સીબીડીટીએ કલમ ૧૯૪આર સંબંધે કરેલી ઉપયોગી ચોખવટ

20 September, 2022 05:06 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

અહીં યાદ દેવડાવવું ઘટે કે રોકડમાં અથવા કોઈ ચીજવસ્તુ સ્વરૂપે બેનિફિટ કે પર્ક્વિઝિટ આપવામાં આવે અને એનું મૂલ્ય ૨૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછું હોય તો કલમ ૧૯૪આર લાગુ થતી નથી. ૨૦,૦૦૦ રૂપિયા કરતાં વધુ મૂલ્ય હોય તો જ આ કલમ લાગુ પડે છે.

પ્રતીકાત્મક તસવીર

પોતાના બિઝનેસ/પ્રોફેશનના ભાગરૂપે કોઈ વ્યક્તિને આપવામાં આવતા બેનિફિટ કે પર્ક્વિઝિટ સંબંધે ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૨માં કલમ ૧૯૪આર ઉમેરવામાં આવી છે અને આપણે એના વિશે અગાઉ વાત કરી ગયા છીએ. અહીં યાદ દેવડાવવું ઘટે કે રોકડમાં અથવા કોઈ ચીજવસ્તુ સ્વરૂપે બેનિફિટ કે પર્ક્વિઝિટ આપવામાં આવે અને એનું મૂલ્ય ૨૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછું હોય તો કલમ ૧૯૪આર લાગુ થતી નથી. ૨૦,૦૦૦ રૂપિયા કરતાં વધુ મૂલ્ય હોય તો જ આ કલમ લાગુ પડે છે.

હવે સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સિસે (સીબીડીટી) ૨૦૨૨ની ૧૪ સપ્ટેમ્બરે બહાર પાડેલા પરિપત્રક ક્ર. ૧૮ દ્વારા આ કલમ સંબંધે કેટલીક વધારાની ચોખવટ કરવામાં આવી છે. ધારો કે શાલિની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને તેણે કંપની ‘એ’ને કંપનીની સ્થાપના કરવાને લગતી સર્વિસિસ પૂરી પાડી છે. એના માટે ૫૦,૦૦૦ રૂપિયાની ફી લેવામાં આવી હતી. આ સર્વિસિસ પૂરી પાડતી વખતે તેણે પ્રવાસના ૩૫,૦૦૦ અને રજિસ્ટ્રેશનના ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે કંપનીએ રીઇમ્બર્સ કર્યો. 

સીબીડીટીએ અગાઉ પરિપત્રક ક્ર. ૧૨ બહાર પાડ્યું હતું અને એમાં કહ્યું હતું કે સામાન્ય રીતે પ્રોફેશનલને મળેલી ફી તેમની આવક ગણાય અને તેમણે કોઈ ખર્ચ કર્યો હોય તો તેમની કુલ આવકની ગણતરી કરતી વખતે એ ખર્ચને બાદ ગણવામાં આવે છે. આમ રીઇમ્બર્સ કરાનારા કોઈ પણ ખર્ચ માટે કલમ ૧૯૪આર હેઠળ ટીડીએસ કાપવામાં આવવો જોઈએ. સર્વિસ પ્રાપ્ત કરનાર જીએસટીની ક્રેડિટ લઈ શકે છે એવી જીએસટીના કાયદાની જોગવાઈ હોવાથી ટીડીએસને લગતી ઉક્ત સ્પષ્ટતા યોગ્ય હતી. 

જોકે નવા પરિપત્રક ક્ર. ૧૮ અનુસાર જીએસટીમાં ‘પ્યૉર એજન્ટ’ નામની કન્સેપ્ટ છે અને જો સર્વિસ પ્રોવાઇડર પ્યૉર એજન્ટ તરીકે કોઈ ખર્ચ કરે તો સર્વિસ પ્રાપ્તકર્તાને જીએસટીની ઇન્પુટ ક્રેડિટ મળે છે, સર્વિસ પૂરી પાડનારને નહીં. અહીં પ્યૉર એજન્ટ એટલે એ વ્યક્તિ જેણે સપ્લાય પ્રાપ્તકર્તાને સપ્લાય કરતી વખતે એ જ પ્રાપ્તકર્તા વતી એ અથવા બીજી કોઈ સપ્લાય સંબંધે ખર્ચ કર્યો હોય અને એના રીઇમ્બર્સમેન્ટ માટે ક્લેમ કર્યો હોય.

