એચઆરએ માટે ખોટી રીતે અપાયેલા પર્મનન્ટ અકાઉન્ટ નંબર (પૅન)ની ગેરરીતિ આ રીતે પકડાઈ જાય છે

06 December, 2022 10:20 AM IST  |  Mumbai | Nitesh Buddhadev

એચઆરએને આવકમાંથી મળતું એક્ઝૅમ્પ્શન આવકવેરા ધારાની કલમ ૧૦ (૧૩એ) હેઠળ આવરી લેવાયેલ છે

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

કંપનીઓ વેતનમાં હાઉસ રેન્ટ અલાવન્સ (એચઆરએ)ને પણ સ્થાન આપે છે. કર્મચારી ભાડાના ઘરમાં રહેતા હોય એ સ્થિતિમાં એમ્પ્લૉયર આ ભથ્થું ચૂકવતા હોય છે. ભાડાના ઘરમાં રહેતા કર્મચારીઓને એચઆરએની કરમુક્તિનો લાભ મળે છે, એના સિવાયના કર્મચારીઓને નહીં. એચઆરએને આવકમાંથી મળતું એક્ઝૅમ્પ્શન આવકવેરા ધારાની કલમ ૧૦ (૧૩એ) હેઠળ આવરી લેવાયેલ છે. નીચે જણાવ્યા મુજબની રકમમાંથી જે ઓછામાં ઓછી હશે એટલું એચઆરએનું એક્ઝૅમ્પ્શન મળે છેઃ

એમ્પ્લૉયરે આપેલી એચઆરએની વાસ્તવિક રકમમહાનગરમાં પગારની ૫૦ ટકા અને એના સિવાયનાં શહેરોમાં ૪૦ ટકા રકમ દર મહિને ચૂકવવામાં આવતા વાસ્તવિક ભાડામાંથી પગારની ૧૦ ટકા રકમ બાદ કરીને આવતો આંકડો (પગાર એટલે કમિશન અને મોંઘવારી ભથ્થા સહિતનો બેઝિક પગાર). 

જો તમે સ્વયં રોજગાર કરનાર વ્યક્તિ હો તો પણ તમે આવકવેરા ધારાની કલમ ૮૦જીજી હેઠળ એચઆરએનું ડિડક્શન લઈ શકો છો. એ સ્થિતિમાં નીચે જણાવ્યા મુજબની રકમમાંથી જે સૌથી ઓછી હશે એ કરમુક્ત રહેશેઃ

દર મહિને ૫૦૦૦ રૂપિયા ઍડ્જસ્ટેડ કુલ આવક*ના ૨૫ ટકા રકમ દર મહિને ચૂકવાયેલું વાસ્તવિક ભાડું, જેમાંથી ઍડ્જસ્ટેડ કુલ આવક*ની ૧૦ ટકા રકમ બાદ કરવાની હોય છે.

* ઍડ્જસ્ટેડ કુલ આવક એટલે કુલ પગારમાંથી લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન, શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન, કલમ ૧૧૫એ અથવા ૧૧૫ડી હેઠળની આવકને બાદ કરીને અને કલમ ૮૦સીથી ૮૦યુ સુધીનાં ડિડક્શન્સ (કલમ ૮૦જીજીને બાદ કરતાં) લાગુ કર્યા બાદ મળતી રકમ. 

કલમ ૮૦જીજી હેઠળ હાઉસ રેન્ટ અલાવન્સ માટેનું એક્ઝૅમ્પ્શન ફક્ત એયુએફ અને વ્યક્તિગત કરદાતાને મળે છે. બિનરહીશ ભારતીય માલિકને ભાડું ચૂકવનારા ભાડૂતોએ યાદ રાખવું ઘટે કે એમણે ભાડું ચૂકવતાં પહેલાં ૩૦ ટકા ટીડીએસ કાપવાનો હોય છે.

