વડોદરાની પાંચ વાની

15 June, 2020 10:11 PM IST  |  Mumbai | Puja Sangani

વડોદરાની પાંચ વાની

ભજીયા ઉસળ

રિષ્નાનું ભજિયા-ઉસળ અને ચટાકો

વડોદરામાં નાસ્તા માટે ક્રિષ્ના રેસ્ટોરાં એક જાણીતી જગ્યા છે અને ત્યાંનું ભજિયા-ઉસળ બહુ વખણાય છે. હાલ આ રેસ્ટોરાં ચલાવતા ૨૭ વર્ષના યુવાન પ્રિયાંક રાજેશભાઈ શાહના દાદા શાંતિલાલ શાહે ૧૯૫૬માં એ શરૂ કરી હતી. તેમની પહેલી શાખા જે મદનઝાંપા રોડ, હનુમાન ચકલા, નયન મંદિરની બાજુમાં હતી અને હવે તેમણે બીજી શાખા સિલ્વર હાઉસ, જીઈબી સ્કૂલની સામે, અકોટા ડી માર્ટ રોડ પાસે ખોલી છે. ક્રિષ્ના રેસ્ટોરાં આમ ગુજરાતી નાસ્તાઓ અને કોલ્ડ-ડ્રિન્ક્સ પીરસતી રેસ્ટોરાં છે. અહીં ભજિયા-ઉસળ ખૂબ પ્રખ્યાત છે. પ્રિયંકભાઈ કહે છે કે ‘૧૯૬૦માં તેમના દાદાએ આ વાનગીની શરૂઆત કરી હતી અને આજદિન સુધી લાગલગાટ એકધારો સ્વાદ હોવાથી લોકોમાં પ્રિય છે. જો તમારે ભજિયા-ઉસળ, ચટાકો એટલે કે પાતરા અને બટાટાને તીખી છાશ નાખીને બનાવેલી વાનગી છે એ ખાવી હોય તો આ રેસ્ટોરાંની મુલાકાત લેવી પડે. એની જલેબી પણ ખૂબ જ વખણાય છે. વડોદરાના લોકો આ રેસ્ટોરાંને ભજિયા- ઉસળ, ચટાકો (પાતરાની વાનગી) અને જલેબીના નામે ઓળખે છે. દાળવડા  જેવાં ભજિયાંની અંદર ઉસળનો રસો નાખીને જે પીરસાય છે ત્યારે જાણે સ્વાદનો વિસ્ફોટ થાય છે. આ રેસ્ટોરાંની સફળતાનો રાઝ છેલ્લાં ૫૦ વર્ષથી ભજિયા-ઉસળમાં વપરાતા મસાલા જાતે જ બનાવવામાં આવે છે એ છે. લોકોને આ રેસ્ટોરાંનો સ્વાદ અનોખો અને નિરાળો લાગે છે.

મનમોહન સમોસા
કહી શકાય છે કે છેલ્લાં ૨૬ વર્ષથી એક નાનકડી દુકાન જે બરોડિયનના હૃદયમાં રાજ કરે છે એ કોઈ હોય તો એ છે મનમોહનના સમોસા. મનમોહનના સમોસા વડોદરાના કોઠી ચાર રસ્તા પાસે રાવપુરા વિસ્તારમાં આવેલી છે. આ સમોસાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ગરમ-ગરમ સમોસાં જે ખજૂર અને ગોળની ચટણી સાથે મસાલા ડુંગળી છાંટી પીરસાય છે એ ખાઈને દિલ તૃપ્ત થઈ જાય છે. વળી અહીંનાં સમોસાંની સાઇઝની વાત કરું તો એ ખૂબ મોટાં હોય છે. બે સમોસાની સાઇઝનું એક એવું  સમોસું અહીં મળે છે. બટાકા અને વટાણાનો ચટાકેદાર માવો દિવસ દરમિયાન તાજો જ બનાવામાં આવે છે. આખો દિવસ અહીં સતત ગરમાગરમ સમોસાં તળાતાં જ હોય છે એટલે તમે ગમે ત્યારે જાઓ ત્યારે તાજાં અને સ્વાદિષ્ટ સમોસાં ખાવા મળે. મનમોહન સમોસાની ત્રણ ફ્રૅન્ચાઇઝી અને બે બીજી પોતાની દુકાનો એમ કુલ 5 શાખા છે. સવારના ૮.૩૦થી રાતના૮.૩૦ સુધી તેઓ સ્વાદરસિયાને ખેંચી લાવે છે. સમોસાની સાથે એનાં દાળવડાં પણ બહુ જ  ટેસ્ટી હોય છે. તમે માગો તો સમોસાની સાથે લટકામાં એક દાળવડું પણ મળે.