ઉક્ત કેસમાં શાલિની સર્વિસ પ્રોવાઇડર છે અને કંપની ‘એ’ સર્વિસ પ્રાપ્તકર્તા છે. અહીં શાલિની પ્યૉર એજન્ટ તરીકે કામ કરે છે. આ ઉદાહરણમાં શાલિનીએ પ્યૉર એજન્ટ તરીકે રજિસ્ટ્રેશનનો ખર્ચ ચૂકવ્યો છે અને એથી રજિસ્ટ્રેશનના ચાર્જિસના રીઇમ્બર્સમેન્ટ પર ટીડીએસ કાપવામાં નહીં આવે. જોકે પ્રવાસના ખર્ચના રીઇમ્બર્સમેન્ટને આ વાત લાગુ નહીં પડે. આથી એના પર કલમ ૧૯૪આર હેઠળ ટીડીએસ કાપવામાં આવશે.

સામાન્ય સંજોગોમાં પ્રોફેશનલ્સ પોતાની પ્રોફેશનલ ફી અને પોતાના ખિસ્સામાંથી થયેલા ખર્ચ એ બધાનું એક સંયુક્ત ઇન્વૉઇસ બનાવતા હોય છે. અહીં એવું ધારી લઈએ કે શાલિનીએ પ્રવાસના ખર્ચ અને પ્રોફેશનલ ફી એ બન્નેનું કુલ ૮૫,૦૦૦ રૂપિયાનું સંયુક્ત ઇન્વૉઇસ બનાવ્યું છે. અહીં ઇન્વૉઇસની રકમમાંથી રીઇમ્બર્સમેન્ટને અલગ તારવી શકાતું નહીં હોવાથી કંપનીએ કલમ ૧૯૪જે હેઠળ ૮,૫૦૦ રૂપિયાનો ટીડીએસ કાપવાનો રહેશે. આવકવેરા ધારાની સંબંધિત જોગવાઈ હેઠળ ટીડીએસ કપાઈ જવાનો હોય ત્યારે કલમ ૧૯૪આર હેઠળ ટીડીએસ કાપવાની જરૂર રહેતી નથી.

ધારો કે રશ્મિએ કંપની ‘એ’ને પ્રોફેશનલ સર્વિસ આપી છે અને એના સંબંધે ૧૫,૦૦૦ રૂપિયાનો પ્રવાસનો ખર્ચ થયો છે. તેણે કંપનીને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇન્વૉઇસ આપ્યું છે, જેના પર કંપનીએ કલમ ૧૯૪જે હેઠળ ૫,૦૦૦ રૂપિયાનો ટીડીએસ કાપ્યો છે. રશ્મિએ ખર્ચના રીઇમ્બર્સમેન્ટ માટે ૧૫,૦૦૦ રૂપિયાનું અલગથી ઇન્વૉઇસ આપ્યું છે. રીઇમ્બર્સમેન્ટ ખર્ચ માટે આ ઇન્વૉઇસ અલગ હોવાથી એને ૧૯૪જેને બદલે ૧૯૪આર કલમ લાગુ પડશે. કલમ ૧૯૪આર હેઠળ જો બેનિફિટનું કુલ મૂલ્ય ૨૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછું હોય તો ટીડીએસ કાપવાનો રહેતો નથી. આમ ૧૫,૦૦૦ રૂપિયાના ઇન્વૉઇસ પર ટીડીએસ કાપવાનો રહેશે નહીં.

હવે રોશનનું ઉદાહરણ જોઈએ. રોશને કંપની ‘એ’ને પ્રોફેશનલ સર્વિસ આપી, જેનું મૂલ્ય ૫૦,૦૦૦ રૂપિયા હતું. તેણે ૧૫,૦૦૦ રૂપિયાનો પ્રવાસનો ખર્ચ કર્યો, જેનું ઇન્વૉઇસ તેણે કંપનીના નામે જ બનાવડાવ્યું. કંપનીએ વેન્ડરને ચુકવણી કરી દીધી. આ કિસ્સામાં રોશન પોતાનું ફક્ત ૫૦,૦૦૦ રૂપિયાનું ઇન્વૉઇસ કંપનીને આપશે અને કલમ ૧૯૪જે હેઠળ ૫,૦૦૦ રૂપિયાનો ટીડીએસ કાપવામાં આવશે.

business news goods and services tax