શરીર જો અન્યના કામે આવે તો એનાથી ઉત્તમ બીજું શું?

20 January, 2020 03:51 PM IST  |  Mumbai Desk | manoj joshi

શરીર જો અન્યના કામે આવે તો એનાથી ઉત્તમ બીજું શું?

જીવતા રક્તદાન કરો અને મર્યા પછી અંગદાન કરો.

આ વાક્યને તમારા જીવનનો સાર બનાવી લેજો. રક્તદાનથી ઉત્તમ કશું છે નહીં અને અંગદાનથી શ્રેષ્ઠ દાન બીજું કંઈ નથી. રક્તદાન માટે વ્યક્તિની પોતાની ઇચ્છા મહત્ત્વની હોય છે, પણ અંગદાન સમયે એ હાજર નથી હોતો એટલે એની માટે તમારે તમારા પરિવારજનોને તૈયાર કરવાના છે. જો તમે ઇચ્છતા હો કે તમારા ગયા પછી તમારા શરીરનાં અંગોનો નાશ ન થાય અને એ કોઈના જીવનમાં નવી જ્યોત ફેલાવે તો મહેરબાની કરીને અંગદાન માટે આજથી જ જાગૃત થઈ જજો અને તમારા પરિવારના એકેક સદસ્યને પણ એની માટે જાગૃતિ આપજો. અંગદાન માટે અંગત રીતે જાગૃતિ લાવો એનો કોઈ અર્થ નથી સરવાનો, કારણ કે તમને કહ્યું એમ, એ સમયે તમારી હાજરી નહીં હોય. એ સમયે તમારી ઇચ્છા વ્યક્ત કરવા તમે ઊભા થઈને કંઈ કહી શકવાના નથી. એ સમયે તમારી ઇચ્છા તમારા પરિવારને ખબર હશે તો જ પૂરી થશે. એ ઇચ્છા પૂરી કરવાની સભાનતા પણ તેમનામાં હોવી જોઈશે. જો આઘાત વચ્ચે તે દિગ્મૂઢ થઈને બેસી રહેશે તો પણ આ ઇચ્છા પૂર્ણ નહીં થાય.

હમણાંની જ એક વાત કહું. એક મિત્રના ઘરનો આ કિસ્સો છે. પરિવારના બાવન વર્ષના મોભીનું અવસાન થયું અને તેમના અવસાનના પંદરમાં દિવસે કબાટ સાફ કરવામાં આવતો હતો ત્યારે એ કબાટમાં કપડાંની થપ્પી નીચેથી એક કાગળ નીકળ્યો જેમાં અંગદાનની પરવાનગીનો પત્ર તેમણે સાઇન કર્યો હતો. એ પત્રમાં એક નંબર હતો જેના પર ફોન કરીને જાણ કરવાની હતી અને આ જ પ્રોસિજર હોય છે. તકલીફ માત્ર એટલી હતી કે તે મિત્રએ ફૅમિલી સામે પોતાની ઇચ્છા વ્યક્ત નહોતી કરી કે પછી તે આવું ફોર્મ ભરીને આવ્યો હતો એના વિશે વાત નહોતી કહી. અંગદાન કરવાની ઇચ્છા હોય, એવી પ્રબળ ભાવના હોય તો એની વાત પરિવારને કહીને રાખો અને પરિવારની સાથે એકાદી એવી વ્યક્તિને પણ વાત કરો કે જે ખરાબ ઘટના સમયે પણ પોતાની સ્વસ્થતા અકબંધ રાખી શકતું હોય, અગત્યની વાત અને એ પ્રકારના નિર્ણયની ચર્ચા કરી શકતું હોય.

અંગદાન અત્યંત મહત્ત્વનું છે અને ખાસ તો એવા સમયે મહત્ત્વનું છે જે સમયે તમારી હયાતી નથી રહેવાની. તમારી ગેરહાજરીમાં તમારી ચીજવસ્તુઓને પણ ઘરમાં સંઘરી રાખવાના નથી અને તમારી ગેરહાજરીમાં તમારી એક પણ સંપિત્ત પણ તમારા કામમાં આવવાની નથી. તમારો પૈસો, તમારા દાગીના, તમારી મૂડી બધું બીજાની પાસે ચાલ્યું જવાનું છે અને તમારાં અંગોનું દહન કરી નાખવાનું છે કે પછી અમુક કિસ્સામાં એ અંગોને દાટી દેવાનાં છે તો પછી શું કામ એ કોઈ ત્રાહિતના જીવનમાં પ્રકાશ પાથરવાનું, રોશની લાવવાનું અને ઉપયોગી બનવાનું કામ ન કરે? તમારા પરિવારજનો પણ તમારા શરીરને સાચવવાના નથી ત્યારે એ શરીરમાં રહેલાં અંગો અન્યની તકલીફ ઓછી કરવાનું કામ કરે તો એમાં કશું ખોટું નથી.

જેને નષ્ટ કરવાનું છે એ જ અન્યની માટે મૂલ્યવાન છે તો પછી એનું મૂલ્ય તમે પણ સમજો અને પારંપરિક કહેવાય એવી પ્રથા કે પ્રણાલિના ડરે અગ્નિદાહનો આગ્રહ રાખવાનું છોડો. એક વાત યાદ રાખજો, કોઈને ઉપયોગી બન્યા એનાથી ઉત્તમ બીજું કશું નથી.

manoj joshi columnists