તાપ્રેમીઓને પણ ખૂબ વહાલી થઈ ગઈ છે. આજકાલ તો એક નહીં, બે નહીં, ત્રણ નહીં પરંતુ એકસો એકથી વધુ સ્વાદની ખીચડી બનાવતી રેસ્ટોરાંઓ ખૂલી ગઈ છે અને ધૂમ પણ મચાવે છે. અમુક જગ્યાએ તો ખીચડી સિઝલર પણ મળતાં થઈ ગયાં છે અને અમદાવાદમાં તો એક રેસ્ટોરન્ટવાળાએ ખૂમચા પર ખીચડી વેચવાનું આયોજન કર્યું છે. ખેર, આ બધી તો બહુ વાતો થઈ, પરંતુ આપણે એક એવા સ્થળની ખીચડીની વાત કરવાની છે કે તમે જો પ્રવાસે જાઓ તો ચોક્કસ ખાવા જેવી ખરી.
 તો ચાલો વધારે પડતું સસ્પેન્સ નથી કરતી. વાત કરીએ ગુજરાતના દરિયાકિનારે આવેલી શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ખાતેના ગૂગળી બ્રાહ્મણોના ઘરે બનાવવામાં આવતાં ખાસ ખીચડી અને ઓસાણની. આ ખીચડી અને ઓસાણ એક પ્રકારે દ્વારકાની ઓળખ બની ગયાં છે અને એની ખાસિયત વર્ણવવાનો અહીં પ્રયત્ન કરવો છે. જોકે ખરી મજા તો તમે ત્યાં આરોગશો તો જ અંદાજ આવશે કે દ્વારકાની ખીચડી અને ઓસાણ તમને કેવો પાનો ચડાવે છે.
 મુખ્ય ખાસિયત તો એનો ગૂગળી બ્રાહ્મણોના હાથનો કુદરતી સ્વાદ, તજ-લવિંગ અને બીજા મસાલાથી ભરપૂર ખીચડી અને એવા જ મરી-મસાલાથી ભરપૂર દક્ષિણ ભારતના રસમને પણ પાછળ પાડી દે એવું પાતળું ઓસાણ. બસ, બીજી ખીચડીથી આ બાબત જ એને અલગ તારવે છે. વાહ, શું મજા હોય છે એને ખાવાની અને પીવાની. ખીચડી અને ઓસાણ શુદ્ધ ઘીમાંથી જ બને છે અને ખીચડી કોળિયા ભરીને ખાવાની અને ઓસાણ સબડકા ભરીને પીવાની મોજ જ મોજ છે.
આ ખીચડીના મહિમા વિશે ખુદ એક ગૂગળી બ્રાહ્મણના જ મુખેથી જાણીએ. ભાવેશભાઈ ઠાકર પોતે ગૂગળી બ્રાહ્મણ છે, દ્વારકા ખાતે જ રહે છે અને છેલ્લા બે દાયકાથી રસોઇયા તરીકેનો વ્યવસાય ધરાવે છે. દૂર-દૂરથી તેમને ખીચડી અને ઓસાણ બનાવવા માટેના ઑર્ડર મળે છે. માત્ર તેમને જ નહીં, પરંતુ તેમના જેવા જેટલા પણ નિષ્ણાતો છે તેમને ખાસ બોલાવાય છે. ઘરે કોઈ પ્રસંગ હોય કે આપણે શિયાળામાં ટોઠા અને બ્રેડ, ઘુટ્ટો (એના વિશે શિયાળો જામશે ત્યારે લખીશ), ઓળો અને રોટલાની પાર્ટીઓ થાય એમ સૌરાષ્ટ્રની ઘણી જગ્યાએ ખીચડી અને ઓસાણની પાર્ટીઓ થાય અને લોકો જયાફત ઉડાવે.
ખીચડી-ઓસાણના ઇતિહાસથી લઈને ઘણીબધી રસપ્રદ વાતો જણાવતાં ભાવેશભાઈ કહે છે, ‘અમારા બાપ-દાદા આ જ કામમાં હતા અને અમે હાલમાં પણ એ જ કરીએ છીએ. અમારા સમુદાયમાં બધા લોકોને ખીચડી અને ઓસાણ બનાવતાં આવડતું જ હોય છે. એના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ વર્ષોથી ભાઈબીજ ઊજવવા માટે બનતું ભાણું છે, પણ હવે આ એટલી પૉપ્યુલર ડિશ થઈ ગઈ છે કે હવે દરેક શુભ પ્રસંગે કે સમૂહ લગ્નમાં આ બનાવડાવવામાં આવે છે. મારા ધ્યાન મુજબ તો દ્વારકામાં ૬૦ વર્ષ કે તેથી વધુ વર્ષથી આ વાનગી બને છે. દ્વારકામાં એવો કોઈ બ્રાહ્મણ પરિવાર નહીં હોય કે તેના ઘરે ભોજનમાં દર આંતરે દિવસે ખીચડી અને ઓસાણ નહીં બનતાં હોય. આ ખીચડી સામાન્ય કરતાં તીખી અને છુટ્ટી હોય છે. જાણે કે વઘારેલા ભાત. પરંતુ એની બનાવટ એ રીતની હોય છે કે વઘારેલી ખીચડી કે પુલાવ કરતાં સાવ અલગ જ તરી આવે છે. આખા મસાલા અને આદું-મરચાંનો ભૂરપૂર ઉપયોગ થતો હોવાથી તીખી હોય છે.’
આ શુદ્ધ દેશી, સુપાચ્ય, પૌષ્ટિક અને ગુણકારી વાનગી હવે ધીરે-ધીરે બ્રાહ્મણઓના ઘરેથી કાઠિયાવાડી ઢાબાંઓમાં, રેસ્ટોરાંઓમાં અને હવે સ્ટાર કક્ષાની હોટલ્સ અને રિસૉર્ટ્સના રસોડે બનતી થઈ ગઈ છે.


