શું વેબ-સિરીઝ નવી પેઢીને બગાડવાનું કામ કરી રહી છે?

27 November, 2020 03:02 PM IST  |  Mumbai | Varsha Chitalia

શું વેબ-સિરીઝ નવી પેઢીને બગાડવાનું કામ કરી રહી છે?

પ્રતીકાત્મક તસવીર

એક સર્વેક્ષણ અનુસાર લૉકડાઉનમાં દરેક વયના લોકોએ વેબ-સિરીઝ જોવામાં ખાસ્સો સમય પસાર કર્યો હતો. જોકે યુવાપેઢી પહેલાં પણ વેબ-સિરીઝ જોતી જ હતી, પરંતુ પેરન્ટ્સ આ માધ્યમથી ખાસ પરિચિત નહોતા. એમાં દર્શાવવામાં આવતી હિંસા, અશ્લીલતા અને અભદ્ર ભાષા સંતાનોને બગાડવાનું કામ કરી રહી છે એવું હવે કેટલાક પેરન્ટ્સને લાગી રહ્યું છે. આ નવા ઊભરી રહેલા પ્લૅટફૉર્મનો તેઓ વિરોધ કરવા લાગ્યા છે. વેબ-સિરીઝની પૉપ્યુલરિટી બે પેઢી વચ્ચે ઘર્ષણનું કારણ બને એવો માહોલ જામી રહ્યો છે ત્યારે યુવાનો અને પેરન્ટ્સનું આ સંદર્ભે શું કહેવું છે એ જાણીએ...

વેબ-સિરીઝે ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ છીનવી લીધું : નીલા પારેખ
લૉકડાઉન આવ્યું ત્યારથી વેબ-સિરીઝ જોવાનો ચસકો લાગ્યો છે. અમારા ઘરમાં બધા પોતપોતાની રૂમમાં બેસીને વેબ-સિરીઝ જુએ છે. ફિલ્મોની સરખામણીએ એમાં સ્ટોરીલાઇન અને સ્ટારકાસ્ટ સારી હોવાથી આકર્ષે છે, પરંતુ હું એની ફેવર નથી કરતી. વાયલન્સ, સેક્સ અને લૅન્ગ્વેજના કારણે દરેક વયના સભ્યો એકસાથે બેસીને જોઈ નથી શકતા. વેબ-સિરીઝે આપણું ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ છીનવી લીધું છે એવો બળાપો કાઢતાં મુલુંડનાં નીલા પારેખ કહે છે, ‘આ માધ્યમ પર કોઈનો કન્ટ્રોલ ન હોવાથી ડિજિટલ પ્લૅટફૉર્મ પર રજૂ કરવી સરળ છે. કથામાં અનિવાર્ય ન હોય તોય અશ્લીલતાને ઘુસાડી દેવામાં આવે છે. યુવાપેઢીની લાઇફસ્ટાઇલ અને બિહેવિયરમાં વેબ-સિરીઝનો બહુ મોટો રોલ છે. અમુક શબ્દો બોલવાનો તેમને છોછ રહ્યો નથી. લેટનાઇટ બહાર રહેવું અને સ્મોકિંગ કરવું કૉમન થઈ ગયું છે. પેરન્ટ્સ પૂછતાછ કરે તો સંતોષકારક જવાબ આપતા નથી. વેબ-સિરીઝમાં મહિલાઓના પાત્રથી પ્રભાવિત થઈને યંગ ગર્લ્સ પણ વ્યસનના રવાડે ચડી રહી છે. વિદેશીઓ ભારતની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિને અપનાવવા લાગ્યા છે જ્યારે આપણી યુવાપેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહી છે. આ ઊંધા પ્રવાહને અટકાવવો જરૂરી છે. વેબ-સિરીઝમાં દર્શાવવામાં આવતી ભાષા પર નિયંત્રણ હોવું જોઈએ. આગામી પેઢીની ભાષાશુદ્ધિ માટે ફિલ્મોમાં અભદ્ર શબ્દ વખતે બીપ સંભળાય છે એવું વેબ-સિરીઝમાં કરી શકાય.’

