વર્લ્ડ બૅન્કે ભારતના જીડીપીનો ગ્રોથનો અંદાજ સુધારીને ૬.૯ ટકા મૂક્યો

07 December, 2022 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વની કોઈ સંસ્થા-એજન્સીએ ગ્રોથનો અંદાજ વધાર્યો એવી પહેલી ઘટના

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ભારતીય ઇકૉનૉમી માટે સારા સમાચાર છે કે વર્લ્ડ બૅન્કે મંગળવારે ભારત માટે ૨૦૨૨-૨૩ માટે એના જીડીપી વૃદ્ધિના અનુમાનને સુધારીને ૬.૯ ટકા સુધી કર્યો હતો અને કહ્યું હતું કે અર્થતંત્ર વૈશ્વિક આંચકાઓ માટે ઉચ્ચ સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

એના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં વિશ્વ બૅન્કે જણાવ્યું હતું કે વૈશ્વિક આંચકાઓ પ્રત્યે ભારતીય અર્થતંત્રની ઊંચી સ્થિતિસ્થાપકતા અને બીજા ત્રિમાસિક ગાળાની અપેક્ષા કરતાં વધુ સારા આંકડાને કારણે આ સુધારો કરવામાં આવ્યો છે.

ભારતની અર્થવ્યવસ્થા સપ્ટેમ્બર ક્વૉર્ટર ૨૦૨૨-૨૩માં ૬.૩ ટકાના દરે વૃદ્ધિ પામી હતી જે અગાઉના જૂન ક્વૉર્ટરમાં ૧૩.૫ ટકા હતી, મુખ્યત્વે ઉત્પાદન અને ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં સંકોચનને કારણે ઘટાડો થયો હતો. વૈશ્વિક ઊથલપાથલ વચ્ચે કોઈ પણ આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા ભારતના વિકાસના અનુમાનમાં આ પ્રથમ અપગ્રેડ સુધારો થયો છે.

ઑક્ટોબરમાં વર્લ્ડ બૅન્કે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન અગાઉના ૭.૫ ટકાથી ઘટાડીને ૬.૫ ટકા કર્યું હતું. હવે તેણે ૨૦૨૨-૨૩ માટે અંદાજને ૬.૯ ટકા સુધી અપગ્રેડ કર્યો છે.

business news