ગ્લેમર ઇન્ડસ્ટ્રી ક્યારેય કનોડિયા બ્રધર્સને પોતાના રંગે રંગી શકી નહીં

29 October, 2020 03:48 PM IST  |  Mumbai | Manoj Joshi

ગ્લેમર ઇન્ડસ્ટ્રી ક્યારેય કનોડિયા બ્રધર્સને પોતાના રંગે રંગી શકી નહીં

નરેશ કનોડિયા - મહેશ કનોડિયા

હકીકત છે આ...અને આ હકીકત સાથે એ સૌ કોઈ સહમત થશે જે મહેશ કનોડિયા કે નરેશ કનોડિયાને નજીકથી ઓળખતા હશે. સહજ રીતે અને પૂર્ણપણે. કનોડિયા બ્રધર્સને ક્યારેય ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો કોઈ રંગ લાગ્યો નહીં. ગ્લેમર ઇન્ડસ્ટ્રી ક્યારેય કનોડિયા બ્રધર્સને પોતાના રંગે રંગી શકી નહીં અને એ જ તેમની જીત હતી. જે સ્ટારડમ નરેશ કનોડિયાએ જોયું છે, જે ફેમ મહેશભાઈએ મેળવી છે એ અદ્ભુત છે. હું તો કહીશ કે આવતાં પાંચ દાયકા સુધી કોઈ તેમને ભૂલી નથી શકવાના. ન તો ફેન્સ કે ન તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. સુવર્ણકાળ પછીની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શૂન્યાવકાશ હશે એવી વાતો થતી હતી એ સમયે નરેશ કનોડિયાએ મેદાનમાં આવીને રીતસર સચિન તેંડુલકરની જેમ સોપો પાડી દીધો હતો. લોકો તેમને જોવા માટે ટળવળતા. લોકો તેમની સાથે પડાવેલો ફોટો મંદિરમાં રાખતાં કે પછી તેમને સ્પર્શીને પાંચ-પંદર દિવસ સુધી નાહવાનું પણ ટાળી દેતા.
આ એ ફેન્સની વાત છે જેમને મન અૅક્ટર ભગવાનથી સહેજ પણ કમ નહોતો. આ એ સમયની વાત છે જે સમયે અૅક્ટર રૂબરૂમાં મળે તો પણ ભગવાનનો સાક્ષાત્કાર થયાની અનુભૂતિ થતી. લોકો પોતાનું સર્વસ્વ એમના પગમાં ધરી દેતા. ધરતા પણ ખરા, લોકો નરેશભાઈના પગમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી પણ દેતાં, પણ હેટ્સ ઑફ. નરેશભાઈ કે પછી મહેશભાઈએ ક્યારેય કોઈનો દુરુપયોગ કર્યો નહીં. દુરુપયોગ તો શું, ઉપયોગ પણ એ ભાઈઓએ કર્યો નહીં. તમે જુઓ, બન્ને ભાઈઓ બીજેપીમાં મહત્ત્વના સ્થાને, દીકરો હિતુ કનોડિયા આજે પણ બીજેપી સાથે અને એ પછી પણ કોઈ જાતનું લાંછન તેમના પર નથી અને સાહેબ આ પ્રાઉડની વાત છે. ગર્વની ક્ષણ છે આ કે તમે લાંબો સમય જાહેર જીવનમાં રહ્યા પછી પણ તમારા શ્વેત વસ્ત્રને શ્વેત રાખી શકો અને એ પણ ખુદ્દારી સાથે. કહેવું ન જોઈએ કે યાદ પણ કરાવવું ન જોઈએ, પણ જો આ વાત સાથે કોઈ અસહમત થતું હોય તો તેમણે અમિતાભ બચ્ચનની સાથે જોડાઈ ગયેલા બૉફ૧ર્સ કેસ વિશે એક વખત વાંચી લેવું જોઈએ. કબૂલ, મંજૂર કે બચ્ચન પરિવાર એ આક્ષેપમાંથી ક્ષેમકુશળ બહાર આવી ગયો છે, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે તેમના કપડાં પર કાદવ ઊછળ્યો નહોતો.
કનોડિયા પરિવાર સાથે એ પણ નથી થયું અને આ જ તેમની જીત છે. કોઈ પ્રકારની હલકી વાતો પણ એમની સાથે ક્યારેય જોડાઈ નથી કે પછી કોઈ પ્રકારની ગંદી વાતો થાય એવા સંજોગો પણ એમણે ક્યારેય આવવા નથી દીધા. સહજ રહેવું એ તેમનું કર્મ હતું તો ગંદકીથી દૂર રહેવું એ તેમનો ધર્મ હતો...અને આ ધર્મ તેમણે આજીવન નિભાવ્યો અને પૂરી નિષ્ઠાથી નિભાવ્યો. ભારોભાર સંઘર્ષ અને ભારોભાર તકલીફો વેઠ્યા પછી માણસ શૌહરતથી છકી જતો હોય છે અને મોટા ભાગના કિસ્સામાં આ બન્યાનું પણ જોવા મળ્યું છે પણ કનોડિયા બ્રધર્સમાં ક્યારેય એવું બન્યું નહીં. જેટલી વધારે ઝાકઝમાળ તેમણે જોઈ એટલી વધારે સૌમ્યતા તેમણે પોતાના જીવનમાં અપનાવી અને એ જ દર્શાવે છે, માણસ ધારે તો તમામ બાબતોથી અલિપ્ત રહી શકે છે.
ધારે તો...

manoj joshi columnists