વેબ-સિરીઝ તમારો કીમતી સમય ખાઈ જાય છે : રિશી લોડાયા

વેબ-સિરીઝની પૉપ્યુલરિટી યુવાપેઢીને ગેરમાર્ગે દોરી રહી છે એ બાબતની ચર્ચા કરવા કરતાં તેમનો કીમતી સમય વેડફાઈ રહ્યો છે એ વધુ મહત્ત્વનું છે. વેબ-સિરીઝ જોવાનો જબરદસ્ત ક્રેઝ છે, પરંતુ સમય વેડફવો નથી એવો જવાબ આપતાં ડોમ્બિવલીના રિશી લોડાયા કહે છે, ‘અઢાર વર્ષની ઉંમરે મોબાઇલની દુકાન કરી હતી. ધંધો જમાવ્યા બાદ બીજી લીધી. અત્યારે માત્ર ચોવીસ વર્ષની ઉંમરમાં હું ડોમ્બિવલીમાં પોતાની કમાણીમાંથી ઘર લેવાની તૈયારી કરી રહ્યો છું. વેબ-સિરીઝ પાછળ કલાકોનો સમય વેડફનારા યુવાનો બેવકૂફ છે. શોખ તો ઘણો છે પણ મારું ફોકસ વેબ-સિરીઝ નથી. મને લાગે છે કે જેમના માથે જવાબદારીઓ નથી હોતી એવા યુવાનો આ પ્લૅટફૉર્મ પર વધુ કલાકો વિતાવે છે. લૉકડાઉનમાં દુકાન બંધ હતી ત્યારે ઘણી સિરીઝ જોઈ લીધી. હવે કોઈક વાર રાત્રે સમય મળે તો એકાદ એપિસોડ જોઈ લઈએ. એમ નહીં કે આખી રાત જાગીને બધા એપિસોડ એકસાથે જોઈ જ લેવાના. હા, એમાં અશ્લીલતા, હિંસા અને સેક્સ ભરપૂર હોય છે એ કબૂલ. વેબ-સિરીઝને મગજ પર હાવી થવા દો તો ભાષા બદલાઈ જાય. પેરન્ટ્સને એટલું જ કહેવાનું કે પાંચ વર્ષના બાળકના હાથમાં મોબાઇલ આપો છો ત્યારે તે ઇન્ટરનેટ ખોલીને જુએ છેને? શરૂઆત તમે જ કરી છે તો હવે યંગ સંતાનોની ચૉઇસને સ્વીકારી લો. તેમનામાં મૅચ્યોરિટી હશે તો તેઓ ખરાબ વસ્તુ નહીં શીખે.’

ભાષા માટે વેબ-સિરીઝને દોષ ન આપી શકાય : જિનલ કોટક

હાલમાં વર્ક ફ્રૉમ હોમ હોવાથી ઘાટકોપરની જિનલ કોટકને વેબ-સિરીઝ જોવાનો સમય ઓછો મળે છે. અગાઉ ટ્રાવેલિંગ દરમિયાન વેબ-સિરીઝ જોવાની મજા પડતી. ખાસ કરીને લવ સ્ટોરી અને સસ્પેન્સ ડ્રામા વધુ પસંદ છે. તેનું માનવું છે કે મૂવીની તુલનામાં વેબ-સિરીઝની વાર્તા દમદાર હોય છે. ફિલ્મમાં જેમ-જેમ સ્ટોરી આગળ વધે ખયાલ આવી જાય કે મર્ડર કોણે કર્યું હશે. જ્યારે વેબ-સિરીઝમાં છેલ્લે સુધી મિસ્ટરી સૉલ્વ ન કરી શકો. આ માધ્યમ તમને પહેલા એપિસોડથી છેલ્લા એપિસોડ સુધી કથા સાથે જકડી રાખે છે. લવ સ્ટોરી, ફન, મિસ્ટરી એમ બધી રીતે વેરિએશન જોઈતું હોય તો વેબ-સિરીઝ બેસ્ટ છે. એમાં દર્શાવવામાં આવતી હિંસા અને અશ્લીલતા યુવાપેઢીને બગાડવાનું કામ કરે છે એવું પણ તેને જરાય નથી લાગતું. જિનલ કહે છે, ‘વેબ-સિરીઝમાં અબ્યુઝ લૅન્ગ્વેજ અને સેક્સનું પ્રમાણ વધારે હોય છે એવી ફરિયાદ સાચી છે, પરંતુ યુવાનોની વાતચીત કરવાની રીત અને વર્તણૂક માટે માત્ર વેબ-સિરીઝને દોષ દેવો ખોટો છે. આ માધ્યમ પર નિયમો કે પ્રતિબંધો મૂકવાથી યુવાનોની ભાષા સુધરી નથી જવાની કે નથી વ્યસન છૂટવાનું. જેને શીખવું છે તેના માટે ઘણા રસ્તા છે. ઇન્ટરનેટ કે મોબાઇલના વપરાશને અટકાવી શકવાના છો? ફ્રેન્ડ્સને મળતાં કે પબમાં જતાં રોકી શકવાના છો? નહીંને? બદલાયેલા આ કલ્ચરને આસપાસના વાતાવરણ અને સંગાથમાંથી પણ
અડૅપ્ટ કરી શકાય છે.
વેબ-સિરીઝને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી.’