દ્વારકામાં માત્ર શ્રીકૃષ્ણ મંદિર ઉપરાંત ખૂબ સારાં જોવાલાયક સ્થળો છે. દ્વારકાનો શિવરાજપુર બીચ કે જ્યાં વાદળી કાચ જેવું પાણી હોય છે અને તમને દરિયાઈ જીવો બેટ ઉપરથી જ દેખાય છે, કાચબાઓનું સંગ્રહાલય, મહિલાઓ દ્વારા ખાસ પ્રકારના ભરતકામથી બનેલા પોશાક ઉપરાંત ત્યાં એટલાં સુંદર હેરિટેજ તેમ જ કુદરતી સ્થળો આવેલાં છે કે લોકો અહીં હવે ડેસ્ટિનેશન વેડિંગ અને પ્રીમૅરેજ શૂટિંગ માટે દૂર-દૂરથી આવે છે. ત્યારે બહારના મહેમાનોને દ્વારકાની સાચી ઓળખથી પરિચિત કરાવવા માટે ‘દિવ્ય દ્વારકા ફાઉન્ડેશન’ નામનું એક સંગઠન સ્થાનિક સ્ટાર હોટેલ્સ અને રિસૉર્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સંસ્થાના અગ્રણી અને શીતલભાઈ બથિયા મૂળ દ્વારકાના છે પરંતુ રાજકોટ સ્થાયી થયા છે. તે કહે છે, ‘જ્યારે મારા રિસૉર્ટમાં ભોજન સમાંરભ હોય ત્યારે મેનુમાં ખીચડી અને ઓસાણ બનાવવાનો ખાસ આગ્રહ રાખું છું અને તેમને એનો પરિચય આપીને આરોગવા માટે આગ્રહ કરું છું.
બીજા રેસ્ટોરન્ટ માલિકોને પણ આગ્રહ કરું છું કે તેઓ બનાવે અને મહેમાનોને પરિચય આપે જેથી આ વાનગી વધુને વધુ પ્રસિદ્ધ થાય. આ આપણી એક સંસ્કૃતિનો ભાગ છે. હું ભલે રાજકોટ સ્થાયી થયો પરંતુ મારી અવરજવર અહીં ચાલુ જ હોય છે ને મારે ગુજરાત અને ભારત જ નહીં પરંતુ આખી દુનિયાના લોકોને દ્વારકાનો પરિચય કરાવીને એનું ગૌરવ વધારવું છે.’
હવે તો તમે દ્વારકા જાઓ ત્યારે એના એકસો કિલોમીટર પહેલાંથી હાઇવે ઢાબાં અને રેસ્ટોરાંમાં દ્વારકાની સ્પેશ્યલ ખીચડી અને ઓસાણનાં બોર્ડ લાગેલાં હોય છે એ ખાવાનું ભૂલતા નહીં.  બાકી ખાઈપીને કરો મોજ. આવતા સપ્તાહે નવી વાનગી સાથે મળીશું.

ઓસાણની ખાસિયત
ઓસાણ વિશે શીતલભાઈ કહે છે, ‘ઓસાણ એટલે દાળનું ઓસામણ નહીં કે જે આપણે પૂરણપોળી સાથે ખાતા હોઈએ છીએ. આને ઓસામણ નહીં પણ ઓસાણ કહેવામાં આવે છે. આ ઓસાણ કઢી કહો કે સાઉથ ઇન્ડિયાનો રસમ કહો એની સાથે મળતું આવે છે, પણ સ્વાદમાં તદ્દન અલગ છે. રસમ અને કઢી ખાટાં હોય છે જ્યારે ઓસાણ તીખું હોય છે. ઓસાણનો ટેસ્ટ એમાં વપરાતા આખા મસાલાઓથી આવે છે. આ એક વઘારેલું પાણી છે. ઘીમાં તજ, લવિંગ, તમાલપત્ર, સૂકાં લાલ મરચાં, જીરું જેવા આખા મસાલાને શેકીને ટમેટા સાથે વઘારાય છે. પછી એમાં પાણી ઉમેરી, હળદર, મીઠું, આદુંમરચાં, ચણાનો લોટ ઉમેરાય છે. મીઠાશ માટે થોડો ગોળ નાખીને ઉકાળાય છે. બસ, તૈયાર અને ખીચડી સાથે પીરસાય છે.’ 

દ્વારકામાં એવો કોઈ બ્રાહ્મણ પરિવાર નહીં હોય કે તેના ઘરે ભોજનમાં દર આંતરે દિવસે ખીચડી અને ઓસાણ નહીં બનતાં હોય. આ ખીચડી સામાન્ય કરતાં તીખી અને છુટ્ટી હોય છે. જાણે કે વઘારેલા ભાત. પરંતુ એની બનાવટ એ રીતની હોય છે કે વઘારેલી ખીચડી કે પુલાવ કરતાં સાવ અલગ જ તરી આવે છે. આખા મસાલા અને આદું-મરચાંનો ભૂરપૂર ઉપયોગ થતો હોવાથી તીખી હોય છે.
- ભાવેશ ઠાકર, દ્વારકાના ગૂગળી બ્રાહ્મણ

Gujarati food indian food columnists