કોરોનાને ક્રાઇમ તરીકે ન જુઓ, કોરોના પ્રત્યે કરુણા દર્શાવો

18 June, 2020 10:38 AM IST  |  Mumbai | Jayesh Chitalia

કોરોનાને ક્રાઇમ તરીકે ન જુઓ, કોરોના પ્રત્યે કરુણા દર્શાવો

કોરોનાના દરદી પ્રત્યે અછૂત ભાવથી ન જુઓ. તેમની સાથે સોશ્યલ ડિસ્ટન્સ ભલે રાખો, પરંતુ ઇમોશનલ ડિસ્ટન્સ ન રાખો. સમાજે તેમને સાચવી લેવાનો સમય છે.

યાદ રહે કે કોરોના એ કાંઈ ક્રાઇમ નથી. કોરોનાના દરદી પ્રત્યે અછૂત ભાવથી ન જુઓ. તેમની સાથે સોશ્યલ ડિસ્ટન્સ ભલે રાખો, પરંતુ ઇમોશનલ ડિસ્ટન્સ ન રાખો. સમાજે તેમને સાચવી લેવાનો સમય છે. આ માત્ર એક રોગ છે અને એનો ઇલાજ પણ છે. એનો અને એના દરદીનો સહજતાથી સ્વીકાર કરો. કોરોના સામે કરુણા જરૂરી છે.
તમને તાવ ભલે નથી, પણ તમારી છાતીમાં કફ લાગે છે, છાતીનો એક્સ-રે કહે છે, એમાં કન્જેશન છે. આ સંજોગોમાં કોવિડ-ટેસ્ટ કરાવી લેવી સારી. મારા મિત્રના ફૅમિલી ડૉક્ટરે આમ કહ્યું ત્યારે એ જ સમયથી મિત્ર માઇન્ડથી પ્રીપેર થવા લાગ્યો હતો. અત્યાર સુધીમાં તેણે કેટલાક કિસ્સા સાંભળયા-વાંચ્યા હતા કે જોયા હતા. જોકે આ વખતે કિસ્સો પોતાની જાત સાથે હતો એથી તેને થોડો ભય હતો ખરો, પરંતુ ભય કરતાં વધુ અનિશ્રિતતા હતી. કોવિડ-ટેસ્ટ કરાવવાની નોબત આવી કે મનમાં અનેક સવાલ ઊભા થવા લાગ્યા; શું નીકળશે? પૉઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ હશે તો ચિંતા નહી, પણ પૉઝિટિવ આવ્યું તો, દવા-ઇલાજ બધું કરવું પડશે. ક્યાં રાખશે? કેવી રીતે રાખશે? હૉસ્પિટલમાં કે ઘરમાં? રોજ શું કરવું પડશે? ક્યાં સુધીમાં સારું થશે એવા વિવિધ સવાલ મનમાં ફરતા થઈ ગયા હતા. સૌથી મોટો સવાલ તેને એ થયો કે હું તો ક્યાંય કરતા ક્યાંય બહાર પણ ગયો નહોતો. મારી સોસાયટીમાં તો હું નીચે પણ નહોતો ઊતર્યો, તો પણ મને? અલબત્ત, આ બહાર ન નીકળવું સારું, પણ તેને કારણે તમને કંઈ જ નહીં થાય એની કોઇ ખાતરી નહીં.
કોવિડ-19 એક રોગ છે, જેમ અન્ય રોગ હોય છે, પણ કોવિડે વિશ્વવ્યાપી બનતાં અને એના ચેપનો વ્યાપ પૂરઝડપે વધતો રહેતાં તેમ જ એને ઓળખવાનું ખૂબ કઠિન બનતાં આ રોગ કરતાં તએનો હાઉ કે એના વિશેનો ભય, શંકા-કુશંકા ખૂબ વધતાં રહ્યાં છે. આ રોગની સૌથી મોટી બૂરી બાજુ એ કે એમાં દરદીને ચેપના ભયથી જાણે અછૂત કરી દેવામાં આવે. તેની પાસે નહીં જવાનું, માસ્ક, હાથ-મોજાં પહેરી રાખવાનાં, ઉધરસ ખાતી વખતે ધ્યાન રાખવાનું. સતત ગરમ પાણી પીતા રહેવાનું, કોગળા કરતા રહેવાનું, હળદરનું પાણી પીતા રહેવાનું, કાઢો પીતા રહેવાનું, અનેક જાતના આ ઘરગથ્થુ ઉપાયની સાથે-સાથે ઍલોપથી દવા તો લેવાની જ. આમ કરવાથી ઉપાય પણ થાય જ છે. લોકો સારા થઈ જાય છે.