શું વેબ-સિરીઝ નવી પેઢીને બગાડવાનું કામ કરી રહી છે? સરકાર હસ્તક્ષેપ કરે તો હજી મોડું નથી થયું : અમિતા કોઠારી
ટીવીમાં દોઢસો ચૅનલો ઓછી છે કે મોબાઇલમાં વેબ-સિરીઝ જોવાની? હિંસા અને અશ્લીલતાથી ભરપુર વેબ-સિરીઝે યુવાનોના માનસને વિકૃત બનાવવાનું કામ કર્યું છે. આ કલ્ચર યુવાનો માટે વરદાન અને સમાજ માટે અભિશાપ બની ગયું છે એવો આક્રોશ વ્યક્ત કરતાં અમિતા કોઠારી કહે છે, ‘પચાસ વર્ષની ઉંમરે હું પેરન્ટ્સની આમન્યા રાખું છું. યુવાપેઢી પાસે આપણે આવી અપેક્ષા રાખી શકતા નથી એનાં અનેક કારણોમાંથી એક છે પાશ્ચાત્ય દેશોમાંથી આપણા દેશમાં ઘૂસી ગયેલી વેબ-સિરીઝ. અગાઉ આવી સિરીઝ માત્ર અંગ્રેજી ભાષામાં બનતી હતી. હવે હિન્દી અને પ્રાદેશિક ભાષામાં બનવા લાગતાં દર્શકોની સંખ્યા વધી છે. મારો દીકરો ઘણી વાર કહે કે મમ્મી આ સિરીઝ જો, તને ગમશે. એકાદ સિરીઝ જોયા પછી એવું ફીલ થયું કે એક તરફ આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ અને બીજી તરફ વેબ-સિરીઝના માધ્યમથી સ્ત્રી મનોરંજનનું સાધન છે એવો મેસેજ પાઠવીએ છીએ. નેવું ટકા સિરીઝમાં મહિલાઓના ચરિત્રને મટીરિયલ હોય એવી રીતે ચીતરવામાં આવે છે. માનું છું કે યુવાનોને વેબ-સિરીઝ જોતાં અટકાવવાની શરૂઆત પોતાના ઘરથી કરવી જોઈએ, પરંતુ ખરેખર હવે થોડું મોડું થઈ ગયું છે. ટીવીનો રિમોટ આપણા હાથમાં હોય, મોબાઇલનું બટન યુવાનોના હાથમાં છે. પેરન્ટ્સ તરીકે મને લાગે છે કે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. ફિલ્મોની જેમ વેબ-સિરીઝને રજૂ કરતાં પહેલાં સેન્સરશિપની પૅનલમાંથી પસાર થવું પડે એવો કાયદો લાવો.’

ઇમૅજિનરી વર્લ્ડ છે એટલી સમજણ તો હોય જને! : મીત મૈશેરી

જ્યારથી મોબાઇલ હાથમાં આવ્યો છે, બધી જ વેબ-સિરીઝ જોઈ લીધી છે. ખાસ કરીને ટ્રાવેલિંગમાં ફુલ ટાઇમપાસ થઈ જાય છે. માસ મીડિયાનો સ્ટુડન્ટ હોવાના કારણે ઓટીટી પ્લૅટફૉર્મ સ્ટડીનો એક પાર્ટ છે. વેબ-સિરીઝમાં દર્શાવવામાં આવતા વાઇલન્સ, સેક્સ ઍન્ડ લૅન્ગ્વેજ લેટેસ્ટ કન્સેપ્ટ છે એવો મત વ્યક્ત કરતાં મીત મૈશેરી કહે છે, ‘વાયલન્સ ડિઝૅસ્ટર છે, પણ એનાથી કંઈ ફરક પડતો નથી. વેબ-સિરીઝમાં જે બતાવવામાં આવે છે એ ઇમૅજિનરી વર્લ્ડ છે એવી સમજણ અમારી જનરેશનમાં છે. સિરીઝ જોતી વખતે વલ્ગર ડાયલૉગ સાંભળીને બે ઘડી આનંદ આવે એટલું જ. એને કંઈ મગજમાં લઈને નથી ફરતા. યુવાનોની ભાષા બગડી નથી, ચેન્જ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ મળે ત્યારે સ્લૅન્ગ લૅન્ગ્વેજમાં વાત કરવાનો ટ્રેન્ડ છે. પેરન્ટ્સ અને વડીલો સામે એવી ભાષા નથી વાપરતા. સંતાનો જ્યાં સુધી વાયલન્ટ નથી થતાં પેરન્ટ્સે ડરવાની જરૂર નથી. ઇન ફૅક્ટ આજના એજ્યુકેટેડ પેરન્ટ્સ સંતાનો સાથે બેસીને વેબ-સિરીઝ જુએ છે. મિરઝાપુર જેવી સિરીઝ પપ્પા સાથે બેસીને જોઈ છે. કોઈક સીનમાં ઑક્વર્ડ સિચુએશન ઊભી થાય તો એને નજરઅંદાજ કરી શકાય. પપ્પાને ખાતરી કે સિરીઝ પૂરી થયા પછી મારું ફોકસ સ્ટડીમાં અને ફ્યુચર પ્લાનિંગમાં રહેશે. યુવાનોનો પોતાના પર કમાન્ડ હોય તો પેરન્ટ્સ વેબ-સિરીઝ જોવાની ના નથી પાડતા.’

Varsha Chitaliya columnists