અલ્લારખાના સેવ-મમરા
અલ્લારખા સેવ-મમરાની દુકાન ગુજરાત પબ્લિક સ્કૂલ સામે, છાણી ટોલનાકા પાસે આવેલી છે. આ દુકાન અલ્લારખા નામની વ્યક્તિએ ૬૦ વર્ષ પહેલાં ચાલુ કરી હતી. આ દુકાન ગાયકવાડના જમાનાથી છે. આજે તેમના દીકરા આ દુકાન ચલાવે છે. ૨૪ કલાક આ દુકાન ખુલ્લી રહે છે, જેથી અલ્લારખાના સેવ-મમરા યુવાનો માટે નાઇટઆઉટની જગ્યા બની ગઈ છે. દુકાનની ખાસિયત એ છે કે તેઓ રેગ્યુલર મમરાથી અલગ વિશિષ્ટ પ્રકારના મમરા રાજકોટથી લાવે છે અને સેવ અને અન્ય મસાલા પોતે જ બનાવે છે. અહીં બે પ્રકારના મમરા મળે છે. કોરા સેવ-મમરા અને મસાલાવાળા તીખા સેવ-મમરા. બીજું, લોકોને આ મમરા એટલે પ્રિય છે, કારણ કે અહીં બાફેલાં અને વાઘરેલાં મરચાં અને મસાલા ડુંગળી કોરા સેવ-મમરા અને તીખા સેવ-મમરા સાથે પીરસવામાં આવે છે. ડિશમાં તૈયાર કરીને મમરા આપે ત્યારે એનો અદ્ભુત સ્વાદ આવે છે. માત્ર મમરા પીરસતી આવી અનોખી દુકાન આખા ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે. અલ્લારખાનું જોઈને હવે અનેક જગ્યાએ આવા મમરા મળતા થયા છે.

