જેમની કલમ 100 વર્ષે પણ ધારદાર રહી તેવા નગીનદાસ સંઘવીનું નિધન

12 July, 2020 08:46 PM IST  |  Mumbai

જેમની કલમ 100 વર્ષે પણ ધારદાર રહી તેવા નગીનદાસ સંઘવીનું નિધન

નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી, એક એવું નામ જે ગુજરાતી ભાષામાં થતા રાજકીય લખાણોની તલવાર સમું રહ્યું તે હવે આકાશમાં ઝળકી રહ્યું છે. માત્ર ગુજરાતનાં જ નહીં પણ રાષ્ટ્રનું જાણીતું નામ તેવા નગીનદાસ સંઘવીનું આજે સુરત ખાતે નિધન થયું છે. છેલ્લા ચાર દિવસથી તેમને ખાંસીની સમસ્યા હતી. તેઓ ૧૦૧ વર્ષનાં હતા અને તેમના વિષે તો રવિશ કુમારે પણ લખ્યું હતું. નગીનદાસ સંઘવી જેટલા પડછંદ કદમાં હતા તેટલા હ્રદય અને જ્ઞાનમાં પણ ઉંચા હતા. તેમને નગીન બાપાના હુલામણા નામથી લોકો સંબોધતા અને ચિત્રલેખા, ગુજરાત મિત્ર, દિવ્યભાસ્કર જેવા પ્રકાશનોમાં તે નિયમિત પણ લખતા. 1920માં 10મી માર્ચે ભાવનગરમાં જન્મેલા નગીનદાસ સંઘવીનું ભણતર પણ ત્યાં જ થયું અને તેમણે પૉલિટીકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો અને મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ રાજકીય સમીક્ષાને મામલે જે સ્પષ્ટતાથી વાત કરી શકતા તેટલી સ્પષ્ટતા આજકાલનાં કટાર લેખકોમાં ભાગ્યે જ જોવા મળે છે. 1962થી તેમણે કટાર લેખન શરૂ કર્યું અને આ હજી ગયા સપ્તાહ સુધી પણ ચાલુ હતું. તેમણે મોરારી બાપુ સાથે સંકળાઇને પણ કામ કર્યું તથા ગીતા, રાજકારણ, નરેન્દ્ર મોદી સહિત સંકુલ વિષયો પર પુસ્તકો લખ્યાં છે જે વાચકોમાં ખુબ જ પ્રચલિત છે. ગુજરાતી પત્રકારત્વમાં નગીનદાસ સંઘવી પોતે જ એક સંસ્થા હતા, તેમના જવાથી ખાલી પડેલી જગ્યાઓ પુરવી મુશ્કેલ નહીં પણ અશક્ય છે તેમ કહેવામાં કોઇ પણ અતિશયોક્તિ નથી.

નગીનદાસ સંઘવીના નિધનનું દુ:ખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ થયું છે. આ બાબતે તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, 'નગીનદાસ સંઘવી ના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ'

gujarat columnists