સ્વજનો-મિત્રોનો સમૃદ્ધ સાથ
આપણી ભારતીય પરંપરા રહી છે કે કોઈ સ્વજન, પ્રિયજન કે પરિચિત વ્યક્તિ બીમાર પડે તો આપણે આપણાં બધાં કામ એક વખત પડતાં મૂકી તેને સહાયરૂપ થવા તૈયાર થઈ જઈએ. ખડેપગે રહીએ છીએ, કંઈ કામ હોય તો અડધી રાતે પણ કહેજો એવું વારંવાર કહીએ છીએ. જ્યારે કોરોનાએ આ પરંપરા તોડી નખાવી. અહીં તો દિનદહાડે પણ તમારી માંદગીની ખબર પૂછવા કોઈ તૈયાર નથી, જે પૂછે એ વૉટ્સઍપ પર અથવા બહુ-બહુ તો ફોન પર. પાસે આવવા કે ડૉક્ટર પાસે લઈ જવા સાથે આવવું હોય તો કોઈ મિત્ર સાથે આવવા ભાગ્યે જ તૈયાર થાય. અલબત્ત, મિત્રોમાં કાયમ અપવાદ હોય છે, મારો મિત્ર તેનો અનુભવ કહે છે કે ‘હું તો આ બાબતમાં બહુ ધનવાન રહ્યો છું. મારા મિત્રો દરરોજ અને સતત ફોન કરતા રહ્યા,
હિંમત-હોંસલો આપતા રહ્યા. એટલી સહજતાથી વાત કરતા જાણે મારું દર્દ તેમનું પોતાનું હોય. દૂર હતા છતાં સાવ જ સાથે લાગતા હતા. અડધો ઇલાજ તો મારો આમાં જ થઈ જતો હતો. કોરોનાનો દરદી હોય કે એની પીડામાંથી પસાર થતી દરેક વ્યક્તિ પાસે આવો મિત્રોનો ખજાનો હોવો જોઈએ. મારા અમુક મિત્રોએ તો કહ્યું કે તું મને જ્યાં પણ જવાનું હોય ત્યાં બોલાવી લેજે. જોકે નજીકમાં રહેતા તેના બન્ને મોટા ભાઈ સતત ખડેપગે હતા. આ જ ખરો સમય ગણાય, જ્યારે દુનિયા દૂર થઈ જાય, પરંતુ સ્વજનો અને મિત્રો સતત સાથે રહે છે. હાઉસિંગ સોસાયટીના સભ્યોએ પણ સતત સહયોગનો સાદ આપ્યો.
કોરોનાને ક્રાઇમ તરીકે ન જુઓ
કોરોનાની પ્રોસેસમાંથી પસાર થતી વખતે ઘણા કિસ્સામાં તો એવું પણ સાંભળવા-જાણવા મળતું રહ્યું કે કોરોનાના કેટલા કિસ્સા બતાવવા, કેટલી ટેસ્ટ કરાવવી, કેટલા ઉપાય થઈ ગયા બતાવવાના વગેરે બાબતે પણ કંઈક અંશે રાજકારણ ચાલતું રહેતું હતું. મુંબઈમાં વધુ કિસ્સા ન દેખાય કે મહારાષ્ટ્રમાં એકંદર સંખ્યા ઓછી રહે એ પણ લક્ષ્ય રખાતું હતું. અમુક દિવસો સુધી તો આ મેડિકલ કેસ ડૉક્ટરો કરતાં મ્યુનિસિપલ અધિકારીઓ અને હવાલદારો નક્કી કરતા હતા. સમગ્ર તંત્રમાં કેટલાય સમય સુધી અસ્તવ્યસ્ત ચાલતું રહ્યું હતું. ત્રણ-ત્રણ મહિના બાદ પણ કેટલી બાબતોમાં સ્પષ્ટતાનો અભાવ હતો. કોવિડ સિવાય જાણે અન્ય કોઈ બીમારી જ ન હોય એમ અન્ય માંદગીવાળા સૌથી વધુ સહન કરી રહ્યા હતા. તેમને ડૉક્ટરો મળતા નહોતા અથવા હૉસ્પિટલવાળા તેમને લેવા તૈયાર નહોતા. એમાં પણ વૃદ્ધોની દશા વધુ કફોડી થઈ ગયેલી જોવા મળી. કોવિડ જાણે કોઈ રોગ ન હોય બલકે ક્રાઇમ હોય એમ આજે