બનાવટી બિલ બનાવીને આઇટીસીની સાથે ૧૮૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ યુવાનની ધરપકડ

28 January, 2022 08:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટી સત્તાવાળાઓએ ૧૦૦૦ કરોડ રૂપિયાનાં બનાવટી બિલ બનાવીને ૧૮૧ કરોડ રૂપિયાની ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી)ની છેતરપિંડી કરવા બદલ એક યુવાનની ધરપકડ કરી છે. 

પ્રતીકાત્મક તસવીર

જીએસટી સત્તાવાળાઓએ ૧૦૦૦ કરોડ રૂપિયાનાં બનાવટી બિલ બનાવીને ૧૮૧ કરોડ રૂપિયાની ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી)ની છેતરપિંડી કરવા બદલ એક યુવાનની ધરપકડ કરી છે. 
બુધવારે જણાવવામાં આવ્યું હતું કે ૧૨મા ધોરણ સુધી ભણેલો આ ૨૭ વર્ષનો યુવાન અકાઉન્ટન્ટ અને જીએસટી કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. મુંબઈ ઝોનના પાલઘર સીજીએસટી કમિશનરેટે તેની ધરપકડ કરી હતી. 
ડેટા માઇનિંગ અને ડેટા ઍનૅલિસિસ પરથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મેસર્સ નિથિલાન એન્ટરપ્રાઇઝિસ નામની કંપની માલ કે સર્વિસની લેવડદેવડ વગર જ બનાવટી ઇન્વૉઇસ ઇશ્યુ કરીને આઇટીસીનો ગેરલાભ લેતી હતી. ઉક્ત અકાઉન્ટન્ટે પોતાના એક ક્લાયન્ટની ઓળખની ચોરી કરીને જીએસટીનું આ કૌભાંડ કર્યું હતું. સ્થાનિક અદાલતે તેને ૧૪ દિવસની અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. 
જીએસટીના નિવેદનમાં જણાવાયા અનુસાર આરોપી કોઈ મોટા નેટવર્કનો હિસ્સો હોવાની શક્યતા છે.

business news