ઘરમાં એક કરતાં વધુ વ્યક્તિ કમાનાર હોય, દા.ત. પતિ-પત્ની બન્ને કમાતા હોય અને બન્ને જણ ઘરનું ભાડું ચૂકવતા હોય તો બન્ને જણ અલગ-અલગ રસીદ દર્શાવીને એચઆરએ સંબંધિત લાભ લઈ શકે છે. જો એક જ રસીદ હોય તો ફક્ત એક વ્યક્તિ એચઆરએનું એક્ઝૅમ્પ્શન લઈ શકે છે. નોકરિયાત વ્યક્તિ પોતાનાં માતા-પિતા કે અન્ય સંબંધીઓ (જીવનસાથી સિવાયના) માટે ઘરનું ભાડું ચૂકવીને એચઆરએનું એક્ઝૅમ્પ્શન લઈ શકે છે.

એચઆરએનું એક્ઝૅમ્પ્શન ક્લેમ કરવા માટે આવશ્યક દસ્તાવેજો

૧) નાણાકીય વર્ષ દરમ્યાન કુલ ભાડું એક લાખ રૂપિયા કરતાં વધારે થઈ જાય તો ઘરમાલિકના પૅન કાર્ડની નકલ

૨) ભાડાની રસીદ, જેમાં તારીખ, મકાનમાલિકનું નામ, ભાડૂતનું નામ, મકાનમાલિકના પૅન કાર્ડની વિગતો, ભાડાના ઘરનું સરનામું, ભાડાનો સમયગાળો, રેવન્યુ સ્ટૅમ્પ અને એના પર મકાનમાલિકની સહી

૩) ભાડાના કરારની ઝેરોક્સ, જો જરૂર હોય તો આવકવેરા ખાતાએ ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) નામનું માહિતીનું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. એમાં નાણાકીય વ્યવહારોની વિગતો હોય છે. એ વ્યવહારોમાં પગાર, રોકાણ, ટીડીએસ, અમુક પ્રકારના ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. કોઈ વ્યક્તિએ તમારો પૅન નંબર નાખીને એચઆરએનું એક્ઝૅમ્પ્શન લીધું હોય તો તમને એની જાણ થઈ જાય છે. કેટલાક લોકો બીજા કોઈનો પૅન નંબર આપીને એચઆરએનું ખોટું ડિક્લેરેશન કરતા હોય છે. જેનો પૅન નંબર આપવામાં આવ્યો હોય એમણે પોતાના આવકવેરાના રિટર્નમાં ભાડાની એ આવક દર્શાવવાની હોય છે. આમ, જો કોઈએ ખોટી રીતે પૅન નંબર આપી દીધો હોય તો એ પકડમાં આવી જાય છે. જેનો પૅન નંબર ખોટી રીતે આપવામાં આવ્યો હોય એ વ્યક્તિ આવકવેરા ખાતાને ફરિયાદ કરી શકે છે. આ મુદ્દા પરથી કહેવાનું કે દરેકે ત્રિમાસિક ધોરણે પોતાનું એઆઇએસ તપાસતા રહેવું જોઈએ અને ખોટી રીતે ભાડાનો વ્યવહાર દર્શાવાયો છે કે કેમ એ ચકાસી લેવું.

સવાલ તમારા…

પ્રશ્ન : મેં મારું એઆઇએસ તપાસી લીધું છે અને એમાં જાણવા મળેલા ભાડાના ખોટા વ્યવહારની આવકવેરા ખાતાએ નોંધ કરી છે. શું મને નહીં મળેલી એ આવક પર મારે કરવેરો ચૂકવવો પડશે?
ઉત્તર : તમે એ ખોટા વ્યવહારની જાણ આવકવેરા ખાતાને કરી લીધી છે અને તમે એ ખોટા કામમાં સંડોવાયેલા નથી એવું આવકવેરા ખાતા સામે પુરવાર કરી શકો છો. આથી તમારે એ આવક પર કોઈ કરવેરો ચૂકવવો નહીં પડે.

business news