ત્રણ મહિના પછી પણ એની સામે જોવામાં આવી રહ્યું છે. હાઉસિંગ સોસાયટીમાં કોઈ કોવિડ કેસ ઊભો થાય તો એની સામે લોકો અલગ નજરથી જોવા માંડે છે, એટલું જ નહીં, તેના પરિવારજનો પણ જાણે અછૂત બની જતા હતા. માણસાઈ, સહાનુભૂતિ, દયા, કરુણા જાણે ક્યાંક ખોવાઈ ગયા હોય એવું જોવા મળતું હતું. ક્યાંક વળી સુખદ અને સારા અનુભવ પણ જોવા મળે.
કોરોના કરતાં પણ વધુ દર્દ
આપણે વાતો મોટી-મોટી કરી કે જાન હૈ તો જહાન હૈ, લોકોની જાન બચાવવા સરકારે કડકમાં કડક લૉકડાઉનનું પાલન પણ કરાવ્યું છતાં કેટલાય લોકો કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાનાની જેમ બધાની ઉપેક્ષા કરતા રહ્યા. ખેર, એ એક જુદી વાત છે, પરંતુ કરુણ વાસ્તવિકતા એ છે કે કોરોનાના દરદી પ્રત્યે સમાજનું વલણ સારું રહ્યું નથી, તેને તો અપરાધીની જેમ લોકો જોવા લાગ્યા. ઇમોશનલી આ દરદીને સમાજે ટેકો ન આપ્યો અને તેની સાથે સોશ્યલ ડિસ્ટન્સ તો શું મેન્ટલ, સાઇકોલૉજિકલ અને ઇમોશનલ ડિસ્ટન્સ કરી નાખ્યું. અલબત્ત, આમાં ઘણા સારા અપવાદ પણ હતા, જ્યાં લોકો જરૂરિયાતમંદ લોકોની મદદે દોડી આવ્યા. જ્યારે બીજી બાજુ કડવા અનુભવ પણ જોવા મળ્યા. મેડિકલ મોરચે પૈસા કમાવાની સાઠગાંઠ, ગરબડ-ગોટાળાના કિસ્સા પણ નજર સામે આવ્યા. માણસજાતની આવી કરુણ સ્થિતિનો પણ ગેરલાભ લેતા લોકો માટે કયા શબ્દપ્રયોગ કરવા એ સમજાતું નથી. બીજાની મજબૂરીમાં પોતાનો બિઝનેસ જોતા માણસો માટે શું કહેવું? સાલું માણસની વ્યાખ્યા જ બદલવી પડે એવું લાગે. એમાં વળી સરકારી તંત્રનું રાજકારણ, વિવિધ રાજકીય પક્ષોનું રાજકારણ, આંકડાઓનું અને દાવાઓનું રાજકારણ એ બધું જોઈને કોરોના કરતાં પણ વધુ પીડા થતી હતી. ખાસ કરીને શ્રમિકોની દશા, યાતના અને પીડાએ તો સમગ્ર દેશને વિચારતા કરી દીધા હતા. અર્થાત્ પીડા અને દર્દ માત્ર કોરોનાના નથી રહ્યાં, બલકે એની સાથે સંકળાયેલી અનેકવિધ બાબતોએ પણ માણસજાતની હાલમાં કઠોર પરીક્ષા લીધી છે, જેને મારે સાક્ષીભાવે જોવાની આવી.
માણસ જ્યારે પોતે પીડામાંથી પસાર થાય છે ત્યારે જ તે બીજાઓની પીડાને મહેસૂસ કરી શકે છે. બાકી તેને ખરો કોઈ અનુભવ થતો નથી. મારા મિત્રના અનુભવે મને વિચારતો કરી દીધો. સત્ય એ જ છે કે જ્યાં સુધી તમે પોતે પીડામાંથી પસાર થાઓ નહીં ત્યાં સુધી બીજાની પીડા તમને સમજાતી નથી. વાસ્તે જ અહીં કહેવાનું દિલ થાય છે કે કોરોનાના દરદી પ્રત્યે કરુણા રાખો. આ સમય કપરો છે, તેમને દૂરથી તો ભલે દૂરથી, પરંતુ સમાજના સાચા સહયોગની જરૂર છે.

jayesh chitalia coronavirus columnists