લાજવાબ ને લિજ્જતદાર વાનગી બની રહી છે એની આજુબાજુવાળાને ખબર પડી જાય

26 June, 2020 02:55 PM IST  |  Mumbai | Varsha Chitalia

લાજવાબ ને લિજ્જતદાર વાનગી બની રહી છે એની આજુબાજુવાળાને ખબર પડી જાય

ફૂડ ખાવાના શોખીન કાંદિવલીના ધવલ શાહને આ બધી વાનગીઓની રેસિપી બાય હાર્ટ થઈ ગઈ છે.

શીરો-પૂરી ને જલેબી-ગાંઠિયા, ઘીથી લસબસતી પૂરણપોળી, ફરાળી પૅટીસ ને બટાટાવડાં, છોલે-ભટૂરે, બટરમાં સાંતળેલી વેજિટેબલ ઇડલી, અસલ અન્ના સ્ટાઇલનાં મેદુવડાં, લસણનો વઘાર કરેલી બ્લૅક દાલ વિથ પનીર પરાઠાં, પંજાબી શાકની અઢળક વરાઇટી, હૈદરાબાદી રાઇસ, જાત જાતનાં રાઈતાં, ઢોકળાં ને ખાંડવી, ભાખરવડી ને કચોરી જેવા ચટપટા નાસ્તા, ડિઝર્ટમાં ચૉકલેટ બૉલ્સ અને કેક... આહા! મોઢામાં પાણી આવી ગયુંને! ચટાકેદાર અને લિજ્જતદાર ફૂડ ખાવાના શોખીન કાંદિવલીના ધવલ શાહને આ બધી વાનગીઓની રેસિપી બાય હાર્ટ થઈ ગઈ છે.
લૉકડાઉનના પ્રથમ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસ સુધીમાં તેમણે પચાસથી વધુ વાનગીઓનો રસથાળ ખડકી દીધો છે. હજી સુધી એક પણ ડિશ રિપીટ નથી કરી એમ ઉત્સાહપૂર્વક જણાવતાં ધવલભાઈ કહે છે, ‘હાલમાં જ ઠાકોરજીની સામગ્રી માટે ફણગાવેલા મગનો શીરો બનાવ્યો હતો. અષાઢી બીજના દિવસે ભગવાનને ફણગાવેલા મગ ધરવામાં આવે છે. ઇન્ટરનેટ પર એટલું સર્ફિંગ કર્યું છે કે હવે રેસિપી સિવાય કંઈ ખૂલતું જ નથી. રોજ સવારે દાળ-ભાત, શાક-રોટલી જેવી રોજિંદી રસોઈ બનાવવાની અને રાતે ડિનરમાં નવી વરાઇટી ટ્રાય કરવાની. આપણે ગુજરાતીઓ ખાવાના જબરા શોખીન એટલે ડિઝર્ટ અને ટેસ્ટી નાસ્તા પણ ખૂબ જોઈએ. કોઈ પણ સંજોગોમાં પેટપૂજામાં કૉમ્પ્રોમાઇઝ ન ચાલે. અચાનક માથા પર આવી પડેલી જવાબદારીમાંથી આ બધું બનાવતાં શીખ્યો. ક્રીએટિવ માઇન્ડ હોવાથી દરેક ડિશમાં મારી રીતે ઇનોવેટિવ કરી જોયું. અત્યારે રસોઈમાં એવો એક્સપર્ટ થઈ ગયો છું કે આજુબાજુવાળા અને ફ્રેન્ડ્સ કહે છે કે ભાઈ, કુકિંગ ક્લાસ શરૂ કરી દે.’
ધવલભાઈના પેરન્ટ્સ સિનિયર સિટિઝન છે. એમાંય તેમનાં મમ્મીનો રાઇટ હૅન્ડ કામ કરતો નથી. રસોઈ માટે કુક આવે છે. લૉકડાઉન આવી જતાં રસોઈ કરવા ઉપરાંત કપડાં-વાસણ અને ઝાડુ-પોતાં સહિત ઘરનાં તમામ કામો કરવાની જવાબદારી તેમણે બખૂબી નિભાવી છે. તેઓ કહે છે, ‘શરૂઆતમાં એક અઠવાડિયું ટેન્શન થઈ ગયું હતું કે બધું એકસાથે કેમ થશે. પછી તો એવો ઇન્ટરેસ્ટ પડ્યો કે રોજ નવી વાનગી બનાવવા લાગ્યો. ક્યારેક ઇન્ટરનેટ પરથી તો ક્યારેક મમ્મીનાં સૂચનોથી મજાની વાનગીઓ શીખી લીધી. ઇવેન્ટ મૅનેજમેન્ટના બિઝનેસ સાથે જોડાયેલો હોવાથી ડેકોરેશનના આઇડિયાઝ મગજમાં ચાલતા જ હોય. પ્રેઝન્ટેશનના લીધે પેરન્ટ્સ સહિત બધાનો પૉઝિટિવ રિસ્પૉન્સ મળવા લાગ્યો. એમાં ઇન્ટરેસ્ટ વધતો ગયો. હજી ઘણી નવી વાનગીઓ શીખવાની હોંશ છે. ઇવેન્ટ ઉપરાંત ડાન્સ અને રાસ-ગરબા શીખવાડું છું. આ વર્ષે એકેય બિઝનેસ દેખાતો નથી તો માઇન્ડને કુકિંગના ફીલ્ડમાં ડાઇવર્ટ કરી લીધું છે. કુક આવી જશે પછી પણ રસોઈના શોખને બરકરાર રાખવો છે.’

ફણગાવેલા મગનો શીરો

 

સામગ્રી : ૧૫૦ ગ્રામ ફણગાવેલા મગ, અડધો કપ સાકર, અડધો કપ શુદ્ધ ઘી, પોણો કપ દૂધ, એક ટેબલસ્પૂન એલચી પાઉડર, છ-સાત નંગ પલાળેલી બદામની કાતરી, છ-સાત નંગ પિસ્તાંની કતરી
રીત : સૌપ્રથમ ફણગાવેલા મગને સહેજ બાફી મિક્સરમાં અધકચરા વાટી લેવા. એક પૅનમાં ઘી ગરમ કરવું. ઘી ઓગળે એટલે એમાં ક્રશ કરેલા મગ નાખવા. મધ્યમ તાપ પર દસેક મિનિટ અથવા ઘી છૂટું પડે ત્યાં સુધી એને હલાવતા રહેવું. ત્યાર બાદ દૂધ ઉમેરવું. દૂધ બળી જાય ત્યાં સુધી તવેથા વડે હલાવતા રહો. પછી એમાં સાકર અને એલચી પાઉડર ઉમેરો. સાકર ઓગળે એટલે ગૅસ બંધ કરી નીચે ઉતારી લો. આખી પ્રક્રિયા દરમિયાન શીરો ચોંટી ન જાય એ માટે સતત હલાવતા રહેવું. સર્વિંગ બોલમાં શીરો કાઢી ઉપરથી બદામ-પિસ્તાંની કતરી વડે ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો.

Varsha Chitaliya Gujarati food indian food columnists