કચોરીનો રાજા ભેળ-કચોરી
મંગળ બજારની ગીચ ગલીમાં એક જગ્યાએ જ્યાં તમામ લોકો વિરામ લે છે એ છે પ્યારેલાલ કચોરીવાલા. પ્યારેલાલની કચોરી વડોદરા શહેરમાં એની સ્વાદિષ્ટ કચોરીઓ માટે પ્રખ્યાત ફૂડ સ્પૉટ ગણાય છે. દુકાન મંગળ બજારના મુનશીના ખાંચા પાસે આવેલી છે. આ દુકાન ૫૦ વર્ષથી વધુ જૂની છે. છેલ્લા બેથી વધુ દાયકાથી ચાલી રહી છે અને વડોદરાના સ્વાદપ્રેમીઓનું હૉટસ્પૉટ છે. આ દુકાનના માલિક પુરુષોત્તમભાઈએ આ સરસ મજાની કચોરીઓ વડોદરામાં બનાવવાનું કામ શરૂ કર્યું. આખા ગુજરાતમાં આ સ્વાદની કચોરી આજે પણ ક્યાંય જોવા મળતી નથી. બીજા નાસ્તા ગુજરાતમાં બીજાં શહેરોમાં મળતા હશે પરંતુ ભેળ-કચોરી ખાવા તો વડોદરા જ આવવું પડે.
વડોદરાની પ્યારેલાલની ભેળ-કચોરી કચોરીઓના રાજા તરીકે ઓળખાય છે. એક મોટી સાઇઝની કચોરીમાં ભેળ ભરીને પીરસાય છે. એક સમયે હું વડોદરા રહેતી ત્યારે મારો મનપસંદ નાસ્તો હતો અને અવારનવાર અહીં નાસ્તો કરવા ફ્રેન્ડ્સની સાથે દોડી આવતી. વર્ષો પછી પણ ભેળ-કચોરીનો દબદબો વડોદરામાં એટલો જ છે. આ કચોરી લોકો મોજથી ખાય છે. મેંદાના લોટમાં મીઠું અને તેલનું મોણ ઉમેરી નવશેકા પાણીથી લોટ બાંધી મોટી કચોરી વાળીને ગરમ તેલમાં તળવામાં આવે છે અને તૈયાર થાય છે જમ્બો સાઇઝની પાતળી કચોરી. સમજી લો કે ખસ્તા કચોરીથી મોટી સાઇઝની પાણીપૂરીની પૂરી છે. એની અંદર ચટણીઓ, સેવમમરા અને ભેળમાં પડતી તમામ સામગ્રીઓ નાખીને તૈયાર કરાય છે. ઉપર લીલી કોથમીર મરચાની ચટણી, કાંદા અને ઝીણી સેવ નાખીને પીરસવામાં આવે છે. આ કચોરી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે જેનું મુખ્ય સ્વાદનું કારણ તેમના મસાલા અને ચટણીઓ છે. અહીં અલગ-અલગ પ્રકારની કચોરી વખણાય છે જેમ કે ભેળ-કચોરી, બુંદી-કચોરી, બટાટા-કચોરી, જૈન કચોરી વગેરે. સવારના નવથી રાત્રે સાડાદસ સુધી આ દુકાન લોકોને સ્વાદસભર વાનગી પીરસે છે. અહીં માત્ર બે મિનિટમાં જ કચોરી બનાવીને ફટાફટ પીરસાય છે અને એક કચોરી ખાઓ એટલે તમારું મન તૃપ્ત થાય અને પેટ ભરાઈ જાય. પ્યારેલાલ કચોરીવાળાના અનેક ડુપ્લિકેટ પણ છે, પરંતુ ગમે ત્યાં ખાઓ આ કચોરી ખાવાની મોજ જ મોજ છે. 

ચોખંડીનું ટમટમ ચવાણું 
ગાયકવાડના યુગમાં વડોદરા શહેરનાં ચાર પ્રવેશદ્વાર હતાં. આજે આ વિસ્તાર ‘ચોખંડી’ તરીકે ઓળખાય છે. એ સમયે લેફ્ટનન્ટ શ્રીરામ દુર્ગાપ્રસાદ ગુપ્તા અને તેમના પુત્ર હરીશભાઈ શ્રીરામ ગુપ્તા સાથે મળીને જેમણે ફરસાણનો ધંધો શરૂ કર્યો હતો એ આજે ચોખંડીનું ટમટમ (ચવાણું) તરીકે ઓળખાય છે. આ દુકાનની સ્થાપના તેમણે ૧૯૪૭માં કરી અને નાના રસ્તાની એક તરફ ખાણીપીણીની શરૂઆત કરી હતી. ચવાણાની અંદર કાચી કેરી, દ્રાક્ષ, લીંબુ, ડુંગળી, દાડમ અને બીજા સૅલડ નાખીને ખાસ પ્રકારનો મસાલો છાંટીને પીરસવામાં આવે છે. એવી મજા આવે છે ખાવાની કે નાસ્તો નહીં પરંતુ જમી જ લઈએ એવું મન થાય.

અમિતનગરમાં ‘નવા શ્રીરામ ટમટમવાળા’માં પણ આ મસ્ત મજાનું ટમટમ મળે છે
આ દુકાન હરીશ ગુપ્તા અને અમિતા ગુપ્તા દ્વારા  ચલાવવામાં આવે છે. એની ખાસિયત એ છે કે તેમણે બનાવેલું ચવાણું તો મસ્ત મજેદાર હોય છે, પરંતુ તમે તમારો પસંદગીનો સ્વાદ કહો એટલે એ પ્રમાણે પણ તૈયાર કરી આપે અને મોજથી ખાઈ શકો. પૅકિંગમાં પણ તમે આ ચવાણું લઈ જઈ શકો છો, પરંતુ મારી ભલામણ છે કે તેમણે દુકાનમાં તૈયાર કરેલું ટમટમ ખાઓ તો વધુ મોજ આવશે.

Gujarati food indian food vadodara columnists