વર્લ્ડમાં ઇકૉનૉમિક રિકવરી ધારણાથી સારી, સોનું બે મહિનાની નીચી સપાટીએ

19 February, 2021 12:52 PM IST  |  Mumbai | Mayur Mehta

વર્લ્ડમાં ઇકૉનૉમિક રિકવરી ધારણાથી સારી, સોનું બે મહિનાની નીચી સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની અસર હવે ધીમે-ધીમે ઓછી થવા લાગતાં વર્લ્ડમાં ઇકૉનૉમિક રિકવરી ધારણા કરતાં સારી રહેતાં તેમ જ ખાસ કરીને અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સુધરતાં ડૉલરની મજબૂતીને કારણે સોનું સતત ઘટી રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં સોનું ગુરુવારે બે મહિનાની નીચી સપાટીએ પહોંચતાં મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૦૫ રૂપિયા ઘટ્યું હતું. જોકે ચાંદી પ્રતિ કિલો ૨૭૨ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

સોનું-ચાંદી સહિત તમામ પ્રેસિયસ મેટલના ભાવ સતત ઘટી રહ્યા છે, કારણ કે અમેરિકન ટ્રેઝરી યીલ્ડ વધતાં ડૉલરને મજબૂતી મળી રહી છે. ચીની સ્ટૉક માર્કેટ તેમ જ અન્ય માર્કેટ્સ લૂનર ન્યુ યરની રજા બાદ ગુરુવારથી ખૂલતાં જ સ્ટૉક માર્કેટમાં તેજીનો દોર નવેસરથી ચાલુ થયો હતો. અમેરિકન ઇન્ફ્લેશન વધીને ૨.૨ ટકાએ પહોંચ્યું હતું જે ૨૦૧૪ પછીનું સૌથી ઊંચું ઇન્ફ્લેશન હોવાથી ટ્રેઝરી યીલ્ડ વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડૉલર સુધર્યો હતો. ડૉલર ત્રણ સપ્તાહના તળિયેથી સુધરતાં સોના પર દબાણ વધ્યું હતું અને વર્લ્ડ માર્કેટમાં સોનું બે મહિનાની નીચી સપાટીએ બુધવારે ઘટીને ૧૭૮૨.૪૦ ડૉલર થયું હતું. સોનાએ ૧૮૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી તોડતાં મંદીનો ગભરાટ વધ્યો હતો. સોનું

તૂટતાં પ્રેસિયસ મેટલ કૉમ્પ્લેક્સમાં

ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ પણ તૂટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ફેડરલ રિઝર્વની જાન્યુઆરીમાં યોજાયેલી મીટિંગની જાહેર થયેલી મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરો હાલની ઇકૉનૉમિક રિકવરીથી સંતૃષ્ટ હોવાથી નજીકના ભવિષ્યમાં મૉનિટરી પૉલિસીમાં કોઈ ચેન્જ ન કરવાના મતના હતા. અમેરિકન એમ્પ્લૉયમેન્ટ પ્રોગ્રેસ અને ઇન્ફ્લેશન નંબર મેમ્બરોની ધારણા પ્રમાણેના આવી રહ્યા હોવાથી ઇન્ટરેસ્ટ રેટ ઝીરોથી ૦.૨૫ ટકા આસપાસ જ લાંબો સમય રહેવાની ધારણા છે. બિટકૉઇનના ભાવ વધીને ઑલટાઇમ હાઈ ૫૨,૦૦૦ ડૉલરને પાર કરી ગયા હતા. અમેરિકાના રીટેલ ટ્રેડમાં જાન્યુઆરીમાં ૫.૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જેમાં ડિસેમ્બરમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બિઝનેસ ઇન્વેન્ટરી ડિસેમ્બરમાં ૦.૬ ટકા વધી હતી, જે માર્કેટની ૦.૫ ટકા વધવાની ધારણા કરતાં વધુ હતી. અમેરિકાનો હોમ બિલ્ડર્સ સેન્ટિમેન્ટ ફેબ્રુઆરીમાં એક પૉઇન્ટ વધીને ૮૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્કેટની ધારણા કરતાં એક પૉઇન્ટ વધુ હતો. અમેરિકાના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં જાન્યુઆરીમાં ૦.૯ ટકાનો વધારો થયો હતો. અમેરિકન ફેડનો રિપોર્ટ અને અમેરિકાના તમામ ઇકૉનૉમિક ડેટા સોના-ચાંદીમાં શૉર્ટ ટર્મ ઘટાડો થવાના સ્પષ્ટ સંકેત આપે છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

કોરોના વાઇરસના કેસ બુધવારે ફરી કેટલાક દેશોમાં વધ્યા હતા. ખાસ કરીને યુરોપિયન દેશોમાં મંગળવારે કેસ ઘટીને એક લાખની અંદર ગયા હતા એ બુધવારે વધીને દોઢ લાખ કેસ થયા હતા. સ્પેનમાં કેસ વધીને ૨૫,૦૦૦થી વધુ થયા હતા. બ્રિટન, રશિયા અને ફ્રાન્સમાં કેસ હજી ૧૦,૦૦૦ ઉપર આવી રહ્યા છે. નૉર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાના દેશોમાં પણ હજી કેસ ૮૦થી ૮૫,૦૦૦ આવી રહ્યા છે. કોરોના વાઇરસની સ્ટેબલ સ્થિતિ હજી લાંબો સમય ચાલુ રહે અને અમેરિકાની ઇકૉનૉમિક રિકવરીના સ્ટ્રૉન્ગ સંકેતો મળે તો સોનામાં આગામી દિવસોમાં ધીમો ઘસારો ચાલુ રહેશે. કરન્સી માર્કેટનો પર્ફોર્મન્સ હવે સોનાની માર્કેટ માટે અગત્યનો બની રહેશે. કરન્સી બાસ્કેટમાં ડૉલરની પ્રતિસ્પર્ધી કરન્સી જ્યારે વધુ સારો દેખાવ કરવાનો ચાલુ કરશે અને અમેરિકન ડેબ્ટ તથા બજેટ ડેફેસિટના વધારાથી ડૉલર પર દબાણ વધશે ત્યારે સોનું નીચા મથાળેથી બાઉન્સ બૅક કરશે એ નિશ્ચિત છે. એ વખતે જિઓપૉલિટિકલ ટેન્શન કે ફિઝિકલ ડિમાન્ડનો સપોર્ટ મળશે તો સોનામાં મોટી તેજી થશે. હાલમાં શૉર્ટ ટર્મ સોનામાં તેજી થવાની શક્યતા નથી. લૉન્ગ ટર્મ સોનાની તેજીનું ભાવિ ‘જો અને તો’ની પર નિર્ભર રહેશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૬,૪૩૯

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૬,૨૫૩

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૮,૭૦૦

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news